હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (18): ભાજપા સાથે ગઠબંધન અને શાહબાનો

0
337
Photo Courtesy: dnaindia.com

કોંગ્રેસ સાથેનું ગઠબંધન તૂટી પડતા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના આગેવાન પ્રમોદ મહાજનના પ્રયાસોથી શિવસેના અને ભાજપનું ગઠબંધન થયું પરંતુ તેનું ધાર્યું પરિણામ ન આવ્યું, તેમ છતાં આ જ સમયમાં શાહબાનો કેસ સામે આવતા ભવિષ્યનો પાયો જરૂર નખાયો.

Photo Courtesy: dnaindia.com

વાચકમિત્રો, ગયા મંગળવારે આપણે વાંચ્યું કે મિલ કામગારોને થતાં અન્યાયો વિરુદ્ધ લડતાં લડતાં શિવસેનાએ ઈન્દિરા ગાંધીની કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો.

ઈન્દિરા ગાંધીની હત્યા પછીની 1984 ની લોકસભા ચૂંટણી માટે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ પ્રથમ વખત ગઠબંધન કર્યું. જો કે, 1971 માં પણ ગઠબંધન રચવા માટે કેટલાક નિષ્ફળ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ વખતે પણ, ભાજપાએ ચૂંટણી માટેના નોમિનેશન ભરવાના દિવસ સુધી જનતા પાર્ટી સાથે જોડાણ કરવાની કોશિશ કરી હતી, અને વાટાઘાટોનો નિકાલ ન આવવાથી છેવટે શિવસેના સાથે ગઠબંધન કર્યુ.

મુખ્યત્વે ભાજપાના નેતા પ્રમોદ મહાજનના પ્રયત્નોને લીધે આ ગઠબંધન થયું. તે આ જોડાણ માટેના મુખ્ય આર્કિટેક્ટ હતા એવું કહીએ તો અતિશયોક્તિ નથી. મહાજને એવી દલીલ કરી કે ભાજપાને શિવસેના સાથે જોડાણ કરવાથી ફાયદો થશે. જો કે, તેમના પક્ષમાં આ વાત અંગે વિરોધ હોવા છતાં તેઓ એકના બે ન થયા અને જોડાણ કરાવવામાં સફળ થયા.

શિવસેના સાથે જોડાણ કરવાનું કારણ હતુંઃ હિન્દુત્વ. હિન્દુ જ્યારે વોટ કરે છે ત્યારે મરાઠા, માળી, દલિત, મારવાડી અને બ્રાહ્મણ તરીકે મત આપે છે, એક હિન્દુ તરીકે ક્યારેય નથી આપતો. મહાજનને એવો પ્રશ્ન થતો કે આમાં આપણું રાજકારણ કેવી રીતે સફળ થશે? ઠાકરેએ કહેલું: “જ્યારે મેં શિવસેનાની શરૂઆત કરી, ત્યારે લોકો એવું જ કહેતા હતા કે મરાઠી માણૂસ એક મરાઠી તરીકે મત આપતો નથી. પરંતુ મેં આ ખોટું સાબિત કર્યું. તમે જોજો, હું હિંદુઓને પણ તૈયાર કરીશ કે તેઓ હિન્દુ તરીકે જ મત આપે.” જો કે ઠાકરેએ માત્ર પાંચ જ વર્ષમાં પોતાનું વચન પાળ્યું.

ગઠબંધન બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે શિવસેના મુંબઇમાં ફક્ત બે જ બેઠકો પર લડશે – સાઉથ સેન્ટ્રલ અને નોર્થ-સેન્ટ્રલ. જ્યારે બાકીની ચાર સીટ ભાજપા દ્વારા લડવામાં આવશે. મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં શિવસેના કોઈ પણ ઉમેદવાર ઊભા કરશે નહીં પરંતુ ભાજપાના સમર્થકોને ટેકો આપશે. મતદાન પ્રચાર દરમિયાન ભાજપના વતી ઠાકરેએ નેતૃત્વ કર્યું. પ્રચાર વખતે તેમણે કહ્યુંઃ ‘ઈન્દિરા પછી રાજીવ અને રાજીવ પછી, રાહુલ. વડાપ્રધાનની ખુરશી છે કે પાન-બીડીની દુકાન? પિતાના અવસાન પછી, દીકરાને જ મળે?’

અટલ બિહારી વાજપેયી સાથે પણ ઠાકરેએ મુંબઇમાં ઘણી બેઠકો કરી અને સૂચવ્યું કે હિન્દુત્વનું આંદોલન ભારતના ખૂણે ખૂણે પહોંચશે. પરંતુ મતદારો હજુ સુધી હિન્દુત્વની લોલીપોપ ગળવા માટે તૈયાર ન હતા.

