સાવ અલગ પ્રકારની સાયન્સ ફિક્શન – નાચગાન

0
134

તે હતાશ થઈ ગયેલો. આમથી તેમ લથડીયાં ખાતો હતો. યુવાન હોવા છતાં ઝુકીને ચાલતો હતો. પોતે ક્યાં જાય છે તેની પણ તેને ખબર નહોતી. એક કુશળ નૃત્યકાર, કોરિયોગ્રાફર, કલાકાર આજે ચારે તરફ નિરાશાઓથી ઘેરાયેલો, ગમગીન, વિચારશુન્ય થઈ  ચાલ્યે રાખતો હતો.

તેના મગજમાં પડઘાઓ પડ્યે રાખતા હતા

“બહુ રાહ જોઈ. તું મને નચાવે એમ નાચી. તારાં કોઈ નાચગાન મારૂં પેટ ભરી શકે એમ નથી. હવે તું તારા રસ્તે અને હું મારે.” તેની પ્રેમિકાના શબ્દો.

“આમ  સર્કસના કલાકારો કે વાંદરાઓની જેમ નાચકુદથી ટિકિટબારી નહીં છલકાય. તારા શોમાં કોઈ આવતું નથી. પેકઅપ મેન! અમે તને વધુ શો આપી શકીએ એમ નથી.”  શોના સ્પોન્સર.

“અમે કહેતા હતા કે કોલેજમાં ભણવામાં ધ્યાન આપો. નોકરી ધંધો કરો. નાચગાન આપણું કામ નહીં. બહુ રખડી ખાધું.” બાપના શબ્દો.

તેણે કાન બંધ કરી દીધા પણ આ તો મનમાં ઉઠતા પડઘાઓ હતા. તેણે  જોરથી માથું ફૂટ્યું.

ત્રણ દિવસથી તે રસ્તે મળતા બ્રેડ બન અને ચા ઉપર હતો.

તેણે સંઘર્ષ ખૂબ કરેલો પણ નસીબે યારી આપી ન હતી. હવે તેને થાક લાગેલો . આમને આમ ક્યાં સુધી? શું કલા પાછળની બધી મહેનત વ્યર્થ ગઈ?

એ જ નાચગાને  તેને તેની પ્રેમિકા આપેલી. બન્ને  કોલેજની ટેલન્ટમાં  ‘તું જો મેરે સુરમેં સુર મિલા દે તો જિંદગી હો જાએ સફલ..’ સાથે ગાઈ વન્સ મોર મેળવી ગયેલાં અને નજીક આવેલાં. સ્ટેજ પર ઉભી હોય તો લાઈટ પરાવર્તિત થાય એવી તેણીની ત્વચા હતી. અદભુત કંઠ અને અપ્રતિમ રૂપની સ્વામીની. પોતે કુશળ નૃત્યકાર અને કોરિયોગ્રાફર. સાચે જ તે બે નો સંગમ દેવોને પણ ઈર્ષ્યા આપે એવો થાય. તેણી તેની થવા તૈયાર હતી પણ તે બસ સંઘર્ષ જ કરતો રહ્યો. આખરે એમ ક્યાં સુધી પેલી બેસી રહે?

આખરે  એક ક્ષણ તેણે આપઘાતનું વિચાર્યું. તુરત થયું કે એ કોઈ રસ્તો નથી. રસ્તો..રસ્તો.. ન ચાલતાં મગજમાં પણ તેને ગીત સૂઝ્યું ‘રસ્તો નહીં જડેતો અમે રસ્તો થવાના..’ એ જ ગીત અત્યંત ધીમે ગણગણતો તે થાકીને સુઈ ગયો.

