હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (19): મુંબઈની બહાર શિવસેનાનો વ્યાપ

0
411
Photo Courtesy: starsunfolded.com

માત્ર મરાઠી ભાવનાઓ સાથે સંકળાયેલા રહીને રાષ્ટ્રીય સ્તરે શિવસેના કાઠું કાઢી શકશે નહીં તે બાળાસાહેબ ઠાકરે બરોબર સમજી ચૂક્યા હતા અને આથી જ તેમણે શિવસેનાને પહેલા મહારાષ્ટ્રમાં મુંબઈની બહાર ફેલાવવાના પ્રયાસો શરુ કરી દીધા.

Photo Courtesy: starsunfolded.com

જ્યાં સુધી શિવસેનાનો અજેન્ડા આક્રમક મરાઠીવાદ સુધી મર્યાદિત હતો ત્યાં સુધી મુંબઈ, ઠાણે અને કદાચ પુણેની મર્યાદિત હદ બહાર તેમનો વ્યાપ શક્ય ન હતો. મરાઠી વતનીઓ અને સ્થળાંતર કરનારા બિન-મરાઠીઓના મુદ્દાઓ આ વિસ્તારો સુધી મર્યાદિત હતા. મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં, મરાઠી બોલતા લોકો સારી એવી બહુમતી ધરાવતા હતા, તેથી મરાઠી પત્તુ ત્યાં કામ કરે એમ ન હતું. મુંબઇ અને ઠાણેમાં એક મુકામ પર પહોંચ્યા પછી શિવસેનાને તેના પાયાને વિસ્તૃત કરવાની જરૂર હતી.

નવેમ્બર 1985 માં શિવાજી મહારાજના સામ્રાજ્યની રાજધાની રાયગઢના મહાડમાં શિવસેનાએ પોતાનું બીજું રાજ્યવ્યાપી મહાસંમેલન (અધિવેશન) આયોજીત કર્યુ.

કોંકણને ગ્રામીણ વિસ્તારોમાં શિવસેનાના પ્રયોગ માટે સૌ પ્રથમ પસંદ કરવામાં આવ્યું હતું કારણ કે આ પ્રદેશની મુંબઈ સાથે ઓલરેડી સામાજિક અને આર્થિક લીંક હતી. મુંબઈના મોટાભાગના મિલ મજૂરો અહીંથી આવતા. તેમના પરિવારોને શિવસેના વિશે પહેલેથી ખબર હતી. બીજા ગ્રામીણ વિસ્તારો કરતા શિવસેના વિશે કોંકણના લોકો વધુ જાણતા હતા, માટે ઠાકરેએ નક્કી કર્યું કે અન્ય કોઈ જગ્યાએ હાથ નાખવા પહેલાં કોંકણમાં શરૂઆત કરવી જોઈએ.

અધિવેશન માટેનું સૂત્ર હતુંઃ आता घौड दौड महाराष्ट्रात. મોટાભાગના કાર્યો મુંબઈના નવા નિયુક્ત મેયર, છગન ભુજબળ દ્વારા સંચાલિત કરવામાં આવ્યા હતા. શિવસેનાને મુંબઈમાં મળેલા આત્મવિશ્વાસના સહારે, ભુજબળે રાજ્યના ચાર મુખ્ય ક્ષેત્રોમાં કૂચ કરી: કોંકણ, ઉત્તર મહારાષ્ટ્, મરાઠવાડા અને વિદર્ભ.

જ્યારે બાબરી મસ્જિદ-રામ જન્મભૂમીનો મુદ્દો 1986 માં બહાર આવ્યો ત્યારે શિવસેનાએ ભાજપા સાથે નાશિકમાં રથયાત્રા ગોઠવવાનું નક્કી કર્યું. નાશિક અને પંચવટીનું રામ-ધરતી તરીકેનું ખાસ મહત્વ હતું. રથાયાત્રાને મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાંથી પસાર થવાની મંજૂરીને આગ્રહ કર્યો હતો, પરંતુ હુલ્લ્ડો કે રમખાણોના ડરથી ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો.

આ યાત્રા ગુડી પાડવાના દિવસે યોજવામાં આવી જે મરાઠી નવું વર્ષ તરીકે પણ ઉજવાય છે. છગન ભુજબળે પોલીસના પ્રતિબંધની વિરુદ્ધ જઈને પણ પોતાની ગરદનની આસપાસ રામની ફોટો-ફ્રેમ લટકાવીને આ યાત્રાને આગળ ધપાવી. ત્યારે તો કંઈ અજુગતુ ન બન્યું પણ એ પછી શિવજયંતીની ઉજવણીના દિવસે નાંદેડમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો અને અથડામણ શરૂ થયા. બીડ જિલ્લામાં અને ઔરંગાબાદમાં આ હુલ્લ્ડોનો ફેલાવો થયો. મુંબઈ નજીક પનવેલમાં પણ, સાંપ્રદાયિક ઉશ્કેરણીની આગ શિવજયંતીના દિવસે જ ફાટી નીકળી.

