હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (21): 1992-93માં જ્યારે મુંબઈ સળગ્યું…

0
312
Photo Courtesy: Scroll.in

1992ની છઠ્ઠી ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જીદનું માળખું તૂટ્યું અને પોતાના શિવસૈનિકોએ આ કામ પાર પાડ્યું હોવાની વાત ઠાકરેએ કરી ત્યારબાદ મુંબઈમાં થયેલા હુલ્લડો પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમનું કદ કેવી રીતે વધ્યું તેની વાત.

Photo Courtesy: Scroll.in

બાબરી મસ્જિદના વિનાશક હુલ્લડો પછી, મુંબઈમાં બે તબક્કામાં રમખાણો થયા – ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993. આ રમખાણોમાં શિવસેનાએ હિન્દુઓના ‘રક્ષક’ તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું. ઠાકરેએ જણાવ્યું હતું કે જો રામમંદિર તૂટશે તો તેની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે. ‘मंदिर वहीं बनायेंगे’ ના સૂત્રો શિવસેનાની સભાઓમાં જ ઉચ્ચારવામાં આવેલા પણ શિવસૈનિક લાલકૃષ્ણ અડવાણીની રથયાત્રા વિશે ખૂબ ઉત્સાહિત ન હતા.

1 ડિસેમ્બર, 1992થી જ ‘કાર સેવકો’એ અયોધ્યામાં મોટી સંખ્યામાં ભેગા થવાનું શરૂ કર્યું હતું. 6 ડિસેમ્બર, 1992 ના રોજ વિવાદાસ્પદ સ્થળે ભગવા વંશની ‘નિર્ણાયક’ સ્થાપનાની યોજના કર સેવા એ ઘડી હતી. પરંતુ શિવસેના મુંબઈના કાર્યકર્તાઓ ફક્ત 24 કલાક પહેલા જ ત્યાં જવા માટે તૈયાર થયેલા. 6 ડિસેમ્બરના સામનામાં ઠાકરેએ લખ્યુંઃ अयोध्येकडे

રામભક્તોનો સમુહ અયોધ્યા તરફ વધી રહ્યો છે અને હવે આપણા બહાદુર શિવસૈનિકો પણ ત્યાં જોડાશે. સમય પાકી ગયો છે એ નક્કી કરવાનો કે આ દેશ મર્યાદા પુરુષોત્તમ રામના નામથી ઓળખાય કે ઘૂસણખોર બાબરના નામથી. બાબરી હવે સાફ થઈ ગઈ છે. મારા હિન્દુ શિવસૈનિકોને આ મારી અપીલ છે કે જ્યારે શિવસૈનિકોની તરંગ અયોધ્યાના યુદ્ધક્ષેત્રમાં પહોંચે ત્યારે મંદિરનો વિરોધ કરનારા લોકો ભયમાં ડૂબી જવા જોઈએ. શિવસૈનિક આ યુદ્ધમાં ‘યોદ્ધા’ તરીકે કાર્ય કરશે. તેઓ ભજન અને કીર્તન ગાવા માટે જન્મ્યા નથી. VHPના અધ્યક્ષ અશોક સિંઘલ પાસેથી મને આશા છે કે તેઓ શિવસૈનિકોને હિંમત આપશે. તમે અગાઉના યુદ્ધો શિવસૈનિક સિવાય લડ્યા છો. હવે તેમને શસ્ત્રો આપો અને જુઓ. યુદ્ધના ક્ષેત્રમાં સંઘર્ષ કરવાનો અનુભવ અયોધ્યામાં ‘ધર્મયુધ્ધ’ને પણ મદદ કરશે.

6 ડિસેમ્બરના રોજ, બાબરી તોડવામાં આવી. કાર સેવકોએ 12.15 વાગ્યે મસ્જિદના માળખા પર હુમલો કર્યો અને તેને પાડી દીધું. 5 વાગ્યા સુધીમાં બધું તૂટી ગયું હતું. કલ્યાણ સિંઘે તરત જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. રાજ્યની વિધાનસભા તરત જ રદ થઈ અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યુ. ગેરબંધારણીય વર્તણૂકના આરોપોને કાબૂમાં લેવા ભાજપાએ પોતાની જાતને આ વિનાશક કાર્યમાંથી દૂર કરવાની માંગ કરી. અડવાણી અને મુરલી મનોહર જોષીએ નકારી કાઢ્યું કે ભાજપાને આ બનાવ સાથે કોઈ સંબંધ છે.

