Budget 2019: આ સોશિયલ સ્ટોક એક્સચેન્જનો પ્રસ્તાવ વળી શું છે?

0
257
Photo Courtesy: theweek.in

ગત અઠવાડિયે લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કેટલાક અનોખા અને પ્રથમ વખતના પ્રસ્તાવો રજૂ કર્યા છે તેમાંથી એક છે સોશિયલ સ્ટોક એક્સચેન્જ. તેના વિષે વધુ માહિતી મેળવીએ.

Photo Courtesy: theweek.in

મોદી સરકારનો મુખ્ય મંત્ર છે સબકા સાથ સબકા વિકાસ અને જનધન ભાગીદારી. શું આ બજેટમાં આ દિશામાં કોઈ નિર્ણય અને સરકારની દાનત દેખાય છે ? હા! આ જાણવા માટે આજે આપણે બજેટમાં સરકારના માત્ર બે પ્રસ્તાવો જ જોઈએ.

એક તો છે સોશિયલ સ્ટોક એક્સચેજની સ્થાપના. આ સ્ટોક એક્સ્ચેજમાં તમે એનજીઓ ટ્રસ્ટ અને કલમ 8 કંપનીઓ લીસ્ટ થશે જેના શેર તમે ખરીદી શકશો. કલમ 8 કંપની એટલે હાલના કંપની કાયદાની કલમ 8 હેઠળ સ્થપાયેલ કંપની આ કલમ અનુસાર જે કંપનીનો ઉદ્દેશ નફો રળવો નથી પરંતુ સમાજ સેવા જ મહત્વનું છે એ કંપનીઓ રજીસ્ટર થાય છે.

હવે જોઈએ આની અસર

સૌ પ્રથમ તો આ બધી સેવાભાવી સંસ્થાઓને સામાન્ય વ્યક્તિઓ દ્વારા ભંડોળ ઉભું કરવાની તક મળશે. આમાં ધાર્મિક સંસ્થાઓ પણ ભંડોળ ઉભું કરી શકશે. આજે નફો રળતી કઈ સંસ્થાઓ છે એ પહેલા જોઈએ. આ સમજવા શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણી અમુલ જે મિલ્ક કો ઓપરેટીવ માર્કેટિંગ કંપની છે. આ ઉપરાંત સહકારી સાકર કારખાનાઓ, કો ઓપરેટીવ સુગર ફેકટરીઓ જેમાં મહારાષ્ટ્રના રાજકારણીઓનું વર્ચસ્વ છે અને ધર્માદા કાયદાઓ હેઠળ ચાલતી હોસ્પિટલો. આ બધી સંસ્થાઓ વ્યવસાય કરે છે પરંતુ તેઓના ઉદેશ સામાજિક કલ્યાણનો છે. હવે આવી સંસ્થાઓ સ્ટોક એક્સચેન્જમાં લીસ્ટ થવાથી શો ફાયદો?

સૌ પ્રથમ તો જેઓ આ સંસ્થાઓના શેર લેશે તેઓ આ સંસ્થાને નાણા દાનમાં આપવાને બદલે વગર વ્યાજે લોન તરીકે આપશે અને સામાજિક કલ્યાણનું પુણ્ય કર્યાની લાગણી અનુભવશે. આ સંસ્થાઓ જો નફામાંથી  માત્ર 10 ટકા જ શેર પર ડીવીડંડ આપશે તો સામાન્ય વ્યક્તિને બેન્કના વ્યાજ જે હાલ માત્ર 6 ટકા છે અને હજી ઘટી રહ્યા છે એનાથી વધુ આવક થશે અને તેઓ જે નિવૃત છે તેઓ આજે જે વ્યાજ પર ઘર ચલાવે છે તેઓ ડીવીડંડ પર ઘર ચલાવી શકશે. ઉપરાંત મૃત્યુ બાદ એજ શેર એ જ સંસ્થાને દાન આપી શકશે અને જો એમને જ નાણાની જરૂરિયાત ઉભી થઇ તો પોતાના શેર બજારમાં વેચી પોતાના નાણા પરત મેળવી શકશે.

સંસ્થાઓને એ ફાયદો કે તેઓ સ્કીલ્ડ કારીગરોને વધુ સારી તાલીમ આપી શકશે અને સ્કીલ્ડ કારીગરો અને ધંધાના સાહસિકો ઉભા કરી શકશે, તેઓ સારા મેનેજરો મેળવી શકશે. નિવૃત મેનેજરો ઓછા પગારે એમની આવડતનો લાભ સેવાર્થે આપી શકશે . સૌથી મોટો ફાયદો આજે આ સંસ્થાઓ બાપીકી જાગીર તરીકે જ મોટભાગે ચાલે છે અને ટ્રસ્ટીઓ મનમાની કરે છે અને તેમાં ગેરરીતિઓ ચાલે છે. ખાસ તો હોસ્પિટલોમાં એ અટકશે કારણકે હવે આ સંસ્થાઓ શેરહોલ્ડરોનો બહોળો વર્ગ ભાગીદાર બનતા એમણે આ દાતાઓને પોતાના પર્ફોમન્સનો હિસાબ આપવો પડશે એથી ગેરરીતિઓ વગેરે બધું અટકશે.

