ગુજરાતમાં કોંગ્રેસની નિષ્ફળતા માટે નેતાગીરી જવાબદાર: માધવસિંહ સોલંકી

0
329
Photo Courtesy: thelallantop.com

પોતાના જન્મદિવસે એક ટીવી ચેનલ સાથેની ચર્ચામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં કોંગ્રેસ આટલા બધા વર્ષોથી કેમ સત્તાથી દૂર છે તેના કારણો ગણાવ્યા હતા.

ગાંધીનગર: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ રાજ્યમાં કોંગ્રેસની વર્ષોથી નબળી પડતી જતી પરિસ્થિતિ માટે હાલની પ્રદેશ નેતાગીરીને જવાબદાર ગણાવી તેની આકરી ટીકા કરી હતી. એક ગુજરાતી ન્યૂઝ ચેનલને આપેલી ખાસ મુલાકાતમાં માધવસિંહ સોલંકીએ કોંગ્રેસની નેતાગીરીની નિષ્ફળતાઓ ગણાવી હતી.

ગઈકાલે માધવસિંહ સોલંકીનો જન્મદિવસ હતો અને તેમને મળવા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ગાંધીનગરના સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા. માધવસિંહ સોલંકીએ ગુજરાતમાં કોંગ્રેસની સતત નિષ્ફળતાથી પોતે દુઃખી છે એમ પણ જણાવ્યું હતું.

સોલંકીએ કહ્યું હતું કે વર્ષોથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે અને તેને માટે ગુજરાત પ્રદેશની કોંગ્રેસ નેતાગીરી જ જવાબદાર છે. માધવસિંહે ગુજરાતમાં કોંગ્રેસના ભવિષ્યમાં પરિવર્તન લાવવા માટે નેતાગીરીમાં બદલાવની જરૂરિયાત હોવાનું પણ ઉમેર્યું હતું.

ગુજરાતમાં કોંગ્રેસને જો મજબૂત કરવી હશે તો નેતાગીરી પણ મજબૂત હોવાનું તેમણે કહ્યું હતું. રાષ્ટ્રીયસ્તરે પણ મુખ્ય નેતા મજબૂત હોવો જોઈએ તેવો ઈશારો કરતા માધવસિંહ સોલંકીએ પોતાનો સમય યાદ કર્યો હતો.

સોલંકીના કહેવા અનુસાર તેમના સમયમાં પક્ષની નેતાગીરીથી માંડીને વહીવટીતંત્ર એમ તમામમાં છેક ઉપરથી નીચે સુધી બધાના સંબંધો સારા હતા અને તેને લીધે જ તેમની સરકારે અસંખ્ય સારા કાર્યો કર્યા હતા. ઇન્દિરા ગાંધી સામે જો યોગ્ય રજૂઆત કરવામાં આવે અને કામ ન થાય એવું બને જ નહીં તેમ માધવસિંહ સોલંકીએ કહ્યું હતું.

રાહુલ ગાંધીને સ્થાને પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના સવાલ પર ગુજરાતના આ પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, તેમનામાં ક્ષમતા છે અને તેઓ અન્યો સાથે સરળતાથી ભળી જાય તેવા સ્વભાવના પણ છે. અત્યારસુધી તેમનો અનુભવ છે તે મુજબ પ્રિયંકા ગાંધીને સારો રિસ્પોન્સ મળ્યો છે જેથી તેઓ જો કોંગ્રેસ પ્રમુખ બને તો ઘણું સારું રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here