આંખ ઉઘડી. તે થાકીને એક પર્વતના છાંયે તળેટીમાં પડ્યો હતો. પર્વતમાં ગુફા હતી. તેણે ગુફામાં જવાનું ચાલુ રાખ્યું. ધીમે ધીમે ચોતરફ અંધારું છવાઈ ગયું. ક્યાંકથી તેને ધોધનો અવાજ આવ્યો. તે અવાજ તરફ ગયો. ગયે જ રાખ્યું. ક્યાંથી અવાજ આવતો હતો તે ખબર પડતી ન હતી  ઉપર નાનાં બાકોરાંમાંથી પ્રકાશ આવતો હતો તેને આધારે તે આડી અવળી કેડીઓમાં થઈ અવાજ તરફ ગયો. અરે! આ તો ખડકની બીજી બાજુથી અવાજ આવે છે! તે ફરી ભટકતો ભટકતો ધોધની શોધમાં ચાલ્યો. આખરે એક લપસણી જગ્યાએથી નીચે  ધીધ પડતો દેખાયો. તે હળવેથી અણીદાર પથ્થરની ધાર પકડી આગળ વધ્યો. ધોધ અને તેના વચ્ચે વેગથી વહેતી નદી હતી. એ પણ ખાસ્સી નીચે. તેણે આજુબાજુ જોયું. એક ઝાડની ડાળી પકડી નીચે ભૂસકો મારવા તૈયારી કરી પણ ડાળી ઊંચી પડી. તે પટકાયો અને લપસ્યો. સડસડાટ. અંધારામાં તેના પગ એક ધનુષ્ય જેવી ચીજમાં ભરાયા.તેણે હાથ ફેરવી જોયું. વિદેશી પતંગબાજો ઉડાવે છે તેવા વિશાળ પતંગની કમાન લાગી. તેણે આમથી તેમ ફેરવી. કમાન સાથે ખુલતું કોઈ પ્લાસ્ટિક કે કપડાંનું કાપડ જેવું હતું. તેની વચ્ચે ગોળ કાણું હતું. તેણે એ કાણામાં માથું નાખ્યું. અનાયાસે તેના પગથી પેલા ધનુષ્ય જેવા આકારને ધક્કો લાગ્યો અને તે કપડું બે પાંખની જેમ પહોળું થયું. તે હાથ હલાવી તરફડીયાં મારવા લાગ્યો. હાથના જોરે અને પગના ધક્કે તે ઉડયો અને જોતજોતામાં ધોધની વચ્ચેથી પસાર થઈ ખુલ્લી જગ્યામાં આવ્યો.

હજુ નીચે એક ઊંડી ખીણ હતી. તે ખૂબ ઉપર પક્ષીની જેમ ઉડતો હતો. પેરાગ્લાઈડિંગ જેવું લાગ્યું. પણ આ પેરા ગ્લાઇડિંગ તો અનંત હોય એમ ચાલ્યું. તેણે હવે હાથપગ હલાવવા બંધ જ કરી દીધા. આમેય તેનામાં ક્યાં શક્તિ બચી હતી?

કોઈ અદ્રશ્ય જાળ જેવી વસ્તુએ તેનું ઉડયન રોકયું. તે ખીણમાં  જઈ રહ્યો હતો.

તે ઉતર્યો. થોડું દોડ્યો ત્યાં તેની તરફ સાવ ટચુકડા, તેના ગોઠણથી પણ નીચા લોકો ધસી આવ્યા. તેઓ કૂતરા ભસતા હોય તેમ હોઠ પહોળા કરતા હતા પણ કાંઈ સંભળાતું ન હતું. તે ચુપચાપ ઉભો રહ્યો.

તેઓ કૂતરાની જેમ જ પગ ઘસતા હતા અને જાણે આક્રમણ કરવા તૈયાર થતા હોય તેવી મુદ્રાઓ કરતા હતા.

તેણે થોડું વિચાર્યું. મોંએથી તીણી વ્હીસલ વગાડી ગોળ ઘૂમ્યો. નૃત્ય મુદ્રાઓ કરી અદબ વાળી, નમ્યો, આલિંગન ની મુદ્રા કરી ભેટવા આવતો હોય એમ હાથ પહોળા કર્યા. બે હાથ ફેલાવી પોતે મિત્ર છે અને ખુલ્લા દિલે તેમનો સ્વીકાર કરે છે એમ દર્શાવ્યું.