UPA સરકાર દ્વારા ઘણી NGO અસ્તિત્વમાં આવી હતી તેઓ વિદેશી ભંડોળ દાન રૂપે મેળવી દેશહિત વિરોધી ચળવળો જ ચલાવી હતી. આ તમામ  પર મોદી સરકારે તેની પ્રથમ મુદતમાં પાબંદી લાગવીં હતી. ઉપરાંત આ NGOsના ટ્રસ્ટીઓ પેલા વિદેશી ભંડોળ પર તાગડધિન્ના કરતા હતા હવે આ ભારતીય સંસ્થાઓને ભારતના જ નાગરિકો દ્વારા શેર રૂપે નાણા સહેલાઇથી મળતા થશે એથી વિદેશી દાતાઓની પકડ આ સંસ્થાઓ પર ઘટી જશે.

અને હા આ કલ્યાણકારી સંસ્થાઓ જે ધંધો કરે છે જેમકે અમુલ કે પછી હોસ્પિટલો વગેરે એમની પર એ ધંધા પર GST લગાડી અને નફા પર આવકવેરો લાગતા સરકારની આવક વધશે અને સેવાભાવી સંસ્થાના નામે થતી કરચોરી અટકશે.

બીજું નાણામંત્રીની પ્રપોઝલ છે શેરબજાર પર લીસ્ટેડ કંપનીઓમાં પ્રમોટરોનું હોલ્ડીગ હાલ જે 74% પર મર્યાદિત છે અને પબ્લિકનું 26 ટકા છે તેમાં પબ્લિકનું હોલ્ડીંગ 35% કરવાની આની શું અસર થશે?

આજે પ્રજા મ્યુચ્યુઅલફંડોમાં નાણા રોકતી થઇ છે. જે આ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે તેઓ હવે વધુ શેરો લઇ શકશે વધુ નાના નાના રોકાણકારો શેરમાં રોકાણ કરી શકશે અને કંપનીના નફા તથા વિકાસમાં ભાગીદાર બનશે.

ઇન્વેસ્ટમેન્ટ સલાહકાર હિતેશ માળી એમના લેક્ચરમાં મ્યુચ્યુઅલફંડોમાં રોકાણ કરવા રોકાણકારોને સલાહ આપતા કહે છે કે આજે દેશમાં ધંધાની જે તક છે એ જોતા “કાં તમે ધંધો કરો કાં બીજાના ધંધામાં ભાગીદાર બનો” નો મંત્ર જ કામે લાગી શકે તેમ છે. બીજાના ધંધામાં ભાગીદાર એટલે મ્યુચ્યુઅલફંડોમાં અને શેરોમાં રોકાણ.

આજે આપણા દેશમાં શેરમાં રોકાણ કુલ બચતના માત્ર ત્રણ થી ચાર ટકા જ છે જયારે અમેરિકામાં 40 ટકા છે. આજે આપણી પ્રજાના બચતના પૈસા બેંક અને પોસ્ટ ઓફીસ ખાતાઓમાં ફિક્સ્ડ ડીપોઝીટ રૂપે પડ્યા છે જેના પર તેઓ માત્ર છ ટકા વ્યાજ મેળવે છે અને એ વ્યાજ હજી ઘટી શકે છે કારણકે તો જ ઉદ્યોગો સ્થાપી શકાય અને દેશમાં ઉદ્યોગ ધંધા વ્યવસાય વધી શકે.

કારણકે બેંકો લોન તો એ માટે જ આપે છે ને વધુ વ્યાજે? આમ હાલના જે નફો કરતા સારું મેનેજમેન્ટ ધરવતા ઉદ્યોગ વ્યવસાયમાં પ્રજાની વધુને વધુ ભાગીદારી થશે અને પ્રમોટરો તો માત્ર 51% શેરહોલ્ડિંગ દ્વારા પણ કંપની પર અંકુશ રાખી શકે છે અને સરકારે તો સરકારી કંપનીઓમાં પોતાનું શેરહોલ્ડિંગ 51% થી પણ નીચે લઇ આવવાની ભલામણ કરી છે એથી મ્યુચ્યુઅલફંડો માટે વધુ કંપનીઓમાં નાણા રોકાવાનું સરળ બનશે. એથી મ્યુચ્યુઅલફંડોમાં પણ નાણા રોકવામાં જોખમ ઘટતું જશે આપણે જાહેરાત જોઈએ જ છીએ ને કે “ઇન્વેસ્ટમેન્ટ ઇન મ્યુચ્યુઅલફંડ ઈઝ સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક “ તો આ જોખમ ઘટશે અને આનો ફાયદો નાના નાના રોકાણકારોને થશે.

અને આપણા ઉદ્યોગપતિઓ જેમણે અગાઉની સરકારો વખતે લાયસન્સ અને ક્વોટા લઇ વિકાસ કર્યો છે અને એ કંપનીઓ પર 65% કરતા વધુ શેરો લઇ વધુ ને વધુ કમાઈ રહ્યા છે તેઓ હવે વધુને વધુ શેરહોલ્ડરોને પોતાની કંપનીમાં ભાગીદાર બનાવશે આમ ક્રોનિ કેપીટાલીસ્ટ ઉભા થતા અટકશે અને દેશના આર્થિક વિકાસમાં વધુ ઝડપ આવશે.

ટુંકમાં મોદી સરકારનું પાંચ વર્ષમાં 5 ટ્રીલીયન ડોલર GDP નો ટાર્ગેટ આ બે જ પગલામાં મને સિદ્ધ થતો લાગે છે. હજી બીજા પગલાઓ જેમકે રૂપિયા 100 લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફાળવણી હવે આ ઉદ્યોગોમાં વધુને વધુ નાના રોકાણકારોની ભાગીદારી આ બે પગલા દ્વારા શક્ય બનશે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જે નાણાના અભાવને લીધે મંદ ગતિએ ચાલે છે એને ગતિ મળશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here