ભારત અને સાઉથ આફ્રિકાએ પોતપોતાની છેલ્લી મેચમાં વિજય મેળવીને સેમીફાઈનલનું સંપૂર્ણ ચિત્ર બદલી નાખ્યું છે. ભારતને પોઈન્ટ્સ ટેબલ પર પહેલું સ્થાન આપવા બદલ સાઉથ આફ્રિકાનો આભાર માનવો જરૂરી છે.

આમ જુઓ તો આ બંને મેચોનું કોઈ ખાસ મહત્ત્વ રહ્યું ન હતું. 2019ના વર્લ્ડ કપની આ અંતિમ બે લીગ મેચો હતી. પરંતુ આ મેચોના પરિણામ સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે એ નક્કી કરવાના હતા. ભારત અને શ્રીલંકાની મેચનું પરિણામ આશા અનુસાર જ આવ્યું પરંતુ સાઉથ આફ્રિકાએ ગઈકાલે ચમત્કાર કર્યો હતો.
અગાઉ આ રિવ્યુ સિરીઝમાં ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે સાઉથ આફ્રિકા એક વખત સેમીફાઈનલમાં નહીં આવે એ નક્કી થઇ જવાથી તે અન્ય ટીમો માટે પરેશાની ઉભી કરી શકે તેમ છે. પહેલા તેણે શ્રીલંકાની સેમીફાઈનલમાં પહોંચવાની પાતળી આશા પર પાણી ફેરવ્યું અને હવે તેણે ઓસ્ટ્રેલિયાને તમામ લીગ મેચો પૂર્ણ થયા બાદ પોઈન્ટ્સ ટેબલ પર ટોચ પર રહેવાની ઈચ્છા ધ્વસ્ત કરી દીધી.
શ્રીલંકાએ ભારત સામે ખરાબ શરૂઆત કરવા છતાં એન્જેલો મેથ્યુઝની જવાબદારીભરી ઇનિંગને કારણકે ઉપયોગમાં લેવામાં આવેલી પીચ પર 264 રનનું કઠીન લક્ષ્ય ભારત સમક્ષ મુક્યું હતું. કઠીન એટલા માટે કારણકે આ વર્લ્ડ કપની જે પેટર્ન જોવા મળી છે કે ઘણી મેચો પહેલા ઉપયોગમાં લઇ ચૂકવામાં આવેલી પીચ પર બીજી મેચ રમાડવામાં આવી છે તેને લીધે બીજી ઇનિંગમાં બોલ બેટ પર વધુ ધીમો આવતો હોય છે અને વધુ સ્પિન પણ થતો હોય છે.
આ જ મેદાન પર શ્રીલંકાએ ઇંગ્લેન્ડને હરાવીને ચમત્કાર સર્જ્યો હતો અને એ પીચ પણ બીજી વખત ઉપયોગમાં લેવામાં આવી હતી. પરંતુ ભારતે ઘણા સમય બાદ તેની મજબૂત બેટિંગ લાઈનઅપનું મૂળ સ્વરૂપ દેખાડ્યું હતું. ઇતિહાસમાં એવું ઘણી વખત બન્યું છે કે પીચ ગમે તેવી હોય ભારતના બેટ્સમેનો પોતાના મૂળ સ્વભાવ મુજબ રમ્યા હોય અને ફટાફટ રન બનાવી શક્યા હોય. આ સમગ્ર વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેનોએ શરૂઆતની ઓવર્સ શાંતિથી રમી છે અને એવામાં આ મેચમાં થોડી મુશ્કેલ પીચ પર થોડું રિસ્ક લઈને જે સફળતા મેળવી છે તે ટીમ ઇન્ડિયાના કોઇપણ આકંઠ ચાહકને સંતોષ અપાવશે.
લોકેશ રાહુલનું સેન્ચુરી બનાવવું એ આ મેચના સહુથી સારા સમાચાર છે. સદી બનાવી હોવા છતાં રાહુલ હજી પણ તેના મૂળ સ્વભાવ અનુસાર બેટિંગ નથી કરી રહ્યો એ ખાસ નોંધવું જોઈએ, પરંતુ તેમ છતાં સેન્ચુરી એ સેન્ચુરી છે અને આ સેન્ચુરીથી રાહુલનો આત્મવિશ્વાસ જરૂરથી વધ્યો હશે જે ટીમને સેમીફાઈનલમાં અને ફાઈનલમાં જરૂરથી કામમાં આવશે.
સેમીફાઈનલ અગાઉની અંતિમ લીગ મેચમાં વિજય મેળવવો જો ભારતીય ટીમમાં ઉત્સાહનો સંચાર કરશે તો ઓસ્ટ્રેલિયાની સાઉથ આફ્રિકા સામેની હાર ઓસ્ટ્રેલિયાને કદાચ ચિંતા કરાવી શકે તેમ છે. જો કે ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને લડત જરૂરથી આપી હતી પરંતુ સમયાંતરે વિકેટો ગુમાવવી તેને ભારે પડ્યું હતું અને ઇંગ્લેન્ડનું ટીમ મેનેજમેન્ટ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ જે રીતે વિકેટો ગુમાવી તેની નોંધ જરૂર લઇ રહ્યું હશે.
સાઉથ આફ્રિકાના કેપ્ટન ફાફ દુ પ્લેસીએ સમયસર પોતાનું ફોર્મ પરત મેળવ્યું છે અને આ મેચમાં તેણે છેવટે સેન્ચુરી ફટકારી હતી જેનાથી તે ગઈ મેચમાં થોડા જ અંતરથી દૂર રહી ગયો હતો. રસ્સી વાન ડર ડસન એ માત્ર સાઉથ આફ્રિકા માટે આ વર્લ્ડ કપની શોધ નથી પરંતુ તે સાઉથ આફ્રિકન ક્રિકેટનું ભવિષ્ય પણ છે. આ મેચમાં વાન ડર ડસને જે પ્રકારે મેચ્યોરીટી દર્શાવી હતી તેના માટે તે સદીને લાયક હતો પરંતુ તેમ છતાં તેનું આ પરફોર્મન્સ સાઉથ આફ્રિકન ક્રિકેટ ફેન્સ કાયમ માટે યાદ રાખશે.

તો લગભગ એક મહિના સુધી ચાલેલા લીગ રાઉન્ડની મેચો પૂર્ણ થયા બાદ સેમીફાઈનલમાં કોણ કોની સામે રમશે તે હવે નક્કી થઇ ગયું છે. બંને સેમીફાઈનલના બે અલગ અલગ પ્રિવ્યુ આપણે અનુક્રમે આવતીકાલે અને બુધવારે અહીં જ eછાપું પર વાંચીશું!
eછાપું