ઠાકરેએ ગર્વથી જવાબદારીનો ભાગ સ્વીકારી લીધો. તેમણે કહ્યુંઃ ‘જો મારા શિવસૈનિક દ્વારા બાબરીને તોડી નાખવામાં આવી છે તો, હું ગર્વ અનુભવું છું.’ – આ વાક્ય મિડીયા દ્વારા મિસક્વોટ થઈને બન્યું – મારા શિવસૈનિકોએ બાબરી મસ્જિદ તોડી છે અને તેનો મને ગર્વ છે. વાસ્તવમાં, મનોહર જોશીની આગેવાની હેઠળ શિવસેનાની ટુકડી અયોધ્યા પહોંચી ત્યાં સુધી તો બધું ધરાશાયી થઈ ગયેલું. છતાં શિવસેનાએ ક્રેડિટ લેવાની શરૂઆત કરી.

દેશના ઘણાં ભાગોમાં હિંસા શરૂ થઈ, મુસ્લિમોએ કાયદાનો અમલ કરતા સત્તાધિકારીઓ દ્વારા ‘વિશ્વાસઘાત’ વિરુદ્ધ તેમના આક્રમણને વેગ આપ્યો. 6 ડિસેમ્બરના રોજ રવિવારે, BBCએ પોતાના પ્રસારણમાં બાબરી પર થયેલા આક્રમણની તસવીરોની રજૂ કરી અને તેથી મુંબઈની પરિસ્થિતિ બગડી. મુંબઈમાં હજારો મુસ્લિમો આ આક્રમણની ચર્ચા કરવા માટે શહેરના મુસ્લિમ-પ્રભુત્વવાળા વિસ્તારો, ગલ્લી અને મહોલ્લાઓમાં ભેગા થયા. ટૂંક સમયમાં જ મુસ્લિમ લોકોએ સરકારી સંપત્તિ અને પોલીસને ટાર્ગેટ બનાવ્યું. છરીઓ, તલવારો, એસિડ બલ્બ અને સોડા બોટલ લઈને શેરીઓ પર દેખાવ શરૂ કર્યો. મુંબઈમાં પાયધૂની, નાગપાડા, ભીંડી બજાર, ડોંગરી અને ઉમરખડી, મોહમ્મ્દ અલી રોડ જેવા વિસ્તારોમાં જનમેદની હટાવવા પોલિસે ફાયરીંગ કરવાની જરૂર પડી.

પહેલું વાહન જેને બાળવામાં આવ્યું એ મિનારા મસ્જિદ નજીક પોલીસની વાયરલેસ વેન હતી. 6 ડિસેમ્બરના રોજ સાંજે 11.30 વાગ્યે વેન પર પથ્થરમારો શરૂ થયો. તે જ રાત્રે, પાયધૂની પાસે એક પોલીસમેન કોન્સ્ટેબલ વિલાસ કદમ હુલ્લડનો પ્રથમ ભોગ બન્યો. 7 ડિસેમ્બરની સવાર સુધીમાં હિંસાએ આખા મુંબઈને બાનમાં લઈ લીધું. દર મિનિટે જે.જે. હોસ્પિટલમાં એક બોડી લઈ જવામાં આવતી હતી. બુલેટ અને બંદૂક જેવા વધુ શસ્ત્રો ખુલ્લામાં લાવવામાં આવ્યા, અને પોલીસ અને હિન્દુઓ પર ગોળીઓ, પથ્થરોનો વરસાદ થયો.

બસસ્ટોપ અને ટ્રાફિક સિગ્નલ તોડવામાં આવ્યા. વાહનો સળગાવી દેવાયા, દુકાનો લૂંટી લેવામાં આવી અને પોલીસ ચોકી બાળવામાં આવી. ડોંગરીનું લક્ષ્મીનારાયણ મંદિર, પાયધોનીનું જૈન મંદિર અને કાલબાદેવીમાં ઘણા હિન્દુ મંદિરોનું નુકસાન કરવામાં આવ્યું. દેવનારમાં દત્ત મંદિરનું રક્ષણ કરતા બે કોન્સ્ટેબલ લોકો દ્વારા માર્યા ગયા. મૂર્તિઓ તોડી પાડવામાં આવી. નાગપાડા ખાતે, કાશી-વિશ્વેશ્વર મંદિરની આસપાસ પેટ્રોલ અને કેરોસીન રેડીને તેને સળગાવી દેવામાં આવ્યું. ફાઈનલી, મધ્ય અને ઉત્તર મુંબઈના આઠ વિસ્તારોમાં કર્ફ્યુ જાહેર કરાયું.

