હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (24): છેલ્લી દશેરા રેલી અને વિદાય

0
216
Photo Courtesy: teluguone.com

મહારાષ્ટ્ર અને મરાઠીઓ અને બાદમાં હિન્દુત્વની લડાઈ લડતા લડતા છેવટે બાળાસાહેબ ઠાકરેની તબિયત બગડી અને લાંબી બીમારી બાદ તેમનું અવસાન થયું તે સમયે મરાઠીઓને પડેલા આઘાતની વાત…

તારીખઃ 24 ઓક્ટોબર 2012

સ્થળઃ શિવાજી પાર્ક, દાદર, મુંબઈ

પ્રસંગઃ शिवसेना दसरा मेळावा (શિવસેના દશેરા મેળાવડો)

19 જૂન 1966માં શિવસેનાની સ્થાપના થઈ. એ જ વર્ષે પહેલી વાર 30 ઓક્ટોબરના બાળાસાહેબ ઠાકરેએ પહેલી વાર દશેરા મેળાવડો ગોઠવ્યો. દર વર્ષે વિજયાદશમીના દિવસે આ જ સ્થળે મહારાષ્ટ્ર (અને ભારતભરના) શિવસૈનિકો મળે. શિવસેનાના પ્રમુખ દર વર્ષે રેકોર્ડ બ્રેકિંગ એક-દોઢ લાખની જનમેદનીને સંબોધે. છત્રપતિ શિવાજી મહારાજના જયજયકારથી આખું મેદાન ગૂંજી ઊઠે.

આ 46મું વર્ષ હતું. આ વર્ષે બાળાસાહેબ ઠાકરે લોકોને સંબોધવા આવશે કે કેમ, એ જોવાની તાલાવેલી શિવસૈનિકોમાં જ નહીં પણ મિડીયામાં પણ હતી. થોડા સમયથી બાળાસાહેબની તબિયત લથડી ગયેલી. દશેરા પહેલા જ 9 દિવસ સુધી આંતરડાની બિમારીના કારણે દવાખાનામાં દાખલ હતા. પણ બધાને અહિંયા બાળાસાહેબ આવશે એવી આશા હતી, પણ એ ન આવ્યા.

ઉદ્ધવ ઠાકરેએ સભાને સંબોધી ત્યાર પછી એક વિડીયો લોકો સમક્ષ ચલાવવામાં આવ્યો. વિડીયોમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ બોલ્યાઃ

હું 86નો થયો છું અને થાકી ગયો છું. શારિરીક રીતે તૂટી ગયો છું. હું બોલી પણ નથી શકતો. જેમ તમે મારું ધ્યાન રાખ્યું છે એમ મારા પુત્ર ઉદ્ધવ અને પૌત્ર આદિત્યનું ધ્યાન રાખજો. 2006માં મારા ભત્રીજા રાજે શિવસેના સાથે છેડો ફાડીને ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ની સ્થાપના કરી. જે દાદરમાં શિવસેનાની સ્થાપના થઈ એ જ દાદરમાં આજે મરાઠીઓના વોટ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. હું તો કહું છું કે આ જ સમય છે કે આપણે ભેગા મળીને શરદ પવારની કોંગ્રેસને મહારાષ્ટ્રમાંથી હરાવીને ફેંકી દઈએ. નવી દિલ્હીમાં કોંગ્રેસની લીડરશીપ અને નેહરુ-ગાંધી પરિપાર પર પણ તેઓ બોલ્યા.

બાળાસાહેબનો સંદેશ સાંભળીને દરેક શ્રોતા અવાચક! મેળાવડાનો તો જેમ કે રંગ જ ઊડી ગયો. શ્રોતાઓને ખબર હતી કે બાળાસાહેબની તબિયત સારી ન હતી પણ આ વખતે તેઓ અતિશય થાકેલા અને હાંફેલા લાગતા હતા. શિવસૈનિકોએ જેને છેલ્લા ચાર દાયકાથી પોતાના ઈષ્ટ માનેલા અને તેમની માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જનારા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. 25 મિનિટના વિડીયો સંદેશ પછી જ્યારે શિવસૈનિકો શિવાજી પાર્કમાંથી બહાર નીકળતા હતા ત્યારે ઈમોશન રાજકીય નહોતો પણ બાળાસાહેબની તંદુરસ્તી માટેનો હતો.

