વર્ષોના નહીં પરંતુ દાયકાઓના સંઘર્ષ બાદ શિવસેનાને કોંગ્રેસ અને ખાસકરીને તે સમયના મુખ્યમંત્રી શરદ પવારની સરેઆમ નિષ્ફળતાને લીધે સરકાર બનાવવા તો મળી પરંતુ ભાજપ સાથે બનાવેલી આ સરકાર….
1993 અને 1994 માં, કોંગ્રેસ શાસનના કથિત કૃત્યોને લોકો સમક્ષ લાવીને શિવસેનાએ પોતાની રાજકીય પ્રગતિ ચાલુ રાખી. કોંગ્રેસની નબળાઈ લોકોને દેખાઈ જ્યારે 12 માર્ચ, 1993 ના રોજ મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયા. વિસ્ફોટ પછી ખોરવાયેલું સામાન્ય જનજીવન 24 કલાકની અંદર સામાન્ય થઈ ગયું પરંતુ કોંગ્રેસના નવા મુખ્યમંત્રી શરદ પવારે આ બાબતે ક્રેડિટ લેવાની કોશિશ કરી ત્યારે તેમનો પ્રયાસ સફળ ન થયો. આતંકવાદ દ્વારા ઉદ્ભવેલી ધમકીઓ સામે સરકાર અસમર્થ અને વામણી પૂરવાર થઈ.
ઠાકરેએ મહારાષ્ટ્રની તમામ ખોટી બાબતો માટે નવા મુખ્યમંત્રી શરદ પવારને જવાબદાર ઠેરવ્યા. તે સમયે ફેબ્રુઆરી 1995માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તેમની ઝુંબેશ શરૂ હતી, તે સમયે તેમણે કહ્યુંઃ
શરદ પવાર શકુની મામા છે, જે દુષ્કૃત્યોનો આશ્રય છે. તે મુખ્યમંત્રી તરીકે પરત આવ્યા પછી શું થયું તે જુઓ. 12 માર્ચના વિસ્ફોટ, પછી લાતૂરમાં ભૂકંપ, પછી પ્લેગ, નાગપુરમાં 128 ગોવરી આદિવાસીઓ માર્યા ગયા અને અસાધારણ વરસાદ જેના કારણે સ્થાયી પાકનો નાશ થયો. પવાર પનોતી છે. પવારે વચન આપેલું કે જો તેમને ક્યારે પણ કોંગ્રેસ સાથે ફરી જોડાવું પડ્યું, તો રાજકારણ છોડીને હિમાલય પર જશે. શું થયું? આજે તે નોટો અને રુપિયાના એક અલગ જ હિમાલય ઉપર છે. અત્યારે ભારતમાં સૌથી ધનાઢ્ય રાજકારણી છે. સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત થયા બાદ, પવારનો પહેલો નિર્ણય સંરક્ષણ ભૂમિને બે પુણે બિલ્ડરોને વેચવાનો હતો. પાયદળ, નૌકાદળ, હવાઇદળ અને ઘણા સાંસદો દ્વારા આનો સખત વિરોધ કરવામાં આવ્યો ત્યારે તેમણે નિર્ણય રદ કરવો પડ્યો હતો. પછી વનસ્પતિ તેલ માટેનો કોન્ટ્રાક્ટ બારામતી ઓઇલ મિલ (જે તેના ભત્રીજા અજિત પવારની મિલ છે)ને આપવામાં આવ્યો. તેલમાં ભેળસેળ હતી, અને આર્મી પુરવઠો નકારી કાઢ્યો હતો.
ઠાકરેની હિન્દુત્વ પીચ ચાલુ જ રહી, તેઓ કહેતા: ‘આતંકવાદી જેવા લડાયક બનો. હિન્દુઓને આ રાષ્ટ્રમાં પોતાનો આતંકવાદ ફેલાવવો જ પડશે.’ ઠાકરેના કેસરી કપડાં, હાથમાં રુદ્રાક્ષની માળા, રેલીઓમાં હિન્દુ વિષયક ભાષણો અને સાથે-સાથે મુસ્લિમ વિરોધી વલણ – આ બધું 1995 ની ચૂંટણી માટે બિલ્ડ-અપ હતું. 12 માર્ચ, 1994 ના રોજ, વિસ્ફોટોની પ્રથમ વર્ષગાંઠે, ઠાકરેએ ચેતવણી આપી: ‘જો ચૂંટણી પંચ મુસ્લિમ મહિલાઓને આગામી ચૂંટણીઓમાં બુરખા પહેરવાની પરવાનગી આપશે તો શિવસેના માત્ર મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાનમાં ચૂંટણી થવા જ નહીં દેશે.
