સોશિયલ મિડીયામાં અને મેઈન સ્ટ્રીમ મિડીયામાં વારંવાર અસત્ય ફેલાવવા માટે કુખ્યાત એવા પત્રકાર રાણા ઐયુબને શુક્રવારે એક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે રીતસર ઝાટકી નાખી તેમની આકરી ટીકા કરી છે.

કહે છે કે અસત્યનું જીવન અત્યંત ટૂંકું હોય છે. રાણા ઐયુબ નામના પત્રકાર વારંવાર કાયદાના કોઇપણ પ્રકારના ડર વગર અસત્ય ફેલાવવા માટે જાણીતા છે. તેમણે અગાઉ કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ મામલે કે પછી હાલમાં જ લોકસભાની ચૂંટણીઓમાં ભારતની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જે રીતનો તોતિંગ જનાદેશ આપ્યો છે તેની મજાક ઉડાવીને ઘણા અસત્યો ફેલાવ્યા છે. પરંતુ આ વખતે તેઓ ફસાઈ ગયા છે અને તે પણ સુપ્રિમ કોર્ટમાં.
રાણા ઐયુબનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ વિરોધી પુસ્તક ‘ગુજરાત ફાઈલ્સ’ 2015માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને વામપંથીઓ તેમજ કટ્ટર મોદી વિરોધીઓએ માથે ચડાવ્યું હતું. આ પુસ્તકમાં અગાઉ ગુજરાત અંગે ફેલાવાઈ ચૂકેલા અસંખ્ય અસત્યોને ફરીથી ઉચ્ચારવામાં આવ્યા હતા. મજાની વાત એ છે કે એક NGO, સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશને તો આ પુસ્તકનો આધાર લઈને સુપ્રિમ કોર્ટમાં એક PIL પણ ફાઈલ કરી દીધી હતી!
આ PILમાં પેલા NGOએ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યામાં ભારતીય જનતા પાર્ટીનો હાથ હોવા પર તપાસ કરવાની સુપ્રિમ કોર્ટને વિનંતી કરી હતી. પરંતુ સુપ્રિમ કોર્ટે આ પુસ્તકને પૂરાવા તરીકે સ્વીકાર કરવાનો જ ઇનકાર કરી દીધો હતો. શુક્રવારે આવેલા એક નિર્ણયમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, “રાણા ઐયુબના પુસ્તકનું અહીં કોઈજ કામ નથી. આ માત્ર અનુમાનો, અટકળો અને કલ્પનાઓ પર જ આધારિત છે, જેનું પૂરાવા તરીકે કોઈજ મુલ્ય નથી. રાણા ઐયુબે પુસ્તકમાં જે તર્ક આપ્યા છે તે તેમના અંગત વિચારો છે અને તે પૂરાવાના પરિઘમાં આવતા નથી.”
આમ આ નિર્ણય દ્વારા સુપ્રિમ કોર્ટે થોડા વર્ષ અગાઉ જે પુસ્તકને વામપંથીઓ અને તટસ્થો માથે ચડાવીને ફરતા હતા તેનું યોગ્ય વિશ્લેષણ કરી દીધું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. સુપ્રિમ કોર્ટે આ સમગ્ર કેસ પણ રાજકારણથી પ્રેરિત હોવાનું પણ કહ્યું છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, “જે રીતે ગોધરા કાંડ બાદ ઘણી ઘટનાઓ ઘટી છે એવામાં આવા આરોપ-પ્રત્યારોપ લાગવા કોઈ નવી બાબત નથી અને તે તમામ નિરાધાર સાબિત હોવા છતાં તેને વારંવાર ઉઠાવવામાં આવી રહ્યા છે.”
26 માર્ચ 2003ના દિવસે અમદાવાદના લો ગાર્ડનમાં પોતાની સવારની વોક પૂર્ણ કરીને બહાર આવતા હરેન પંડ્યાની અસંખ્ય ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના મુખ્ય આરોપી અસગર અલીના નિવેદનનો આધાર લેતા વિશેષ પોટા કોર્ટે કુલ 12 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ 2011માં ગુજરાત હાઈકોર્ટે CBI એ કેસની યોગ્ય તપાસ ન કરી હોવાનું કહેતા પોટા કોર્ટનો ચૂકાદો ફેરવી તોળ્યો હતો. આ ઘટના બાદ સુપ્રિમ કોર્ટે 2007માં પોટા કોર્ટે આપેલા ચૂકાદાને યોગ્ય ઠેરવ્યો હતો.
શુક્રવારે સુપ્રિમ કોર્ટે રાણા ઐયુબના અસત્ય ફેલાવતા પુસ્તકનો આધાર લઈને PIL કરનારા NGO પર કોર્ટનો સમય બગાડવા માટે રૂ. 50,000 નો દંડ પણ ફટકાર્યો છે.
eછાપું