બાળાસાહેબ ઠાકરે વિદ્રોહના બાદશાહ તરીકે જાણીતા હતા. તેઓ શરીરે દૂબળા હતા પણ પરંતુ ઓછાબોલા ન હતા. 70 અને 80 ના દાયકામાં પણ તેઓ ઉગ્ર થઈને ખોટી વસ્તુઓનો વિરોધ કરતા. પોતાના માણસોને હંમેશાં હિંસક વલણ અપનાવવા માટે ઉશ્કેરતા. તેઓ કદી નબળાઈના કોઈ સંકેતો દર્શાવતા નહીં. વિડીયોમાં ઠાકરેને નબળા અને અસંતુષ્ટ જોઈને ઘણા લોકોની આંસુમાં આવી ગયા. શિવસેના એ બાળ ઠાકરેના વ્યક્તિત્વની આસપાસ ઘડવામાં આવેલી સંસ્થા હતી. તેમના વગર શિવસેના કેવી હશે, શું હશે એ વિચારીને જ લોકો આશ્ચર્ય પામ્યા. દશેરાની આ સાંજે લોકોને સમજાઈ ગયું કે હવે બાળ ઠાકરે ઝાઝું ખેંચશે નહીં.

***

17 નવેમ્બર, 2012 સાંજે સાડા ત્રણ વાગ્યે, શિવસેનાના સ્થાપક અને ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ અને મોહક બાળ કેશવ ઠાકરેના મૃત્યુના સમાચાર આખા વિશ્વમાં ફરી વળ્યા. કાર્ડિયો-એરેસ્ટ (હ્રદયના આંચકા)થી તેમનું મૃત્યુ થયું હતું. તેઓ ઘણાં લાંબા સમયથી ફેફસાં અને સ્વાદુપિંડની બિમારીઓથી પીડાતા હતા.

મહારાષ્ટ્ના રાજકારણમાં આ એક યુગનો અંત હતો. સ્વતંત્ર ભારતમાં ઠાકરેની મૃત્યુયાત્રા અને અંતિમવિધિમાં અભૂતપૂર્વ જનમેદની જોવા મળી. ખરેખર, તે જનમેદની મહાત્મા ગાંધી, બાબાસાહેબ આંબેડકર, જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ અને સી.એન.અન્નાદુરાઈની અંતિમવિધિમાં જોવા મળે એ કદની હતી. આ ભીડ જ એ વાતનો પુરાવો હતો કે ઠાકરેએ રાજ્ય અને દેશ પર કેવી છાપ છોડેલી.

ચાર ચાર દાયકાથી વધુ સમય જે નેતાના ભાષણો સાંભળવા માટે લાખો લોકો મધ્ય મુંબઇના ઐતિહાસિક મેદાન શિવાજી પાર્કમાં ભેગા થતા એ જ મેદાનમાં આ જનમેદની ભેગી થઈ હતી. સામાન્ય રીતે બાંદ્રા પૂર્વમાં ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીથી 6 કિ.મી. દૂર આવેલા શિવાજી પાર્ક સુધી જવામાં 20 મિનિટથી વધુ સમય લાગતો નથી. પરંતુ તે દિવસે શિવસેનાના આ દિગ્ગજ નેતાની સ્મશાનયાત્રાએ સાત કલાકનો સમય લીધો.

ઠાકરેના મૃતદેહને તિરંગામાં લપેટીને ફૂલોથી સુશોભિત ખુલ્લા ટ્રકમાં રાખવામાં આવેલા. તેમની સ્મશાનયાત્રા સવારે 9 વાગ્યે શરૂ થઈ અને એકદમ ધીમી ગતિએ આગળ વધી. સ્મશાનયાત્રામાં સામેલ જનમેદની લગભગ 2 કિલોમીટરથી પણ લાંબા વિસ્તારમાં ફેલાયેલી હતી. લોકો રસ્તાઓ પર અને બાલ્કનીઓમાં તેમને જોવા ઊભા હતા. મોટાભાગના ભારતીય ટીવી ચેનલોએ ઠાકરેના મૃત્યુની ઘોષણા થઈ પછી ફક્ત તેમની પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. ઘણા એન્કર તેમની સાથેના તેમના જૂના ઇન્ટરવ્યૂને દેખાડવા લાગ્યા.

Photo Courtesy: teluguone.com

સ્મશાનયાત્રાની ભીડમાં અંદાજે 5 લાખથી 10 લાખ સુધીના લોકો હતા. ઠાકરેની પ્રતિષ્ઠાને જાળવી રાખવા સમગ્ર મુંબઈ સ્વયંભુ રીતે થંભી ગયું હોય એવો માહોલ હતો. થિયેટરોએ ફિલ્મોની સ્ક્રીનીંગ રદ કરી દીધી, મુંબઈના પોલીસ કમિશ્નરે પોતાના પુત્રીની લગ્નનું રિસેપ્શન કેન્સલ કર્યુ. ફિલ્મસ્ટાર દિલીપ કુમારે પોતાના 90 મા જન્મદિવસની ઉજવણી પણ રદ કરી. પરંતુ, શિવસેના સાથે સામાન્ય રીતે સંકળાયેલી હિંસા-વિક્ષેપ-હુલ્લડોનો કોઈને ખયાલ પણ ન આવ્યો. બધું જ શાંતિપૂર્વક ચાલી રહ્યું હતું.

