પાકિસ્તાની ટીમ બહુ મોડેમોડે એટલેકે વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયા બાદ એક ટીમ બનીને રમ્યું અને બાંગ્લાદેશને તેણે આસાનીથી હરાવી પણ દીધું જે ખરેખર તો કોઈને આશ્ચર્ય પમાડે તેવું નથી.

પાકિસ્તાની ટીમની ખૂબી અથવાતો ખામી એ બંને એક જ છે અને તે છે તેનું અસાતત્યપૂર્ણ પ્રદર્શન. આજની મેચ હાર્યા બાદ આ ટીમ કાલની મેચ પણ હારશે એની કોઈજ ખાતરી નથી હોતી. નવાઈની વાત એ છે કે પાકિસ્તાની ટીમ આ પ્રકારનું આશ્ચર્ય પમાડતું પ્રદર્શન અમુક વર્ષોથી નહીં પરંતુ પેઢીઓથી કરે છે!
હાલમાં જ્યારે પાકિસ્તાન વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી લગભગ બહાર થઇ ગયું હતું ત્યારે એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેના પૂર્વ કપ્તાન રમીઝ રાજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અને તેના ખેલાડીઓને વિનંતી કરી હતી કે હવે મહેરબાની કરીને તેઓ દરેક મેચમાં આશ્ચર્ય પમાડે તેવું પ્રદર્શન કરવાનું બંધ કરો અને તેમાં સાતત્ય લાવો જેથી અન્ય ટીમો તમારાથી થોડીઘણી બીક રાખે!
રાજાની વાત બિલકુલ સાચી છે. આ મેચનું જ ઉદાહરણ લઈએ, આ વર્લ્ડ કપના પ્રદર્શનોની સરખામણી કરીએ તો બાંગ્લાદેશ આ મેચ જીતવા માટે ફેવરીટ હતું જ, પરંતુ કાલે મેદાન પર પાકિસ્તાનની સમગ્ર ટીમની મેચ જીતવાની કટિબદ્ધતા અને ટીમ સ્પીરીટ મીનીટે મીનીટે દેખાઈ રહ્યા હતા જે સમગ્ર વર્લ્ડ કપમાં ગેરહાજર હતા.
જ્યારે તમારી સમગ્ર દુનિયા લુંટાઈ ગઈ હોય અને પછી તમે સશક્ત ચોકીદારોની નિમણુંક કરો તો તેનો કોઈજ મતલબ નથી હોતો. પાકિસ્તાને ગઈકાલે આવું જ કર્યું હતું. પહેલા તો બાંગ્લાદેશને 350 રનના તફાવતથી હરાવવાનું હતું જે કોઇપણ કાળે શક્ય ન હતું, પરંતુ તેમ છતાં બાબર આઝમ અને ઈમામ ઉલ હક્કે સુંદર બેટિંગ કરીને પાકિસ્તાનને 315 પહોંચવા માટે શક્યતાઓ ઉભી કરી દીધી હતી.
ત્યારબાદ શાહીન શાહ આફ્રિદી અને અન્ય પાકિસ્તાની બોલર્સની એકસાથે સુંદર બોલિંગે બાંગ્લાદેશનું કામ તમામ કરી આપ્યું હતું. શાહીન આફ્રીદી એક ખાસ ટેલેન્ટ છે. વર્લ્ડ કપમાં તે ઓછી મેચ રમ્યો છે પરંતુ એક ખરાબ મેચ રમ્યા બાદ તેણે લેજન્ડરી પાકિસ્તાની બોલર વસીમ અક્રમ સાથે બોલિંગ અંગે માત્ર પાંચ મિનીટ ગાળી અને ફરક આપણને બધાને દેખાઈ આવ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નવા આફ્રીદીનું બને તેટલું ધ્યાન રાખવાનું છે અને તો જ તે પાકિસ્તાન ક્રિકેટના અત્યારે અંધકારમય દેખાઈ રહેલા ભવિષ્યમાં પ્રકાશ ફેલાવી શકશે.
બાંગ્લાદેશ ગઈકાલે અપેક્ષાથી સાવ વિરુદ્ધ તદ્દન કંગાળ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ પ્રદર્શન કરી ગયું. જો કે આ વર્લ્ડ કપમાં સતત સારો દેખાવ કરનાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસને તો આ મેચમાં પણ સુંદર દેખાવ કર્યો હતો અને જો વર્લ્ડ કપને અંતે તેને મેન ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવશે તો કોઈને પણ નવાઈ નહીં લાગે.
Preview: ભારત વિ. શ્રીલંકા, હેડિંગ્લે લીડ્ઝ અને ઓસ્ટ્રેલિયા વિ. સાઉથ આફ્રિકા, ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર
આ બંને મેચો પણ dead rubber જ છે, પરંતુ તે બંને સેમીફાઈનલની લાઈનઅપ જરૂર નક્કી કરશે. ભારત જો શ્રીલંકાને હરાવે, જેની શક્યતાઓ ભરપૂર છે અને ઓસ્ટ્રેલિયાને જો સાઉથ આફ્રિકા હરાવે, જેની શક્યતાઓ ઘણી ઓછી છે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાશે કારણકે ભારત પોઈન્ટ્સ ટેબલની ટોચની ટીમ બની જશે અને ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલમાં મુકાબલો થશે.
પરંતુ જે રીતે આ વર્લ્ડ કપ રમાયો છે તેને ધ્યાનમાં લઈએ તો ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલમાં ભારત અને ઇંગ્લેન્ડ બંનેને અવોઇડ કરવા જરૂર માંગશે, ઉપરાંત તેનું સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન રહેલા ફોર્મને ધ્યાનમાં લેતા તે સાઉથ આફ્રિકાને હરાવી દેવા માટે પૂર્ણપણે સક્ષમ છે એમ કહી શકાય.
eછાપું