ઓચિંતી કોઈએ તેની પાસે હતી તેવી જ લાકડી ઊંચી કરી પાંખ ફફડાવી. તે એક સૈનિક જેવો લાગ્યો. એ સાથે બીજા દસબાર લોકોએ પાંખ ફફડાવી. તેઓ ભમરાની જેમ  હવામાં તેની ફરતે ઉડવા લાગ્યા. હવે તેમાંના કોઈનો ભમરો ગુંજતો હોય તેવો અવાજ કાને પડ્યો. આ જોઈ તેણે પોતે પણ સ્ટેજ પર નૃત્ય કરતો હોય તેમ ગુંજનનો અવાજ કરતાં ગોળ કૂદકો માર્યો પણ તે ફસડાઈ પડ્યો. પેલા મુખ્ય ભમરાનો હુમ.. હુમ..  ગુંજવા વચ્ચે હા..હા.. હસતો હોય તેવો અવાજ આવ્યો. તેઓ નીચે ઉતરી તેને ઘેરી વળ્યા.

આ શું? પેલી લાકડી તો તેમના શરીરનું હાડકું હતી જે કરોડ સાથે જોડાયેલી હતી અને કપડાં કે પ્લાસ્ટિક જેવી પાંખો તેમની ચામડીની જ બની હતી પણ દરેકની અલગ અલગ રંગની હતી. પોતે પતંગિયા મનુષ્યો વચ્ચે આવી પડ્યો હતો. પણ તો.. પોતાનો પગ ફસાયેલો એ કેવી રીતે? એ હાડકું કોનું હતું?

તેણે પુરી તાકાતથી ગોળ ચક્કર, હવામાં કુદકા, તાલ સાથે તાળીઓ (જેના પડઘા દૂર પર્વતોમાં પડ્યા) વગાડી નૃત્ય કર્યે રાખ્યું.

ઓચિંતી એક સુંદર, નાજુક પતંગી સ્ત્રી એ ટોળાંમાંથી બહાર આવી અને તેનો હાથ પકડી નૃત્ય કરવા લાગી. હજુ તેમના અવાજ સંભળાતા ન હતા.

તેણે નજીક પડેલ કોઈ પથ્થરને એક  બોન્સાઇ વૃક્ષ જેવી દેખાતી વસ્તુ સાથે અફાળ્યો. એ થડમાંથી સંગીતમય અવાજ આવ્યો. તેણે મોટેથી સીટી વગાડી. હવે પેલા ભ્રમર મનુષ્યે સામેથી કાન ફાડી નાખે તેવી સીટી વગાડી. હવે તે સમજ્યો. આ લોકો અલ્ટ્રા સાઉન્ડ થી વાત કરતા હતા જે મનુષ્યનો કાન સાંભળી ન શકે. તેમની અમુક ક્રિયાઓ પતંગિયા કરતાં કૂતરા જેવી હતી.

નૃત્ય કરતી સ્ત્રીએ પોતાનો હાથ એક સ્ટેપ ઊંચો કરી પોતાના પતિ કે પિતા વિશે પૂછતી હોય તેવી મુદ્રા કરી. તેણે પોતે જાણતો નથી એમ હાથના ઈશારે જણાવ્યું.

ભ્રમર મનુષ્યે પેલા ધોધની દિશામાં હાથ કર્યો. પોતે અભિનય કરી ધોધ ઓળંગીને  પર્વત પરથી આવ્યો તે જણાવ્યું. પોતે થાકેલો, ભૂખ્યો  છે તેમ.જણાવ્યું.