જ્યારે ઠાકરેની સ્મશાનયાત્રા 2 કિ.મી. દૂર માહિમ દરગાહ પહોંચી ત્યારે, મુસ્લિમ નેતાઓએ આદર રૂપે ફૂલથી સજાવેલી ચાદર અર્પણ કરી. અને શિવાજી પાર્ક સુધીના રસ્તા પર ચાર જગ્યાએ ઉપરથી ફૂલોનો છંટકાવ કરે એવી વ્યવસ્થા કરેલી હતી. બાળાસાહેબના પાર્થિવ દેહને સૌ પહેલા ‘શિવસેના ભવન’માં અને પછી શિવાજી પાર્કમાં લઈ જવામાં આવ્યો હતો. શિવાજી પાર્કમાં, જ્યારે પોલીસે બેન્ડથી શ્રદ્ધાંજલિ અને 21 બંદૂકની સલામી આપી.

ભારતીય રાજકારણના એક-એક દિગ્ગજ શિવાજી પાર્કમાં એ સમયે મોજુદ હતાઃ લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, શરદ પવાર, સુપ્રિયા સુળે, નીતિન ગડકરી, પ્રફુલ પટેલ, મેનકા ગાંધી, રામ જેઠમલાની, શાહનવાઝ હુસૈન, રાજીવ શુક્લા, મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ, મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, આર. આર. પાટિલ, ગોપીનાથ મુંડે, છગન ભુજબળ, અનિલ અંબાણી વગેરે વગેરે. બૉલીવુડએ પણ પોતાની હાજરી આપી – સંજય દત્ત સાથે તેની બહેન સાંસદ પ્રિયા દત્ત, અમિતાભ બચ્ચન, નાના પાટેકર, શ્રેયસ તળપદે અને રિતેશ દેશમુખ.

અમિતાભ બચ્ચને સ્મશાન્યાત્રાની આગલી રાત્રે ટ્‍વિટ કરીને બાળાસાહેબ પ્રત્યે પોતાની ભાવના ઓલરેડી વ્યક્ત કરેલી. ઠાકરેએ અમિતાભ બચ્ચનને બોફોર્સના વિવાદ દરમિયાન ટેકો આપ્યો હતો અને 1982 માં ‘કૂલી’ના સેટ પર ઇજાગ્રસ્ત થયા પછી મુંબઈ એરપોર્ટ આવતાં જ શિવસેનાની એમ્બ્યુલન્સ પણ મોકલી આપી હતી. સૂરસમ્રાજ્ઞી લતા મંગેશકરે કહ્યું: જ્યારે બાળાસાહેબ હતા, ત્યારે મહારાષ્ટ્ર હતું. જ્યારે તે ત્યાં નથી, ત્યાં કશું જ નથી.

શિવાજી પાર્કે મેદાનની આસપાસનો માહોલ અભૂતપૂર્વ હતો અને મુંબઈ કે મુંબઈકરોએ એ ભાગ્યે જ જોયેલું હતું.

ઠાકરે પરિવારના સભ્યો તો ત્યાં હાજર હતા જ પણ તે જ સાથે, ઠાકરેના ડૉક્ટર જલિલ પાર્કર પણ હાજર હતાં. જલિલ મુસ્લિમ હતાં પણ તેમણે બાળાસાહેબના હાર્ડ-લાઇન હિન્દુત્વના સિદ્ધાંત પર વર્ષો સુધી સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઠાકરેની અંતિમવિધિમાં તેમને ગૌરવભર્યુ સ્થાન આપવામાં આવ્યું હતું. ઠાકરેનો પસંદિત થાપા નામક એક નેપાળી યુવાન પણ ત્યાં હાજર હતો. ઠાકરેની ચિતા શિવાજીની મૂર્તિ નીચે મૂકવામાં આવી હતી જ્યાંથી તેઓ પોતાની રેલીઓને સંબોધિત કરતા.

જ્યારે ઉદ્ધવે અગ્નિદાહ આપ્યો ત્યારે ત્યારે ‘બાળાસાહેબ અમર રહે’ ના અવાજોથી આખું શિવાજી પાર્ક ગૂંજી ઊઠ્યું.

ઉદ્ધવ અને રાજ બંને પોતાના આંસુ રોકી શક્યા નહીં. બાળાસાહેબ ઠાકરે પાસે કોઈ સત્તાવાર હોદ્દો ન હતો પણ તેમને ઔપચારિક રીતે રાજ્યસ્તરે અંતિમવિધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પડઘો

લોકમાન્ય ટિળકની અંતિમવિધિ આ જ રીતે જાહેરમાં (ગિરગામ ચોપાટી) માં 1920માં કરવામાં આવેલી.

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19 | ભાગ 20 | ભાગ 21 | ભાગ 22 | ભાગ 23

 

eછાપું  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here