અમારાથી કામ નથી થઇ શકતું, અમે થાકી જઈએ છીએ: સંસદ સભ્યો

1
302
Photo Courtesy: YouTube

ગઈકાલે ભારતની સંસદમાં એક અભૂતપૂર્વ ઘટના બની જેમાં વિપક્ષી સાંસદો બે હાથ જોડીને વિનંતી કરતા જોવા મળ્યા હતા કે તેમનાથી આટલું બધું કામ નથી થતું એટલે સંસદનું સત્ર આટલું લાંબુ ન ચલાવવામાં આવે!

ગઇકાલે ભારતની સંસદમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સંસદના બંને ગૃહોમાં દેશના માનનીય વિપક્ષી સંસદ સભ્યોએ અધ્યક્ષ અને ચેરમેનને બે હાથ જોડીને વિનંતી કરી કે અમારાથી આટલું બધું કામ નથી થતું તો સંસદ આટલો લાંબો સમય ન ચલાવો! આ દ્રશ્યો જોઇને સામાન્ય ભારતીયને જરૂર આશ્ચર્ય થાય કે જે લોકોનું કામ સંસદમાં બેસીને દેશને સ્પર્શ કરતા વિષયો પર ચર્ચા કરવાનું છે અને કાયદાઓ બનાવવાનું છે એમને જ એમના કામથી થાક લાગે છે? કંટાળો આવે છે?

સામાન્ય માનવી જે નોકરી કરે છે તેને સમગ્ર વર્ષમાં જો રવિવાર અને જાહેર રજાઓ બાદ કરીએ તો પણ 250થી વધુ દિવસો કામ કરવાનું આવતું હોય છે. આમાંથી મોટાભાગના લોકોને તો સંસદ સભ્યોની જેમ એરકંડિશન્ડ ઓફિસની પણ સુવિધા નથી મળતી. વળી, આટલી બધી મહેનત કર્યા બાદ પણ આ ભારતીયોને આપણા માનનીય સંસદ સભ્યો જેઓ વર્ષમાં ત્રણ મહિનાથી પણ ઓછું કાર્ય કરે છે છતાં તેમના જેટલા પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓ તો તેને મળતી જ નથી!

તો આપણા આ માનનીયોને વાંધો ક્યાં છે? ગઈકાલે સંસદમાં જે બન્યું તેમાં ઉડીને આંખે વળગતી વાત એ હતી કે લાંબો સમય સંસદ ચાલવાનો વિરોધ માત્ર અને માત્ર વિપક્ષી સંસદ સભ્યો કરી રહ્યા હતા અને એ પણ લોકસભા અને રાજ્યસભા બંનેમાં! લોકસભામાં સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવે તો હાસ્યાસ્પદ લાગે એવી દલીલ કરી દીધી કે સંસદ સભ્યોને તો સંસદ આટલી લાંબી ચાલવાને લીધે લગ્નમાં પણ જવા નથી મળતું! આના પરથી સાબિત થાય છે કે મુલાયમ સિંહની પ્રાથમિકતા સંસદમાં કામ કરવાનીનહી પરંતુ લગ્નોમાં ભાગ લેવાની છે!

મુલાયમ સિંહે સરકાર પર વળી આરોપ પણ મુક્યો હતો કે આ તેનું કાવતરું છે! હવે દેશની સંસદમાં વધુને વધુ કામ થાય અને લોકહિત માટે વધુને વધુ કાયદાઓ પસાર થાય તો એ સરકારનું કાવતરું કહેવાય? મુલાયમ સિંહના જ ભાઈ રામ ગોપાલ યાદવે આ મુદ્દે રાજ્યસભામાં પોતાની ઉંમરનો હવાલો આપતાં કહ્યું હતું કે જરૂરી નથી કે બધા જ સંસદ સભ્યો સવારે નવ વાગ્યે આવીને રાત્રે નવ વાગ્યા સુધી એમ લાંબો સમય કામ કરી શકે!

આ તમામ સંસદ સભ્યોમાં જો લાંબો સમય કામ કરતા કરતા સહુથી વધુ ખરાબ તબિયત જેની થઇ ગઈ હોય એવું લાગતું હોય તો તે હતા રાજ્યસભામાં વિપક્ષના ઉપનેતા અને કોંગ્રેસના આનંદ શર્માની. સંસદમાં લાંબો સમય સુધી કામ કરવા માટે પોતે સમર્થ નથી એ વાત રજૂ કરતી વખતે આનંદ શર્માએ વચ્ચે વચ્ચે ઘણીવાર ઉધરસ ખાવા માટે રોકાવું પડ્યું હતું.

