Zomato સમગ્ર વિવાદ અસ્થાને છે અને કાબુ બહાર જતો રહ્યો છે

0
121
Photo Courtesy: indiatoday.in

ડીલીવરી બોય મુસ્લિમ હોવાને લીધે ફૂડ એપ Zomatoના એક ગ્રાહકે તેનો ઓર્ડર કેન્સલ કર્યો તે અંગેની Tweet પર ગઈકાલે થયેલા વિવાદના કારણો અને આ વિવાદ કેમ અસ્થાને છે તેના પર પ્રકાશ પડતો લેખ.

Photo Courtesy: indiatoday.in

ગઈકાલે સવારે Twitter પર ઓનલાઈન ફૂડ ઓર્ડર લેતી અને ગ્રાહકને ઘેર ખોરાક ડીલીવર કરતી કંપની Zomato ને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. પહેલી નજરે જોવા જઈએ કે પછી આ વિવાદમાં ઊંડા ઉતરીને પણ જોવા જઈએ તો પણ આ વિવાદ અસ્થાને છે અને હવે તે કાબુ બહાર જતો રહ્યો છે એવું સ્પષ્ટ દેખાય છે.

વિવાદ ત્યારે સર્જાયો જ્યારે પંડિત અમિત શુક્લા જેનું Twitter હેન્ડલ @NaMo_SARKAAR છે તેણે Zomatoને Tweet કરીને જણાવ્યું કે તેણે હાલમાં જ એક ઓર્ડર કેન્સલ કર્યો છે કારણકે તેને ખબર પડી કે તેનું ફૂડ પાર્સલ ડીલીવર કરવા એક નોન-હિન્દુ (વાંચો મુસ્લિમ) રાઈડર આવી રહ્યો છે. ત્યારબાદ તેણે કહ્યું કે તમારી કંપનીએ (અફકોર્સ કસ્ટમર્સ કેર) મને કહ્યું કે તેઓ ન તો રાઈડર બદલી શકે છે કે ન તો ઓર્ડર કેન્સલ કરવાથી મને રિફંડ આપી શકવા તે સમર્થ છે. મારે રિફંડ નથી જોઈતું.

આ Tweetના જવાબમાં એકાદ મહિના અગાઉ “કભી કભી ઘર પર ભી ખાના ખાના ચાહિયે” જેવી એક મસ્ત અને હ્યુમરસ Tweet સાથે છવાઈ ગયેલા Zomatoના Twitter હેન્ડલે Tweet કરી કે “Food doesn’t have a religion. It is a religion” એટલેકે ખોરાકને કોઈ ધર્મ નથી હોતો. ખોરાક પોતેજ એક ધર્મ છે. બસ પતી ગયું! લોકો Zomato પર રીતસરના તૂટી જ પડ્યા.

જેમ કાયમ બનતું હોય છે તેમ કોઈ વ્યક્તિ, સંસ્થા કે અન્યોના બેવડાં ધોરણો ખુલ્લા પાડવા માટે તેની જૂની Tweet ખોદીને બહાર કાઢવામાં આવતી હોય છે તેમ Zomatoની એક જૂની Tweet પણ શોધી કઢાઈ જેમાં તેણે હલાલ ફૂડ ઓર્ડર કરનાર વ્યક્તિને નોન હલાલ ફૂડ ડીલીવર થઇ જતા માફી માંગી હતી અને ઘટતું કરવાની ખાતરી આપી હતી. આ બંને Tweets તમે નીચે આપેલા સ્ક્રિનશોટમાં જોઈ શકો છો.

પેલી હલાલ-નોન હલાલ Tweet ફરીથી ટ્રેન્ડ કરનારાઓનું કહેવું એમ હતું કે જો Zomatoના કહેવા અનુસાર ખોરાકને કોઈ ધર્મ નથી હોતો તો તે કોઈ મુસ્લિમને એની ખોરાકની પસંદગી-નાપસંદગી માટે કેમ સન્માન આપે છે? બસ અહીંથી વાતનું વતેસર થઇ ગયું અને આખો દિવસ બલકે મોડી રાત્રીએ તો #BoycottZomato નો હેશટેગ પણ ટ્રેન્ડ થવા લાગ્યો હતો અને અસંખ્ય બોલિવુડ સેલિબ્રિટીઝ Zomatoની તરફેણમાં આવી ગઈ હતી.

