ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ આ બન્ને હાલમાં એક સરખી શક્તિ ધરાવતી ટીમો છે. પહેલી નજરે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ વધુ મજબૂત લાગી શકે છે પરંતુ સેમીફાઈનલમાં કશું પણ થઇ શકવાની શક્યતા મેચને વધુ રસપ્રદ બનાવશે.

પહેલી સેમીફાઈનલમાં પોઈન્ટ્સ ટેબલમાં ચોથા નંબરે રહેલી ન્યુઝીલેન્ડની ટીમે પહેલા નંબર પર રહેલી ટીમ ભારતને હરાવીને એ હકીકતને ફરીથી સાબિત કરી હતી કે લીગ મેચોનું મહત્વ નોકઆઉટ મેચોમાં બિલકુલ નથી રહેતું. નોકઆઉટ મેચો એટલેકે ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલ એ મેચોનો સ્વભાવ જ અલગ હોય છે. આ વર્લ્ડ કપની એક લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને હરાવ્યું હતું અને આજે બીજી સેમીફાઈનલમાં આ બંને ટીમો બર્મિંગહામના એજબેસ્ટનમાં આમને સામને હશે.
નોક આઉટ મેચોનું જ લોજીક આગળ વધારીએ તો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતવા માટે ફેવરીટ ભલે હોય પરંતુ તેની જીતની કોઈજ ગેરંટી ન લઇ શકાય. વળી ઇંગ્લેન્ડનો દેખાવ સમગ્ર વર્લ્ડ કપમાં માત્ર બે મેચો સિવાય ઘણો સારો અને સાતત્યપૂર્ણ રહ્યો છે. ઇંગ્લેન્ડ આ વર્લ્ડ કપમાં માત્ર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે જ હાર્યું હતું. પરંતુ ઓસ્ટ્રેલિયા તેની છેલ્લી લીગ મેચ વર્લ્ડ કપમાંથી પહેલેથી જ બહાર ફેંકાઈ ગયેલા સાઉથ આફ્રિકા સામે હાર્યું છે જેનો રંજ આ મેચમાં પણ શરૂઆતમાં તેની સાથે જ હશે.
ઓસ્ટ્રેલિયાની તકલીફ લગભગ ભારત જેવી જ છે. માત્ર એક કે બે બેટ્સમેન પર ટીમના દેખાવનો સમગ્ર મદાર છે. ડેવિડ વોર્નર અને એરન ફિન્ચ આ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાના સહુથી સફળ બેટ્સમેન રહ્યા છે, પરંતુ ત્યારબાદ સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ કે અન્ય બેટ્સમેનો સતત સારો દેખાવ કરી શક્યા નથી. હા વિકેટકીપર એલેક્સ કેરીએ જરૂર પડે ઘણો સારો દેખાવ કર્યો છે.
ભારતની જેમજ ઓસ્ટ્રેલિયાનો પણ બોલિંગ એટેક અત્યંત અસરકારક રહ્યો છે. માઈકલ સ્ટાર્ક અદભુત ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાને કદાચ ઉસ્માન ખવાજાની ખોટ સાલસે પરંતુ કોચ જસ્ટિન લેંગરે સ્પષ્ટ રીતે કહ્યું છે કે પીટર હેન્ડ્સકોમ્બ જે ઈજાગ્રસ્ત ખેલાડીઓના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં આવ્યો છે તે 100% રમશે જ!
બીજી તરફ ઇંગ્લેન્ડ જેમ આગળ કહ્યું તેમ શાનદાર દેખાવ કર્યા છતાં વચ્ચે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે મેચ હાર્યા બાદ સેમીફાઈનલમાં પહોંચવાની તેની શક્યતાઓમાં ઘટાડો થઇ ગયો હતો. તેમ છતાં ભારત અને ન્યુઝીલેન્ડને સતત બે મેચોમાં હરાવીને તેણે સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે આથી ટીમના ખેલાડીઓનો આત્મવિશ્વાસ ખુબ ઉંચો હશે.
ઇંગ્લેન્ડ હજી સુધી પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ જીતી શક્યું નથી અને આ સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે શક્ય લાગતી જીત મેળવીને દેશને પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવવો એ તેના ખેલાડીઓ માટે સહુથી મોટી પ્રેરણાદાયી હકીકત છે.
પરંતુ, જેવું ભારત સાથે બન્યું તેમ ઇંગ્લેન્ડ સાથે પણ બની શકે છે. તેનું મુખ્ય લક્ષ્ય તો આ મેચ જીતવાનું રહેશે અને ઓસ્ટ્રેલિયા સામે તે ભલે એક મેચ હારી ગયું હોય પરંતુ આ મેચમાં તે તેને યોગ્ય ફાઈટ જરૂર આપશે તે તો નક્કી જ છે.
eછાપું