પેલી પતંગી નજીકના વૃક્ષ પાસે ગઈ અને પેલું માથું નાખવાના ગોળમાંથી સૂંઢ જેવું કાઢી રસ ચુસ્યો. તેણે પોતાની પાસેની એ ચીજમાંથી મોં કાઢી સૂંઢ ગોતી. પતંગીએ તેની પીઠ પાછળ વસ્ત્રમાં હાથ નાખી સૂંઢ કાઢી અને તેને બીજાં વૃક્ષમાંથી કોઈ ફળ જેવી ચીજમાંથી રસ ચૂસવા જણાવ્યું. તેને ફાવ્યું નહીં. પતંગીએ પોતાની સૂંઢ તેના મોંમાં નાખી ચુંબન કરતી હોય તેમ રસ આપ્યો. આટલામાં તેનું પેટ કેમ ભરાય? તે શક્તિ વાપરી દોડ્યો અને એક પોતાની ઊંચાઈ જેટલા વૃક્ષ પર ચડી ગયો. તેણે થોડાં ફળો ખાધાં અને થોડાં નીચે ફેંકયાં. પતંગિયા મનુષ્યો દોડીને તેમાં સૂંઢ ભરાવી રસ ચૂસવા લાગ્યા.

હવે તેણે મોંએથી અવાજ કરતાં પોતે મિત્ર છે તેમ  બતાવ્યે રાખ્યું. એકાએક પતંગીના મુખમાંથી તીણો અવાજ નીકળ્યો. એ જોઈ એક પછી એક પતંગી મનુષ્યો અવાજ કરવા લાગ્યા.

દૂરથી ભીની લહેર આવી. સમુદ્ર  કે મોટી નદી નજીક હોય તેમ લાગ્યું. તેણે પોતાની પાસે આવવા એક ભ્રમર મનુષ્યને ઈશારો કર્યો. પેલાએ આજુબાજુ જોયું. પતંગીએટેને ઇશારાથી હા પાડી. એ સંમતિ મળતાં પોતે પીઠ પર એક ભ્રમર મનુષ્યને બેસાડ્યો અને એને ખોરાક મળે તે તરફ લઈ ગયો. પોતે ખોબેથી પાણી પીધું અને એક બોન્સાઇ નારિયેળી જેવી ચીજનું ફળ લઈ પથ્થરથી તોડ્યું. એ લઈ તે પરત આવ્યો.

નજીક આવી એ છીલકા અને પોતાની પાંખલાકડી વડે ચિત્ર દોરી પોતે ક્યાંથી આવ્યો તે કહ્યું.

પતંગીએ પોતાને તેડેલી બતાવી પોતાનો પિતા આ લાકડી અને પાંખ ધરાવતો હતો તે કહ્યું.

પેલું ફળ ખાઈ પતંગ મનુષ્યો  હાથ જોડી અલ્ટ્રાસાઉન્ડમાં કઈંક બોલતા. એમાં કોઈને દર્દ દૂર થતું લાગ્યું તો કોઈ વિજેતા થતો હોય, કોઈને હમણાં જ ખાવાનું મળશે એમ લાગ્યું. પતંગીએ એ છીલકાથી પાંખ ફેલાવી  પુરુષ આકૃતિ દોરી હાથ જોડ્યા.

તે એટલું સમજ્યો કે આ બોન્સાઇ નારીયેળી તેમનાં  કલ્પવૃક્ષ જેવી હતી પરંતુ તે લોકો ત્યાં પહોંચી એ ફળ તોડી શકતા ન હતા. એ પડે તો ખાવાથી ઈચ્છા પૂરી થતી હશે તેમ લાગ્યું. તેણે ફટાફટ એક મોટો કટકો તોડીને ખાધો. અને  તે લોકોની જેમ રેતીમાં નાટકના સ્ટેજનું ચિત્ર દોર્યું. મનમાં પોતાની પ્રેમિકા પણ મળે એ પ્રાર્થયું.  પતંગીએ ઇશારાથી  તેને સમજાવ્યું કે એક વખતે એક જ ઈચ્છા પૂરી થાય. આ વૃક્ષઔષધિય ગુણો પણ ધરાવતું હશે તેમ લાગ્યું.

પોતે તેમને ખોરાક પુરો પાડવામાં મદદ કરતો, તેમનું નિરીક્ષણ કરી નૃત્યનાં સ્ટેપ શીખતો અને પોતાનાં કેટલાંક તેમની સામે કરતો. તેઓ હવે તેના મિત્ર બની ગયેલા. પતંગી તેની દોસ્ત બની ગયેલી. તેની પીઠ પર બેસી ઊડતી અને વહાલ ઉભરાય કે મઝા પડે તો નાનું ગલુડિયું પગ પર કિસ કરે તેમ તેને જે ભાગ નજીક હોય ત્યાં કિસ કરી લેતી.

