હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (17): શિવસેના અને કોંગ્રેસના છૂટાછેડા!

0
349
Photo Courtesy: quora.com

કટોકટીના સમયમાં પણ ઇન્દિરા ગાંધી અને કોંગ્રેસને સમર્થન આપનારા બાલાસાહેબ ઠાકરેએ એવા તો કેવા સંજોગો ઉભા થયા કે તેમણે કોંગ્રેસ સાથે કાયમી રીતે છડો ફાડવો પડ્યો!

Photo Courtesy: quora.com

ગયા મંગળવારે આપણે વાંચ્યું કે ચૂંટણી હારી ગયા પછી ઠાકરેએ શિવાજી પાર્કની રેલીમાં પોતે શિવસેનાના પ્રમુખપદેથી રાજીનામું આપવાની વાત કરેલી. રેલીમાં ઉપસ્થિત શિવસૈનિકો આ સાંભળી અચંબિત થયા. એક સાથે એક રાગમાં ‘તુમ્હી સોડૂ શકત નાહીં, તુમ્હી આમચે નેતા’ જેવા સૂત્રો ઉચ્ચારવા લાગ્યા. ઠાકરે પોતાની વાત પર અડગ રહ્યા પણ છેવટે લોકોએ તેમને વિશ્વાસ આપીને શિવસેના પ્રત્યેની નિષ્ઠા અને વફાદારી દર્શાવી અને ઠાકરે માની ગયા. છેલ્લે તેમણે કહ્યું: આ માત્ર તમારો અસાધારણ પ્રેમ અને સ્નેહ છે જે મને મારા નિર્ણયને પાછો ખેંચી લેવા મજબૂર કરે છે. 

થોડા દિવસ પછી અબ્દુલ રહેમાન અંતુલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. મુખ્યમંત્રી તરીકે તેમનો કાર્યકાળ મુશ્કેલીઓથી ભરપૂર હતો. 1981માં મુંબઈના મિલઉદ્યોગ તરફથી અંતુલેને સત્તાનો દુરૂપયોગ કરવાના આરોપો સહેવા પડ્યા. શિવસેનાએ આ વાતે આંખ આડા કાન કરીને કોંગ્રેસના મુખ્યમંત્રીને ટેકો આપ્યો.

જો કે શિવસેના એક વાતને અવગણી ન શક્યુંઃ શહેરના કાપડ ઉદ્યોગના કર્મચારીઓના બોનસ અને વેતનમાં વધારો કરવા માટે લડતા લોકોની વધતી જતી ઉગ્રતા! તેમની સાથે થતાં અન્યાયને ધ્યાનમાં રાખીને, 12 ઓક્ટોબર 1981 ના રોજ શિવસેનાની ગિરણી કામગાર સેનાના સભ્યો એક સાથે મિલ ઓનર્સ એસોશિએશન ઑફિસમાં ઘૂસી ગયા અને પોતાની માંગણીઓની રજૂઆત કરી.

ઠાકરેએ 1 નવેમ્બરના રોજ એક દિવસની હડતાલ બોલાવી અને દર મહિને રૂ. 200નો પગાર વધારો કરવાની માંગણી કરી. તેમણે એવી પણ ધમકી આપી કે જો તે 15 નવેમ્બર સુધીમાં મંજૂર ન થાય તો તેઓ અનિશ્ચિત હડતાલ પર ઊતરી આવશે. પ્રાયોગિક રીતે બધા કામગારોએ આ ચળવળમાં ભાગ લીધો પરંતુ થોડા જ દિવસોમાં શિવસેનાનું વલણ થોડું નરમ બન્યું અને કોઈ અનિશ્ચિત હડતાલ થઈ નહીં. મિલ કામગારો વચ્ચે અસંતોષ વધી રહ્યો હતો, અને પોતાના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા એક ટ્રેડ યુનિયન નેતા ડૉ. દત્તા સામંત દ્વારા આ ચિનગારીને પવન મળ્યો.

સામંતે ‘મહારાષ્ટ્ર ગિરણી કામગાર યુનિયન’ નામના એક નવા ટેક્સટાઇલ યુનિયનની સ્થાપના કરી. ઉચ્ચ બોનસ ઉપરાંત, તેની માંગમાં દર મહિને રૂ. 200 ને બદલે રૂ. 400નો પગાર વધારો હતો. જો તેની માગણીઓ પૂરી ન થાય તો તેણે પણ નવેમ્બરના મધ્યથી અનિશ્ચિત હડતાલની ધમકી આપી. 

