ગુજરાતનું ગૌરવ એવું અમુલ હવે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થતા અહીંની જનતાને જે દૂધ અતિશય મોંઘુ મળે છે તેને સસ્તું બનાવવાના તેમજ પશુપાલકોને સાહસિક બનાવવાના પ્રયાસો શરુ કરશે.

આણંદ: કલમ 370 દૂર કર્યા બાદ હવે જમ્મુ અને કાશ્મીર તેના અટકી ગયેલા અથવાતો બિલકુલ ન થયેલા વિકાસને અપનાવે તેવી શક્યતાઓ ઉજળી બની છે. અત્યારસુધી અહીંની રાજ્ય સરકારોએ કલમ 370નો દૂરુપયોગ કરીને અહીંની પ્રજાને દેશની બાકીની પ્રજા કરતા ઓછી સુવિધાઓ આપી છે તે હવે દૂર થવાની સંભાવનાઓ છે.
કેન્દ્ર સરકારની પોતાના શાસન હેઠળના નવા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે જે વિકાસની યોજના તૈયાર થઇ રહી છે તેમાં ગુજરાતની શાન અમુલ પણ હિસ્સેદાર બનશે. ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) હવે જમ્મુ અને કાશ્મીરમાં ડેરી ઉદ્યોગના વિકાસની જવાબદારી લેશે અને તેમાં રોકાણ કરશે.
370મી કલમ નાબૂદ થઇ તે પહેલાં જ અમુલના ઉચ્ચ અધિકારીઓ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલને મળ્યા હતા અને તેણે રાજ્યમાં ડેરી ઉદ્યોગ માટે ટેક્નીકલ સપોર્ટ તેમજ દૂધ ખરીદી સિસ્ટમને ડેવલોપ કરી તેનું મેનેજમેન્ટ કરવાની ઈચ્છા દર્શાવી હતી.
હાલમાં જમ્મુ અને કાશ્મીરમાં ડેરી ઉદ્યોગનું લગભગ કોઈજ અસ્તિત્વ નથી. પશુપાલકો પાસેથી મળતું દૂધ સામાન્ય જનતાને અતિશય મોંઘુ પડે છે અને પશુપાલકોને પણ ખાનગી ડેરીઓ સાથે સ્પર્ધા કરવી પડે છે જે દૂધ ઉત્પાદન પર તેમને થતા ખર્ચને લીધે તેમને આ સ્પર્ધામાં ટકવા દેતા નથી.
આ જ કારણ છે કે જમ્મુ અને કાશ્મીરના પશુપાલકો ખુદ રાજ્યમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે માટે ઉત્સુક છે. અમુલ અહીં રાજ્યના ખેડૂતો અને પશુપાલકોને ડેરી સાહસિકો તરીકે વિકસિત કરશે અને તેમને દરેક પ્રકારની સુવિધા તે આપશે.
અહીં પશુપાલકો સાથે કોપરેટીવ મોડલ વિકસિત કરીને દૂધ ઉપરાંત દૂધની અન્ય પેદાશો પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત તેમની પાસેથી દૂધની ખરીદી, પ્રોસેસિંગ અને માર્કેટિંગની વ્યવસ્થા પણ GCMMF કરશે.
અત્યારસુધી જમ્મુ અને કાશ્મીરની સ્થાનિક સરકારની કોઈજ મદદ ન મળતા રાજ્યમાં ડેરી ઉદ્યોગ વિકસી શક્યો નથી જેને લીધે રાજ્યમાં માત્ર બે જ પ્રોસેસિંગ યુનિટ્સ છે. આ બંને યુનિટ્સ કુલ પચાસ હજાર લીટર દૂધ જ પ્રતિ દિવસ પ્રોસેસ કરી શકે છે. આમાંથી લગભગ અડધું દૂધ JKMPCL ખરીદે છે જેને સ્નો કેપ બ્રાંડના નામે વેંચવામાં આવે છે.
પરંતુ શ્રીનગર ઉપરાંત તેની આસપાસના વિસ્તારોમાં પેકેટ વિનાનું દૂધ ખૂબ વેંચાય છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના બજારમાં બટર, ચીઝ, પનીર તેમજ આઈસ્ક્રીમના વેચાણની અપાર શક્યતાઓ જોવા મળી રહી છે જેને અમુલ અંકે કરી લેવા માંગે છે.
eછાપું