શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝ સામે એક નજીકનો વિજય મેળવ્યો છે પરંતુ તેને લીધે ભારત જે પોતાની છેલ્લી લીગ મેચ શ્રીલંકા સામે રમવાનું છે તેને તેણે જરૂર એક સંદેશ પહોંચાડી દીધો છે કે…

ભારતની ઇંગ્લેન્ડ સામેની હાર પ્રત્યે ગલ્લા ક્રિકેટ નિષ્ણાતો સિવાય કોઈને પણ વાંધો ન જ હોય. વાંધો માત્ર છેલ્લી અમુક ઓવરોમાં જીતનો પ્રયાસ પણ ન કરવાનો રહ્યો હતો. આ જ મેચના રિવ્યુમાં આપણે કહ્યું હતું કે જો ભારતે કોઈ ચોક્કસ રણનીતિ હેઠળ ઇંગ્લેન્ડ સામે હાર સ્વીકારી છે તો તેને આવનારી તેની બે મેચોમાં તે ભારે પડી શકે છે.
ભારત આજે બાંગ્લાદેશ સામે રમશે અને આ વર્લ્ડ કપની તેની છેલ્લી લીગ મેચ તે આ જ શ્રીલંકા સામે રમશે જેણે વેસ્ટ ઇન્ડિઝને આ મેચમાં હરાવ્યું છે. બાંગ્લાદેશ અને શ્રીલંકા કરતા ટીમ ઇન્ડિયા લાખ દરજ્જે બહેતર ટીમ છે જ, પરંતુ જ્યારે કોઈ ટીમનો દિવસ હોય ત્યારે ભલભલી ટીમને તેના તે દિવસના દેખાવથી આઘાત લાગી જતો હોય છે. ભારતનું સેમીફાઈનલમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે, પરંતુ સાવ નિશ્ચિત તો નથી જ. બાંગ્લાદેશ સામે આજે ભારત કેવી રીતે રમશે તેના પર તેના સેમીફાઈનલમાં પહોંચવાનો મોટો આધાર છે.
બાંગ્લાદેશે આ વર્લ્ડ કપમાં કમાલ કરી છે અને તે જો વ્યવસ્થિત ક્રિકેટ રમશે તો તે ભારતને હરાવી પણ શકે છે. મેચનો સહુથી મોટો આધાર પીચ ઉપર રહેશે. જો ઇંગ્લેન્ડ સામેની મેચની જ પીચ ઉપયોગમાં લેવામાં આવશે તો ભારતનું પલ્લું ભારે રહેશે કારણકે તેની પાસે બે વર્લ્ડ ક્લાસ સ્પિનર્સ છે. બાંગ્લાદેશ પાસે પણ સ્પિનર્સ છે પરંતુ તેમની કક્ષા ભારતીય સ્પિનર્સ કરતા જરા ઓછી છે.
આશા કરીએ કે ભારત આ મેચ આરામથી જીતી જાય નહીં તો તેણે શ્રીલંકા સામે રમીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરવાનું આવશે. શ્રીલંકાએ આ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને લગભગ એકસરખી રીતે હરાવ્યું છે, એટલેકે બીજી બોલિંગ કરીને અને છેલ્લી ઓવરોમાં. આ બંને ટીમો શ્રીલંકા સામે જીતની સાવ નજીક પહોંચીને હારી ગઈ છે જે એ દર્શાવે છે કે શ્રીલંકા બીજી ઇનિંગમાં અંતિમ ઓવર્સ જેને અંગ્રેજીમાં ડેથ ઓવર્સ કહે છે તેમાં લસિથ મલિંગા એન્ડ કંપનીને કારણે હજી પણ મજબૂત છે.
એક હારથી નિરાશ કે નકારાત્મક થવાય નહીં પરંતુ ભારતની ઇંગ્લેન્ડ સામે હારવાની પદ્ધતિ જરૂર ચિંતા કરાવે છે. જો એક મેચ જ જીતીને સેમીફાઈનલમાં પ્રવેશ નક્કી છે તો બાંગ્લાદેશ કે પછી શ્રીલંકામાંથી એક મેચ જીતીને સેમીફાઈનલમાં આવી જઈશું એ વિચારીને ઇંગ્લેન્ડ સામે છેલ્લી પાંચ ઓવર્સમાં પ્રતિસ્પર્ધા કરવાથી ટીમ ઇન્ડિયા દૂર રહી હશે તો તેણે બહુ મોટું રિસ્ક લીધું છે.
શ્રીલંકાના આ મેચના વિજયનો શ્રેય આવિષ્કા ફર્નાન્ડોને જાય છે જેને મોડેમોડે વર્લ્ડ કપમાં રમવાની તક મળી અને ઇંગ્લેન્ડ સહીત તેની તમામ મેચોમાં તેણે પોતાની ક્ષમતાની ઝલક દેખાડી હતી પરંતુ વેસ્ટ ઇન્ડિઝ સામે તેણે પોતાની ક્ષમતા પૂરેપૂરી દેખાડી હતી. શ્રીલંકાના બે બોલર્સ મલીંગા અને ધનંજય ડી સિલ્વા સિવાય બાકીના બોલર્સ ખર્ચાળ સાબિત થયા હતા પરંતુ તેમ છતાં તેમણે વેસ્ટ ઇન્ડિઝને લક્ષ્ય સિદ્ધ કરતા અગાઉ રોકી લીધું હતું એ ભૂલવું ન જોઈએ.
શ્રીલંકાની જીતથી તેણે સેમીફાઈનલમાં આવવાની આશા હજી જીવંત રાખી છે પરંતુ તેને માટે તેણે પોતાની અંતિમ મેચમાં ભારતને હરાવવું પડશે. ભારત શ્રીલંકા સામે કેવી માનસિક તૈયારી સાથે રમશે તે જોવા માટે તે આજે બાંગ્લાદેશ સામે કેવી રીતે રમશે એ જોવું જરૂરી બની જશે.
eછાપું