11મી નવેમ્બરે મિલ કામગારોને થતી સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે અંતુલેએ હાઈ-પાવર કમિટીની નિમણૂક કરી અને દત્તા સામંત આ કમિટીના તારણોની રાહ જોઈ અનિશ્ચિત હડતાલના પ્લાનને મુલતવી રાખી. પરંતુ આઠ મિલોમાં ચાલી રહેલી હડતાલને ચાલુ રાખી. કમિટીના રિપોર્ટમાં કોઈ ભલીવાર ન હતી અને અંતુલેએ પણ મુખ્યમંત્રી પદેથી વિદાય લીધી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ.

અંતુલેની જગ્યાએ બાળાસાહેબ ભોસલે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનવાના હતા તેના એક દિવસ પહેલા 18 જાન્યુઆરી, 1982 ના રોજ 2.5 લાખ મિલ કામગારો અનિશ્ચિત ટેક્સટાઈલ હડતાલ પર બેઠા. શિવસેનાએ આ હડતાલનો વિરોધ કર્યો અને કહ્યું કે તે કામગારોના આશ્રિત પરિવારોને મોટી અસર થશે. મૂળ મુદ્દો ઠાકરે અને સામંતની જૂની દુશ્મની હતી.

(ફ્લેશબેકઃ ઠાકરે અને સામંતની દુશ્મની 1972 થી હતી. તે વર્ષે સામંત એક યુનિયન નેતા હતા અને જ્યારે ગોદરેજની વિક્રોલી ફેક્ટરીના કર્મચારીઓએ ઉચ્ચ બોનસ માંગવા માટે હડતાલ કરી હતી ત્યારે રેલીઓ કરીને સામંતે લોકોને ઉશ્કેર્યા. સામંતના માણસો દ્વારા એક શિવસૈનિકને પજવવામાં આવ્યો. શિવસેનાએ મનોહર જોશીને પરિસ્થિતિ સંભાળવા માટે મોકલવાનો નિર્ણય કર્યો ત્યારે ગોદરેજ ફેક્ટરી નજીકના વિસ્તારમાં તણાવ વધી ગયો. મનોહર જોશી સૌ પ્રથમ ઘાયલ શિવસૈનિકના ઘરે ગયા અને ત્યારબાદ તે સૈનિકને લઈને ફેક્ટરી તરફ આગળ વધ્યા હતા. કારખાનાના પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યો ત્યારે, તેમની વિરુદ્ધ પથ્થરો અને સોડા-પાણીની બોટલ ફેંકવામાં આવી. સામંતના અનુયાયીઓ અને શિવસૈનિકો બથોબથ આવ્યા. સામંતને આ ઘટના પછી લગભગ એક વર્ષ માટે જેલ મોકલવામાં આવ્યા હતા.)

આ રીતે 1982 ની હડતાલમાં શરૂઆતથી જ, ઠાકરે અને અન્ય શિવસેના નેતાઓએ દત્તા સામંત વિરુદ્ધ લોકોની કાન ભંભેરણી કરી તેમ છતાં, કાર્યકરોએ શિવસેના કે તેમનો સત્તાવાર પ્રતિનિધિ સંઘ, રાષ્ટ્રીય મિલ મજૂર સંઘ (RMMS)ની વાત ન માની અને સામંતની પડખે ઊભા રહ્યા.

નવા મુખ્યમંત્રી ભોસલેએ હડતાલને ગેરકાયદેસર જાહેર કરી અને કહ્યું કે RMMS એકમાત્ર કામગારોનો પ્રતિનિધિ સંઘ છે. સામંત સાથે કોઈ પ્રકારના વાટાઘાટો નહીં થાય. હડતાલને એક મહિના થયો. ઠાકરેની ચિંતા વધતી ગઈ. તેમણે કહ્યું કે તેઓ હજારો મરાઠી મિલના કામદારોના જીવનને નાબૂદ થવા દેશે નહીં. તેમણે કામગારોને એમ પણ કહ્યું કે શિવસેના પોતાનો ‘સંઘર્ષ’ ચાલુ રાખશે. વિવિધ વ્યક્તિઓ સાથે અમારી વાતચીત ચાલુ છે. શિવસેના દરેક કર્મચારીઓને ન્યાય આપવાના તમામ પ્રયાસો કરી રહી છે, અમારા પર વિશ્વાસ રાખો.

પરંતુ RMMS સાથે કામગારો ખુશ ન હતા અને સામંતના વચનોથી એક આશા બંધાયેલી હતી. હડતાલ ચાલુ જ રહી. ઠાકરે એપ્રિલ 1982 માં મુખ્યમંત્રી ભોસલેને મળ્યા અને સૂચવ્યું કે તેઓ કામગારોને રૂ. 50 નો પગાર વધારો કરી આપે એટલે હડતાલનો અંત આવે પરંતુ તેમના વાટાઘાટમાંથી કંઈ પણ બહાર ન આવ્યું.

