પ્રમોશન: સ્મૃતિ ઈરાનીને લોકસભામાં સ્પિકરે અનોખું સન્માન આપ્યું

0
103
Photo Courtesy: deccanchronicle.com

કેન્દ્રીય મહિલા અને બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીને તેમજ કાયદા મંત્રી રવિ શંકર પ્રસાદને લોકસભાની નવી બેઠક વ્યવસ્થા અનુસાર એક મોટું સન્માન મળ્યું છે.

Photo Courtesy: deccanchronicle.com

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા અને ન્યાય તેમજ IT મંત્રી રવિ શંકર પ્રસાદ તેમજ મહિલા તેમજ બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાનીને સંસદમાં પ્રમોશન મળ્યું છે. નરેન્દ્ર મોદી સરકારના આ બંને મહત્ત્વના મંત્રીઓ હવે લોકસભામાં પહેલી હરોળમાં બેસેલા જોવા મળશે.

હાલમાં લોકસભાની ટ્રેઝરી બેંચોની પ્રથમ કતારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ, માર્ગ અને વાહનવ્યવહાર તેમજ જળ સંસાધન મંત્રી નીતિન ગડકરી તેમજ ગૃહમંત્રી અમિત શાહ બેસેલા જોવા મળે છે. હવેથી તેમની સાથે રવિ શંકર પ્રસાદ અને સ્મૃતિ ઈરાની પણ જોવા મળશે.

બુધવારે લોકસભા સ્પિકર ઓમ બિરલાએ નવી બેઠક વ્યવસ્થા જાહેર કરી હતી. આ મુજબ કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્ર સિંહ તોમર, સદાનંદ ગૌડા, અર્જુન મુંડા અને અરવિંદ સાવંતને પણ પ્રથમ હરોળમાં સ્થાન મળ્યું છે.

તો વિપક્ષી બેંચો પર સહુથી વધુ બેઠકો ધરાવતા કોંગ્રેસ પક્ષના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી, DMKના વરિષ્ઠ નેતા ટી આર બાલુ ઉપરાંત JDU, TMC અને YSR કોંગ્રેસના નેતાઓને પણ પ્રથમ હરોળમાં સ્થાન આપવામાં આવ્યું છે. રવિ શંકર પ્રસાદ અગાઉ રાજ્યસભાના સભ્ય હતા ત્યારે તેઓ ત્યાં પ્રથમ હરોળમાં જ બેસતા હતા.

અત્રે એ યાદ કરવું જરૂરી છે કે સ્મૃતિ ઈરાનીએ આ વર્ષની લોકસભાની ચૂંટણીઓમાં અમેઠીની કોંગ્રેસની વંશપરંપરાગત બેઠક પરથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મોટા માર્જીનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો હતો અને તેઓ ખરા અર્થમાં જાયન્ટ કિલર બન્યા હતા.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here