વેસ્ટ ઈન્ડિઝે પોતાના વર્લ્ડ કપની શરૂઆત અને અંત વિજય સાથે કર્યો છે પરંતુ વચ્ચેના હિસ્સામાં તેને ફક્ત હાર જ મળી છે. જ્યારે પાકિસ્તાન આજે એક અશક્ય લક્ષ્યનો પીછો કરવાનું છે.

જે રીતે વેસ્ટ ઇન્ડિઝ અને અફઘાનિસ્તાનની ટીમો આ વર્લ્ડ કપ રમી છે તે જોતા વેસ્ટ ઇન્ડિઝનું આ મેચ જીતવું જરા પણ નવાઈ પમાડે તેવું ન હતું. જો કે વેસ્ટ ઇન્ડિઝ આ મેચ તેણે છેલ્લી દસ ઓવર્સમાં કરેલા 100+ રનને લીધે જીતી શક્યું હતું એ અહીં નોંધવું જરૂરી છે. આ વર્લ્ડ કપમાં એવા બહુ ઓછા કિસ્સા જોવા મળ્યા છે જેમાં પહેલી બેટિંગ કરતી ટીમે છેલ્લી દસ ઓવર્સમાં 100 કરતા પણ વધુ રન બનાવ્યા હોય. ભારતે ઓસ્ટ્રેલિયા સામે ઓવલમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું હતું અને તેણે જ તેને વિજય અપાવ્યો હતો.
અફઘાનિસ્તાને પણ આ વર્લ્ડ કપનું જ તેનું પ્રદર્શન અહીં રિપીટ કર્યું હતું. ન બોલિંગમાં કોઈ ઠેકાણા, ન બેટિંગમાં કે પછી કોઈ નક્કી કરેલી રણનીતિ પણ દેખાઈ રહી ન હતી. તેમ છતાં તેણે વેસ્ટ ઇન્ડિઝ કરતા બહેતર ફિલ્ડીંગ જરૂર કરી હતી. વેસ્ટ ઇન્ડિઝની ફિલ્ડીંગ આ સમગ્ર વર્લ્ડ કપમાં અત્યંત નબળી રહી હતી. માઈકલ હોલ્ડિંગ વેસ્ટ ઇન્ડિઝની મેચોમાં સતત કહી રહ્યા હતા કે વેસ્ટ ઈન્ડિઝની બોલિંગ તો સારી છે પરંતુ તેને તેના જ ફિલ્ડરોનો સાથ નથી મળી રહ્યો. આ મેચમાં પણ કેપ્ટન હોલ્ડરના બાઉન્ડ્રી લાઈન પરના બે કેચ સિવાય વેસ્ટ ઇન્ડિઝની ફિલ્ડીંગમાં કશું કહેવા જેવું રહ્યું હતું નહીં.
એવું કહી શકાય કે મોર્ડન વેસ્ટ ઇન્ડિઝ ટીમના લેજન્ડ ક્રિસ ગેલ ગઈકાલે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. ગેલ પાસે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આગળ વધારવા માટે ન તો ફોર્મ છે કે ન તો કોઈ શક્યતા. સામાન્યતઃ તમામ ટીમો બે વર્લ્ડ કપ વચ્ચે પોતાની ટીમ તૈયાર કરતી હોય છે અને આવતા વર્લ્ડ કપ સુધી ક્રિસ ગેલની ઉંમર 43 વર્ષ થઇ જશે. પણ દુનિયા તેમને કાયમ એક ભૂતો ન ભવિષ્યતિ એવા અનોખા આક્રમક બેટ્સમેન અને મેદાન પર પોતાની રમત કાયમ એન્જોય કરનારા ક્રિકેટર તરીકે કાયમ યાદ રાખશે.
Preview: પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, લોર્ડ્ઝ, લંડન

ખરેખર તો આ મેચ આ વર્લ્ડ કપની સહુથી રસપ્રદ મેચોમાંથી એક રહેવાની હતી પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડે બધી જ મજા મારી નાખી! પાકિસ્તાનના ક્રિકેટ ‘નિષ્ણાતો’ તેમની ટીમ વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન પહોંચી શકી તેની હતાશા “કુછ તો ગડબડ હૈ દયા!” કહીને ત્યાંની વિવિધ ન્યુઝ ચેનલો પર વ્યક્ત કરી રહ્યા છે. આજે પાકિસ્તાનને એક મોટી જીતની જરૂર છે એવી જીત જે માઉન્ટ એવરેસ્ટની ચડાઈ ઓક્સિજન સિલિન્ડર વગર કરવા જેવી અશક્ય જીત છે, આવું એક પાકિસ્તાની નિષ્ણાતે જ હાલમાં ત્યાંની ન્યુઝ ચેનલ પર કહ્યું હતું.
તેમ છતાં કેપ્ટન સરફરાઝ અહમદે ચમત્કારની આશા વ્યક્ત કરતા તેમની ટીમ પહેલી બેટિંગ કરીને 400 રન કરશે એવું ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં કહી ચૂક્યા છે. અહીં પણ એક મોટો પેચ એ છે કે પાકિસ્તાને પહેલા તો ટોસ જીતવો પડે અને પછી બેટિંગ લેવી પડે. જો બાંગ્લાદેશ ટોસ જીતશે અને પહેલી બેટિંગ લેશે તો પાકિસ્તાનનું એ અશક્ય સપનું પણ ચૂરચૂર થઇ જશે.
પાકિસ્તાન આ વર્લ્ડ કપમાં હાર્યું એની પાછળ તેની અત્યંત ખરાબ શરૂઆત રહી હતી. વેસ્ટ ઇન્ડિઝ સામે નોટિંગહામમાં તેની પહેલી જ મેચમાં તેનું શોર્ટ પીચ બોલિંગ સમક્ષ ઘૂંટણિયે પડી જવું તેણે જ તેના બાકીના વર્લ્ડ કપની સફર મુશ્કેલ કરી દીધી હતી જેને અંગ્રેજીમાં ‘catching up job’ કહેવામાં આવે છે. એટલેકે એક નિષ્ફળતા બાદ તમારે તમારી ઈચ્છાની પાછળ સતત ભાગતા રહેવું પડે છે. તેમાં ભારત સામેની હાર એ પાકિસ્તાન માટે મોટો માનસિક ધક્કો હતો અને અફઘાનિસ્તાન સામે સારા નેટ રન રેટથી જીતવાને બદલે છેક છેલ્લી ઓવરમાં જીત મેળવી તેણે પાકિસ્તાનીઓની રહી સહી આશા પર પણ પાણી ફેરવી દીધું હતું.
eછાપું