હવે જરા શાંત મગજથી વિચારીએ તો આ બંને ઘટનાઓની ખરેખર તો કોઈ જરૂર જ ન હતી. પેલા પંડિતજીને જો કોઈ મુસ્લિમ રાઈડર સાથે તકલીફ હતી તો તેમણે ઓર્ડર કેન્સલ કરીને કસ્ટમર કેર સાથે તે અંગે વાત કરીને ત્યાં જ પૂર્ણવિરામ મૂકી દેવું જોઈતું હતું. પરંતુ ના, તેમને તો કદાચ હીરો થવું હતું અને કટ્ટર હિંદુઓમાં છવાઈ જઈને અમુક હજાર ફોલોઅર્સ મેળવી લેવા હતા એટલે એમણે Zomatoને ઉદ્દેશીને પેલી Tweet કરી દીધી.

એ વિવાદાસ્પદ Tweet કરવા પંડિતજીનો હીરો બનવા સિવાય અન્ય કોઈજ આશય દેખાતો નથી કારણકે જો એવું ન હોત તો તેમણે એ Tweet આટલો મોટો વિવાદ ઉભો કરીને ડીલીટ કેમ કરી? જ્યારે કેટલાક તમારા જેવી માનસિકતા ધરાવતા લોકો તમારા માટે લડી રહ્યા હતા ત્યારે તમારામાં જો હિંમત હતી તો તમારે તમારી Tweet પર ટકી રહેવું જોઈએને? અરે ભલભલા રાજકારણીઓ પક્ષપલટો કરીને પોતાની વર્ષો જૂની Tweets ડિલીટ નથી કરતા!

જો એ પંડિતજી પોતાની જાતને હિંદુ સમજવામાં ગર્વ અનુભવે છે તો તેમને હિંદુ ધર્મની ખરી ભાવના વિષે કોઈ ખ્યાલ જ નથી એ એટલુંજ સ્પષ્ટ છે. એક તરફ ડાબેરી સેક્યુલર જમાત હિંદુઓને અસહિષ્ણુતાનું સર્ટીફીકેટ આપવા માટે રેડી જ બેઠા છે એવામાં આ પંડિતજી તેમને ઢાળ આપીને સંપૂર્ણ સહિષ્ણુ એવા હિંદુ ધર્મનું જ અપમાન કરવામાં તેમની મદદ કરી રહ્યા છે. એ રાઈડર મુસ્લિમ હતો એટલે એનો એ ગુનો થઇ ગયો? તમારો ઓર્ડર કરેલો ખોરાક એના સ્પર્શ માત્રથી અભડાઈ ગયો? કયા જમાનામાં જીવો છો પંડિતજી?

કાલે સવારે મુસ્લિમો પણ હિંદુ રાઈડર્સ પાસેથી ફૂડ પાર્સલ સ્વીકારવાની નાં પાડશે તો આ વાત ક્યાં જઈને અટકશે? કેટલાક મિત્રો Zomato ઉપરાંત Swiggyમાં પણ કાર્ય કરે છે, તેમનાથી ગઈકાલે નવી વાત જાણવા મળી કે કેટલાક હિંદુ ડિલીવરી બોય્ઝ નોનવેજ ખોરાક લઇ જવાની ના પાડતા હોય છે પરંતુ મોટાભાગના હિંદુ ડિલીવરી બોય્ઝને એનો પણ વાંધો નથી હોતો અને તેઓ પોતાની રોજગારીને સન્માન આપતા નોનવેજ ફૂડ પણ પોતાના ગ્રાહકોને ડીલીવર કરે છે.

હવે વાત કરીએ પેલા નોન હલાલ ફૂડવાળી Tweetની. તો અસંખ્ય યુઝર્સનું એવું કહેવું હતું કે જો Zomato માટે ખોરાકનો કોઈ ધર્મ નથી હોતો તો તે પેલા મુસ્લિમ વ્યક્તિની તેને નોન હલાલ ફૂડ ડીલીવર કરવા બદલ માફી કેમ માંગે છે? કે તેને ઘટતું કરી આપવાની સુવિધા કેમ આપે છે? હલાલ અને નોન હલાલ ફૂડ એટલે શું તેના પર લંબાણપૂર્વક ચર્ચા થઇ શકે પરંતુ આપણે ત્યાં જૈન અને સ્વામિનારાયણ ધર્મ પાળનારાઓ માટે ડુંગળી લસણ વર્જ્ય  હોય છે. એવી જ રીતે મુસ્લિમોમાં હલાલ અને નોન હલાલ ફૂડના સ્વીકારમાં તફાવત હોય છે.