આમ ને આમ કોણ જાણે કેટલા દિવસો વીતી ગયા. પતંગિયા મનુષ્યો તેની સાથે દૂર  સુધી ઉડી મીની મધપૂડા કહેવાય તેવી ચીજો લઈ આવતા. ફળો તેઓ રસ ચૂસી ફેંકી દેતા જે તોડી પોતે માવો ખાઈ લેતો.

નાનકડી લાગતી પતંગી પૂર્ણ વિકસેલી  સુંદર યુવતી હતી. તેને આ પુરુષની પીઠ પર બેસી ઉડવું અને એ રીતે તેને ચીટકી રહેવું ગમતું હતું.

એક રાત્રે તેણે વરસાદી રાતમાં એક ખડક પર સફેદ પરત લટકતી જોઈ. નારિયેળની મલાઈ જેવી એ વસ્તુ એક વિશાળ પડદાની ગરજ સારતી હતી. આ પડદા પર કોઈ આગીયાનું તેણે વિશાળ પ્રતિબિંબ જોયું.  આગીયાની પાછળથી પ્રકાશ આવે તો જ આ શક્ય બને. આ સ્ત્રોત ક્યાં છે?

તેણે આસપાસ નજર દોડાવી. એક સ્થિર સરોવર પરથી પડતા લગભગ થીજી ગયેલા ધોધની સપાટી એટલે આ ખડક પરનો પડદો. સહેજ દૂર  કેટલાક ખડકો પરથી પ્રકાશ. એ કોઈ સ્થિર જળાશય અને આસપાસ સફેદ રેતી પરથી ચંદ્રબિંબના પ્રતિબિંબને મોટું કરી આવતો હતો.

જો ચાંદનીમાં આટલું પ્રતિબિંબ મળી શકે તો દિવસે તો ઘણું પ્રકાશિત હોય જ. હા, સૂર્યપ્રકાશ ખીણ તરફથી આવે એટલે પડદા જેવી સફેદી પર દેખાય નહીં. અંધારું હોય તો એ સફેદ પડદા પર પ્રતિબિંબ દેખાય પણ ઉપરથી તેજસ્વી સૂર્યપ્રકાશમાં ન દેખાય.

એ આગળ વધ્યો.  સફેદ રેતી આટલું સ્પષ્ટ પ્રતિબિંબ આપી શકે નહીં.ચોક્કસ અહીં અરીસાને ઢોળ ચડાવવામાં વપરાતી ચાંદી હોય. તો જ અરીસાની જેમ પ્રતિબિંબ પડે.

