ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચેના અણબનાવ અંગેની અફવાઓની ઝાટકણી કાઢી હતી.

મુંબઈ: હાલમાં જ પૂર્ણ થયેલા ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં જ્યારે ભારત ન્યુઝીલેન્ડ સામે હાર્યુ ત્યારથી જ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અણબનાવની અફવાઓ વારંવાર સામે આવી રહી છે. હાલમાં ચાલી રહેલા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર જતાં અગાઉ વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ પણ આ પ્રકારની અફવાઓને રદિયો આપ્યો હતો પરંતુ તેમ છતાં આ અફવાઓ બંધ થવાનું નામ જ નથી લેતી.
આ અંગે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને લેજન્ડરી બેટ્સમેન સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે જો વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને છાપરા પર ચડીને બૂમો પાડીને પણ કહેશે કે આ બધું ખોટું છે તો પણ આ બધી વાર્તાઓ ચાલુ જ રહેશે.
એક સ્પોર્ટ્સ વેબસાઇટ પર પોતાની કોલમમાં લખતા સુનિલ ગાવસ્કરે કહ્યું છે કે આ વાર્તા કયારેય ખતમ નહીં થાય જ્યારે પણ રોહિત શર્મા ને કોઈ ખાસ મોટો સ્કોર બનાવી નહીં શકે તો કેટલાક લોકો એમ જ કહેશે કે એ જાણી જોઈને સસ્તામાં આઉટ થઇ ગયો કારણ કે તેને કોહલી સાથે બનતું નથી.
સુનિલ ગાવસ્કરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની અફવા ફેલાવી રહ્યો છે તે ભારતીય ક્રિકેટનો શુભચિંતક તો નથી જ. એમણે શંકા વ્યક્ત કરી હતી કે ઘણીવાર એવું પણ થતું હોય છે કે ટીમમાં કોઈ ખેલાડીને મેનેજમેન્ટ સાથે કોઈ તકલીફ હોય તો પણ તે આ પ્રકારની અફવાઓ શરૃ કરીને એને હવા પણ આપતો હોય છે. ગાવસ્કરે એવી શંકા પણ વ્યક્ત કરી હતી કે કેટલીક વાર કેટલાક એડમિનિસ્ટ્રેટર્સ પણ આ પ્રકારે અફવાઓ ઊભી કરીને રાજકારણ રમતા હોય છે.
મીડિયા પણ એક તરફ આ પ્રકારની અફવાઓને ખૂબ ફેલાવી રહ્યું છે જે અંગે ગાવસ્કરે કહ્યું કે મીડિયાએ પણ પોતાની ભૂમિકાને ચેક કરવી જોઈએ કારણ કે મીડિયા માટે તો આ પ્રકારની ખબરો જાણે કે સ્વર્ગ સમાન હોય છે. જ્યારે ક્રિકેટની મેચો ચાલતી હોય છે ત્યારે આ પ્રકારની વાર્તાઓ સામે નથી આવતી પરંતુ જ્યારે લાંબા સમય માટે ક્રિકેટ નથી રમાતું ત્યારે અફવાઓ ફેલાવવાનું શરૂ થાય છે અને મીડિયા તેને વધુ ફેલાવતું હોય છે.
આ સાથે જ તેમણે કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને પ્રોફેશનલ ક્રિકેટર છે અને બંને મેદાન પર ઊતરશે અને ટીમ ઈન્ડિયાને જીત અપાવવા માટે જ રમશે પરંતુ તેઓ 20 વર્ષ પણ ક્રિકેટ રમશે તો પણ આ પ્રકારની અફવાઓ બંધ થવાની નથી.
eછાપું