તો Zomato અને Swiggy એમ બંને એપ્સ પર તમે જો ઓર્ડર કર્યો હશે તો તમને ખબર જ હશે કે તેમાં Jain નો એક અલગથી ઓપ્શન હોય જ છે. એવી જ રીતે જે મુસ્લિમને નોન હલાલ ફૂડ ન ચાલી શકે એમ હોય તેના માટે Halal નો અલગથી ઓપ્શન આપવામાં આવ્યો છે. વિચાર કરો કે તમે જૈન છો અને જૈન ફૂડ ઓર્ડર કરવા છતાં તમારે ત્યાં કોઇપણ ફૂડ એપ દ્વારા ભૂલથી ડુંગળી લસણવાળું ફૂડ ડિલીવર થઇ ગયું તો તમે ફરિયાદ કરો કે નહીં? વળતર માંગો કે નહીં? તો જૈન ધર્મ માટે તમને Zomatoનું ખોરાકનો કોઈજ ધર્મ નથી હોતો એનો વાંધો નથી, પરંતુ હલાલ માટે છે!

ખરેખર તો પેલા પંડિતના મુસ્લિમ રાઈડરને લીધે ઓર્ડર કેન્સલ કરવાની અને હલાલ-નોન હલાલ અંગેની સરખામણી જ ખોટી છે. Zomatoએ ખોરાકને કોઈ ધર્મ નથી હોતો તે પેલા પંડિતને તેના કોમવાદી અને માનવતા વિરુદ્ધની માનસિકતાને ઉદ્દેશીને કહ્યું હતું. બાકી દરેક ધર્મના લોકોની ખાનપાનની આદત અલગ અલગ હોય છે અને જો કોઈ ફૂડ એપ તેનું સન્માન કરતું હોય તો વાંધો શું છે?

Zomato એ પણ બાદમાં Tweet કરીને સ્પષ્ટતા કરી છે કે તે જૈન ફૂડની જેમ હલાલ ફૂડ પણ પોતાની એપમાં માર્ક કરીને દર્શાવે છે, કારણકે એ કાયદો છે પરંતુ ‘ઝટકા’ ફૂડ વિષે આ પ્રકારે કોઈજ કાયદો ન હોવાથી તે પોતાની એપ પર દર્શાવતું નથી આથી જો તેના ગ્રાહકો ઝટકા ફૂડની પણ માંગણી કરશે તો તેને પોતાની એપમાં તેને દર્શાવવાથી કોઈજ વાંધો નથી.

આ આખા વિવાદમાં જો કોઈને સહુથી વધુ નુકશાન થયું હોય તો તે છે હિંદુ ધર્મને સાચી રીતે ફોલો કરનારા લોકોનું. અગાઉ કહ્યું એમ ડાબેરી સેક્યુલર ગિધ્ધો તાકમાં જ હોય છે કે ક્યારે કોઈ મગજ વિનાનો કટ્ટર હિંદુ કોઈ ભૂલ કરી બેસે અને તેને ઉદાહરણ બનાવીને આખા હિંદુ ધર્મને અને તેને ફોલો કરનારા તમામ હિંદુઓને કોમવાદી અને અસહિષ્ણુતાના રંગે રંગી દઈએ.

પેલા પંડિત જેણે પોતાના Twitter હેન્ડલનું નામ Namo Sarkaar રાખ્યું હતું તેને એટલી પણ ભાન નથી કે એ જ નમો સરકાર તેની બીજી ટર્મમાં ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ ના સુત્રને આગળ લઈને ચાલવાની છે. આ સ્પષ્ટ કરે છે કે નરેન્દ્ર મોદીના ફેન્સમાં પંડિતજી પ્રકારના અમુક ફેન્સને લીધે નરેન્દ્ર મોદીને અને હિંદુઓને બદનામ થવું પડે છે.

અમુક ધર્મ પ્રત્યે, તેમના રીતિરિવાજ પ્રત્યે કે તેમની માનસિકતા પ્રત્યે તમને તાર્કિક વાંધો હોઈ શકે અને હોવો પણ જોઈએ. તમને તમારા ધર્મ પ્રત્યે થતા અન્યાયનો બોધ પણ હોવો જોઈએ અને આ અન્યાય સામે તમે સોશિયલ મિડીયાના જાહેર મંચ પર તમારા વિચારો બેખોફ થઈને રજુ પણ કરો, પરંતુ તેનો મતલબ એવો તો બિલકુલ નથી કે તમે એ ધર્મને ફોલો કરનાર વ્યક્તિનો બહિષ્કાર કરો, એના રોજગારને લક્ષ્ય બનાવો કારણકે આપણી ઝનૂની ક્રિયાની પ્રતિક્રિયા ક્યારેક આપણને પણ નડી શકે છે.

eછાપું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here