પાકિસ્તાનમાં મેડિકલ પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સ પોતાના દેશની ગુણવત્તા પર ખરા ન ઉતરતા હોવાથી સાઉદી અરેબિયાના આરોગ્ય મંત્રાલયે એક મોટો નિર્ણય લેતા હજારો પાકિસ્તાની ડોક્ટરો એકસાથે બેકાર બની ગયા છે.

રિયાધ: સાઉદી અરેબિયાએ પાકિસ્તાનમાંથી મેડિસીનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીઓ (Master of Surgery – MS અને Doctor of Medicine) મેળવનારા ડોક્ટરોની તાત્કાલિક અસરથી બરતરફી કરી છે. પાકિસ્તાની અખબાર ડોનમાં પ્રકાશિત આ સમાચાર અનુસાર આ નિર્ણય દ્વારા સાઉદી અરેબિયામાં પ્રેક્ટીસ કરતા અસંખ્ય પાકિસ્તાની ડોક્ટરો બેરોજગાર થઇ જશે.
સાઉદી અરેબિયાએ આ નિર્ણય એટલા માટે લીધો હોવાનું કહેવામાં આવે છે કારણકે તેની સરકારને લાગે છે કે પાકિસ્તાનમાં ડોક્ટર્સને માળખાગત તાલીમ પ્રોગ્રામ સાથે જોડવામાં આવ્યા નથી જે સાઉદી આરોગ્ય મંત્રાલયની દ્રષ્ટિએ અહીં પ્રેક્ટીસ કરવા માટે લઘુત્તમ લાયકાત બને છે. પાકિસ્તાની ડોક્ટરોની તકલીફ અહીંથી જ પૂર્ણ નથી થતી. સાઉદી અરેબિયા દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ, કતાર, યુનાઇટેડ આરબ અમીરાત અને બેહરીને પણ આ જ પ્રકારનું પગલું ઉઠાવ્યું છે.
સાઉદી કમીશન ફોર હેલ્થ સ્પેશીયાલીટીઝ (SCFHS) દ્વારા પાકિસ્તાની ડોક્ટરોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે
તમારી વ્યવસાયિક લાયકાત હવેથી રદ્દ ગણવામાં આવે છે. આ પાછળનું કારણ એ છે કે પાકિસ્તાનથી મળેલી તમારી માસ્ટર ડિગ્રી એ સાઉદી કમીશન ફોર હેલ્થ સ્પેશીયાલીટીઝ (SCFHS) દ્વારા નિયત ધારાધોરણો અનુસાર નથી.
આ ડોક્ટરોને 2016માં કરાંચી, લાહોર અને ઇસ્લામાબાદમાં ઓનલાઈન એપ્લીકેશન કર્યા બાદ સાઉદી આરોગ્ય મંત્રાલયે લીધેલા ઇન્ટરવ્યુ બાદ નોકરી આપવામાં આવી હતી. આ નિર્ણય બાદ સાઉદીમાં રહેતા પાકિસ્તાની ડોક્ટરોનું કહેવું છે કે તેમના માટે આ અત્યંત શરમજનક પરિસ્થિતિ છે કારણકે તેમના જેવી જ ડિગ્રીઓ ધરાવતા ઈજીપ્ત, સુદાન, બાંગ્લાદેશ અને ભારતના ડોક્ટરો હજી પણ અહીં પ્રેક્ટીસ કરી રહ્યા છે.
આ ડોક્ટરોએ સાઉદી સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની સઘળી જવાબદારી પાકિસ્તાનની ધ કોલેજ ઓફ ફીઝીશીયન્સ એન્ડ સર્જન્સ ઓફ પાકિસ્તાન (CPSP) પર ઢોળી દીધી છે જે સમગ્ર પાકિસ્તાનમાં મેડિકલ શિક્ષણનો અભ્યાસક્રમ અને તેની દેખરેખ રાખે છે. બરતરફ થયેલા પાકિસ્તાની ડોક્ટરોને હવે ગમે તે ઘડીએ સાઉદી અરેબિયામાંથી ડિપોર્ટ પણ કરવામાં આવશે તેવો તેમને ભય સતાવી રહ્યો છે.
હાલમાં તો અચાનક જ બરતરફ થયેલા પાકિસ્તાની ડોક્ટરો અને તેમના પરિવારો અત્યંત મોટા આઘાતમાં છે કારણકે લગભગ પાંચ વર્ષની મહેનત બાદ આ ડોક્ટર્સે ડિગ્રીઓ મેળવી હતી અને સારા ભવિષ્યની આશામાં તેઓ સાઉદી અરેબિયા નોકરી કરવા માટે આવ્યા હતા. હવે તેનું ભાવી અદ્ધરતાલ જોવા મળી રહ્યું છે જે અંગેની જવાબદારી પાકિસ્તાનની સરકાર કદાચ લેવા માટે તૈયાર પણ નહીં થાય.
eછાપું