હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (20): હિન્દુત્વ માટે ભાજપ સાથે ફરીથી ગઠબંધન!

0
310
Photo Courtesy: loksatta.com

એક વખત મન ખાટા થઇ જવા છતાં અને ગઠબંધન તૂટી જવા છતાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટીને ફરીથી હિન્દુત્વના મુદ્દે એક થવું પડ્યું અને સાથે ચૂંટણી લડવી પડી. આ પાછળ એક મોટું કારણ શું  હતું તે જાણીએ.

Photo Courtesy: loksatta.com

શિવસેનાના હિન્દુત્વના પ્રચારથી માત્ર ‘બિનસાંપ્રદાયિક’ પક્ષોને જ અસ્વસ્થતા ન થઈ પણ ભાજપાને પણ ઝટકા લાગ્યા. RSS, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા સંઘ પરિવારના સભ્યોને ભાજપાના ‘ગાંધીવાદી સમાજવાદ’ કરતા ઠાકરેનું હિન્દુત્વ વધુ આકર્ષિત કરતું હતું. ભાજપાને એક પ્રકારની ઈર્ષ્યા પણ થવા લાગી કે હિન્દુત્વનો મુદ્દો જો ઠાકરે ઉપાડી લેશે તો આપણે શું કરશુ?

ભાજપાના મોટાભાગના નેતાઓએ શાહબાનો મુદ્દાને પગલે મુસ્લિમ મૂળભૂતવાદ સામે પોતાના અવાજ ઉપાડ્યા. પરંતુ જનતા દળ સાથેના તેમના પ્રયોગો નિષ્ફળ ગયા. વળી, મહારાષ્ટ્રમાં ભાજપાનું અસ્તિત્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું હતું. હિન્દુત્વનો ઉત્સાહ રાષ્ટ્રભરમાં હતો. રામ જન્મભૂમિના મુદ્દાએ રાષ્ટ્રવ્યાપી ચર્ચા શરૂ કરી હતી, અને વિશ્વ હિન્દુ પરિષદ ‘મંદિરની મુક્તિ’ માટે પ્રચાર કરી રહી હતી. ભાજપા માટે હિંદુત્વના મુદ્દાથી હવે દૂર રહેવાનું લગભગ અશક્ય હતું.

એપ્રિલ 1988 માં ભાજપાના આગ્રા સંમેલનમાં રાજકીય ઠરાવ પર બોલતાં, પ્રમોદ મહાજને, લાલકૃષ્ણ અડવાણી અને વાજપેયીની સંમતિ સાથે એવું નક્કી કર્યુ કે ભાજપાએ હવે અયોધ્યા અભિયાન પર ધ્યાન આપવું પડશે. મહાજનના સૂચનોને ભાજપાના પ્રતિનિધિઓ તરફથી એક વિશાળ સ્વાગત મળ્યું. શિવસેના પણ લોકો સમક્ષ આ મુદ્દે જ રજૂ થઈ હતી તેથી ભાજપાએ વિચાર્યુ કે શિવસેના સાથે ગઠબંધન કરવામાં જ પક્ષનું ઉજ્જવળ ભવિષ્ય છે. ઠાકરેએ પણ ઘણી વાર એવું કહ્યું હતું કે જો કોઈ એક પાર્ટી હોય જેની સાથે જોડાણ કરી શકાય તો એ પાર્ટી ભાજપા છે.

મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર ભાજપાના ઇન્ચાર્જ પ્રમોદ મહાજને તેમના પક્ષનો મત લીધો અને શિવસેના-ભાજપાનું ફરી એક વાર ગઠબંધન થયું. બંને પક્ષ વચ્ચે એવી સમજૂતી થઈ કે શિવસેના લોકસભાની ચૂંટણીમાં જુનિયર ભાગીદાર બનશે અને ભાજપા વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાને આગળ રાખશે. તદનુસાર, શિવસેનાએ ભાજપાને મોટાભાગની સંસદીય સીટ આપી. ચૂંટણી પ્રચારમાં, ઠાકરેએ વરિષ્ઠ ભૂમિકા ભજવી અને તેમને ‘હિંદુહ્રદયસમ્રાટ’નું બિરુદ મળ્યું.