ગ્રામીણ વિસ્તારોમાં શિવસેનાની ઝડપી વૃદ્ધિનો માર્ગ શરદ પવાર દ્વારા જ સાફ કરવામાં આવ્યો હતો. છગન ભુજબળની વાવાઝોડા જેવી મહેનત અને પ્રચાર આંદોલન શિવસેનાને મહારાષ્ટ્રના આંતરિક ભાગમાં લઇ જવામાં અતિશય મદદરૂપ રહ્યા. છગન ભુજબળના અલગ અલગ સ્ટન્ટ્સ અને નાંદેડ-નાશિક-પનવેલમાં થયેલી હિંસાએ ગ્રામીણ લોકોને નવી ‘હિન્દુઓની શિવસેના’ના દર્શન કરાવ્યા.

મરાઠવાડામાં સાત જિલ્લાઓનો સમાવેશ થાય છે – ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, બીડ, પરભણી, નાંદેડ, જાલના અને લાતુર. મધ્યયુગના કાળમાં આ વિસ્તાર મરાઠી ભાષા અને સાહિત્ય માટે અતિશય મહત્ત્વનો હતો. સંત-કવિ જ્ઞાનેશ્વર અને એકનાથ પૈઠણના, સમર્થ રામદાસ જાંબના, અને મુકુંદરાજ અને દાસોપંત અંબેજોગાઈના હતા. આ સંત-કવિઓ જાતિથી ઘેરાયેલા હિન્દુ સમાજમાં સામાજિક જોડાણ લાવ્યા, પરંતુ નિઝામના શાસન દરમિયાન, ઉર્દૂને સત્તાવાર ભાષા તરીકે જાહેર કરીને જાહેર જીવનમાં મુસ્લિમ વર્ચસ્વ વધારી મરાઠી લોકોના સાંસ્કૃતિક વિકાસને ગૂંગળાવવાની પૂરી કોશિશ કરવામાં આવેલી. નિઝામના શાસનનો મરાઠવાડાના રાજકીય જીવન પર મોટો પ્રભાવ પડ્યો હતો, અને એ યુગની ઊંડી નફરતથી સ્થાનિક લોકોએ પસ્તાવો કર્યો. શિવસેનાના હિન્દુત્વ અવતારનું સ્વાગત આ પ્રદેશના લોકો દ્વારા કરવામાં આવ્યું.

નવેમ્બર 1986 માં શિવસેનાએ ‘ભગવા સપ્તાહ’ની જાહેરાત કરી જેથી સમગ્ર રાજ્યમાં તેની તરફેણમાં જાહેર અભિપ્રાય એકત્ર થાય. ઠાકરેએ પાર્ટીના નેતા અને કૉર્પોરેટર્સને દરેક ગામ-વિસ્તારમાં શિવસેનાના પ્રચાર માટે પ્રવાસ કરવા કહ્યું. મનોહર જોશીએ રાયગઢ જીલ્લાનો પ્રવાસ કર્યો; છગન ભુજબળને નાશિક મોકલવામાં આવ્યા હતા; મધુકર સરપોતદાર ઔરંગાબાદ ગયા; મજૂર મોરચાના વડા દત્તાજી સાળવીએ રત્નાગીરીનો પ્રવાસ કર્યો; સુધિર જોશી પૂણે ગયા; સુભાષ દેસાઇએ જલગાંવનો પ્રવાસ કર્યો; વામનરાવ મહાડીકને સિંધુદુર્ગ મોકલવામાં આવ્યા હતા; અને પ્રમોદ નવલકરે સાતારા અને સાંગલી જીલ્લાની મુલાકાત લીધી.

મરાઠવાડામાં સભ્યપદ માટેની મોહીમ શરૂ કરવામાં આવી. કોંકણ અને ઉત્તર મહારાષ્ટ્માં શિવસેનાએ એવો દાવો કર્યો હતો કે ‘ભગવા સપ્તાહ’ને કારણે 20000 થી વધુ શાખાઓનો વિકાસ થયો. મોટાભાગના રાજકીય નિરીક્ષકોએ આ એક અતિશયોક્તિ તરીકે ઓળખાવી પણ શિવસેના આગળ વધતી જ રહી.

