વિક્રમ: કાર્ય કરવાના કલાકોના મામલે લોકસભાએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો!

0
228
Photo Courtesy: YouTube

હાલમાં ચાલી રહેલા બજેટ સત્રએ કામકાજ કરવાના મામલે છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. આ સત્રમાં એવા બે ખાસ દિવસો હતા જ્યારે લોકસભાએ મધ્યરાત્રી પછી પણ પોતાનું કામકાજ ચાલુ રાખ્યું હતું.

Photo Courtesy: YouTube

નવી દિલ્હી: 17મી લોકસભાના પ્રથમ સત્રએ કામકાજ કરવાના કલાકોની સંખ્યાના મામલે તેનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. PRS દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર 16મી જુલાઈ સુધી આ સત્રમાં 125% જેટલું કામ લોકસભા દ્વારા કરવામાં આવ્યું છે.

આ અગાઉ 2016ના બજેટ સત્રમાં અને 2014ના શિયાળુ સત્રમાં લગભગ 125% જેટલું કામ કરવામાં આવ્યું હતું જે એક રેકોર્ડ હતો. 11મી જુલાઈએ રેલવે મંત્રાલયની માંગ બાબતે સહુથી લાંબી ચર્ચા કરવામાં આવી હતી આ દિવસે લોકસભા મધ્યરાત્રી સુધી ચર્ચા કરી રહી હતી જેમાં પક્ષ અને વિપક્ષ બંનેના સંસદ સભ્યોએ ભાગ લીધો હતો.

આ જ દિવસે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહના સેક્રેટરીએટને સવારે 3 વાગ્યા સુધી સંસદ સભ્યોને પોતપોતાના નિવાસસ્થાને મોકલવાની વ્યસ્થા કરવાનું જણાવ્યું હતું. ગત મંગળવારે પણ લોકસભા મધ્યરાત્રી સુધી ચાલી રહી હતી.

આ સત્રમાં રેકોર્ડતોડ કામગીરી થઇ હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવો સંકેત આપ્યો છે કે જો જરૂર પડશે તો આ સત્ર લંબાવવામાં આવી શકે તેમ છે. આ પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે હવે પછીનું સત્ર લગભગ ચારથી પાંચ મહિના બાદ બોલાવવામાં આવી શકે છે આથી સરકાર મહત્ત્વના ખરડાઓ પસાર કરાવવા માટે એટલી બધી રાહ જોવા માંગતી નથી.

એવા ઘણા બધા ખરડાઓ છે જે 16મી લોકસભામાં પસાર કરાવવા માટે સરકારના ટોપ એજન્ડામાં સામેલ હતા. પરંતુ ત્યારબાદ લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ જતા અને બાદમાં 16મી લોકસભા ભંગ થઇ જતા આ ખરડાઓ આપમેળે જ નિરસ્ત થઇ ગયા હતા.

અત્યારસુધી આ સત્રમાં ઓછામાં ઓછા આઠ ખરડાઓ પસાર કરવામાં આવ્યા છે.

જો કે એક તાજા સમાચાર અનુસાર કોંગ્રેસ અને મોટાભાગનો વિપક્ષ હાલમાં ચાલી રહેલા બજેટ સત્રને લંબાવવાનો વિરોધ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે આ મામલે સરકારે તેમને વિશ્વાસમાં લીધા નથી.

સમગ્ર વિપક્ષ એમ પણ જાણવા માંગે છે કે એ કયા કયા ખરડાઓ છે જેને સરકાર આ સત્રમાં જ પસાર કરાવી દેવા માંગે છે. બજેટ સત્રને લંબાવવાનો વિરોધ કરવામાં મોટાભાગે કોંગ્રેસના લોકસભાના સભ્યો તેમજ રાજ્યસભામાં સમગ્ર વિપક્ષ અગ્રેસર હોવાનું પણ જાણવા મળ્યું છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here