પોતાના જ અંશ સાથે સંબંધ જોડતી લઘુકથા – મુક્ત આકાશ

0
143

જ્યારે પોતાનો અંશ દૂર હોય અને તેની સાથે વર્ષો પછી મુશ્કેલીના સમયમાં લાગણીનો સંબંધ બંધાય ત્યારે એક માતાની પરિસ્થિતિ કેવી થાય તે જણાવતી લઘુકથા.

“રીમા, આ તો બહુ ખરાબ થયું. હવે તું એકલી શું કરીશ?  મને તો સમજ નથી પડતી કે આ સેપરેટ રેહવું એટલે શું? તું થોડું સહન કરી કેમ નથી લેતી તારા હસબન્ડ સાથે. બધું જ તો છે તમારી પાસે. પછી પ્રોબ્લેમ ક્યાં છે? ”  નીરુ બોલી

“નીરુ,  બધું જ છે પણ તોય કઈક ખૂટે છે… !! સહન કરવા જેવું કઈ છે જ નહિ. અમે બંને એકબીજા ને સહન કરી જ રહ્યા છીએ. સાથે રેહવું તેના કરતા અલગ રેહવું વધુ હિતાવહ છે, અત્યારની પરિસ્થિતિમાં. ભવિષ્યનું નથી ખબર શું થશે.“ રીમા એ વાત પર પૂર્ણવિરામ જ મૂકી દીધું એ નીરુના ધ્યાન માં આવ્યું.

“ સારું કઈ પણ જરૂર હોય તો મને કેહજે હું તો વિદેશમાં છુ પણ તને મદદ કરવાની હશે તો હું અહિયાં બેઠા બેઠા પણ કરીશ. ચાલ તારું ધ્યાન રાખજે. હું ફરી ફોન કરીશ” કહીને નીરુ એ ફોન મુક્યો.

નીરુ અને રીમા બંને મિત્રો હતા. નીરુ જરા રૂઢીચુસ્ત વાતાવરણ માં ઉછરી હતી. પણ રીમાના વિચારો થોડા મુક્ત હતા. નીરુના વિદેશમાં સ્થાયી થવા છતાં બંને એકબીજાના સંપર્કમાં હતા.

રીમા અને નીલેશે એકબીજા થી અલગ રેહવાનું નક્કી કર્યું હતું. બંને જણા પરિપક્વ હતા. એકબીજામાં કોઈ દોષ છે એટલે અલગ રેહવું એવું ન હતું તે વાત બંને સમજતા હતા. પણ બંનેની લગ્ન જીવનમાં પ્રાથમિકતા અલગ અલગ હતી. રીમા ને માટે તેની કારકિર્દી પણ એટલી જ જરૂરી હતી જેટલી નિલેશની કારકિર્દી. તે હમેશા માનતી કે સ્ત્રી એ પોતાના આંતરિક વિકાસ માટે કઈક તો કરવું જ જોઈએ. પછી તે નોકરી હોય કે પોતાની જ કોઈ શોખની વાત. બંન્ને એ એકબીજા ના વિચારો ને સમજવા પ્રયત્ન કર્યા પણ પરિસ્થિતિ પ્રમાણે સાનુકુળ ન થઇ શક્યા. એક સંબંધમાં ઘુંટાયા કરવું તેના કરતા આ રસ્તો બંને ને વ્યાજબી લાગ્યો. ભવિષ્યનું ન વિચારતા વર્તમાન નો વિચાર કર્યો.

બંને ને એક બાળક હતું જે હોસ્ટેલમાં  રેહતું. તેનું નામ ઓમ હતું. રીમા ઘરે થી જ કામ કરતી, ક્યારેક ઓફીસ પણ જતી. લગ્નજીવન ના ૨૦ વર્ષ માં હવે તે પોતે પણ ૪૦ વર્ષની થવા આવી હતી. જોકે તેના ચેહરા પરથી લાગતું નહિ. તે હજી પણ ઉમર પ્રમાણે નાની લાગતી.

જ્યારથી રીમા એ અલગ રેહવાનું નક્કી કર્યું ત્યારથી તેને ઓમ યાદ આવતો. તેણે ઓમ ને તેની સાથે રાખવાનું વિચાર્યું. બીજા જ દિવસે તે ઓમ ને મળવા તેની હોસ્ટેલ ગઈ. ઓમ 13 વર્ષનો હતો. તેની મમ્મી અચાનક આવી તેથી તેને થોડું અલગ લાગ્યું. રીમાએ ઓમ ને બેસાડી ને બધી વાત કરી. ઓમ એટલો નાનો તો નહતો કે તે સમજી ન શકે. તે ઘણો સમજદાર હતો.

