રાજ્યસભા: ઉપલા ગૃહમાં બહુમતી હવે NDAની હાથવેંતમાં જ સમજો

0
278
Photo Courtesy: scroll.in

સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે ભાજપના નેતૃત્ત્વ હેઠળની NDA સરકાર કેટલાક દેશહિતના બીલ પસાર કરાવી શકતી ન હતી, પરંતુ હવે તેમાં પણ સરળતા બહુ જલ્દીથી ઉભી થાય તેવી શક્યતાઓ સામે આવી છે.

Photo Courtesy: scroll.in

નવી દિલ્હી: આપણે હજી થોડા સમય અગાઉ જ eછાપુંમાં રાજ્યસભામાં NDA આવતા વર્ષ સુધીમાં બહુમતી મેળવશે તે અંગે ચર્ચા કરી હતી. પરંતુ કેટલીક તાજી ઘટનાઓ દ્વારા NDAને રાજ્યસભામાં બહુ જલ્દીથી બહુમતી અપાવે તેવા સંજોગો ઉભા થયા છે.

આપણે આ સમયે એ બાબત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે રાજ્યસભામાં બહુમતી ન હોવાને લીધે કેટલાક મહત્ત્વના દેશહિતના બીલો જેવા કે ટ્રિપલ તલાક, મોટર વાહન સંશોધન, કંપની સંશોધન, નાગરિક અધિનિયમ, ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ સંશોધન જેવા એવા ઘણા બીલો છે જે પસાર થવાની રાહ જોઈ રહ્યા છે.

ઉપરોક્ત બીલો સહીત મહિલા આરક્ષણ બીલ પણ હવે એવું લાગી રહ્યું છે કે બહુ જલ્દીથી રાજ્યસભામાં પસાર થઇ જશે. આ પાછળનું કારણ એવું છે કે ભાજપ તેમજ તેની સહયોગી પાર્ટીઓની સંખ્યા હવે બહુમતીથી ખાસ્સી નજીક આવી ગઈ છે.

એક તાજા આંકડા અનુસાર 245 સભ્યો ધરાવતી રાજ્યસભામાં NDAના 111 સભ્યો છે. હાલમાં 10 બેઠકો ખાલી છે અને તેમાં પણ 4 બેઠકો પર NDAના સભ્યો બહુ જલ્દીથી ચૂંટાઈ આવે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.

કોઇપણ પક્ષ અથવાતો ગઠબંધનને રાજ્યસભામાં બહુમતી માટે 123 બેઠકોની જરૂર છે આથી બહુ નજીકના ભવિષ્યમાં NDA પાસે જરૂરી બહુમતીથી માત્ર 8 જ બેઠકો ઓછી રહેશે. હાલમાં જ તેલુગુ દેસમના તમામ ચાર રાજ્યસભા સભ્યો તેમજ ઇન્ડિયન નેશનલ લોક દલનો એક સભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે આથી NDAની સ્થિતિ રાજ્યસભામાં વધારે મજબૂત બની છે.

આ ઉપરાંત NDAને TRS, BJD અને YSRCP અને જનતા દલ યુનાઇટેડનું સમર્થન મળશે. જો કે ટ્રિપલ તલાકના મામલામાં જનતા દલ યુનાઇટેડે NDAને સમર્થન ન આપવાનું અત્યારથી જ જાહેર કરી દીધું છે.

શુક્રવારે રાજ્યસભાની 6 બેઠકો પર ચૂંટણી છે. તેમાંથી એકમાં ભાજપના સમર્થનથી અને NDAના જ હિસ્સા એવા લોક જનશક્તિ પાર્ટીના મુખિયા રામવિલાસ પાસવાન વિનાવિરોધે ચૂંટાઈ ગયા છે. સુપ્રિમ કોર્ટના આદેશ બાદ ગુજરાતની રાજ્યસભાની પણ બંને બેઠકો ભાજપના પક્ષે જશે.

ઓડિશામાં ત્રણ બેઠકો પર ચૂંટણી છે અને એક બેઠક પર BJDએ ભાજપના સંબિત પાત્રાને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આનાથી સાવ ઉલટ તમિલનાડુની ચાર બેઠકો પર થનારી ચૂંટણીમાં DMKએ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ટેકો આપવાની કોંગ્રેસની વિનંતીને નકારી દીધી છે.

DMKએ એક બેઠક પર વાયકોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે જ્યારે બાકીની ત્રણ બેઠકો પર તે પોતાના ઉમેદવારો મુકશે. આમ કોંગ્રેસ પોતાના પૂર્વ વડાપ્રધાન માટે પણ રાજ્યસભામાં વ્યવસ્થા કરી આપવામાં નિષ્ફળ નીવડી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here