ફફડાટ: અજીત ડોવલની કાશ્મીર યાત્રા બાદ અલગતાવાદીઓ ગભરાયા

0
238
Photo Courtesy: indiatoday.in

નવી દિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોવલ હાલમાં જ બે દિવસની જમ્મુ અને કાશ્મીરની ખાનગી યાત્રા કર્યા બાદ દિલ્હી પરત આવ્યા છે. પરંતુ તેમની આ યાત્રા બાદ કાશ્મીર ઘાટીના વિવિધ નેતાઓ અને અલગતાવાદી આગેવાનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

Photo Courtesy: indiatoday.in

આ પાછળ કારણ એવું છે કે આ તમામને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીર અંગે કોઈ મોટો નિર્ણય લીધો છે અને જો એવું થશે તો આ તમામની રાષ્ટ્રવિરોધી દુકાનો બંધ થઇ જશે. કાશ્મીર ઘાટીમાં એવી ચર્ચા પણ થઇ રહી છે કે આવનારા સ્વતંત્રતા દિવસે કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીર અંગે કોઈ મોટી જાહેરાત કરી શકે તેમ છે.

અજીત ડોવલ ગત બુધવારે જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયા હતા અને શુક્રવારે સાંજે જ તેઓ દિલ્હી પરત આવ્યા હતા. તેમની આ યાત્રા વિષે રાજ્યના બહુ ઓછા ઓફિસરો પાસે માહિતી હતી.

અજીત ડોવલે પોતાની મુલાકાતને અત્યંત ગુપ્ત રાખી હતી. જાણવા મળ્યું છે કે ડોવલ આ મુલાકાત દરમ્યાન જમ્મુ અને કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા.

એ માત્ર યોગાનુયોગ ન હોઈ શકે કે અજીત ડોવલના દિલ્હી પરત આવ્યાના કલાકોની અંદર જ કેન્દ્ર સરકારે કાશ્મીરમાં વધારાના દસ હજાર સૈનિકો મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ પણ જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રકારે વધારાના સૈન્ય દળો મોકલવામાં આવ્યા હતા અને તે સમયે લોકસભાની ચૂંટણી માટે સુરક્ષા પ્રબંધન માટે આમ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું.

પરંતુ અજીત ડોવલની ખાનગી કાશ્મીર યાત્રા અને તેના તુરંત બાદ લેવામાં આવેલા ઉપરોક્ત નિર્ણયથી અલગતાવાદી કાશ્મીરી નેતાઓના ચહેરાઓ પર ડર સાફ દેખાઈ રહ્યો છે. પૂર્વ IAS ઓફિસર અને અલગતાવાદીઓના માર્ગે ચાલીને લોકસભાની ચૂંટણીઓ અગાઉ જ પોતાનો રાજકીય પક્ષ સ્થાપનાર શાહ ફૈસલની Tweet આ ચિંતાને સ્પષ્ટ દર્શાવે છે.

જમ્મુ-કાશ્મીર પિપલ્સ મૂવમેન્ટ (JKPM)ના અધ્યક્ષ શાહ ફૈસલે પોતાની Tweet માં કહ્યું છે કે,

MHAનો આ પ્રસ્તાવ જેમાં CRPFની વધારાની 100 કંપનીઓની તહેનાતી અંગે વાત કરવામાં આવી છે તેણે કાશ્મીરમાં મોટી ચિંતા પેદા કરી છે. કોઈને પણ ખબર નથી કે આ રીતે અચાનક જ સુરક્ષા દળોની તૈનાતી કેમ કરવામાં આવી છે. અફવા એવી છે કે કશુંક મોટું થવા જઈ રહ્યું છે. આર્ટીકલ 35A? આ એક બહુ લાંબી રાત્રી રહેશે.

શાહ ફૈસલની જેમ જ મોટાભાગના દેશવિરોધી કાશ્મીરી રાજકારણીઓ તેમજ અલગતાવાદીઓની ચિંતા બિલકુલ અલગ નહીં હોય એ ઉપરોક્ત Tweet પરથી સમજી શકાય છે.

હવે આતુરતાપૂર્વક 15મી ઓગસ્ટની રાહ જોવાઈ રહી છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here