આનંદ શર્માનું કહેવું હતું કે આ તો સંસદનું લંબાવવામાં આવેલું સત્ર છે એટલે એમાં તો સંસદે પોતાના નિશ્ચિત સમય અનુસાર એટલેકે સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ કાર્ય કરવું જોઈએ. આનંદ શર્મા તો TMCના ડેરેક ઓબ્રાયનની પ્રેસ કોન્ફરન્સમાં પણ ઉધરસ ખાતા જોવા મળ્યા હતા. ડેરેક ઓબ્રાયને કહ્યું હતું કે શું સરકાર પ્રજાને એ દર્શાવવા માંગે છે કે તે કેટલી ઝડપથી કાર્ય કરે છે? પણ આ તો તેમને 30 મિનીટ પિત્ઝા ડિલીવરી જેવું લાગી રહ્યું છે. ડેરેક ઓબ્રાયનની માફક રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે આટલો લાંબો સમય કામ કરવું તેને ‘ગેરબંધારણીય’ જાહેર કરી દીધું હતું!

લોકસભામાં મુલાયમ સિંહ યાદવની દલીલનો જવાબ રાજ્ય કક્ષાના સંસદીય કાર્યમંત્રી અર્જુન રામ મેઘવાલે આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષ ખુદ કહે છે કે સંસદે વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ કાર્ય કરવું જોઈએ અને સરકાર એ જ કરી રહી છે તો પછી વાંધો શું છે? તો રાજ્યસભામાં ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગોયલે જણાવ્યું હતું કે એ સમજાય એવી વાત છે કે અગાઉની સરકારોએ આટલું બધું કામ નથી કર્યું એટલે તમામને થોડી તકલીફ પડે પરંતુ આ સરકાર કામ કરવામાં માને છે જેથી થોડી સહનશીલતા તમામે અપનાવવાની જરૂર છે.

વિજય ગોયલની વાત બિલકુલ સાચી છે હાલની સરકાર ફટાફટ કામ કરવામાં માને છે જેથી પ્રજા કલ્યાણના કાર્યો ઝડપથી અમલમાં મૂકી શકાય. જ્યાં સુધી તબિયતનું કારણ છે તો હજી પરમદિવસે જ કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીને એન્ટીબાયોટીક દવા લેવાને લીધે એક કાર્યક્રમમાં ચક્કર આવી ગયા હતા પરંતુ તેમ છતાં ગઈકાલે તેઓ તેમના મંત્રાલયના બીલને પસાર કરાવવા માટે રાજ્યસભામાં હાજર હતા.

ડેરેક ઓબ્રાયન અને અન્ય  વિપક્ષી સંસદસભ્યોની મુખ્ય તકલીફ કદાચ વધુ સમય કામ કરવાની નથી પરંતુ પરંપરાગત રીતે કામ કરવા નથી મળતું એ છે. નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતમાં અત્યારસુધી જેટલા પણ બીલ રજુ થયા કે પાસ થયા તેમાંથી એક અથવા બે બીલો જ સંસદની સિલેક્ટ કમિટીને ચર્ચા માટે મોકલવામાં આવ્યા છે. ટ્રિપલ તલાકના બીલને પણ વિપક્ષોએ સિલેક્ટ કમિટીને મોકલવાનો આગ્રહ કર્યો હતો પરંતુ રાજ્યસભામાં બહુમતી હોવા છતાં વિપક્ષોની એ માંગ સ્વીકારવામાં આવી ન હતી.

સિલેક્ટ કમિટી એટલા માટે છે કે કોઈ બીલમાં સંસદ સભ્યોને ભૂલ દેખાય તો તેના પર ચર્ચા કરીને સુધારીને ફરીથી બીલને રજૂ કરાય જેથી તેમાં રાખેલી ખામી દૂર થાય. પરંતુ ગત સરકારોમાં મોટાભાગના બીલોને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવતા હતા જેનાથી છાપ એવી ઉભી થતી હતી કે બીલોને લાંબો સમય સુધી લટકાવી રાખવા માટે તેને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે છે.

વળી, આ સિલેક્ટ કમિટી પણ અઠવાડિયામાં અમુક દિવસો જ બેસતી હોય છે અને તેની પાસે એક કરતા વધુ બીલ વિચારાધીન હોય છે. આથી જ્યારે પણ તે પોતાના નિર્ણય પર પહોંચે ત્યારે મોટેભાગે સંસદનું એ સત્ર સમાપ્ત થઇ જતું હોય છે અને છેવટે આવનારા સત્રની રાહ જોવામાં આવતી હોય છે.