ડિસેમ્બર 1987 માં મુંબઈની વિલેપાર્લે વિધાનસભા મતદાનની બેઠક દ્વારા શિવસેનાના આક્રમક હિંદુત્વની ઝુંબેશને કારણે લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લી ચાર ચૂંટણીઓમાં, વિલેપાર્લેમાં બિન-મરાઠી બોલનારા લોકોના વર્ચસ્વને કારણે શિવસેનાએ કોઈ ઉમેદવાર ઊભા કર્યા નહોતા. પરંતુ પોતાના હિન્દુ કાર્ડની ચકાસણી કરવા માટે, 1987માં ઉમેદવાર તરીકે ડૉ. રમેશ પ્રભૂને ઊભા કર્યા. પ્રભૂ સામે જનતા દળના પ્રાણલાલ વોરા અને કોંગ્રેસના પ્રભાકર કુંટે હતા. ભાજપા હજુ પણ ‘ગાંધીવાદી સમાજવાદ’નો મંત્ર પ્રગટ કરી રહી હતી, અને શિવસેનાની હારને સુનિશ્ચિત કરવા માટે, તેણે જનતા દળના વોરાને જ સપોર્ટ કર્યો.

હિન્દુ લાગણીઓને આકર્ષવા માટે શિવસેનાએ મિથુન ચક્રવર્તી અને નાના પાટેકર જેવા ફિલ્મસ્ટારોને મેદાનમાં ઊતાર્યા. એ ચૂંટણીમાં ‘गर्व से कहो हम हिंदु है।’ નું સૂત્ર વિકસવવામાં આવ્યું. હિન્દુત્વને પુનર્જીવિત કરનાર આ સૂત્રના બેનરો ફક્ત વિલેપાર્લેમાં નહીં પરંતુ સમગ્ર મુંબઇમાં મૂકવામાં આવ્યા. બાળાસાહેબ ઠાકરેએ પણ હવે ખુલ્લમ ખુલ્લા સાંપ્રદાયિક માર્ગ અપનાવ્યો. પોતાના ભાષણોમાં પણ તેઓ બોલતાં – “ખાલિસ્તાનીઓ તમારી પાસે આવશે. મુસલમાનો તમારી પાસે આવશે. હિન્દુઓ, તમે શું કરશો? પોલીસ કે સરકાર તમને બચાવશે નહીં.”

શિવસેનાની આવી ઝુંબેશને જોતાં મુખ્યમંત્રી ચવ્હાણે પણ કોંગ્રેસના ઉમેદવાર પ્રભાકર કુંટે માટે વ્યાપક અભિયાન ચલાવ્યું. કુંટે ભૂતપૂર્વ ગૃહમંત્રી હતા અને પોતાના મંત્રી કાર્યકાળ દરમિયાન ઝૂંપડપટ્ટી રહેવાસીઓને ‘ફોટો પાસ’ આપવા માટે જાણીતા હતા. એ વાતના આધારે કુંટેએ ઝૂંપડપટ્ટીમાં સુધારા અને શહેરના વિકાસને પોતાના અભિયાનના હથિયારો બનાવ્યા. જનતા દળના પ્રાણલાલ વોરાના સપોર્ટમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ અને ડૉ. દત્તા સામંત જેવા દિગ્ગજ નેતાઓ આવ્યા. વોરાએ પોતાના મતદારક્ષેત્રમાં 50000 જેટલાં ગુજરાતી સમુદાયને આકર્ષવાનો પ્રયાસ કર્યો. શિવસેનાએ ગુજરાતના અગ્રણી ધાર્મિક પ્રવક્તા શંભુ મહારાજની ઉમેદવારના પ્રચાર કરવા માટે મદદ લીધી અને ‘મરાઠીઓની સરસ્વતી અને ગુજરાતીઓની લક્ષ્મી’ ના સંયોજન પર ભાર મૂક્યો.

પણ ચૂંટણીના પરિણામ જોઈને કોંગ્રેસ અને ચવ્હાણને આઘાત લાગ્યો: શિવસેનાના ઉમેદવારને 29574 મત મળ્યા અને કોંગ્રેસના ઉમેદવારની સામે 10791 ની જીત મેળવી. જનતા દળના વોરાને માત્ર 13928 મત મળ્યા.

