સાઉદી પ્રિન્સની દયાથી અમેરિકા ગયેલા ઈમરાનનું આંતરરાષ્ટ્રીય અપમાન!

0
116
Photo Courtesy: Twitter

વિશ્વમાં પાકિસ્તાનનું મૂલ્ય કેટલું ઘટી ગયું છે તેનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું જ્યારે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વોશીંગ્ટન પહોંચ્યા હતા.  

Photo Courtesy: Twitter

પાકિસ્તાનમાં આજકાલ ખુબ આનંદનું વાતાવરણ છે. એટલે નહીં કે પાકિસ્તાન જે કંગાળ થવાને આરે છે તેને તેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો મળી ગયો છે. એટલે નહીં કે FATF એ તેને આતંકવાદી પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો તેને બ્લેક લિસ્ટ કરવાની ચેતવણી પરત ખેંચી લીધી છે. પરંતુ આ આનંદનું વાતાવરણ એટલે છે કારણકે પાકિસ્તાનના પનોતાપુત્ર અને પ્રધાનમંત્રી ઇમરાન ખાન છેવટે અમેરિકાની મુલાકાતે ગયા છે અને ત્યાં સુખરૂપ પહોંચી પણ ગયા છે!

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને અમેરિકા દ્વારા આપવામાં આવતી મોટાભાગની આર્થિક સહાય બંધ કરી દીધી છે. જો કે ટ્રમ્પને અને ટ્રમ્પ શાસનને હકીકત સમજાવવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમનો ફાળો પણ ઓછો નથી. પરંતુ પરિસ્થિતિ એવી છે કે ઇમરાન ખાન માટે કહેવાય નહીં અને સહેવાય નહીં એવી હાલત છે.

આવામાં ગત ડિસેમ્બર મહિનામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાન ખાનને એક પત્ર લખીને અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટે તેમની મદદ માંગી હતી. તેના જવાબમાં ઇમરાન ખાને ટ્રમ્પને કહ્યું હતું કે આ અંગે તેઓ તેમની સાથે સીધી ચર્ચા કરવા માંગે છે. પરંતુ ત્યારબાદ અમેરિકન સરકાર જાણેકે ઇમરાન ખાનની આ ઈચ્છા ભૂલી ગઈ હોય તેમ આ મામલે આગળ વધી ન હતી.

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન જેમની પાકિસ્તાન મુલાકાત દરમ્યાન ઇમરાન ખાન તેમના ડ્રાઈવર બની ગયા હતા તેમણે દરમ્યાનગીરી કરી અને જેરેડ કુશનર સાથે સીધી વાત કરી અને ઇમરાન-ટ્રમ્પની બેઠક ગોઠવી આપી. હવે આ જેરેડ કુશનરની ઓળખાણ એવી છે કે સહુપ્રથમ તો તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ છે અને તેમની બીજી વિશેષતા એ છે કે તેઓ ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર પણ છે.

આમ, સાઉદી પ્રિન્સની દયાથી ઇમરાન ખાન આજે અમેરિકન સમય અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પને મળશે પણ ખરા પરંતુ જે રીતે તેમનું વોશિંગ્ટન ડી સી પહોંચ્યા બાદ ‘સ્વાગત’ થયું તે જણાવે છે કે ઇમરાન ખાન કે પછી પાકિસ્તાનને ટ્રમ્પ પ્રશાસન ગણતરીમાં જ લેતું  નથી! પહેલી વાત તો એ કે ઇમરાન ખાન તેમની નેશનલ એરલાઈન્સ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરવેઝમાં (PIA) નહીં પરંતુ કતર એરલાઈન્સની કોમર્શિયલ ફ્લાઈટમાં વોશિંગ્ટન ગયા હતા!

બીજું કે જ્યારે તેઓ વોશિંગ્ટન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમને લેવા માટે અમેરિકન સરકારનો એક પણ વરિષ્ઠ અધિકારી તો શું કોઈ પટાવાળો પણ આવ્યો ન હતો! સામાન્ય મુસાફરની જેમ જ ઇમરાન ખાન પણ પ્લેનમાંથી ઉતરીને એરપોર્ટની બસમાં જ ટર્મિનલની બહાર આવ્યા અને મેટ્રો ટ્રેઈનમાં પોતાની હોટલ પર પહોંચ્યા હતા! આમ ઉધારમાં મળેલી મુલાકાતથી છેવટે તો ઇમરાન ખાન અને પાકિસ્તાનનું અપમાન જ થયું હતું, તેમ છતાં પાકિસ્તાનમાં હાલમાં આનંદનું વાતાવરણ છે!

કોઈ નાના દેશનો રાષ્ટ્રાધ્યક્ષ પણ આવે તો પણ અમેરિકા પ્રોટોકોલને અનુસરે છે જ્યારે પાકિસ્તાન જે અફઘાનિસ્તાનના મામલે તેનું સાથીદાર હોવા છતાં તેના વડાપ્રધાનને તેણે જરાય મહત્ત્વ નથી આપ્યું તે ચોંકાવનારી હકીકત તો છે જ. પરંતુ આવું પહેલીવાર નથી બન્યું.

2012માં જ્યારે ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન ન હતા ત્યારે તેઓ અમેરિકાની વ્યક્તિગત મુલાકાતે ટોરન્ટો થઇને ગયા હતા ત્યારે અમેરિકા ઉતરવાની સાથે જ તેમને ડીટેઈન કરીને એક કલાક અધિકારીઓએ ડ્રોન વિષે તેમના વિચારો પૂછ્યા હતા. ગયા વર્ષે ઇમરાન ખાન ચીનની મુલાકાતે ગયા હતા અને અહીં પણ તેઓ જ્યાં ઉતર્યા હતા તે એરપોર્ટના શહેરની મ્યુનિસીપાલીટીનો કોઈ અધિકારી તેમને લેવા આવ્યો હતો.

તો આ વર્ષે SCO બેઠક બાદ પાકિસ્તાની મિડીયાએ જોરશોરથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇમરાન ખાનને રશિયાની મુલાકાત લેવાનું વ્યક્તિગતરીતે આમંત્રણ આપ્યું હોવાના સમાચાર ફેલાવી દીધા હતા, પરંતુ છેવટે આ સમાચાર પણ ત્યારે અસત્ય સાબિત થયા જ્યારે રશિયન સરકારે આવું કશું જ થયું હોવાથી ઇનકાર કર્યો હતો.

ઈસ્લામીક આતંકવાદને પ્રોત્સાહન આપવાની પાકિસ્તાનની નીતિને લીધે જ પાકિસ્તાન વિશ્વમાં એકલું અટુલું પડી ગયું છે અને એટલી હદ સુધી કે તેના ચલણની જેમ તેના વડાપ્રધાનની પણ સમગ્ર વિશ્વમાં કોઈજ કિંમત નથી!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here