ચંદ્રયાન-2ની ઐતિહાસિક સફળતા માટે નહેરુજીનો ખૂબ ખૂબ આભાર!

0
327

ચંદ્રયાન-2ના લોન્ચ બાદ કોંગ્રેસ પાર્ટીએ એક Tweet કરીને આ સમગ્ર પ્રોજેક્ટની સફળતાનો શ્રેય દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને આપી દઈને તેની તાળીએ ગયેલી વૈચારિક માનસિકતાનો પરિચય આપી દીધો છે.

ગઈકાલે ISROએ ચંદ્રયાન-2નું સફળ પ્રક્ષેપણ કર્યું હતું. આ સફળતા ભારતને વિશ્વના એ ચાર ખાસ દેશોમાં સામેલ કરશે જેમણે પોતાનું રોબોટિક વાહન ચંદ્રની ધરતી પર ઉતાર્યું હોય. આમ તો આ સફળતા ISROના અવકાશ વૈજ્ઞાનિકોની ગણી શકાય પરંતુ આ મામલે પણ રાજકારણ શરુ થઇ ગયું છે અને તે પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા.

ગઈકાલે જ્યારે ચંદ્રયાન 2નું સફળ પ્રક્ષેપણ થયું ત્યારે પહેલા તો કોંગ્રેસે Tweet કરીને ISROને અભિનંદન આપ્યા હતા. પરંતુ તેની થોડી જ મિનિટો બાદ કોંગ્રેસે એ જ Tweetના જવાબમાં એક બીજી Tweet કરી હતી જેમાં આ મિશનની સફળતા માટે ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પણ ક્રેડિટ આપવામાં આવી હતી. કોંગ્રેસનું કહેવું હતું કે 1962માં પંડિતજીએ INCOSPARને ફંડ આપીને તેની સ્થાપના કરી હતી જે બાદમાં ISRO બન્યું હતું. કોંગ્રેસની આ Tweetમાં ચંદ્રયાન 2ને 2008માં મંજૂરી આપવા બદલ તે સમયના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહને પણ ધન્યવાદ આપવામાં આવ્યા હતા.

આ પ્રકારની Tweet વાંચીને સામાન્ય બુદ્ધિ ધરાવતા કોઇપણ વ્યક્તિને કોંગ્રેસના વૈચારિક દેવાળીયાપણા પર હસવું આવી જાય. આ તો એવું થયું કે આઝાદી બાદ દેશમાં કોંગ્રેસે પ્રથમ સત્તા સંભાળી હોવાથી છેલ્લા પાંચ-છ વર્ષમાં જે થયું અથવાતો આવનારા હજારો વર્ષ સુધીમાં ભારત જેટલું આગળ વધશે તે માટે માત્ર કોંગ્રેસ જ જવાબદાર છે!

ભારતીય ક્રિકેટ ટીમમાં લડાયકતા અને જીતની ભૂખ પેદા કરવા માટે સૌરવ ગાંગુલીની કપ્તાનીએ મોટો ભાગ ભજવ્યો હતો પરંતુ એટલે 2011ના વર્લ્ડ કપની જીતનો શ્રેય ગાંગુલીને ન અપાય એ તો વર્લ્ડ કપ જીતનાર જે-તે કપ્તાનને જ અપાય! થોડીઘણી અક્કલ ધરાવતા વ્યક્તિને પણ આ સમજાય તેવી વાત છે, પણ હાય ક્યાંક મોદી ક્રેડિટ ન લઇ જાય તેના ડરથી કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં કાયમ સૈન્ય સિદ્ધિની ક્રેડિટ સેનાને અને અવકાશી સિદ્ધિની ક્રેડિટ વૈજ્ઞાનિકોને જ આપી છે પરંતુ તેની મંજૂરી આપનાર ભારત સરકારને નહીં.

