CWC 19 | M 40 | અભિનંદન ટીમ ઇન્ડિયા, રોહિત, બુમરાહ અને ચારુલતાબેન

0
312
Photo Courtesy: twitter.com/cricketworldcup

ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ ભારતને બાંગ્લાદેશને રાહત આપે તેવા માર્જીનથી હરાવવાની જરૂર હતી અને ભારતના આ વિજયના શિલ્પી રહ્યા હતા રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને ચારુલતાબેન પટેલ!

Photo Courtesy: twitter.com/cricketworldcup

ભારતે આ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાની સીટ બૂક કરી દીધી છે અને એ પણ ઓફિશિયલી! જો કે બાંગ્લાદેશ સામેનો આ વિજય મેળવવા માટે ટીમ ઈન્ડિયાને જબરી મહેનત કરવી પડી હતી, પરંતુ મહેનત કર્યા વગર મળેલો વિજય તેને પસંદ આવત કે કેમ એ પણ એક પ્રશ્ન જ છે. ભારતની ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઉપયોગમાં લેવાયેલી જ પીચ પર ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો કોહલીનો નિર્ણય નિર્ણાયક સાબિત થયો હતો.

રોહિત શર્માએ શરૂઆત સંભાળીને કર્યા બાદ પોતાની સિગ્નેચર બેટિંગ દેખાડી હતી. જો કે તમીમ ઇકબાલે તેનો એક કેચ જરૂર છોડ્યો હતો! પરંતુ, ટીમ મેનેજમેન્ટ દ્વારા આટઆટલો વિશ્વાસ મુક્યા બાદ પણ લોકેશ રાહુલની આત્મવિશ્વાસ વિહોણી બેટિંગ સેમી અને પછી જો ફાઈનલમાં પ્રવેશ મળે તો તેમાં ટીમ ઇન્ડિયાને ચિંતા કરાવી શકે છે, કારણકે કાયમ રોહિત શર્મા અને વિરાટ કોહલી સારી બેટિંગ નથી કરવાના અને જ્યારે ટીમના સ્કોરને આગળ લઇ જવાની જવાબદારી રાહુલ પર આવી પડશે ત્યારે તે એમ કરી શકશે કે કેમ એ શંકા છે.

ટીમ ઇન્ડિયાને સમગ્ર વર્લ્ડ કપ દરમ્યાન છેલ્લી ઓવરોમાં વિકેટો ગુમાવવાને લીધે જે રીતે સ્કોરને પૂશ કરવામાં નિષ્ફળતા મળી છે તે અહીં પણ ચાલુ જ રહી હતી. જો કે મહેન્દ્ર સિંહ ધોનીએ તેનાથી બનતા તમામ પ્રયાસો, ગઈ મેચમાં તેના પચે નહીં તેવા દેખાવ બાદ, કર્યા હતા પરંતુ સામે છેડે વિકેટો સતત પડી રહી હતી અને છેવટે ધોનીને પણ છેલ્લી ઓવરમાં જે વધુ રન આવે તે લઇ લેવા પોતાની વિકેટ ફેંકી દેવી પડી હતી. જે રીતે ભારતે શરૂઆત કરી હતી તે જોતા તેણે બાંગ્લાદેશની મજબૂત બેટિંગ લાઈનઅપને 30-35 રનનો ઓછો ટાર્ગેટ આપ્યો હતો.

અને આ ઓછો ટાર્ગેટ બાંગ્લાદેશની છેલ્લી દસ ઓવરની બેટિંગમાં ટીમને રીતસર ચિંતા કરાવી રહ્યો હતો. ખાસકરીને શબ્બીર અને સૈફુદ્દીન જે રીતે મોહમ્મદ શામીને ચારેતરફ ફટકારી રહ્યા હતા ત્યારે. મોહમ્મદ શામીએ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે કરેલી ચમત્કારિક બોલિંગ પછી ઇંગ્લેન્ડ સામે વિકેટો લીધી હોવા છતાં ખરાબ બોલિંગ કરી હતી જે બાંગ્લાદેશ સામે પણ ચાલુ જ રહી હતી. શામીની આ મેચની બોલિંગ કદાચ તેને શ્રીલંકા સામે બેંચ પર બેસાડે તો નવાઈ નહીં.

ખરેખર તો આગલી મેચમાં ઉપયોગમાં લેવામાં આવેલી પીચ પર જ્યારે ફરીથી મેચ રમાઈ રહી હોય ત્યારે ટીમમાં બે સ્પિનર્સ હોવા અત્યંત જરૂરી છે પરંતુ ભારત અને બાંગ્લાદેશ બંનેએ પોતપોતાના એક-એક સ્પિનરને બેંચ પર બેસાડીને આશ્ચર્ય સર્જ્યું હતું. જો કે બંનેને પોતપોતાની બોલિંગ દરમ્યાન આ એક સ્પિનરની ખોટ વર્તાઈ રહી હતી. શાકિબ અલ હસને તો કાયમની જેમ સારી બોલિંગ કરી જ હતી પરંતુ યુઝવેન્દ્ર ચાહલે પણ સારીએવી બોલિંગ કરી હતી જેને લીધે અનુક્રમે મેહદી હસન અને કુલદીપ યાદવની ખોટ સાલી હતી.