8 ડિસેમ્બરે, સામનાના ફ્રન્ટ પેજ પર ઠાકરેએ લખ્યું : देशद्रोह्यांना चिरडा

બાબર એક વિજેતા ન હતો, પરંતુ હિન્દુઓ, જેમણે 450 વર્ષ પછી, અયોધ્યામાં રામ જન્મભૂમિ માટે લડ્યા અને તેને પાછી મેળવી એ મારા માટે વિજેતા છે. મુસ્લિમોએ આમાંથી બોધપાઠ લેવો જોઈએ. જો તેઓ પોતાની ઝેરી ઉગ્રતાને રોકશે નહીં તો તેમની પણ બાબરીના ગુંબજ જેવી જ હાલત થશે. ગુંબજ તૂટ્યો માટે રાષ્ટ્રવિરોધી મુસ્લિમોએ સમગ્ર દેશમાં હિંસાના બીજ વાવ્યા. અમે તેમને ફરીથી ચેતવણી આપીએ છીએ. તેઓએ હિન્દુઓની લાગણીઓને સમજી લેવી જોઈએ અને રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાવું જોઈએ. સાવચેત રહો!

8 ડિસેમ્બરે બાબરી-વિનાશના વિરોધમાં ડાબેરી પક્ષો અને કૉંગ્રેસે બંધનું એલાન કર્યુ પણ મુંબઈમાં મુશ્કેલીઓ ચાલુ જ રહી. મુંબઈની બેસ્ટ બસને લગભગ રૂ. 1 કરોડનું નુકસાન થયું અને બીજી સરકારી સંપત્તિનું નુકસાન તો અલગ! ધારાવી પોલીસ સ્ટેશનની બહાર, 13 કારનો ભૂકો બોલી ગયો અને બીજા 50 વાહનોના કાચ અને હેડલાઈટ તોડી નાખવામાં આવી. એ પછીના શુક્રવારે મુંબઇના મુસ્લિમોએ તેમના સાપ્તાહિક નમાઝ માટે શહેરના વિવિધ ભાગોમાં કર્ફ્યુ ઉઠાવી લેવાની માંગ કરી. પોલીસે આ માટે જરૂરી થોડા કલાકો માટે કર્ફ્યુ હળવા કર્યા. સામે પક્ષે શિવસેનાએ મહા-આરતીનું આયોજન કર્યુ જે શેરીએ શેરીએ થતાં મુસ્લિમ નમાઝનો જડબાતોડ ‘હિન્દુ જવાબ’ તરીકે રજૂ કરવામાં આવી.

શિવસેના, જેણે દર શુક્રવારે નમાઝની ‘ટ્રાફિકની મુશ્કેલીઓ’ માટે નિયમિત ટીકા કરી હતી, તેમણે લઘુમતી સમુદાયને આ પ્રકારની કર્ફ્યુ હટાવવાની મંજૂરી અપાતી આ રાહત પર વાંધો ઉઠાવ્યો. નમાઝ માટે કર્ફ્યુ ઉઠાવી શકાય, તો આપણા માટે કેમ નહીં? અને મહા-આરતી માટે પણ છૂટછાટની માંગ કરી. સત્તાવાળાઓએ મહા-આરતીને મંજુરી આપી અને ભારે લશ્કરી-હાજરીમાં શિવસેનાના ધારાસભ્ય પ્રમોદ નવલકરની આગેવાની હેઠળ દક્ષિણ મુંબઇમાં ગોળદેવળમાં એક હજારથી વધુ હિંદુઓએ મહા-આરતી કરી.

વહેલી સાંજે ભાજપાના નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતીની ધરપકડ થઈ. આ ધરપકડના વિરોધમાં ભાજપાએ અને શિવસેનાએ બીજા દિવસે બંધનું એલાન કર્યુ. તે દિવસ સુધીની હિંસામાં અંતિમ મૃત્યુનો આંકડો 227 હતો. આશરે 1800 હુલ્લડો સંબંધિત કેસ નોંધાયા હતા અને 79 મંદિરો-મસ્જિદો પર હુમલો કરવામાં આવ્યો હતો. 9 જાન્યુઆરીના સામનામાં સંપાદકીય હેડલાઇન હતીઃ राष्ट्र जिवंत ठेवा.