એમાં કશું ખોટું પણ નથી, પરંતુ મૂળ વાત એ છે કે જો 2008માં ચંદ્રયાન-2ની નીતિગત મંજૂરી આપવા માટે તમે મનમોહન સિંહને કે પછી ઇવન ISROનો પાયો નાખવા માટે નહેરુજીને ક્રેડિટ આપતા હોવ તો છેલ્લા પાંચ વર્ષમાં ચંદ્રયાન-2ના કાર્યમાં ગતિ લાવવા માટે અને જરૂરી ફન્ડિંગ પૂરું પાડવા માટે મોદી સરકારને ક્રેડિટ કેમ નહીં? કેમ એક શ્વાસે એમ ન કહી શકાય કે ચંદ્રયાન-2ની સફળતા માટે દેશના તમામ નાગરિકોને, વૈજ્ઞાનિકોને અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન?

આ પ્રકારે સ્પોર્ટ્સમેન સ્પિરિટ દર્શાવવાથી કોંગ્રેસ પાર્ટીનું જ માન સન્માન પ્રજાના મનમાં વધી શકત પરંતુ હાથમાં આવેલી તક ગુમાવવા માટે હોંશિયાર એવી કોંગ્રેસે ફરીથી આ તક ગુમાવી દીધી છે. સર્જીકલ સ્ટ્રાઈક્સ અને બાલાકોટ એરસ્ટ્રાઈક વખતે પણ આમ જ થયું હતું. કોંગ્રેસ દ્વારા પહેલા માત્ર સેનાને જ ક્રેડિટ આપવામાં આવી હતી પરંતુ આ બંને કારનામાઓને અંજામ આપવાનો નીતિગત અને હિંમતભર્યો નિર્ણય લેવા બદલ નરેન્દ્ર મોદી સરકારને બિલકુલ ક્રેડિટ ન આપવી એ કેવું? પછી શું કરવું શું ન કરવું માં ફસાયેલી કોંગ્રેસે આ બંને વીરતાપૂર્ણ કાર્યો અંગે સેના પર પણ પ્રશ્નો ઉઠાવવાની શરૂઆત કરી દીધી હતી એ પણ આપણને યાદ છે જ.

કોંગ્રેસના સોશિયલ મિડિયા સૈનિકો પણ ઓછા નથી. તેઓ પણ ક્યાંક પોતે મોદી ભક્ત ન દેખાઈ જાય તે માટે ચંદ્રયાન-2ની સફળતા બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા બાદ આ પ્રોજેક્ટ UPAના કાળમાં શરુ થયો હતો એ આપણને બધાને યાદ અપાવડાવવાથી દૂર રહ્યા ન હતા. પણ કોઈ કોંગ્રેસી સમર્થકે એ સવાલ કર્યો કે 2008માં મંજૂરી આપ્યા બાદ આ પ્રોજેક્ટ દસ-અગિયાર વર્ષ કેમ લંબાઈ ગયો? ભૂતપૂર્વ ISRO ચીફ જી માધવન ખુદ કહી ચૂક્યા છે કે UPA સરકારની ઢીલી નીતિને કારણે ચંદ્રયાન પ્રોજેક્ટ મોડો પડ્યો હતો.

આપણા દેશમાં કોઇપણ સૈનિક કે વૈજ્ઞાનિક સાહસ ભારત સરકારની મંજૂરી અને સમર્થન વગર પૂર્ણ થઈ શકે એ શક્ય જ નથી. જ્યારે ભારતે અવકાશમાં એન્ટી સેટેલાઈટ મિસાઈલ છોડ્યું ત્યારે પણ કોંગ્રેસીઓ તેની ક્રેડિટ લેવા માટે લાઈનમાં સહુથી પહેલા ઉભા હતા પરંતુ DRDO ચીફ વિજય સારસ્વતે સ્પષ્ટરૂપે કહ્યું હતું કે UPA સરકારે આ પ્રોજેક્ટને ક્લિયરન્સ નહોતું આપ્યું! પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રસ લઈને આ પ્રોજેક્ટને પાર પાડ્યો હતો.

આમ, કોંગ્રેસ વૈચારિકરીતે અત્યંત નબળી થઇ ગઈ છે. તેણે માત્ર પોતાના પ્રમુખ જ બદલવાની જરૂર નથી પરંતુ દેશને લાભકર્તા હોય એવી એક નવી વિચારધારા પણ ઉભી કરવાની ખાસ જરૂર છે. નહીં તો આ રીતે જાહેરમાં બફાટ કરવાથી તેનો જનાધાર હજી પણ ઓછો થઇ જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here