ઓસ્ટ્રેલિયાને તમામ ક્ષેત્રોમાં જબરદસ્ત માત આપીને અને લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાના હાથે મેળવેલા પરાજયનો બદલો લઈને ઇંગ્લેન્ડ લગભગ 17 વર્ષે વર્લ્ડ કપ ફાઈનલમાં આવ્યું છે.

2011ની વર્લ્ડ કપ ફાઈનલમાં જ્યારે ભારત આવ્યું હતું ત્યારે તેને છેલ્લા ફાઈનલ પ્રવેશ બાદ એક દાયકો પણ નહોતો વીત્યો. પરંતુ ભારત છેલ્લે છેક 1983માં વર્લ્ડ કપ જીત્યું હતું એટલે ભારતના ક્રિકેટ ફેન્સ 28 વર્ષે ભારત ઈતિહાસ દોહરાવે એવી પ્રાર્થના કરી રહ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તો ક્યારેય 50 ઓવર્સનો વર્લ્ડ કપ જીત્યું જ નથી!
સેમીફાઈનલમાં જે રીતે ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે પ્રોફેશનલ પરફોર્મન્સ દેખાડ્યું છે તેનાથી તો એવું અત્યારથી જ લાગી રહ્યું છે કે 2019નો વર્લ્ડ કપ જીતવાનું તે એકમાત્ર દાવેદાર છે. જો કે ન્યુઝીલેન્ડને ઇંગ્લેન્ડ પણ હળવાશથી નહીં લે એ એટલું જ સત્ય છે પરંતુ સંપૂર્ણ પ્રભુત્વ સાથે જીતેલી સેમીફાઈનલથી ઈંગ્લેન્ડની ટીમનું મનોબળ જરૂર ઊંચું હશે.
પહેલા તો ઓસ્ટ્રેલિયાના ટોપ ઓર્ડરની ફટાફટ વિકેટો લઈને ઈંગ્લીશ બોલર્સે જીતનો પાયો નાખી દીધો હતો. સ્ટિવ સ્મિથ અને એલેક્સ કેરીએ ટીમને જરૂરી મજબૂતી જરૂર આપી પરંતુ કેરી અને માર્કસ સ્ટોઈનીસના એક જ ઓવરમાં આઉટ થવાથી ઓસ્ટ્રેલિયાના 250ની આસપાસ ટાર્ગેટ મુકવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. જો કે ઇંગ્લેન્ડે જે રીતે બેટિંગ કરી તે જોતાં 250 રનનો ટાર્ગેટ પણ તેને કદાચ ઓછો પડત.
ઇંગ્લેન્ડના બેટ્સમેનો ખાસકરીને જેસન રોય અને જોની બેરસ્ટોએ જે રીતની ફટાફટ શરૂઆત ઇંગ્લેન્ડને આપી તેને લીધે 275નો ટાર્ગેટ પણ ઇંગ્લેન્ડ આસાનીથી પાર કરી જાત. માઈકલ સ્ટાર્ક જેના પર ઓસ્ટ્રેલિયાની સહુથી વધુ આશા હતી એ જ જ્યારે 7 રન પ્રતિ ઓવરથી રન આપે ત્યારે એ મેચ હારી જવા સિવાય તેની પાસે બીજો વિકલ્પ પણ શું હોઈ શકે?
અહીં સમગ્ર વર્લ્ડ કપ દરમ્યાન અમ્પાયરિંગના નીચે જતા સ્તરની પણ ચર્ચા કરવી રહી. જે રીતે જેસન રોયને કુમાર ધર્મસેના જેવા વરિષ્ઠ અમ્પાયરે આઉટ આપ્યો તે ઘટના ICC માટે શરમજનક રહી હતી. આ વર્લ્ડ કપમાં અને ખાસકરીને ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝની મેચમાં અમ્પાયરિંગનું સ્તર અત્યંત નબળું રહ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી અને ખાસકરીને જ્યારથી રિવ્યુ સિસ્ટમ અમલી બની છે ત્યારથી અમ્પાયર્સ સતત ખોટા નિર્ણયો આપતા રહ્યા છે કારણકે તેમને માનસિક શાંતિ થઇ ગઈ છે કે તેઓ જો ખોટો નિર્ણય આપશે તો પણ છેવટે તો ટેક્નોલોજી બેટ્સમેન કે બોલર્સને બચાવી જ લેશે!
મેચ બાદ ઓસ્ટ્રેલિયાના કપ્તાન એરન ફિન્ચે બિલકુલ સાચું કહ્યું હતું કે પહેલા બોલથી જ ઇંગ્લેન્ડ અમારા કરતા બહેતર ક્રિકેટ રમ્યું હતું અને તેણે અમને ગેમમાં ક્યારેય આવવા દીધા ન હતા. ઇંગ્લેન્ડ જે ટુર્નામેન્ટની શરૂઆતથી જ વર્લ્ડ કપ જીતવા માટે સહુથી ફેવરીટ હતું તે વચ્ચે પોતાનો માર્ગ ભટકી ગયું હતું અને સેમીફાઈનલમાં પહોંચવાની આશા પણ ધૂંધળી થઇ ગઈ હતી ત્યારે તેની ક્ષમતા પર પ્રશ્નાર્થ લાગી ગયો હતો.
પરંતુ જે રીતે ઇંગ્લેન્ડ છેલ્લી ત્રણ મેચ રમ્યું છે તેણે તેને ફરીથી વર્લ્ડ કપ જીતવા માટે ફેવરીટ કરી દીધું છે. લોર્ડ્ઝ એ માત્ર ક્રિકેટનું જ કાશી નથી પરંતુ ઈંગ્લીશ ક્રિકેટનું પણ ઘર છે. અહીં રમવું અને એ પણ વર્લ્ડ કપની ફાઈનલમાં રમવું એ કોઇપણ ઈંગ્લીશ ખેલાડી માટે ગર્વની વાત છે. આ વેન્યુ પર પોતાનો સહુથી પહેલો પચાસ ઓવર્સનો વર્લ્ડ કપ જીતવો એ આ ઈંગ્લીશ ટીમના તમામ ખેલાડીઓને ઇતિહાસમાં અમર બનાવી દેશે તેની તમામને ખબર છે. આથી ન્યુઝીલેન્ડ સામે પણ ઇંગ્લેન્ડ પોતાનું સર્વસ્વ હોમી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
eછાપું