ફિલ્મજગતના લોકો પણ તેમના ટારગેટ બન્યા. 1993માં મુંબઈમાં ‘પાકિસ્તાન ડે’ની ઉજવણીમાં હાજરી આપ્યા પછી એ. કે. હંગલની ફિલ્મોનો બહિષ્કાર કરવાનું ઠાકરેએ આવાહન કર્યુ. 1993ના રમખાણોના વિષયે શબાના આઝમીએ કરેલી ટિપ્પણી માટે તેમની પણ ટીકા થઈ. આ દરમિયાન શિવસેનાનું વૃત્તપત્ર ‘સામના’નું વાંચન વધ્યું. 1993-94 માં તેનું વેચાણ લગભગ દોઢ લાખથી ત્રણ લાખ સુધીનું થયું. તેના મજબૂત વિતરણ નેટવર્કને કારણે તેની હિન્દી આવૃત્તિ પણ બહાર કાઢવામાં આવી.
શિવસેનાના બીજા લોકપ્રિય કાર્યક્રમો પણ ચાલુ રહ્યા – જેમ કે બોમ્બ બ્લાસ્ટ વખતે અસરગ્રસ્ત સ્થળો સુધી પહોંચનારા અને પીડિતોને મદદ કરનાર શિવસૈનિકો પ્રથમ હતા. શિવસેનાની એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા. હોસ્પિટલોમાં સ્ટાફની તંગી હોય તો શિવસૈનિકોએ ત્યાં મદદ કરી. સપ્ટેમ્બર 1993 માં ભૂકંપ પછી, ડૉ. દિપક સામંતની આગેવાની હેઠળ શિવસેનાની ટીમ લાતૂર પહોંચી અને મફત દવાઓ વહેંચી. પુનર્વસન કાર્ય માટે લિંબાળા નામના એક ગામને દત્તક લીધું.
આશ્ચર્યજનક વાત એ હતી કે ઠાકરેએ ‘ટાડા’ને પાછો ખેંચી લેવા સપોર્ટ કર્યો, જે લગભગ આખા દેશમાં આતંકવાદનું પ્રતીક માનવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન, ઠાકરેએ આ વિષયે ખુલાસો આપતા કહ્યુંઃ હું સંજય દત્તને સપોર્ટ કરું છું કારણ કે મને ખાતરી છે કે વિસ્ફોટોથી તેને કંઈ લેવા-દેવા નથી. ઉપરાંત, હું ફિલ્મ ઉદ્યોગ અને તેના હજારો કામગારો વિશે ચિંતિત છું. સંજયની ધરપકડને કારણે, તે જેમાં કામ કરી રહ્યો છે એ 20 ફિલ્મોનું કામ થંભી જશે. હજારો કામગારોના રોજગારનો પ્રશ્ન છે. હું સંજય સામેનો કેસ પાછો ખેંચવાનું નથી કહેતો. હું તો કહું છું કે તેને જામીન પર છોડો!
***
ફાઈનલી, ફેબ્રુઆરીની વિધાનસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં રેકોર્ડ બ્રેકિંગ 71.87% મતદાન થયું અને 11 માર્ચના રોજ મતદાન પેટીઓ ખોલવામાં આવી ત્યારે સ્પષ્ટ હતું કે ઠાકરેએ જંગી જીત મેળવી હતી. શિવસેનાના પ્રમુખ અને ભાજપાના નેતા લાલકૃષ્ણ અડવાણીને એક બેઠકમાં મનોહર જોશીને મુખ્યમંત્રી અને ગોપીનાથ મુંડેને વિધાનસભાના શિવસેના-ભાજપના નાયબ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

14 માર્ચ 1995 ની સાંજે, શિવસેનાના મનોહર જોશીએ મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જોવા મુંબઈના શિવાજી પાર્કમાં માનવ મહેરામણ ઉમટ્યો. આ શપથવિધિ થોડી અલગ હતી. 1960 થી, તમામ મુખ્યમંત્રીઓ રાજ્યપાલના સ્થળે રાજ ભવનમાં શપથ લેતા. પણ લાખો લોકોની હાજરીમાં શપથ લેતા મુખ્યમંત્રી પહેલીવાર જોવા મળ્યા. મનોહર જોશીની શપથવિધિ વખતે ઠાકરેએ શાસન કરવાની તેમની ‘રિમોટ કંટ્રોલ’ રીત પણ સમજાવીઃ ‘હું હિટલર નથી, કે તેનો વકીલ પણ નથી. પરંતુ શિવસેના-ભાજપ દ્વારા કરવામાં અપાયેલા વચનો કાગળ પર નહીં રહે. હું રિમોટ કંટ્રોલ બનીને સમયે સમયે ચકાસતો રહીશ.’
