મોકળા મને: મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાતીઓના હ્રદયમાં વસે છે તેની સાબિતી

0
270
Photo Courtesy: Kinner Acharya

એક સમયે કચરો વીણતા અમદાવાદનાં વિધવા વાલીબેન પરમાર શા માટે PM મોદીને મળવા ઠેઠ લખનૌ પહોંચ્યા? મોદી, રૂપાણી, ભાજપ શા માટે લોકોનાં હૃદયમાં વસે છે, એ વાત સમજવી હોય તો આ કાર્યક્રમના સાક્ષી બનવું રહ્યું!

Photo Courtesy: Kinner Acharya

મુખ્યમંત્રી  નિવાસસ્થાન, ગાંધીનગર: નર્યા માર્કેટિંગ થકી અખબાર કે મીડિયામાં જગ્યા મળે, લોકોનાં હૃદયમાં નહિ. સરકારની કામગીરીનો ઠાલો પ્રચાર થતો હોય ત્યારે લોકો મોં જ મચકોડે કારણ કે, જ્યાં સુધી સમાન્યજનના રોજિંદા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન ન આવે ત્યાં સુધી તેમને મન બાકી ચીજોનું મૂલ્ય નથી. CM રૂપાણીએ લૉન્ચ કરેલા કાર્યક્રમ મોકળા મને ના લોન્ચિંગમાં ઉપસ્થિત રહેવાની મને તક મળી અને જે દ્રશ્યો જોવા મળ્યાં એ ખરેખર અવિસ્મરણીય છે.

રૂપાણી સરકારને ત્રણ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે મોકળા મને નામનો વિશિષ્ટ કાર્યક્રમ CM બંગલો ખાતે જ શરૂ થયો. દર મહિને કમ સે કમ એક વખત આ કાર્યક્રમ યોજાશે. તેમાં CM રૂપાણી સમાજનાં અલગઅલગ ક્ષેત્રોના લોકો સાથે સીધો સંવાદ કરશે.

પ્રથમ કડીમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓમાંથી ઝૂંપડપટ્ટીવાસીઓને નિમંત્રણ અપાયું હતું. વિજયભાઈ રૂપાણીએ પોતાનાં ચીર-પરિચિત આગવા અંદાજમાં શાંતિપૂર્વક બધાં લોકોની લાગણીઓ જાણી, તેમની સમસ્યાઓ સાંભળી અને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સ્થળ પર જ સૂચનાઓ આપી.

ઝૂંપડપટ્ટી વિસ્તારના આ લોકોને સાંભળીએ તો ખ્યાલ આવે કે, તેમના હૃદયમાં વડા પ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ શા માટે રાજ કરે છે! અમદાવાદના વાલીબેન પરમાર ત્યાં આવ્યા હતા. દાયકાઓ પહેલાં વિધવા થયેલા વાલીબેન અગાઉ કાગળ-કચરો વીણવાનું કામ કરતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા.

Photo Courtesy: Kinner Acharya

પછી તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાક્કું ઘર મળ્યું, જેમતેમ કરી ને નાની દુકાન લઈ ને તેમાં પોતાનો જ ધંધો શરૂ કર્યો. મકાન મળવાથી તેઓ એટલા ગદગદ થઈ ગયા કે, ઠેઠ લખનૌ જઈને વડાપ્રધાન મોદીનો આભાર માની આવ્યા! મોદીજીએ પણ તેમની સાથે વાતો કરી, તેમની કહાની સાંભળી! વાલીબેને એકલે હાથે પુત્રને ભણાવ્યો, દીકરો અત્યારે સાયકોલોજીના વિષય સાથે M.A. કરે છે.

અગાઉ અમદાવાદની એક ઝૂંપડપટ્ટીમાં રહેતા નાથીબેન પરમાર ઘણાં સમયથી નાની બચતનું કામ કરી ગુજરાન ચલાવે છે. પહેલાં એમની સમક્ષ સૌથી મોટી સમસ્યા સરનામાંની હતી. ઝૂંપડપટ્ટીમાં રહેતા હોવાથી પાક્કું એડ્રેસ હોય નહીં, કોઈ વિશ્વાસ કરે નહિ. “આજે મારી પાસે બિલ્ડિંગના નામ અને બ્લૉક નંબર સહિતનું ઘર છે, એ મારા માટે બહુ મોટી વાત છે!” આટલું કહેતા તેઓ ગળગળા થઈ ગયા. આ ખુશી એને જ સમજાય, જેણે તેનાં અભાવનું દર્દ ભોગવ્યું હોય.

સુરતના એક સજ્જનનું વેવિશાળ થતું ન હતું. કારણ કે, તેઓ ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા. સરકાર તરફથી ઘર મળ્યા પછી હવે ગોઠવાઈ ગયું! આ કાર્યક્રમમાં CM રૂપાણીએ ફરી વખત “સ્લમ મુક્ત સમાજ” અંગે સંકલ્પ દોહરાવ્યો હતો.

ઝૂંપડપટ્ટી હટાવીને તેની જગ્યાએ ગરીબોને પાક્કા મકાનો નિઃશુલ્ક આપવાની અનેક યોજનાઓની સમજ તેમણે આપી અને છેલ્લે બહુ અર્થપૂર્ણ વિધાન કર્યું, “અગાઉ ઝૂંપડપટ્ટી એ આપણું સરનામું હતું, આપણો સંકલ્પ છે કે, હવે ઝૂંપડપટ્ટીનું જ નામ-સરનામું ન રહેવું જોઈએ!”

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here