એણે એ ચળકતા ખડકો નજીક જવા પ્રયત્ન કર્યો. ત્યાંથી પોતે આવેલો એ ધોધ નીચે દેખાતો હતો. એણે પોતાના ખિસ્સામાંથી બચેલી બાક્સ કાઢી પ્રકાશ નજીક દીવાસળી પ્રગટાવી. પ્રકાશ રેલાયો અને પતંગી નીચેથી કૂદતી, ઊડતી આવી અને તેને જોઈ પહેલાં ગભરાઈ ગઈ અને પછી એને વળગીને રોવા લાગી. એની વાત પરથી એટલું સમજ્યો કે એના પિતાને એ રસ્તે ઢસડીને કે કેદ કરીને લઈ જવામાં આવેલા. કદાચ એ ચળકતી ધાતુ મેળવવાના રસ્તા માટે  તેના પિતા સાથે લડાઈ કરી તેમને મારી નાખી ધોધ પાસે ફેંકી દીધેલા જેની કરોડ સાથે જોડાયેલ પાંખો પોતાને મળેલી. તેણે પોતાની પાંખો ચાલુ કરવા ફફડાવી. દોડ્યો. પણ તે પહેલાં પતંગી પોતાના પગ કૂતરાની જેમ ધૂળમાં ઘસી જલ્દીથી દોડતી ટેઈક ઓફ થઈ ચુકેલી. હવે તે સમજ્યો. પેલા ભ્રમર માનવો કેમ પગ ઘસતા હતા. એમ.કરી તેઓ ઉડવા માટે પાંખો માં હવા ભારત હતા અને રેસ દોડવા પહેલાં પગ તૈયાર કરીએ તેમ તૈયારી કરતા હતા. તેણે એમ કર્યું અને ઉડવા લાગ્યો. સવારના મૃદુ કિરણો ધોધ પર પડતાં હતાં. બંને ધોધ પસાર કરી અણીદાર ખડક પાસે આવ્યાં તો પેલીના પિતાનો દેહ પડેલો. તે ઊંધા પડેલા વાંદાની પેઠે ચત્તો થવા પ્રયત્ન કરતો હતો.  પતંગીએ તેના પિતાને અલ્ટ્રા સાઉન્ડમાં કઈંક સમજાવ્યું. પછી તે એ પિતાને પોતાની પાંખ પર બાંધી ફરી ઉડયો. ખીણમાં ઉતરી તેમણે એ અવાજથી એ પતંગ માનવોને એકઠા કર્યા. સહુએ પિતાને વધાવ્યા. એ તેમના રાજા લાગ્યા.

હવે રાત પડે એટલે બાકસની દીવાસળીથી અગ્નિ પ્રગટાવી તે મનુષ્યોને પોતે પતંગિયાં કે ફુદા કરે તેવું નૃત્ય કરાવતો.  તેમની પાસેથી નૃત્ય શીખતો અને વ્યવસ્થિત તાલબદ્ધ  નાચતાં તેમને શીખવતો.

થોડા વખત પછી તે  સહુને પતંગી અને તેના પિતા દ્વારા સમજાવી ધોધને પેલે પાર પર્વત પાસે લઈ આવ્યો.

બસ અહીં જ તેમને રાખી પોતે નવા શો ઓર્ગેનાઇઝર પાસે ગયો. ખાસ ઉડતા માનવોનું નૃત્ય ખાસ શોમાં ગોઠવાયું. ઓર્ગેનાઇઝરે પહેલાં તો તેને ભેજાગેપ ગણી કાઢ્યો પણ તેણે દાવાથી કહ્યું કે પોતે નાનકડા અને ઉડતા માણસો સાથે સ્ટેજ પર નૃત્ય કરશે જે ખૂબ કમાણી કરવી આપશે. મહા મહેનતે ઓર્ગેનાઇઝર તૈયાર થયો.

આખરે ખૂબ જાહેરાતો બાદ એ દિવસ આવી પહોંચ્યો . પોતે હવે સાચવીને, છુપાવીને પતંગ મનુષ્યોને માનવ વસ્તી વચ્ચે શહેરમાં લાવ્યો. જો કે તેમને એ ઓડિટોરિયમ ના બાગમાં છુપાવી રાખ્યા.

નિર્ધારેલ સમયે શો શરૂ થયો. મોટો ધમાકો અને  કોઈએ ક્યારેય ન જોયું હોય તેવા નૃત્યની જાહેરાત. પતંગ માનવોની અલ્ટ્રા સાઉન્ડ માં ચિચિયારી જેને વિજાણુ માધ્યમથી સંગીતની જેમ ઝીલી પ્રસારિત કરવામાં આવી.

સ્ટેજ પર મોટો સફેદ પડદો, સ્ટેજ સામે અરીસો અને એનું પ્રતિબિંબ ઝીલી મોટું કરતો પ્રકાશ. વચ્ચે પતંગિયાં ફુદાં ની જેમ નૃત્ય કરતા એ અજાણ્યા મિત્રો અને લેસર લાઇટની ઇફેક્ટ.  એટલે તેઓ સાવ નાના દેખાય નહીં. પોતે નાનો થઈ પ્રતિબીબથી પતંગીને ગોળ ફેરવે તો પતંગી એક દોરડીએ ઊંચકી તેને ફેરવે. બંને વચ્ચે આવી નૃત્ય કરે.