મહાજનની સાથે, તેમણે મોટી સંખ્યામાં લોકોને આકર્ષિત કર્યા અને હિન્દુ-કાર્ડ વાપર્યુ. બંને નેતાઓએ મતદારોમાં એવી છાપ છોડી કે શિવસેના-ભાજપ ગઠબંધન ફક્ત ચૂંટણી માટે જ નહીં, પરંતુ ‘હિન્દુત્વની એકતા’ માટે છે. ઠાકરેનું હિન્દુત્વ, મહાજન અને ભાજપાના અન્ય નેતાઓ કરતાં વધુ કઠોર હતું. તેઓ જાહેરમાં કહેતાઃ “શાહી ઈમામ અને સૈયદ શાહબુદ્દીનના મતો પર ભારતની ચૂંટણીઓ શા માટે હોવી જોઈએ? તેમની લાગણીઓને માન આપવા માટે, 60 કરોડ હિન્દુઓની લાગણીઓને અપમાનિત કરવી? આ દેશમાં, હિન્દુ ધર્મ અને હિન્દુઓને જ પ્રથમ માન આપવું જોઈએ. આ આપણો જન્મસિદ્ધ અધિકાર છે, અને જો સરકાર આપણને નહીં આપે, તો અમને જાણીએ છીએ કે તે કેવી રીતે મેળવવો.”

મુસ્લિમો પર હુમલો કરતા પહેલા ઠાકરે સામાન્ય રીતે મુસ્લિમ ક્રિકેટરોની પ્રશંસા કરતા. તેઓ કહેતાં –

અમને કિરમાની, અઝહર અને (અરશદ) અય્યુબ જેવા રાષ્ટ્રવાદી મુસ્લિમોની જરૂર છે, જે દેશ માટે રમે છે અને જીતવામાં મદદ કરે છે. ઇસ્લામનો પ્રથમ સિદ્ધાંત એ છે કે તેમણે જે તે દેશમાં રહેતા હોય તે દેશ પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. પરંતુ તમે લોકો પાકિસ્તાનને સપોર્ટ કરો છો. પાકિસ્તાની નેતાઓના મૃત્યુ પછી મહારાષ્ટ્રના બજારો બંધ કરવા અને પાકિસ્તાનની ભારત સામે ક્રિકેટમાં જીત પછી ફટાકડા ફોડવા એ હું સહન નહીં કરીશ.

મહારાષ્ટ્રને લોકશાહી નહીં પરંતુ શિવશાહી આપવાનું વચન આપતા ઠાકરે સંપૂર્ણ જોશમાં હતા. શિવશાહીમાં તેમણે વચન આપ્યું કે લોકોને તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે ખોરાક, કપડાં અને આશ્રય (40 લાખ ઝૂંપડપટ્ટી રહેવાસીઓને પુનર્વસન, પોલિસ અને સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી કાયમી ઘરો અને 40000 ગામોને પાણીપૂરવઠો) આપવામાં આવશે.

11 ફેબ્રુઆરી, 1990 ના રોજ ઠાકરેએ કોંકણમાં સાવંતવાડીમાં ભાષણ આપ્યું:

દસ વર્ષમાં કૉંગ્રેસે છ મુખ્યપ્રધાનો બદલ્યા છે. જે પાર્ટી તમને સ્થિર મુખ્યમંત્રી ન આપી શકે તે પાર્ટી તમને સ્થિર સરકાર કેવી રીતે આપી શકે? હું ‘હાથ’વાળા કૉંગ્રેસની વાત કરું છું. જો તેમની પાસે હાથ છે તો અમારી પાસે પગ છે અને અમે તેમને લાત મારીને બહાર કાઢી નાખશું. કોંકણના મુસ્લિમો આપણા લોકો છે, જે મુંબઈથી વિપરીત છે. તેઓ સારી મરાઠી બોલે છે, જેમ કે અંતુલે. અમે તેમને મુખ્યમંત્રી તરીકે સ્વીકાર્યા છે. તમે અંતુલેને જોશો તો તે ચિત્પાવન બ્રાહ્મણ જેવા દેખાશે. એક વખત ઈન્દિરા ગાંધીએ પ્રચાર માટે ઉત્તરપ્રદેશમાં અંતુલેને આમંત્રણ આપેલું. શ્રીમતી ગાંધીએ સ્ટેજ પર રજૂઆત કરનાર માણસનો શર્ટ ખેંચીને પાછળથી કહ્યુંઃ તેમને રજૂ કરો ત્યારે ફક્ત ‘અંતુલે’ નહીં કહેતા. કહેજો – ‘અબ્દુલ રહેમાન અંતુલે’, જેથી પ્રેક્ષકોમાં મુસ્લિમોને ખાતરી થાય કે તે એક મુસ્લિમ છે. શું આ સામ્યવાદ નથી? પરંતુ જો તમે હિન્દુ શબ્દ બોલો તો આ દેશમાં એક ગુનો છે.