પછી એ બીલ રજુ થાય, પસાર થાય અને એમાં દેશમાં કોઈ મોટી ઘટના બની જાય એટલે વિપક્ષી સંસદ સભ્યો હોબાળો મચાવીને સંસદ અમુક દિવસો ન ચાલવા દે જેથી મહત્ત્વના બીલ આપોઆપ લટકી જાય. એટલે ડેરેક ઓબ્રાયન જેવા સંસદ સભ્યોની તકલીફ લાંબો સમય કામ કરવાને બદલે મોદી સરકાર આટલી ઝડપથી એકપછી એક લોકપ્રિય કાયદાઓ પસાર કરી રહી છે તે હોય તેવું લાગે છે. અથવાતો મહત્ત્વના બીલો અગાઉની જેમ કેમ લટકી પડતા નથી એ જોઇને તેમને દુઃખ થઇ રહ્યું છે.

ખરેખર તો ભારતના માનનીય વિપક્ષી સંસદ સભ્યોએ વિશ્વની બીજી બે મોટી લોકશાહીઓની સંસદ કેટલું કામ કરે છે તે જાણવાની જરૂર છે. એક આંકડા અનુસાર બ્રિટીશ પાર્લામેન્ટનું હાઉસ ઓફ કોમન્સ વર્ષમાં સરેરાશ 145 દિવસ કાર્ય કરે છે. તો અમેરિકાની કોંગ્રેસ સરેરાશ 138 દિવસ અને તેની સેનેટ વર્ષમાં 162 દિવસ કામ કરે છે. ત્યારબાદ જાપાનની સંસદ વર્ષમાં સરેરાશ 150 દિવસ અને કેનેડાની સંસદે ગયા વર્ષે 127 દિવસ કાર્ય કર્યું હતું.

ભારતીય સંસદનો 2018 સુધીના 10 વર્ષનો રેકોર્ડ તપાસીએ તો તેણે દર વર્ષે સરેરાશ 70 દિવસ કાર્ય કર્યું હતું જ્યારે 2017માં માત્ર 48 દિવસનું જ કાર્ય નોંધવામાં આવ્યું હતું. જો કે 2000ની સાલમાં ભારતની સંસદ સમગ્ર વર્ષ દરમ્યાન 85 દિવસ ચાલી હતી.  આ આંકડાઓ એટલે ઓછા લાગે છે કારણકે આ સમય દરમ્યાન મોટાભાગે સંસદનો સમય હોબાળાઓમાં જ વ્યતીત થયો હતો. આમ વિજય ગોયલની વાત પણ અહીં સાચી પડે છે કે અગાઉની સરકારો કદાચ આટલું બધું કાર્ય નહોતી કરતી એટલે એડજેસ્ટ થવામાં માનનીય વિપક્ષી સંસદ સભ્યોને થોડી તકલીફ પડી રહી છે.

સંસદ સભ્યનું કામ જ હોય છે કે જ્યારે સત્ર ચાલુ હોય ત્યારે તે સંસદમાં હાજરી આપે અને જ્યારે સત્ર ન હોય ત્યારે પોતાના મતવિસ્તારમાં જઈને લોકોની તકલીફ જાણે જેથી તે અગામી સત્રમાં સરકાર સમક્ષ રજુ કરી શકે. બેશક સંસદ સભ્યની વ્યક્તિગત જિંદગી પણ હોય જ છે જેની વાત મુલાયમ સિંહે કરી, પરંતુ પ્રાથમિકતા તો સંસદ અને પોતાના મતવિસ્તારના નાગરિકો જ હોવા જોઈએ.

હાલમાં જ લોકસભાએ મધ્યરાત્રી પછી પણ કાર્ય કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ખરેખર તો વિપક્ષી સંસદ સભ્યોએ આ રીતના વિક્રમો સર્જાય ત્યારે તેના બદલ ગર્વ અનુભવવો જોઈએ અને તેમાંથી પ્રેરણા મેળવીને વધુને વધુ કામ સંસદમાં થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. જ્યારે અન્ય લોકશાહી દેશોની સંસદો સામે આપણી સંસદ અડધા જેટલું જ કાર્ય કરતી હોય ત્યારે એ સંસદ સભ્યોની જવાબદારી છે પછી તે સરકાર પક્ષે હોય કે વિપક્ષે કે તે વધુને વધુ સમય સંસદમાં ગાળે અને દેશની જનતાના પ્રશ્નોને વાચા આપે નહીં કે પોતાના જ કામથી કંટાળી જઈને તેનાથી દૂર ભાગે.

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here