30 અને 31 ડિસેમ્બર, 1988 ના રોજ પુણેમાં શિવસેનાની પોતાનું ત્રીજુ રાજ્યસ્તરીય અધિવેશનનું અયોજન કર્યુ, જેમાં 40000 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. અધિવેશનનું સ્થળ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યું હતું. 1984 માં મુંબઈમાં પ્રથમ અધિવેશન પછી, શિવસેનાએ મુંબઇ અને ઠાણે પર પોતાનો કબજો એકત્રિત કર્યો. મહાડના બીજા અધિવેશન પછી કોંકણ અને મરાઠવાડામાં પ્રવેશ કર્યો હતો, અને હવે પુણેમાં આ ત્રીજા સંમેલન સાથે, મહારાષ્ટ્રના પશ્ચિમી અને દક્ષિણ ભાગોને લક્ષ્ય બનાવવાના હતા. બાળાસાહેબ ઠાકરેએ આ જાહેર રેલીમાં 10 ઠરાવ પસાર કર્યા. સૌથી મહત્વપૂર્ણ: ભારતનું નામ બદલીને ‘હિંદુસ્તાન’ કરવું. અન્ય ઠરાવ ગ્રામીણ મતને અનુલક્ષીને હતાઃ કૃષિ પેદાશો માટે ઊંચા ભાવોની માંગ, પાંચ આવશ્યક કોમોડિટીઝના ભાવો પર રોક, બધાં જ પવિત્ર હિન્દુ સ્થળોને સરકાર ટેકઓવર કરે અને રાજ્ય ખર્ચ પર તેમની જાળવણી થાય, ઔદ્યોગિક કામગારો માટે પેન્શન યોજના, મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદી વિવાદને ઉકેલવા રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને અપીલ કરે એવી માંગ, વગેરે વગેરે.

23 જાન્યુઆરી, 1989 ના રોજ, પોતાના જન્મદિવસે બાળાસાહેબ ઠાકરેએ પોતાને જ એક પેપર ટાઈગર ભેટ તરીકે આપ્યો. જેનું નામ હતું – ‘સામના!’

સામના એક દૈનિક અખબાર છે. જેમ જેમ શિવસેનાએ તેની પહોંચ લંબાવી તેમ, માર્મિક એ વિકાસ અને ટીકાઓ પ્રત્યેની પ્રતિક્રિયાઓનો પ્રચાર પ્રસારિત કરી શકતો ન હતો. એક દૈનિક અખબારની જરૂરિયાત ઊભી થઈ રહી હતી. સામનાનો જન્મ કોંગ્રેસના શાસનને હટાવવા જરૂરી એવા બળવા માટે જ થયો હતો.

પડઘો

જાતિ અને પરિવારવાદના એ વખતેના ઉદાહરણોઃ

કોંગ્રેસમાં યશવંતરાવ ચવ્હાણ દ્વારા મરાઠા-કણબી જાતિનું પ્રભુત્વ સ્થાપવામાં આવ્યું હતું. જો કે, એમ કહેવું ખોટું રહેશે કે કોંગ્રેસે વિવિધ મરાઠા નેતાઓની એકતા અને તેની સાથે મરાઠા-કણબી જાતિ દ્વારા બતાવવામાં આવેલી એકતાને કારણે જ રાજ્ય પર પોતાની પકડ જાળવી રાખેલી. સામ્યવાદી પાર્ટી, ખેડૂતો અને કામદારના પક્ષ, લાલ નિશાન અથવા સોશિયાલિસ્ટ પાર્ટી, આ દરેક મરાઠા-કણબી અને બહુજન સમાજની આસપાસ જ કેન્દ્રિત કરવામાં આવી હતી. તેથી માત્ર કૉંગ્રેસ જ નહીં, મહારાષ્ટ્રના લગભગ તમામ પક્ષોએ મરાઠા-કણબી સમાજના રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

પરંતુ મરાઠા-કણબીમાં પણ ભ્રમણા ધીમે ધીમે સ્થપાઈ રહી હતી. તેઓ આસપાસના રાજવંશીય શાસનને જોઈ શકતા હતા: સાંગલીના પાટીલ, પુસદના નાઇક, નાશિકના હાયર, લાતુરના દેશમુખ, અને નાંદેડના ચવ્હાણ. આ દરેક જાતિઓ પોતાના પારિવારિક નિયમો બનાવતાઃ પિતા એમ.એલ.એ. તરીકે, પુત્ર ખાંડ ફેક્ટરીના અધ્યક્ષ તરીકેર, ભાઈ જિલ્લાપરિષદના  પ્રમુખ તરીકે, અને બહેનો અને પત્નીઓ જિલ્લા બેંકોના અધ્યક્ષ તરીકે!

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here