***

જ્યારે મનોહર જોશી 52 સભ્યની મજબૂત શિવસેના વિધાનસભાની પાર્ટીના નેતા તરીકે ચૂંટાયા ત્યારે હાઉસમાં સૌથી મોટો વિરોધ છગન ભુજબળે કર્યો. જે 1985 થી એકલા હાથે શિવસેનાના સભ્ય તરીકે આક્રમક પ્રદર્શન કરતા હતા, તેને આ દગાબાજી લાગી. ભુજબળ અને તેના અનુયાયીઓને લાગ્યું કે ચૂંટણીઓમાં શિવસેનાના સારા દેખાવ માટેનું એક મુખ્ય કારણ OBC મતો હતા, જેના માટે ભુજબળ (જે એક અગ્રણી OBC નેતા હતા)ને ક્રેડિટને મળવી જોઈએ. પરંતુ ભુજબળને મેયર તરીકે કોર્પોરેશનમાં પાછા મોકલવામાં આવ્યા અને મનોહર જોશીએ એસેમ્બલી ગ્રૂપનું નેતૃત્વ કર્યું.

ભાજપાએ આરક્ષણ નીતિને ટેકો આપ્યો, પરંતુ ઠાકરેએ તેનો વિરોધ કર્યો. 70 ટકા શિવસેનાના સમર્થકો, જે OBC હતા, તેઓ નારાજ થયા. લગભગ એક જ સમયે, વી.પી. સિંહે મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો અને ભુજબળને જનતા દળમાં જોડાવા ખુલ્લું આમંત્રણ આપ્યું. પોતાની નિરાશા દર્શાવવા માટે, તેઓ શિવસેના અને ભાજપા દ્વારા યોજાયેલી સોમનાથ-અયોધ્યા રામ રથ યાત્રાના સ્વાગત માટે તૈયાર થયેલી રેલીથી પણ દૂર રહ્યા. છેવટે, ડિસેમ્બર 1991 માં ભુજબળે શિવસેના છોડવાનો નિર્ણય લીધો.

5 ડિસેમ્બરે, શિવસેનાના 18 ધારાસભ્યોના એક જૂથે એસેમ્બલી સ્પીકર મધુકરરાવ ચૌધરીને પત્ર લખ્યો, જેમાં તેમને અલગ જૂથ – શિવસેના(બી) માટે મંજૂરી આપવા જણાવ્યું. આ જૂથના નેતા હતાઃ છગન ભુજબળ. 11 ડિસેમ્બરના રોજ આ વિનંતી સ્વીકારીને સ્પીકર દ્વારા સંમતિ મળી પણ છેવટે ભુજબળની આગેવાની હેઠળ આ જૂથ, કૉંગ્રેસ (આઈ)માં જોડાઈ ગયું.

વિધાનસભામાં મૂળ 52 સભ્યની શિવસેના હવે ઘટીને 34ની થઈ ગઈ, અને ભાજપ 41 સભ્યો સાથેનો એકમાત્ર મોટો વિરોધ પક્ષ બની ગયો. આ બધી ગતિવિધિઓથી ભાજપના ધારાસભ્ય ગોપીનાથ મુંડે ને વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા. દરમિયાન, બે કન્ટ્રોવર્સી ઠાકરે માટે મુશ્કેલીભરી રહીઃ