ચૂંટણી થઈ અને રાજીવ ગાંધીને ચૂંટણીમાં સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક જીત મળી. કોંગ્રેસ (આઈ)ને 400 બેઠકો મળી, અને તેમની વિરુદ્ધ ચાર રાષ્ટ્રીય વિપક્ષી પક્ષોને ફક્ત 19 બેઠકો મળી. મહારાષ્ટ્રએ આ એકતરફીય સંસદની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી, કોંગ્રેસ(આઈ) એ 43 બેઠક જીતી લીધી. ભાજપાએ લડેલી 20 બેઠકોમાંથી એક પણ જીતી શક્યું નથી અને શિવસેનાએ પણ બંને બેઠકો ગુમાવી દીધી.

મહારાષ્ટ્રમાં ગઠબંધન દ્વારા ભાજપાને થયેલી આશા પર પાણી ફરી વળ્યું. ભાજપાના ઘણાં નેતાઓએ મહારાષ્ટ્રમાં ‘શિવસેના જેવા’ પક્ષ સાથે જોડાણ થયું એ વાતને જ નિષ્ફળતા માટે જવાબદાર ઠરાવ્યું. જો કે આ વાતની આગેવાની વકીલ રામ જેઠમલાનીએ કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપાની તાકાત હંમેશા નજીવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીમાં તેનો સૌથી વધુ આંકડો 14નો હતો, અને લોકસભાની ચૂંટણીમાં શૂન્યનો! છતાં, તેઓએ શિવસેના પર દોષનો ટોપલો ઢોળી દીધો. છેવટે, ભાજપાએ માર્ચ 1985 ની વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાથી દૂર રહેવાનું નક્કી કર્યું.

એકલપંડે ચૂંટણીમાં જીતી નહીં શકે એવું લાગતા જ ભાજપાના નેતાઓએ કોંગ્રેસ(એસ)ના નેતા શરદ પવાર સાથે વાટાઘાટો શરૂ કરી.  શરદ પવાર કોંગ્રેસ(આઈ) વિરુદ્ધ એક ટીમ તૈયાર કરી રહ્યા હતા જેમાં જનતા પાર્ટી અને ડાબેરી પક્ષો જોડાવા સંમત થયા. આ ટીમને ‘પુરોગામી લોકશાહી આઘાડી’ એવું નામ આપવામાં આવ્યું. ભાજપા પણ તેમની સાથે જોડાયું પણ શિવસેનાને આ વાટાઘાટોની પ્રક્રિયામાંથી પણ દૂર રાખવામાં આવી હતી.

જ્યારે ઠાકરેએ આ ટીમમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી અને કહ્યું કે સીટની ગોઠવણી પવાર કરશે તો પણ ચાલશે. પણ ઠાકરે સાથેની તેમની મિત્રતા હોવા છતાં પવારે કોઈ જવાબ ન આપ્યો. લગભગ દરેક પક્ષનો વિરોધ હોવા છતાં, શિવસેનાને બહાર રાખવાના નિર્ણયથી મહાજન અસંમત હતા. તેમણે પવારને એક માર્ગ સૂચવ્યો: શિવસેના કોઈ પણ બેઠક લડશે નહીં પરંતુ તેમની ટીમનું સમર્થન કરશે. બદલામાં, તેમને કાઉન્સિલમાં થોડી બેઠકો આપવામાં આવશે. આ વિચારની ચર્ચા કરવા માટે પવાર અને મહાજન ઠાકરેના બાંદ્રા નિવાસસ્થાને ગયા, પરંતુ ત્યાં સુધી મોડું થઈ ગયું. શિવસેનાના પ્રમુખે પહેલાથી જ પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દીધા હતા.

છેલ્લે, વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને એક જ બેઠક મળી જેના ઉમેદવાર હતાં: છગન ભુજબળ!

***

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં પરાજય શિવસેનાને માટે નડતર અને વિઘ્ન બની આવ્યું. તેમ છતાં, તેઓ આંતરિક રીતે નબળા પડતા ન હતા, કારણ કે શિવસેના હજી સુધી મુંબઈ અને ઠાણે સુધી જ મર્યાદિત પક્ષ હતો. સંસદીય અને કાયદાકીય પ્રતિનિધિત્વની તેમની અપેક્ષાઓ પણ મર્યાદિત હતી. 1985ના અંત સુધીમાં સમગ્ર મહારાષ્ટ્રમાં શિવસેનાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે ઠાકરેએ નક્કર કાર્યવાહી શરૂ કરી. હવે, શિવસેના માટે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ આવનાર BMCનું મતદાન હતુ.

એ વખતે મુખ્યમંત્રી પાટીલે મરાઠી લાગણીઓને ટાંકતા કહ્યું કે ‘મુંબઇ મહારાષ્ટ્રમાં છે, પરંતુ મને મુંબઇમાં ક્યાંય પણ મહારાષ્ટ્ર દેખાતું નથી. ‘BMCની ચૂંટણી માટે શિવસેનાને મુદ્દો મળી ગયો. ભાજપા સાથે કોઈ નવું જોડાણ નહોતું થયું, અને શિવસેનાના ઉમેદવારો તેમના મેનિફેસ્ટો તરીકે ‘મરાઠી મુંબઈ’ સાથે શહેરના મતદારક્ષેત્રોમાં ફેલાઈ ગયા. શિવસેનાને લોકોનો મોટો ટેકો મળ્યો અને તે 139 માંથી 74 બેઠકો જીતી ગયા.