એ માનવોની  આ નૃત્ય દ્વારા કહેવાની વાત તેણે લેસરથી દોરીને સમજાવ્યું કે સમસ્ત પ્રકૃતિ નાચગાન કરે છે. સૂર્ય ફરતે પૃથ્વી, પૃથ્વી ફરતે ચંદ્ર, સરિતાનું કલકલ,પક્ષીઓનું ચહેકવું અને પવનના સુસવાટા કે દરિયાનો ઘૂઘવાટ એ બધું એક નાચ અને સાથેનું ગાન છે.

શો ને અદભુત પ્રતિસાદ મળ્યો. બીજા શો થયા.

અખબારમાં નવી જ જાતના શોની ખબર વાંચી તેની પ્રેમિકા દોડતી સ્ટેજ પાછળ તેને  મળવા આવી.

અલ્ટ્રા સાઉન્ડ સાથે હવે ચીસો અને સીટીઓથી વાત કરતી પતંગી ખૂબ ઈચ્છા હોવા છતાં તેને પોતાનો કરી શકે એમ ન હતી. તેણે કહ્યું કે તેણીનું અને તે સહુનું આયુષ્ય માનવોની સરખામણીએ એક.પતંગિઆ જેટલું જ હોય છે.

તેણે પતંગ માનવોને ખાનગી જગ્યાએ રાખી શો તો કર્યા પણ આખરે  તેઓએ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. તેમના રાજા પેલા પિતાએ કહ્યું કે તેમનું આયુષ્ય પણ એક ઋતુ પૂરતું જ હોય છે. પતંગીએ  તેના સંસર્ગથી વંશ ચાલુ રાખેલો. તેઓની જિંદગી વર્ષો નહીં, મહિનામાં પુરી થતી. એટલા સમયમાં જ તેઓમાં બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા પણ આવે. આથી પતંગી તેને ચાહતી અને તેના અને પિતાના મિશ્ર માનવ પતંગી બાળકને જન્મ આપવાની હોવા છતાં હવે તેને છોડીને જવા કહ્યું. આમેય તેની જિંદગી મહિનાઓમાં હતી, તેના આ પ્રેમીની તો વર્ષો માં.

આખરે ખૂબ ભારે હૃદયે  એક રાત્રે તેઓને એ જ રીતે કોઈ જુએ નહીં તેમ  છુપાઈ ઉડતાં ઉડતાં ખીણના રસ્તે ધોધ ઓળંગાવી રવાના કર્યા.

સાચા મનુષ્યોએ ઉડીને નહીં તો કૂદીને અગાઉ રજુ થયેલાં એવાં નાચગાન કરતાં તેની પાસેથી શીખ્યું અને તેમની સાથે નવા શો  કરી તે દ્વારા તે  ખૂબ કમાયો.

ક્યારેક તે ધોધ પાસે જઈ પોતે હવે શીખેલ અલ્ટ્રા સાઉન્ડથી હયાત પેઢીના પતંગ માનવોને બોલાવતો જેની કોઈને ખબર પાડવા દીધેલી નહીં.

તેની પ્રેમીકા, હવે પત્ની  હળવાશથી કહેતી કે ‘તમે હવામાં ઊંડો છો.’ તેને ક્યાં ખબર હતી કે તે સાચે જ હવામાં ઉડી શકે છે અને ઉડયો પણ છે!. નાચગાન ને જ જિંદગી સમજી આનંદ કરતા એ પતંગ માનવોની શ્રુષ્ટિ  વિશે એ કહે તો પણ કોઈ માનતું નહીં. તેની પત્ની પણ નહીં.

જીવનના દરેક સારા માઠા પ્રસંગોને તે પ્રકૃતિનું નાચ ગાન ગણતો. ખુદ શિવજીએ પણ તાંડવઃ કરી શ્રુષ્ટિ રચી હતી ને!

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here