પરંતુ છેવટની ઓવર્સમાં જસપ્રીત બુમરાહે વિકેટો લેવાની તમામ જવાબદારી પોતાના ખભે લઇ લીધી અને મેચને જીતાડી હતી. જો કે અહીં ભારતીય બોલિંગની સહુથી મોટી નબળાઈ એટલેકે હાર્દિક પંડ્યાની જરૂરીયાતના સમયે વિકેટો લેવાની પણ ખાસ નોંધ લેવી જોઈએ જેણે બાંગ્લાદેશના ટોપ અને મિડલ ઓર્ડરને ભાંગી નાખ્યો હતો.

ગમે તે હોય પણ વિજય એ વિજય છે ચાહે તે એક રને મળ્યો હોય કે એક વિકેટે. આ રિવ્યુ સિરીઝમાં અગાઉ પણ વારંવાર કહેવાયું છે કે વર્લ્ડ કપ જેવી ટુર્નામેન્ટમાં બે પોઈન્ટ્સ મહત્ત્વના હોય છે અને જ્યાં સુધી આ બે પોઈન્ટ્સ ટીમને મળતા રહે છે ત્યાં સુધી ટીમ નેટ રન રેટની વધુ પરવા કરતી નથી.

આ મેચનું સહુથી મોટું આકર્ષણ રહ્યા હતાં 86 વર્ષના ચારુલતાબેન પટેલ! તેઓ દર્શક દીર્ઘામાં કોઇપણ યુવાનને શરમાવે તેવા ઉત્સાહથી ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા હતા. ગાલ પર તિરંગો અને મોઢામાં પીપુડી વગાડતા વગાડતા તેઓ સતત ભારતની ટીમને પાનો ચડાવી રહ્યા હતા. કોમેન્ટ્રી કરી રહેલા સૌરવ ગાંગુલી તો રીતસર એમના કાયલ થઇ ગયા હતા અને મેચ બાદ સેમીફાઈનલમાં પહોંચવાનો આનંદ ફેન્સ સાથે શેર કરવા જ્યારે ટીમ ઇન્ડિયા એ વિક્ટરી લેપ શરુ કર્યું ત્યારે ટીમના સભ્યો તેમના આ મેચના સહુથી (દરેક દ્રષ્ટિથી) મોટા ફેન એવા ચારુલતાબેન પટેલને મળ્યા હતા અને તેમના આશિર્વાદ મેળવ્યા હતા.

Photo Courtesy: twitter.com/cricketworldcup

દરેક પરાજય બાદ “ભારતના ક્રિકેટરો માત્ર પૈસા ખાતર જ રમે છે” તેવી વાહિયાત દલીલો કરતા ગલ્લા ક્રિકેટ નિષ્ણાતોના ગાલ પર ટીમ ઇન્ડિયાનું આ વર્તન લાલચોળ સોળ ઉઠે એવો તમાચો મારવા જેવું હતું! શ્રીલંકા સામેની મેચ રમ્યા બાદ તેમજ તે જ દિવસે રમાનારી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમાનાર છે ત્યારબાદ સ્પષ્ટ થશે કે ભારત પોઈન્ટ્સ ટેબલ પર કયુ સ્થાન મેળવશે. જો ભારત બીજું કે ત્રીજું સ્થાન મેળવશે તો તે ફરીથી એજબેસ્ટન પર જ પોતાની સેમીફાઈનલ રમશે અને એ મેચમાં પણ ચારુલતાબેનની હાજરી ટીમ ઇન્ડિયાના ઉત્સાહમાં વધારો કરશે એવી આશા રાખી શકીએ.

Preview: ઇંગ્લેન્ડ વિ. ન્યુઝીલેન્ડ, ચેસ્ટર-લી-સ્ટ્રીટ, ડરહમ

કરો યા મરો જેવી ખરેખરી મેચ તો આ છે! ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ બંનેને આ મેચ જીતવી અત્યંત જરૂરી છે. તો પાકિસ્તાનની નજર પણ આ મેચ પર રહેશે. જો ઇંગ્લેન્ડ આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બનશે અને જો ન્યુઝીલેન્ડ જીતશે તો તે આ સન્માન મેળવશે. પરંતુ જો ઇંગ્લેન્ડ આ મેચ હારી ગયું અને પાકિસ્તાન બાંગ્લાદેશને હરાવશે તો ઇંગ્લેન્ડ એટલેકે આ વર્લ્ડ કપનું યજમાન ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.

જો ન્યુઝીલેન્ડ આ મેચ હારશે તો તેણે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચના પરિણામની રાહ જોવી પડશે. કારણકે જો પાકિસ્તાન એ મેચ જીતશે તો પછી બહેતર નેટ રન રેટના આધારે ચોથા સેમીફાઈનલીસ્ટનું નામ નક્કી થશે. હાલમાં ન્યુઝીલેન્ડનો નેટ રન રેટ પાકિસ્તાન કરતા ઘણો સારો છે આથી આજે તેણે હારવાની સંભાવનાઓ જ્યારે વધી જાય ત્યારે પોતાની હારનું અંતર બને તેટલું ઓછું રાખવાની કોશિશ કરવાની છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here