આ મુદ્દાને ઉકેલવા માટે ઠાકરેએ સરકારને 1 મે સુધીની સમયમર્યાદા આપી. તેમણે કહ્યું કે જો આ મુદ્દાનું સમાધાન નહી કરવામાં આવે તો તે ભૂલી જશે કે કૉંગ્રેસ શિવસેનાની મિત્ર પાર્ટી છે. પણ બે મહિના સુધી કોઈ જ સમાધાન થયું નહીં. ઠાકરે અને દત્તાજી સાળવીએ છેલ્લો ઉકેલ સૂચવ્યો – રૂ. 45 નો માસિક વધારો અને રૂ. 1500 થી રૂ. 2000 એડવાન્સમાં આપવા. જો આ સ્વીકારવામાં ન આવે તો શિવસેનાએ ધમકી આપી કે, સપ્ટેમ્બરમાં વિધાનસભાનું સત્ર શરૂ થવાની સાથે જ તેઓ વિધાનભવન સુધી મોરચો લઈ જશે. આ ઉકેલ અસંતુષ્ટ હતો, અને સરકારે તેની જડતા માટે તમામ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે સરકારે મધ્યસ્થી કરતા અટકાવ્યું અને આ મુદ્દે વધુ રાહ જોવાનું પસંદ કર્યું.

ઠાકરે પાસે હવે કૉંગ્રેસ સાથેના સંબંધોને તોડી નાખવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. સરકાર નિષ્ક્રિય હોવા છતાં કૉંગ્રેસને સપોર્ટ કરે તો લાલબાગ, પરેલ, વરલી અને કાલાચૌકી જેવા કામગારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં શિવસેનાને માટે ભારે નુકસાન વેઠવું પડે. ફાઈનલી, 9 સપ્ટેમ્બરના રોજ, ઠાકરેએ કામગાર મેદાન ખાતે એક રેલી યોજી અને જાહેરમાં લગભગ સાત વર્ષના સાથ-સંગાથ પછી કોંગ્રેસ પાર્ટીમાંથી પોતાની પાર્ટીને અલગ કરી.

તેમણે ફરી ફરી કહ્યું કે હડતાલને કારણે ગિરણી કામગારોનું સત્યાનાશ થશે, છતાં શિવસેના તેમના સપોર્ટમાં ઊભી છે. છેવટે લગભગ અઢાર મહિના પછી ઑગસ્ટ 1983 માં આ હડતાલનો અંત આવ્યો. પરંતુ તેના પરિણામો વિનાશક હતા: હજારો કર્મચારીઓ માટે મોટા પ્રમાણમાં છૂટાછેડા અને બેરોજગારી!

આ પછી મુસ્લિમો વિરુદ્ધ ઠાકરેએ એક ‘મહાસંઘ’ની સ્થાપના કરવાનું વિચાર્યું. આ મહાસંઘના મુખ્ય ત્રણ મુદ્દા લોકો સમક્ષ મુક્યાઃ

૧. હિંદુઓની જેમ મુસ્લિમોએ એક જ વાર લગ્ન કરવા અને ફેમિલી પ્લાનિંગ પર ધ્યાન આપવું.

૨. ગાયના કતલખાના બંધ કરવા અને મુસ્લિમોએ એ વાતનું સમર્થન કરવું.

૩. ભારત ‘હિંદુ રાષ્ટ્ર’ છે એવું મુસ્લિમોએ સ્વીકારવું.

પણ આ મહાસંઘમાં ભારતના મુખ્ય હિંદુ સંગઠનો તરફથી ખૂબ જ નબળો પ્રતિભાવ મળ્યો. આ બધી મગજમારી વચ્ચે શિવસેનાના હિંદુત્વના પ્રયોગો શરૂ જ હતા. ભિવંડીમાં ફરીથી રમખાણો થયા અને કર્ફ્યુ લાગ્યા. રમખાણો માટે ઠાકરે પર આરોપો લાગ્યા પણ શિવસેના ફરીથી લાઈમલાઈટમાં આવી ગઈ.

પડઘોઃ

૩૧ ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા થઈ. ઠાકરેને ઘણા લોકોના મોઢે એવું સાંભળવા મળેલું કે ઈન્દિરા ગાંધીએ કહેલું: बालासाहेब से कहना, उनको मैं उंचे से उंचा पद दूंगी। પણ તેમની માટે શિવસેના પ્રમુખનું પદ જ સૌથી મોટું પદ છે. કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હોવા છતાં ઠાકરેએ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલી આપતો એક લેખ લખેલો, જેનું શીર્ષક હતું: रक्षकच भक्षक बनले (રક્ષક જ ભક્ષક બની ગયા)

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here