“ મને ખબર છે મમ્મી તને મારી જરૂર છે.” ઓમ બોલ્યો

રીમા ને ખબર જ ન રહી કે ક્યારે પોતાનો દીકરો આટલો મોટો થઇ ગયો. તેને હોસ્ટેલ માં મુકવાનો નિર્ણય નિલેશનો જ હતો. રીમા એ ખુબ વિરોધ કરેલો. પણ નીલેશ માન્યો નહિ. વળી તેમના ઝગડાની અસર ઓમ પર પડતી હતી. રીમા વિચારી રહી કે જો ત્યારે જ મન મક્કમ કરી ને ઓમ ને લઇ ને અલગ થઇ ગઈ હોત તો ઓમ મારી સાથે હોત!  પણ ત્યારે રીમા સમાજના ડરે નક્કી ન કરી શકી અને પોતાની આંખો ની સામે ઓમ ને દુર થતા જોયો હતો. ત્યાર પછી રીમા સાવ શાંત થઇ ગઈ હતી.

ઓમના જવાનું કારણ તે નિલેશને માનવા લાગી, નીલેશ સાથે તે વધુ વાત ન કરતી. ખાલી ઘર તેને ખાવા દોડતું એટલે તે પણ વધુ સમય ઓફીસ માં રેહવા લાગી. નવા સંબંધો બનાવવામાં મન વાળ્યું પણ ઓમ ના વિચારો ને તે અલગ ન કરી શકી. કોઈપણ સંબંધની એક્સપાયરી ડેટ હોય જ છે. તે જાણતી હતી કે લાગણીઓના ઉતાર ચડાવ દરેક સંબંધમાં હોવાના, પણ જે પ્રેમ છે તે આ ઉતાર ચડાવ પછી પણ કાયમ રહે છે.

“તું મારી સાથે આવીશ ને ઓમ ?મને માફ કરજે બેટા જો મેં  ત્યારે જ મનને મક્કમ કરીને તને રોકી લીધો હોત તો આટલા વર્ષો આપણે એકબીજા થી દુર ન રહ્યા હોત” રીમા એ કહ્યું. આટલા સમયથી તે નક્કી જ નહોતી કરી શકતી કે તેને શું જોઈએ છે અને પોતાને જે જોઈએ છે તે હક્કથી માંગવાનો સ્વભાવ જ નહતો.

રીમા હજી પોતાને જ જવાબદાર સમજતી હતી ઓમને પોતાના થી દુર રાખવા માટે. ત્યારે એ વખતે તે  બોલી ન શકી તેનો રંજ તેને થતો હતો.

રીમા વિચારી રહી  સમાજમાં જયારે ખબર પડી કે આટલા વર્ષ પછી તે બંને હવે અલગ રહેવાના છે તો લોકોના ફોન રીમા પર આવવા લાગ્યા. મામા,મામી,માસી, કાકી, બધા ને રીમાએ જરૂર પડે સાચવ્યા હતા. પણ આ જ લોકો રીમાને જતું કરવાની અને સહન કરવાની સલાહ આપવા લાગ્યા. પણ આટલા વર્ષોમાં રીમા હવે મન થી મક્કમ થઇ ગઈ હતી. જે સંબંધમાં શ્વાસ જ ના હોય તેને જીવંત સંબંધ ન કેહવાય. રીમાને અજુગતું લાગતું કે કેમ બધા મને જ સમજાવવા અને સલાહ આપવા બેઠા છે…શું નિલેશની આ સંબંધને લઇ ને કોઈ ફરજ કે જવાબદારી નથી? નીલેશ સાથે કેમ કોઈ વાત નથી કરતુ?

“હા, મમ્મી હું આવીશ જ ને…મને પણ તારી વગર નથી ગમતું.“ ઓમ બોલ્યો. સાથે રીમાના વિચારો પણ અટક્યા.

બંને જણા એકબીજા નો હાથ પકડી ઓમનો સમાન લેવા તેના રૂમ પર જવા લાગ્યા. રીમા ને લાગ્યું કે જાણે એક નવો સંબંધ શ્વાસ લઇ રહ્યો છે. પોતાના જ અંશ સાથેનો સંબંધ…….

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here