Preview – CWC 19 | SF 1 | અજાણ્યા જાણીતાઓનો રસપ્રદ મુકાબલો

0
314
Photo Courtesy: twitter.com/cricketworldcup

મંગળવારે ટીમ ઇન્ડિયા માન્ચેસ્ટરમાં ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની સેમીફાઈનલમાં રમવા ઉતરશે ત્યારે ઘણા બધા તત્વો આ મેચનું ભાવિ નક્કી કરશે જેમાં છેલ્લી મેચોના પરિણામો પણ સામેલ હોવા છતાં પણ નહીં હોય!

Photo Courtesy: twitter.com/cricketworldcup

આ વર્લ્ડ કપનું ફોરમેટ 1992ના વર્લ્ડ કપના ફોરમેટ જેવું બનાવવામાં આવ્યું છે. આ ફોરમેટ અનુસાર દસેય ટીમ એકબીજા સાથે એક-એક વાર રમી ચૂકી છે. પરંતુ વર્લ્ડ કપ શરુ થયાના લગભગ બીજા અને ત્રીજા અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં ઉનાળામાં પણ ખુબ વરસાદ પડ્યો. આ વરસાદ એટલો બધો તો હતો કે અસંખ્ય મેચો પર તેની અસર થઇ અને કેટલીક મેચો રદ્દ પણ થઇ.

ભારત અને ન્યુઝીલેન્ડ 13મી જૂને ટ્રેન્ટબ્રિજમાં મુકાબલો કરવાના હતા પરંતુ ટોસ પણ ઉછળી ન શક્યો અને મેચ ભારે વરસાદને કારણે રદ્દ થઇ ગઈ હતી. આમ આ સેમીફાઈનલમાં અન્ય બે સેમીફાઈનલીસ્ટ ટીમોથી અલગ બંને ટીમો એકબીજા સામે પહેલીવાર રમશે અને આ કારણસર બંને ટીમો એકબીજાથી અજાણી છે એટલીસ્ટ આ ટુર્નામેન્ટ બાબતે. હા, બંને ટીમોના કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટે સમગ્ર વર્લ્ડ કપ દરમ્યાન એકબીજાની અન્ય ટીમો સામે રમેલી મેચો જરૂર જોઈ હશે, પરંતુ આમનેસામને તો આ બંને ટીમો એકબીજા માટે અજાણી જ રહેશે જ્યારે તેઓ સેમીફાઈનલ રમવા માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર ઉતરશે.

ભારત અને ન્યુઝીલેન્ડ છેલ્લે એકબીજા સામે આ વર્ષની 3 ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં રમ્યા હતા. ભારત આ મેચ 35 રને આરામથી જીતી ગયું હતું. એક રીતે જોવા જઈએ તો આ મેચમાં રમેલી બંને ટીમો અને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી ટીમો લગભગ સરખી જ છે. આ ઉપરાંત આ ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે અને એકબીજા સામે IPL 20019માં તો રમી જ ચૂક્યા છે આથી તેઓ એકબીજાની રમત વિષે વિશેષ જાણકારી તો ધરાવે જ છે.

આ તમામ કારણોસર ભારત અને ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલ અતિશય રસપ્રદ બનવાની છે. રાઉન્ડ મેચોમાં સામસામે રમ્યા ન હોવાથી આ મેચ પર એકબીજા સામે રમવાના નજીકના ભૂતકાળના પરિણામની કોઈજ અસર નહીં હોય અને બંને ટીમોના ખેલાડીઓ એકબીજા સામે ફ્રેશ મગજ સાથે રમવા ઉતરશે.

હવે વાત કરીએ આ મેચમાં કઈ ટીમનો હાથ ઉપર રહેશે તે અંગે? પહેલા આપણે ન્યુઝીલેન્ડની વાત કરીએ. તો ન્યુઝીલેન્ડનો અત્યારસુધીનો વર્લ્ડ કપ મિશ્રિત રહ્યો છે. તેમની શરૂઆત ઘણી સારી રહી હતી પરંતુ છેલ્લે છેલ્લે તેમની ગાડી પાટા પર ઉતરી ગઈ હતી અને તેઓ પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જેવી સમર્થ ટીમો સામે હારી ગયા છે. આમ સેમીફાઈનલમાં ઉતરતી વખતે જે હકારાત્મક માનસિકતા હોવી જોઈએ તે તેમની સાથે નથી.

ન્યુઝીલેન્ડની સળંગ ત્રણ હારનું મુખ્ય કારણ છે તેમની નબળી બેટિંગ. તેમની તમામ હારમાં માત્રને માત્ર કેન વિલિયમ્સન એકમાત્ર અસરકારક તત્વ રહ્યો હતો અને કેટલીક મેચોમાં રોસ ટેલર તેને યોગ્ય સાથ આપી શક્યો હતો. જ્યારે પણ આ બંને બેટ્સમેનો નિષ્ફળ ગયા હતા ત્યારે ન્યુઝીલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો. જીમી નીશમ અને કોલીન ડી ગ્રેન્ડહોમે વચ્ચે વચ્ચે નાના મોટા પ્રદાન કર્યા પરંતુ તે કામે લાગ્યા નથી.

