લાપતા: CCDના સ્થાપક વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા

0
75
Photo Courtesy: forbesindia.com

દેશની સહુથી વિશાળ કોફી ચેઈન CCDના સ્થાપક વી જી સિદ્ધાર્થ જેઓ ગઈકાલે સાંજથી મેંગલોરના એક બ્રીજ પાસેથી ગુમ હતા તેમણે આત્મહત્યા કરી હોવાની પોલીસને શંકા છે.

Photo Courtesy: forbesindia.com

મેંગલોર: ભારતની સહુથી વિશાળ કોફી ચેઈન કાફે કોફી ડેના (CCD) સ્થાપક અને એશિયાની સહુથી મોટા કોફી એસ્ટેટના માલિક વી જી સિદ્ધાર્થ ગત સાંજથી લાપતા થયા છે. વી જી સિદ્ધાર્થ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિદેશમંત્રી એસ એમ કૃષ્ણાના જમાઈ પણ છે.

સિદ્ધાર્થના ડ્રાઈવરના જણાવ્યા અનુસાર તેઓ ગઈકાલે સાંજે મેંગલોરની નેત્રાવતી નદી પાસેના બ્રીજ પાસે ઉતરી ગયા હતા અને એક કલાક બાદ પણ તેઓ પરત ન આવતા તેણે સિદ્ધાર્થના કુટુંબીઓને તેની જાણ કરી હતી. પોલીસને આપેલા બયાન અનુસાર સિદ્ધાર્થ નેત્રાવતી નદી પરના ઉલ્લાલ બ્રીજના એક છેડે તેને કાર ઉભી રાખવાનું કહીને ચાલવા માંડ્યા હતા અને થોડી વાર પછી તેઓ દેખાતા બંધ થઇ ગયા હતા.

વી જી સિદ્ધાર્થનો સેલફોન પણ ગત રાત્રીથી સ્વિચ ઓફ આવે છે. પોલીસે ડ્રાઈવર દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે વી જી સિદ્ધાર્થની શોધખોળ શરુ કરી છે. ડ્રાઈવરે એમ પણ જણાવ્યું હતું કે કારમાંથી ઉતર્યા બાદ વી જી સિદ્ધાર્થ ચાલતા ચાલતા કોઈની સાથે સેલફોન પર વાતો પણ કરી રહ્યા હતા.

પોલીસે વી જી સિદ્ધાર્થના કોલ રેકોર્ડ્સની પણ તપાસ શરુ કરી છે જેના થકી ખ્યાલ આવી શકે કે તેમણે પોતાનો સેલફોન સ્વિચ ઓફ કર્યા પહેલા છેલ્લે કોની સાથે વાત કરી હતી. વી જી સિદ્ધાર્થની શોધમાં પોલીસે 200 પોલીસકર્મીઓ તેમજ 25 તરણબાજોને કામે લગાડ્યા છે.

આ દરમ્યાન બેંગ્લોરના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના હવાલેથી ખબર મળી છે કે વી જી સિદ્ધાર્થે બે દિવસ અગાઉ એટલેકે 27 જુલાઈએ એક પત્ર લખ્યો હતો જેમાં તમામ પાસે તેમણે માફી માંગી હતી અને પોતાને આવકવેરા અધિકારીઓ પરેશાન કરતા હોવાનું પણ આ પત્રમાં તેમણે જણાવ્યું હતું. આ પત્રના આધારે મેંગ્લોરની પોલીસ વી જી સિદ્ધાર્થે આત્મહત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.

વી જી સિદ્ધાર્થના ગુમ થવાના સમાચાર મળવાની સાથે જ કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા એસ સિદ્ધારમૈયા અને કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા એસ એમ કૃષ્ણાને બેંગ્લોરના સદાશિવ નગર ખાતેના તેમના ઘરે મળવા દોડી ગયા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here