Howdy Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હ્યુસ્ટનમાં જંગી સભાને સંબોધન કરશે

0
266
Photo Courtesy: theweek.in

પોતાની અગામી અમેરિકા યાત્રા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયમની જેમ આ વખતે પણ અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને હ્યુસ્ટનમાં સંબોધિત કરશે જેમાં વિશાળ સંખ્યામાં લોકો હાજર રહેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Photo Courtesy: theweek.in

હ્યુસ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં યુએનની 73મી વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેવા માટે અમેરિકા જશે. આ સમયે તેઓ અમેરિકાના હ્યુસ્ટન શહેરની પણ મુલાકાત લેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હ્યુસ્ટન મુલાકાત દરમ્યાન અહીંના ભારતીય સમાજે તેમના સંબોધનની ખાસ વ્યવસ્થા કરી છે. વડાપ્રધાન મોદી હ્યુસ્ટનના NRG સ્ટેડિયમમાં 22મી સપ્ટેમ્બરે અપ્રવાસી ભારતીયોની એક જંગી સભાને સંબોધન કરશે જેમાં 50,000 લોકો ઉપસ્થિત રહેશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે.

NRG સ્ટેડિયમ એ અમેરિકાના સહુથી વિશાળ ફૂટબોલ સ્ટેડિયમોમાંથી એક ગણવામાં આવે છે. આ કાર્યક્રમને આયોજકો દ્વારા ‘Howdy Modi!’ નામ આપવામાં આવ્યું છે.

Howdy Modi કાર્યક્રમમાં ભારત અને અમેરિકાના સંસ્કૃતિક ઈતિહાસને લગતા કાર્યક્રમો પણ પ્રસ્તુત કરવામાં આવશે જેને “Shared Dreams, Bright Future” તરીકે ઓળખવામાં આવશે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની આ પ્રથમ હ્યુસ્ટન મુલાકાત હશે.

ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે અમુક વર્ષ અગાઉ નરેન્દ્ર મોદી હ્યુસ્ટનના BAPS સ્વામિનારાયણ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે હ્યુસ્ટન આવ્યા હતા. 2014માં નરેન્દ્ર મોદીએ સિલિકોનવેલીમાં NRIsની સભાને સંબોધિત કરી હતી અને પ્રથમવાર ભારતના વડાપ્રધાન બન્યા બાદ તેમણે ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે પણ અપ્રવાસી ભારતીયોની સભાને સંબોધિત કરી હતી. આ બંને પ્રસંગોમાં લગભગ 20,000 લોકોની હાજરી હતી.

એક આંકડા અનુસાર હ્યુસ્ટનમાં ભારતીય મૂળના લોકોની વસ્તી આખા અમેરિકામાં સહુથી વધારે છે. હાલમાં જ પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં પણ નરેન્દ્ર મોદીની પુનઃચૂંટણી થાય તેના માટે આવેલા ઇન્ડિયન-અમેરિકનોમાં સહુથી વધુ હ્યુસ્ટનમાંથી જ આવ્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here