રવિવારે લંડનના પ્રખ્યાત લોર્ડ્સના મેદાન પર આ વખતના વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. ભલે આપણી ટીમ આ ફાઈનલ ન રમતી હોય પરંતુ ફાઈનલને ચટાકેદાર વાનગીઓથી જોવાની મજા તો અલગ જ હશે.
ટીમ ઇન્ડિયા ભલે વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં પહોંચી ન શક્યું પરંતુ વર્લ્ડ કપની ફાઈનલ જોવાનો રોમાંચ અને આનંદ અનોખો હોય છે. આ મેચ દર ચાર વર્ષે રમાતી હોય છે એટલે બંને ટીમો જીતને યાદગાર બનાવવા માટે પોતાની તમામ શક્તિ નીચોવી દેતી હોય છે.
ટૂંકમાં કહીએ તો વર્લ્ડ કપની ફાઈનલ ગમે તે ટીમ રમે પણ તેનો રોમાંચ તો અનોખો હોય જ છે. આજે આપણે એવી સરળ વાનગીઓ શીખીશું જે ફાઈનલ જોતા જોતા તરત જ બનાવી શકાય અને ઘરના સભ્યો મેચ જોતા જોતા તેનો ભરપૂર રસાસ્વાદ લઇ શકશે.
ચીઝી પોટેટો રાઉન્ડ્સ

સામગ્રી:
3 મોટા બટાકા, ½ ઇંચ જાડા પતીકાં કરેલા
2 ટેબલસ્પૂન તેલ, ભાગમાં વહેંચેલું
મીઠું અને મરી, સ્વાદમુજબ
ટોપિંગ માટે:
2 ટેબલસ્પૂન સમારેલી ડુંગળી
1 કપ બાફેલા નાના રાજમા
1 કપ મકાઈનાં દાણા, બાફેલા
½ કપ સમારેલા ટામેટાં અને લીલા મરચાં
½ ટીસ્પૂન મરચું પાવડર
2 કપ છીણેલું ચીઝ
સર્વ કરવા માટે સાલ્સા સોસ, દહીંનો મસ્કો
રીત:
- સૌથી પહેલા ઓવનને 180 ડીગ્રી પર પ્રીહિટ કરી લો, તથા બે બેકિંગ ટ્રેને ગ્રીઝ કરી તેના પર બટાકાના પતીકા એક જ લેયરમાં ગોઠવી દો.
- તેના પર હલકા હાથે તેલ લગાડી અને ઉપર મીઠું અને મરી નાખી બટાકાને લગભગ 25 થી ૩૦ મિનીટ માટે, કાંટો નાખતા તૂટે ત્યાંસુધી બેક થવા દો.
- બટાકા બેક થાય ત્યાંસુધી, એક પેનમાં લગભગ એક ટેબલસ્પૂન જેટલું તેલ લઇ તેને ગરમ કરો. હવે તેમાં ડુંગળી, રાજમા, ટામેટા, લીલા મરચા અને મકાઈના દાણા ઉમેરી, તેમાં લાલ મરચું પાઉડર, જરૂરમુજબ મીઠું અને મરી ઉમેરી દસેક મિનીટ સુધી પકવો. ગેસ બાંધી કરી, બાજુમાં રહેવા દો. ઠંડુ થવા દો.
- સહેજ ઠંડુ થાય એટલે તેમાં અડધું ચીઝ ઉમેરી બરાબર ભેળવી દો.
- બટાકા ઓવેનમાંથી કાઢી, તેના પર આ મિશ્રણ લગાવી, ઉપર બાકીનું ચીઝ ભભરાવી, બીજી 5 મિનીટ માટે કે ચીઝ પીગળે ત્યાંસુધી ઓવનમાં મૂકો.
- દહીંના મસ્કા અને સાલ્સા સોસ સાથે પીરસો.
ફ્રેંચ બ્રેડ પિઝ્ઝા

સામગ્રી:
2 ફ્રેચ બ્રેડ રોલ અથવા ગાર્લિક બ્રેડ રોલ
મેરિનારા સોસ, જરૂર મુજબ
1 કપ મોઝરેલા ચીઝ
2 ટેબલસ્પૂન બટર
સમારેલા ઓલીવ્સ અથવા અન્ય કોઈપણ પિઝ્ઝા ટોપીંગ્સ
રીત:
- ઓવનને ૧૮૦ ડીગ્રી પર પ્રી-હીટ કરો.
- ગાર્લિક બ્રેડ રોલમાંથી જરૂરમુજબ બ્રેડ સ્લાઈસ કાપીને એક ગ્રીઝ કરેલી બેકિંગ ટ્રેમાં ગોઠવો.
- દરેક સ્લાઈસ પર પહેલા બટર લગાવો, ત્યારબાદ મેરીનારા સોસ પાથરો. તેની ઉપર ચીઝ અને પિઝ્ઝા ટોપીંગ્સ ઉમેરો.
- ઓવનમાં ૨૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડ પર, ચીઝ પીગળીને સોનેરી રંગનું થાય ત્યાંસુધી બેક કરો.
- મેચ જોતા જોતા ગરમાગરમ ખાઓ.
બ્રાઉની

સામગ્રી:
½ કપ ઘી
1 ½ કપ ખાંડ
1 ટીસ્પૂન વેનીલા એસેન્સ
½ કપ કોકો પાઉડર
½ કપ છૂંદેલા કેળાં
100 ગ્રામ પીગાળેલી ચોકલેટ
1 ટીસ્પૂન મીઠું
1 ½ કપ મેંદો
૧ કપ ચોકલેટ ચિપ્સ
રીત:
- ઓવનને 180 ડીગ્રી પર ગરમ કરો અને એક 9” × 9“ ની બેકિંગ પેન ગ્રીઝ કરીને તૈયાર કરો.
- એક બાઉલમાં ઘી અને ખાંડ મિક્સ કરો. ખાંડ ઓગળે એટલે તેમાં વેનીલા એસન્સ, કોકો પાઉડર અને કેળાનો છૂંદો ઉમેરી મિક્સ કરો. તેમાં પીગાળેલી ચોકલેટ અને મીઠું ઉમેરીને સ્મૂધ થાય ત્યાંસુધી મિક્સ કરો. તેમાં ધીરે ધીરે મેંદો ઉમેરો અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને મિશ્રણને બરાબર ફોલ્ડ કરો.
- તૈયાર મિશ્રણને બેકિંગ પેનમાં ઉમેરી 25 થી ૩૦ મિનીટ માટે બેક કરો.
- સહેજ ઠંડુ પડે એટલે બ્રાઉનીનાં ટુકડા કરીને સર્વ કરો.
eછાપું