કર-નાટક: યેદિયુરપ્પાએ કર્ણાટકમાં વિશ્વાસનો મત જીત્યો; સ્પિકરનું રાજીનામું

0
118
Photo Courtesy: twitter.com/ANI

વીસ દિવસથી ચાલી રહેલા કર્ણાટકના નાટક પર આજે બી એસ યેદિયુરપ્પાના વિશ્વાસના મત જીતવાથી પડદો પડી ગયો છે તો વિવાદાસ્પદ સ્પિકરે પણ પોતાનું રાજીનામું ધરી દીધું છે.

Photo Courtesy: twitter.com/ANI

બેંગલુરુ: છેલ્લા વીસ દિવસથી ચાલતા કર્ણાટકના નાટક પર છેવટે પડદો પડી ગયો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા રાજ્યના વરિષ્ઠ ભાજપ નેતા બી એસ યેદિયુરપ્પાએ આજે વિધાનસભામાં વિશ્વાસનો મત જીતી લીધો છે.

આજે સવારે વિધાનસભામાં વિશ્વાસના મતનો પ્રસ્તાવ મુક્યા બાદ તેના પર ટૂંકી ચર્ચા થઇ હતી. આ ચર્ચા બાદ વિશ્વાસનો મત ધ્વનીમતથી પસાર થઇ ગયો હતો કારણકે વિપક્ષી પાર્ટીઓએ મતદાનની માંગણી કરી ન હતી.

વિશ્વાસનો મત જીત્યાના તુરંતબાદ યેદિયુરપ્પાએ ત્રણ મહિના માટે વોટ ઓન એકાઉન્ટનો પ્રસ્તાવ મુક્યો હતો જેને પણ ધ્વની મતથી પસાર કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વિપક્ષોના ભારે વિરોધ વચ્ચે સપ્લીમેન્ટરી બજેટ પર રજૂ કરવામાં આવ્યું હતું જેને છેવટે ધ્વની મતથી પસાર કરવામાં આવ્યું હતું.

એક અન્ય નાટકીય ઘટનાક્રમમાં કર્ણાટક વિધાનસભાના સ્પિકર કે આર રમેશે ઉપરોક્ત તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોતાનું રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે સ્પિકર રમેશે કોંગ્રેસ અને જેડીએસના ત્રણ અને ગઈકાલે આ બંને પક્ષોના 14 અસંતુષ્ટ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી દીધા હતા.

આ ઘટના બાદ કે આર રમેશ આજે જ રાજીનામું આપશે તેવી અટકળો તેજ બની ગઈ હતી. ગેરલાયક ઠરેલા તમામ ધારાસભ્યો સ્પિકરના નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારશે તેવું તેમણે જણાવ્યું હતું.

હવે યેદિયુરપ્પા સરકાર ભાજપના જ કોઈ વિધાનસભ્યને કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ તરીકે મનોનીત કરશે તેવી અટકળો વ્યક્ત થઇ રહી છે.

આ અગાઉ કોંગ્રેસ અને જેડીએસની કુમારસ્વામી સરકાર વિરુદ્ધ 17 વિધાનસભ્યોએ બળવો પોકારતા સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. ત્યારબાદ કુમારસ્વામીએ ખુદ વિધાનસભામાં વિશ્વાસનો પ્રસ્તાવ રજુ કર્યો હતો પરંતુ તેના પર અભૂતપૂર્વ કહી શકાય તેમ એક અઠવાડિયાથી પણ વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી.

છેવટે કુમારસ્વામી સરકાર 105 વિરુદ્ધ 99 મતે પડી ગઈ હતી.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here