ખરાબ શરૂઆત છતાં ટીમ ઇન્ડિયા આજે ન્યુઝીલેન્ડને વર્લ્ડ કપ 2019ની પહેલી સેમીફાઈનલમાં લક્ષ્યની અત્યંત નજીક આવીને હરાવી શક્યું નહીં. ભારતનું વર્લ્ડ કપ જીતવાનું ચાર વર્ષ જૂનું સ્વપ્ન ફરી એકવાર તૂટી ગયું છે.

જો આ રિવ્યુના ટાઈટલમાં sad smiley મુકવાની છૂટ હોત તો ગમે તેટલા સ્માઈલીઝ મૂક્યા હોત તો ઓછા પડત એવી ક્લોઝ મેચમાં ભારત આજે ન્યુઝીલેન્ડ સામે હાર્યું છે. જે રીતની શરૂઆત ભારતીય બેટિંગ લાઈનઅપે કરી હતી ત્યારબાદ જો મોટા માર્જીનથી ભારત હાર્યું હોત તો મેચ હારવાનું દુઃખ એક-બે દિવસમાં ભૂલાઈ ગયું હોત.
પરંતુ તકલીફમાંથી ઉપર આવીને વિજયના આંગણા સુધી પહોંચીને માત્ર 18 રને હાર મળે એ કોઇપણ ભારતીય ક્રિકેટ ફેનના હ્રદયમાં લાગેલી ફાંસ જેવું કામ કરશે અને લાંબા સમય સુધી આ હાર યાદ રહેશે અને દુઃખી પણ કરશે. આમ તો આ મેચ બે દિવસ ચાલી હતી પરંતુ મેચ ખરેખર આજે રમાઈ હોય એવી લાગણી અત્યારે થઇ રહી છે.
ન્યુઝીલેન્ડે ફાઈટીંગ કહી શકાય તેવા 240નો ટાર્ગેટ આપ્યો ત્યારે એક વાત તો નક્કી હતી કે વાદળછાયા વાતાવરણમાં શરૂઆતની દસ ઓવર ભારતીય બેટ્સમેનોએ સંભાળીને રમવાની છે. આ કાર્ય તેમના માટે અઘરું ન હતું કારણકે તેમણે આ સમગ્ર વર્લ્ડ કપમાં આ જ રીતે બેટિંગ કરી હતી. પરંતુ જેમ આ રિવ્યુ સિરીઝમાં અગાઉ ઘણી વખત કહેવાઈ ગયું છે કે સેમીફાઈનલ અને ફાઈનલમાં તમારા આખા વર્લ્ડ કપનું પરફોર્મન્સ કોઈજ માન્યતા ધરાવતું નથી.
આ બંને મેચોમાં તમારો દિવસ સારો હોય તો તમે જીતો અને આજે બદનસીબે ભારતનો દિવસ સારો ન હતો. શરૂઆતની દસ ઓવર્સમાં સંભાળીને રમવાની આખા વર્લ્ડ કપની રણનીતિ આજે જ ધરાશાઈ થઇ ગઈ અને ભારતે સ્કોર બોર્ડ આગળ ફરે એ પહેલાં જ રોહિત શર્મા અને વિરાટ કોહલી સહીત ત્રણ મહત્ત્વની વિકેટો ગુમાવી દીધી હતી.
આ માટે મેટ હેનરીની અદભુત સ્વીંગ બોલિંગ પણ એટલીજ જવાબદાર હતી. પરંતુ દસ ઓવર બાદ બોલ સ્વીંગ થવાનો બંધ થઇ ગયો અને ન્યુઝીલેન્ડના બોલર્સ ખાસકરીને સેન્ટનરે માત્ર લાઈન અને લેન્થનું ધ્યાન રાખીને બોલિંગ કરી. સેન્ટનરે ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને પોતાની જાળમાં ફસાવીને વિકેટો લીધી હતી તે કાબિલે દાદ છે.
તો સામે પક્ષે આ બંને યુવાન બેટ્સમેનોએ પણ એ સમયે બેજવાબદાર શોટ્સ રમ્યા જ્યારે તેઓ ઘણું સારું રમી રહ્યા હતા. આપણે જોયું કે કેવી રીતે રવિન્દ્ર જાડેજાએ પણ સંભાળીને બેટિંગ કરવા છતાં 70+ નો સ્કોર કર્યો હતો કારણકે તેણે જરૂરિયાત ન હતી ત્યારે ખરાબ શોટ નહોતા રમ્યા.
અંગત મતે જાડેજાની વિકેટ અને મહેન્દ્ર સિંહ ધોનીનો માર્ટિન ગપ્તિલ દ્વારા ડાયરેક્ટ હીટ દ્વારા કરવામાં આવેલો અદભુત રન આઉટ આ મેચના બે ટર્નિંગ પોઈન્ટ્સ હતા. મહેન્દ્ર સિંહ ધોની, ભારતના મહાન ક્રિકેટર અને સર્વોત્તમ કેપ્ટનને આજે આપણે કદાચ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઉટ થઈને છેલ્લીવાર પેવેલીયનમાં પરત થતા જોયા છે.
હવે ન્યુઝીલેન્ડ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અથવા ઇંગ્લેન્ડ સામે રમશે, પરંતુ તે એ ફાઈનલ જીતવા માટે ફેવરીટ નથી લાગતું કેમ? એ આપણે શનિવારે એ મેચના પ્રિવ્યુ વખતે જાણીશું. અત્યારે તો બ્લેક કેપ્સને ઓલ ધ બેસ્ટ કહી દઈએ?
અને જતાં જતા, જો તમે આ આર્ટિકલ વાંચી રહ્યા હોવ અને તમે પોતાને ટીમ ઇન્ડિયાના ફેન ગણાવતા હોવ તો મહેરબાની કરીને સોશિયલ મિડિયા પર આપણા ક્રિકેટરોની ગંદી અને ભદ્દી મજાક ન ઉડાવશો. આપણે આ વર્લ્ડ કપમાં ઘણું સારું રમ્યા છીએ, હા આજે આપણે ભૂલ કરી છે, માફ ન થાય એવી ભૂલો કરી છે પણ તેની યોગ્ય કે પછી કડક શબ્દોમાં ટીકા થવી જોઈએ નહીં કે આપણા ખેલાડીઓ જેમણે સતત બીજા વર્લ્ડ કપમાં આપણને સેમીફાઈનલમાં પહોંચાડ્યા છે તેમનું અપમાન કરવું જોઈએ,
eછાપું