શિવસેના સત્તામાં તો આવી પણ ત્યાં રહીને ન્યાય આપવો એટલું સહેલું ન હતું. તેમની સત્તામાં (1995 થી 1999) ઘણી વસ્તુ ઓન-પેપર જ રહી. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર આર્થિક રીતે પોતાના સ્તરથી નીચે સરકતું ગયું. ભગવી સરકાર પોતે આપેલા વચન પાળવામાં અસફળ રહીઃ 40 લાખ ઝૂંપડપટ્ટી રહેવાસીઓ માટેની ‘મફત હાઉઝિંગ યોજના’ પાકી જ નહીં, વ્યાજબી દરો પર મરાઠી ખોરાક પૂરો પાડનાર ‘ઝુણકા-ભાકર’ કેન્દ્રો પણ અસફળ રહ્યાં.
મુંબઈમાં 55 ફ્લાયઓવર અને 6-લેન મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે સિવાય ભાજપા-શિવસેનાની કોઈ સિદ્ધી દેખાઈ નહીં. એમાં પણ શિવસેનાના મોટાભાગના મતદારો મુંબઈની બેસ્ટ બસમાં મુસાફરી કરતા, જેને આ ફ્લાયઓવર પર જવાની મંજૂરી નહોતી, પરંતુ ફ્લાયઓવરની નીચે ગીરદીમાંથી જવું પડતું. ‘સ્થાનિક લોકો માટે નોકરી’ એ પણ ઓન-પેપર ગતકડું જ રહ્યું. શિવસેનાએ મરાઠી ભાષાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી પણ મોટાભાગની મરાઠી શાળાઓ બંધ થતી ગઈ કારણ કે શાળાઓની જગ્યા શિવસેનાએ મોટા ટાવર્સ બાંધવા માટે વેચી મારી.
શિવસેનાના વિધાનસભ્યો અને મંત્રીઓ રાતોરાત ફેન્સી બન્યા અને તેમની જીવનશૈલી બદલાઈ ગઈ. ગુજરાતી, મારવાડી કે જૈન પ્રજા જ નહીં પણ મરાઠી પ્રજાએ પણ હવે રીઅલ એસ્ટેટમાં ઝંપલાવ્યું. શિવસેનાના નેતાઓએ તેમની સાહસિકતાને લીધે આગળ વધ્યા, અને સામાન્ય મરાઠી ‘માણૂસ’ ક્યાંક ગૂમ થઈ ગયો. ‘ઝુણકા-ભાકર’ કેન્દ્ર ફાસ્ટ ફૂડ કેન્દ્રો બની ગયા.
1996 ના પ્રારંભમાં, છગન ભુજબળે એક પત્રકાર પરિષદ બોલાવી અને શીલા કિણી નામની એક સ્ત્રીને સંબોધીને આરોપ લગાવ્યો કે શીલાના પતિ રમેશ કિણીને રાજ ઠાકરેના માણસો દ્વારા સામનાની ઑફિસમાં વારંવાર બોલાવવામાં આવતા અને તેમનો માટુંગાનો ફ્લેટ ખાલી કરવાનું કહેવામાં આવતું. 23 જુલાઇના દિવસે રમેશ કિણી સામનાની ઑફિસમાં ગયા અને બીજે દિવસે પુણેના એક થિયેટરમાં તેનો મૃતદેહ મળી આવ્યો. જો કે CBI તપાસની માગણી બાદમાં ઠાકરેએ એવું જાહેર કર્યું કે પવાર અને લખોબા ભુજબળે દ્વારા આ બધું પ્લાનિંગ હતું.