***

શિવસેના મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશે તે પહેલાં, શાહબાનોના વિવાદથી પોતાના હિન્દુત્વના ટોપિકને નવજીવન આપવાની તક શિવસેનાને મળી.

ઇન્દોર, મધ્યપ્રદેશની 62 વર્ષીય મુસ્લિમ અને પાંચ બાળકોની માતા શાહબાનોએ તેના પતિ સાથે 1978 માં છૂટાછેડા લીધા હતા. શાહબાનોએ સુપ્રીમ કોર્ટમાં એક ફોજદારી દાવો  (ક્રિમિનલ કેસ) દાખલ કર્યો. શાહબાનોએ તેના પતિ પાસેથી ખાધા-ખોરાકી અને નિર્વાહ ખર્ચ મેળવવાનો અધિકાર માટેનો કેસ જીતી લીધો. જ્યારે શાહબાનોની તરફેણમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે તેનો વિરોધ કર્યો. સમગ્ર દેશમાં રેલીઓ યોજવામાં આવી અને કેન્દ્ર સરકારને સંસદમાં આ વિરુદ્ધ બિલ રજૂ કરવાની ભલામણ કરવામાં આવી. શિવસેના અને ભાજપાએ આ માંગની નિંદા કરી અને તમામ મુસ્લિમ સ્ત્રીઓને ન્યાય માટે સહાય કરી અને સપોર્ટ કર્યો.

જો કે, મહારાષ્ટ્રમાં પણ મુસ્લિમ વિરોધ ચાલુ રહ્યો. લગભગ 35,000 મુસ્લિમ મહિલાઓએ માલેગાંવમાં એક કોન્ફરન્સમાં હાજરી આપી અને સુપ્રિમ કોર્ટના ચુકાદાને વખોડી કાઢવાના ઠરાવને પસાર કર્યો. મુસ્લિમ રાજકારણીઓએ આ ચુકાદો નાબૂદ કરવા માટે અભિયાન ચલાવ્યું. ભારતીય સંસદમાં ઇસ્લામિક રૂઢિચુસ્તતાના દબાણ હેઠળ ચુકાદો પાછો ખેંચવામાં આવ્યો. આ કેસના મહિલા તરફેણમાં આવેલા ચુકાદાની ઘણાં મુસ્લિમોએ નિંદા કરી અને કુરઆનમાં કરવામાં આવેલા વર્ણન કરતા આ ચુકાદો વિરોધી હતો એવું જાહેર કરવામાં આવ્યું.

મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત)ને ભારતીય બંધારણથી અને ભારતીય કાયદાથી ઉપર ઘોષિત કરવામાં આવ્યો ત્યારે શિવસેનાએ હિન્દુઓને ચેતવણી અને સંકેતો આપ્યા કે ભારતની અખંડિતતા માટે જોખમ ઊભું થઈ રહ્યું છે. સૈયદ શાહબુદ્દીને જાહેર કર્યું કે, ‘હું ભારતના ગવર્નમેન્ટ, સંસદ અને સુપ્રીમ કોર્ટને ઇસ્લામના આવશ્યક તત્વોના અર્થઘટન માટે સક્ષમ ગણતો નથી.’ આ સાંભળી શિવસેના પ્રમુખની ભાષા વધુ ઉગ્ર બની અને તેમણે કહ્યું કે આવા લોકોને ફાંસી આપી દેવી જોઈએ. ભારતના માથા પર ‘ઇસ્લામિક બોમ્બ’ લટકી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતા બાળ ઠાકરેએ લખ્યું:

દરેક રાષ્ટ્રમાં માત્ર એક કાયદો છે. પરંતુ આપણા દેશમાં, કાયદાઓ અને નિયંત્રણો હિન્દુઓ માટે છે અને તમામ છૂટછાટો મુસ્લિમો માટે છે. આપણે કેટલો સમય સહન કરીશું? આપણા રાજકારણીઓ ચૂપ છે કારણ કે તેઓ મુસ્લિમ મત ઇચ્છે છે. કાલે હિંદુસ્તાનને સૌથી મુસ્લિમ દેશ જાહેર કરી દેશે. આ રાષ્ટ્રમાં સર્વોચ્ચ શું છે? અદાલત, સંસદ કે ભીંડી બજારના  મુસ્લિમો?

પડઘો

મુસ્લિમ મહિલા કાયદો (The Muslim Women Act) 1986 માં ભારતના સંસદ દ્વારા પસાર કરાયેલ વિવાદાસ્પદ, પણ સીમાચિહ્ન કાયદો હતો. તે કથિત રીતે છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાના અધિકારોનું, અથવા તેમના પતિ પાસેથી છૂટાછેડા લેવા અને આપવા માટે તેની સાથે સંલગ્ન બાબતો માટેનું રક્ષણ કરવાનો કાયદો હતો. શાહબાનો કેસમાં નિર્ણયને રદ કરવા રાજીવ ગાંધી સરકારે આ કાયદો પસાર કર્યો હતો. આ કાયદો જમ્મુ અને કાશ્મીર સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડે છે.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here