પછીના ત્રણ દિવસમાં મુંબઈમાં અભૂતપૂર્વ હિંસા જોવા મળી. સંરક્ષણ પ્રધાન શરદ પવાર 8 જાન્યુઆરીના રોજ મુંબઈ પહોંચ્યા હતા, પરંતુ તેમના આગમનથી મુખ્યમંત્રી નાઈકને ઝટકો લાગયો. તે બંને પોતાની રાજકીય રમતો રમતા હતાં, ત્યારે ઠાકરેના છોકરાઓ અહીં હુલ્લડો કરતા રહ્યા. મુંબઈ લગભગ બધી તરફથી બળી ગયું હતું. 9 અને 12 જાન્યુઆરી વચ્ચે મુસ્લિમ સંસ્થાઓ પર હુમલાઓ થયા. શિવસેનાના યુવાનોએ મુસ્લિમ ઘરો, ઑફિસો અને દુકાનો પર હુમલો કર્યો હતો. મુસ્લિમ વસાહસો ક્યાં સ્થિત છે તે શોધવા માટે મ્યુનિસિપલ રેકોર્ડ્સ તપાસવામાં આવ્યા હતા. વસ્તુઓ દુકાનોમાંથી બહાર ફેંકાઈને તેમને આગ લગાડવામાં આવી.

10 જાન્યુઆરીના સામનામાં, ઠાકરેએ લખ્યું:

મુંબઈ સળગી રહ્યું છે. આ એક સ્વયંસંચાલિત વિસ્ફોટ છે જે ત્રાસવાદી ધાર્મિક વિવેચકોની અવિશ્વસનીય માન્યતા વિરુદ્ધ થયા છે. હિન્દુઓનો તેજસ્વી ઇતિહાસ એ જ હિન્દુ લોહી દ્વારા લખવામાં આવશે જે ગઈ કાલે ભીંડીબજારમાં વહી રહ્યું હતું. સમર્થ રામદાસે કહ્યું હતું કે ‘मारता मारता मरावे’. જ્યારે હિન્દુ આક્રમક બની જાય છે, ત્યારે મિનિ-પાકિસ્તાન પણ બળે છે. મુલ્લા અને મૌલવીઓએ આ ધ્યાનમાં રાખવું જોઈએ કે હિન્દુઓએ તેમનું ત્રીજું નેત્ર ખોલી દીધું છે.

જો કે વધતી હિંસાને શાંત પાડવા, તે જ દિવસે ઠાકરેએ ઘોષણા કરી: ધર્માંધકોને પાઠ મળી ગયા છે. હવે બહુ થયું. હવે હિંસા બંધ કરો.

જ્યારે આ ગાંડપણના સ્તરમાં ઘટાડો થયો અને આગ ઓલવાઈ ત્યારે ખબર પડી કે મૃત્યુની સંખ્યા 557 ની સપાટીએ પહોંચી ગઈ હતી. જાન્યુઆરીના મોટાભાગના અસરગ્રસ્ત લોકો મુસ્લિમ હતા. જો કે આ હિંસામાં શિવસેનાની ભૂમિકાના કારણે બાળાસાહેબ ઠાકરેની ધરપકડની માંગ કરાઈ, પરંતુ મુખ્યમંત્રી નાઈકે શિવસેનાને સીધી જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો. અયોધ્યાના બનાવ બાદ, અડવાણી અને જોશી જેવા ભાજપાના દિગ્ગજ નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ કાયદાની આંગળી પણ શિવસેના પ્રમુખને સ્પર્શી ન શકી જેણે માત્ર બાબરીના વિનાશની જ નહીં પરંતુ જાન્યુઆરીના રમખાણોની પણ જવાબદારી લીધેલી.

ઠાકરેએ આ રમખાણો દરમિયાન વૈશ્વિક મીડિયાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. આ રાજકારણમાં, શિવસેના હિંદુઓના સ્વયંઘોષિત ‘ડિફેન્ડર’ તરીકે પ્રચલિત થઈ. આગળ જઈને આ કારણે 1995 ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ખૂબ જ મદદ મળી.

પડઘો

અયોધ્યા-બાબરી સંદર્ભે કેટલી સંસ્થાઓ સામેલ હતી? અખિલ ભારતીય હિન્દુ મહાસભા, વિશ્વ હિન્દુ પરિષદ, રામ જન્મભૂમિ ન્યાસ, શિવસેના, ભાજપા, નિર્મોહી અખાડા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સુન્ની વાક્ફ બોર્ડ અને લિબરહાન કમિશન (વિકીપીડિયા)

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19 | ભાગ 20

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here