નવેમ્બર 1996 માં સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ બે પ્રધાનો – કૃષિ પ્રધાન શશિકાંત સુથાર અને નાણાં પ્રધાન મહાદેવ શિવાંકર પર ભ્ર્ષ્ટાચારનો આરોપ મૂક્યો. 1997માં એક પોલીસ અધિકારીએ ઘાટકોપરના રમાબાઈ નગર ખાતે બાબાસાહેબ આંબેડકરની મૂર્તિના અપમાન સામે વિરોધ પ્રદર્શન કરવા નીકળેલા લોકો પર લાઠીચાર્જ કર્યો જેમાં દસ માણસોના મૃત્યુ થઈ અને 26 ઘાયલ થયા હતા. ભુજબળે ફરીથી શિવસેનાને ‘દલિતોના હત્યારા’ કહ્યા.
ડિસેમ્બર, 1998 માં, બે મોટા આંદોલનોમાં શિવસેના સરકાર એક્ટિવ રહી: (1) સમલૈંગિકતા પર દીપા મહેતાની ફિલ્મ ‘ફાયર’ સામે અને (2) પાકિસ્તાનની ક્રિકેટ ટૂર સામે. શિવસેનાએ મુંબઈમાં ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય મથક પર હુમલો કર્યો. શિવસૈનિકોએ BCCIની ઑફિસમાં પ્રવેશ કર્યો, ફર્નિચર તોડ્યા અને પ્રુડેન્શિયલ વર્લ્ડકપ (જે ભારતે 1983માં પ્રથમ વાર જીતેલો) તોડી નાખ્યો. જો કે ઉદ્ધવે શિવસેના આ આક્રમણમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી 1999 ની શરૂઆતમાં, દિલ્હીમાં શિવસૈનિકોએ ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ ખાતે પીચ ખોદીને વિરોધ કરેલો.
ઠાકરેને ‘યુતી’ સરકાર નહીં પણ ‘ગતિ’ સરકાર જોઈતી હતી. એટલે થોડાં કામો તેમણે ખૂબ જ ગતિથી કર્યા. જેમ કે ‘બોમ્બે’નું નામ બદલીને ‘મુંબઈ’ અને સહાર એરપોર્ટનું નામ બદલીને છત્રપતિ શિવાજી હવાઇમથક કર્યું.
આ બધા બનાવોને કારણે સ્પષ્ટ થઈ ગયું છે કે ઠાકરે પોતે પોતાની સરકારથી અને ખાસ કરીને મુખ્યમંત્રીની નિમણૂકથી ખુશ ન હતા. જોશી અને ઠાકરેની ઘણી બાબતે માથાકૂટ થતી. એક વાર હવાઈમથક બાંધવા માટે હિન્દુજા ગ્રૂપ સાથે સમજૂતી કરાર કરવાનું મનોહર જોશીએ સૂચન આપ્યું ત્યારે ઠાકરેએ ના પાડી. તેમણે કહ્યું કે અત્યારે લોકો માટે મહત્ત્વની બાબતો ખોરાક, કપડાં અને આશ્રયની છે, હવાઈમથકની નહીં.
શિવસેનાના એજન્ડાને આગળ ધપાવવાની અક્ષમતા માટે ઠાકરેએ સરકારની ટીકા કરી. બાદમાં મનોહર જોશીને 1999માં શિવસેના સ્ટાઈલમાં દૂર કરવામાં આવ્યા: ઠાકરેએ મુખ્યમંત્રીના બંગલામાં બે લાઇનનો પત્ર મોકલ્યો અને તેમને ગવર્નરને રાજીનામું આપવાનું કહ્યું. શિવસેનાની સરકારમાં પ્રથમ વખત મહારાષ્ટ્રને આવકમાં ખોટ થઈ. પરિણામે, શિવસેનાએ 1999માં સત્તા ગુમાવવી પડી. ત્યારબાદ 2004 અને 2009 ની ચૂંટણીઓમાં તેઓ હારી ગયા.
પડઘો
1993માં 12 માર્ચ ના મુંબઈમાં 12 બોમ્બ વિસ્ફોટ થયા જેમાં 257 જાનહાનિ અને 713 ઇજાઓ થઈ. એવું માનવામાં આવે છે કે D-કંપનીના નેતા દાઉદ ઈબ્રાહિમ દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવેલ – જેમાં ટાઇગર મેમન અને યાકુબ મેમનની મદદ લેવામાં આવી હતી.
eછાપું
હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19 | ભાગ 20 | ભાગ 21