બોલિંગ ન્યુઝીલેન્ડનું સહુથી ધારદાર હથિયાર છે અને તેમાં પણ ટ્રેન્ટ બુલ્ટ અને લોકી ફર્ગ્યુસન મુખ્ય રહ્યા છે. ઈશ સોઢીને ઘણી ઓછી મેચ રમવા મળી છે, માઈકલ સેન્ટનર ક્યારેક સારો તો ક્યારેક ખરાબ દેખાવ કરી ગયો છે. તો નીશમ, ગ્રેન્ડહોમ સતત સારો દેખાવ કરી શક્યા નથી. તો કેટલીક મેચોમાં જેમકે પાકિસ્તાન વિરુદ્ધની મેચોમાં વિલિયમ્સને જે રીતે બોલિંગ ચેન્જીસ કર્યા હતા તેણે પણ તેને પરાજય આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તો જ્યારે આ પ્રકારે લગભગ દરેક ક્ષેત્રમાં સાતત્યતાનો અભાવ ધરાવતી ન્યુઝીલેન્ડની ટીમ ભારત સામે સેમીફાઈનલ જેવી અતિશય મહત્ત્વની મેચમાં રમવા ઉતરશે ત્યારે તેના પર પાછલી ત્રણ મેચોની સતત હાર, નેટ રન રેટને આધારે જ સેમીફાઈનલમાં આવવાની મળેલી તક તેમજ એક-બે ખેલાડીઓ સિવાય બાકીના ખેલાડીઓના સાતત્યતા વિહોણા દેખાવનો ભાર તેના પર જરૂર રહેશે જે તેના દેખાવ પર પણ અસર પાડી શકે છે. ન્યુઝીલેન્ડ કદાચ તેની છેલ્લી મેચની જ ઈલેવન સાથે આ મેચમાં રમવા ઉતરશે તો પણ કોઈને નવાઈ લાગે તેમ નથી કારણકે તેના મોટાભાગના ખેલાડીઓ સતત સારું નથી રમી શક્યા.

તો ભારત તેની છેલ્લી બે મેચો આરામથી જીતી હોવાથી અતિશય આત્મવિશ્વાસ સાથે ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમવા ઉતરશે. ભારતના ટોચના ત્રણ બેટ્સમેનો હવે ફોર્મમાં છે. છેલ્લે છેલ્લે લોકેશ રાહુલે પણ પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે અને શ્રીલંકા સામે તેણે સેન્ચુરી મારી હતી. રોહિત શર્મા તો છે જ આ વર્લ્ડ કપનો હીરો અને કેપ્ટન કોહલી ક્યારેક જ ફોર્મ વિહોણો હોય છે. ભારતની ચિંતા મિડલ ઓર્ડરનો છે પરંતુ સમય આવે ઋષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડ્યા જરૂરી પ્રદાન કરી શકે છે અને આમ કરવા માટે વર્લ્ડ કપની સેમીફાઈનલ જેવું બહેતર પ્લેટફોર્મ બીજું કયું હોઈ શકે?

ભારતની બોલિંગ કદાચ તેની બેટિંગ કરતા વધુ સારી હોવાનું આ ટુર્નામેન્ટમાં સતત લાગ્યું છે અને તે સાચું પણ છે. તેમ છતાં ઇંગ્લેન્ડ સામે મોહમ્મદ શમી અને શ્રીલંકા સામે ભુવનેશ્વર કુમાર સારી બોલિંગ કરી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજા જેને શ્રીલંકા સામે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો તે હવે સેમીફાઈનલમાં અને ફાઈનલમાં ભારતનું X ફેક્ટર રહેશે, કારણકે તે આ બંને મેચોમાં ભારત સામે રમનારી એક પણ ટીમ સામે રમ્યો નથી. વળી, શ્રીલંકા સામે બાપુનો દેખાવ ખુબ સારો રહ્યો હતો. જાડેજા બોલિંગ કરવા ઉપરાંત ટીમને  બેટિંગમાં ઊંડાઈ આપે છે અને ફિલ્ડીંગ તો તેની કમાલ છે જ!

ભારત ન્યુઝીલેન્ડ સામે કદાચ આ ઈલેવન સાથે ઉતરશે: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ.

શક્ય ઇલેવનમાં કેદાર જાધવનું નામ જોઇને કદાચ ઘણાને નવાઈ લાગશે પરંતુ દિનેશ કાર્તિકને જે મેચોમાં ચાન્સ મળ્યો તેમાં તે ખાસ કશું કરી શક્યો નથી અને શ્રીલંકા સામે તો તેને બેટિંગ પણ નથી મળી. બેશક કેદાર જાધવની બેટિંગ પણ આ સમગ્ર ટુર્નામેન્ટમાં એટલી સારી નથી રહી પરંતુ તેણે અફઘાનિસ્તાન સામેના વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ ઉપરાંત જો પાંચમો બોલર ધોવાઇ જાય તો જાધવ કોહલીને એક્સ્ટ્રા બોલરનો વિકલ્પ પણ પૂરો પાડે છે એ ન ભૂલવું જોઈએ.

કાગળ પર અને આ વર્લ્ડ કપના અત્યારસુધીના દેખાવને જોઇને, ખાસકરીને છેલ્લી ત્રણ-ચાર મેચોના દેખાવને જોઇને, ભારત ન્યુઝીલેન્ડ કરતા કિલોમીટરોના અંતરથી શ્રેષ્ઠ ટીમ છે, પરંતુ જ્યારે સેમીફાઈનલ અને ફાઈનલની વાત આવે છે ત્યારે આખા વર્લ્ડ કપનો દેખાવ કામે આવતો નથી. જે-તે દિવસે તમારો દેખાવ કેવો રહ્યો તેના પર આખી મેચનું પરિણામ આધાર રાખતું હોય છે.

એટલે, ટીમ ઇન્ડિયા પણ પોતાના તમામ જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે જ ન્યુઝીલેન્ડ સામે રમવા ઉતરશે તો તેનો વિજય પાક્કો છે. આ દિવસે વરસાદ પડવાની આશંકા પણ છે પરંતુ રિઝર્વ ડે હોવાથી મેચનું પરિણામ જરૂર આવશે તેવી આશા પણ છે.

તો, ઓલ ધ  બેસ્ટ ટીમ ઇન્ડિયા!!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here