અહો આશ્ચર્યમ્: ઇઝરાયેલના ચૂંટણી પ્રચારમાં નેતન્યાહુ સાથે મોદીના પોસ્ટર્સ!

0
302
Photo Courtesy: twitter.com/AmichaiStein1

ઇઝરાયેલમાં નિસ્સેટ માટે થનારી મધ્યાવધિ ચૂંટણીઓમાં લિકુદ પાર્ટીએ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથે વિશ્વના ત્રણ ટોચના નેતાઓના પોસ્ટર્સ લગાવ્યા છે જેમાંથી એક પોસ્ટર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ છે!

Photo Courtesy: twitter.com/AmichaiStein1

જેરુસલેમ: ઈઝરાયેલમાં બે મહિના પછી મધ્યાવધિ ચૂંટણીઓ થવાની છે અને આ ચૂંટણીઓ માટે પ્રચાર જોરશોરથી ચાલુ થઇ ગયો છે. સત્તાધીશ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પ્રચાર કરતા વિવિધ પોસ્ટર્સ ગઈકાલે સમગ્ર ઇઝરાયેલમાં જોવા મળ્યા હતા જેણે ભારે આશ્ચર્ય સર્જ્યું હતું.

બેન્જામીન નેતન્યાહુ ગત મે મહિનામાં જ ઇઝરાયેલની સંસદ નિસ્સેટમાં બહુમતી પુરવાર ન કરી શકતા અહીં મધ્યાવધિ ચૂંટણીઓ આવી પડી છે. ઈઝરાયેલના પત્રકાર એમીશાઈ સ્ટેઇને કેટલાક ફોટોગ્રાફ્સ Tweet કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નેતન્યાહુના પ્રચારમાં તેમના ત્રણ આંતરરાષ્ટ્રીય આગેવાનો સાથે મોટા પોસ્ટરો ઈઝરાયેલની મોટી બિલ્ડીંગો પર લટકાવવામાં આવ્યા છે.

આ ત્રણ આંતરરાષ્ટ્રીય આગેવાનોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ છે. વડાપ્રધાન મોદી તેમની પ્રથમ મુદતમાં ઇઝરાયેલની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા અને ત્યારબાદ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો પહેલા ક્યારેય ન હોય તેવા મજબૂત બન્યા છે.

આ ઉપરાંત પોતાના મુખ્યમંત્રીના કાળથી જ મોદી બેન્જામીન નેતન્યાહુ વચ્ચે ઊંડી મિત્રતા પણ છે. પરંતુ આ બધા કારણો ઉપરાંત ઇઝરાયેલમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પણ ઘણી છે.

ખુદ વડાપ્રધાન નેતન્યાહુએ આ પોસ્ટર્સનો વિડીયો Twitter પર શેર કર્યો હતો. આ પાછળનો હેતુ એવો લાગે છે કે નેતન્યાહુ પોતાના દેશવાસીઓને એ સમજાવવા માંગે છે કે અતિશય મહત્ત્વના વૈશ્વિક આગેવાનો સાથે જો કોઈ ઈઝરાયેલી વડાપ્રધાન સંબંધો સાચવી શકે તેમ છે તો તે માત્ર તેઓ જ છે!

ઇઝરાયેલની છેલ્લી સામાન્ય ચૂંટણી દરમ્યાન પણ બેન્જામીન નેતન્યાહુની લિકુદ પાર્ટીએ ‘સબકા સાથ સબકા વિકાસ’ પ્રકારનું સૂત્ર પણ અપનાવ્યું હતું. હવે ટ્રમ્પ, પુતિન સાથે અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની તસ્વીર પ્રચારમાં ઉપયોગમાં લઈને ઇઝરાયેલની હાલની સત્તાધીશ પાર્ટી ભારતને કેટલું સન્માન આપે છે તે પણ સાબિત થઇ જાય છે.

ગત લોકસભાની ચૂંટણીઓમાં મેળવેલા ઐતિહાસિક વિજય બાદ નરેન્દ્ર મોદીને સહુથી પહેલા અભિનંદન પાઠવનાર વૈશ્વિક આગેવાનોમાં બેન્જામીન નેતન્યાહુ સહુથી પહેલા હતા. આ ઉપરાંત મધ્યાવધિ ચૂંટણી માટે થનાર મતદાનના માત્ર 8 દિવસ અગાઉ જ એટલેકે 9 સપ્ટેમ્બરે નેતન્યાહુ ભારતની એક દિવસની મુલાકાતે આવવાના છે.

20 જુલાઈએ બેન્જામીન નેતન્યાહુએ ઇઝરાયેલના સહુથી લાંબો સમય સત્તા પર રહેનાર વડાપ્રધાન તરીકે ડેવિડ બેન ગુરીયનનો રેકોર્ડ પણ તોડી દીધો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here