(1) જૂન 1991 ની લોકસભાની ચૂંટણીઓમાં ઝુંબેશ દરમિયાન, ઠાકરેએ મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેની પ્રશંસા કરી. 17 મી મેના પુણેમાં અલ્કા ટોકીઝ સ્ક્વેરમાં એક રેલીને સંબોધન કરતાં શિવસેના પ્રમુખે કહ્યું: “નથુરામ કોઈ ભાડે રાખેલા હત્યારા ન હતા. તે મહાત્મા ગાંધીના રાષ્ટ્ર પ્રત્યે કરેલા દગાથી ગુસ્સે હતા. કોઈપણ વ્યક્તિની હત્યા કરવી એ નિંદનીય કૃત્ય છે જ. પરંતુ આપણે આવા બનાવો પાછળનાં કારણો શોધી કાઢવા જોઈએ. મહાત્મા ગાંધીએ રાષ્ટ્રને દગો દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ દેશના વિભાજનને મંજૂરી આપતા પહેલા પોતે મરવાનું પસંદ કરશે. પરંતુ આખરે તેણે વિભાજનને રોકવા માટે કંઈ કર્યું નહી. વધુમાં, તેમણે પાકિસ્તાનને 55 કરોડ રૂપિયાનું વળતર આપવા કહ્યું જેનાથી દેશ વધુ કંગાલ બન્યો. આનાથી ગુસ્સે થયેલા નથુરામે ગાંધીની હત્યા કરી. તેની પ્રેરણા રાષ્ટ્રવાદી ગર્વની હતી. કોઈ સ્વાર્થ હેતુ ન હતો.’

ઠાકરેને આ બયાનની કિંમત ચૂકવવી પડી. નથુરામ વાળા પરિબળે રાજ્યમાં શિવસેના-ભાજપાની લોકસભાની બેઠકોની સંખ્યા ઘટાડીને 9 કરી દીધી.

(2) ઓક્ટોબર 1991માં, ઠાકરેએ ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ સંબંધો પર પ્રહાર કર્યો. તેમણે જાહેરાત કરી કે 28 ઓક્ટોબરના રોજ વાનખેડે સ્ટુડિયો ખાતે રમાનારી વન-ડે મેચ માટે પાકિસ્તાની ટીમને મુંબઇમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં નહીં આવે, અને જો મુંબઇ ક્રિકેટ એસોસિએશન મેચ સાથે આગળ વધે, તો વાનખેડે બાળી નાખવામાં આવશે. મેચ યોજાઈ તે પહેલાં, શિવસૈનિકોએ રમતને અટકાવવા માટે ઠાકરેના આદેશને અમલમાં મૂક્યો હતો. 22 ઑક્ટોબરે શિશિર શિંદેની આગેવાની હેઠળ શિવસેના કાર્યકરોના એક જૂથે વાનખેડેની પીચને નુકસાન પહોંચાડ્યું. તેઓએ સ્ટેડિયમની અંદર રહેલા 60 પોલીસ કર્મચારીઓને વિશ્વાસમાં લઈ, કડિયા અને બાંધકામના કામગારો બનીને જૂના સ્ટમ્પ લઈને પીચ ખોદી નાખી અને પીચ પર તેલ રેડ્યું. એક વસ્તુ બીજા તરફ દોરી ગઈ. દૈનિક ‘મહાનગર’ના સંપાદક નિખિલ વાગળે ભારત-પાકિસ્તાન ક્રિકેટ પરના તેમના વલણ માટે ‘वेडा मोहम्मद’ કહ્યા અને પોતાના સંપાદકીય લેખનું શીર્ષક આપ્યુઃ बाळ बुद्धीचे प्रताप. (बाळ શબ્દને અહીં બાળક તરીકે અને બાળાસાહેબને સંબોધીને પણ લખી શકાય).

પડઘો

આચાર્ય અત્રે ખૂબ જ પ્રતિષ્ઠિત મરાઠી સાહિત્યકાર હતા અને તેમનું નાટક ‘તો મી નવ્હેચ’ માં એક ચાલાક છેતરપિંડી કરનાર એક વ્યક્તિનું પાત્ર હતું. જેનું નામ હતું – લખોબા લોખંડે. ઠાકરેએ છગન ભુજબળને આ નામ ‘ઉપનામ’ તરીકે આપેલું.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here