ભારતમાં પાકિસ્તાનના પૂર્વ રાજદૂત અબ્દુલ બાસીતે દાવો કર્યો છે કે આજથી ત્રણ વર્ષ અગાઉ લેખિકા શોભા ડે એ તેમની વિનંતીને કારણે પાકિસ્તાનને ફાયદો થાય એ પ્રકારનો એક લેખ લખ્યો હતો.

અમદાવાદ: જેમ જેમ જમ્મુ અને કાશ્મીર તેમજ લદાખમાંથી કલમ 370 નાબૂદ થવાને સમય વીતતો ચાલે છે તેમ તેમ પાકિસ્તાન અને ભારતમાં રહેલા પાકિસ્તાન તરફી તત્વોના હાડપિંજર કબાટમાંથી બહાર આવી રહ્યા છે. ભારતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અબ્દુલ બાસીતે કરેલા એક દાવા હેઠળ ભારતના જાણીતા કલમકાર શોભા ડે પણ પાકિસ્તાન તરફી આર્ટીકલ લખી ચૂક્યા છે.
ન્યૂઝ વેબસાઈટ Opindiaમાં પ્રકાશિત એક વિડીયો ક્લીપમાં અબ્દુલ બાસીતે દાવો કર્યો હતો કે તેમના કહેવાથી શોભા ડે એ કાશ્મીર મામલે પાકિસ્તાન તરફી એક આર્ટીકલ લખ્યો હતો. આ આર્ટીકલ ત્યારે લખવામાં આવ્યો હતો જ્યારે કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર બુરહાન વાનીને સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો.
આ ઘટના બાદ કાશ્મીર ખીણમાં હિંસા ખૂબ વધી ગઈ હતી અને સેનાને પેલેટ ગન્સનો ઉપયોગ કરવો પડ્યો હતો. અબ્દુલ બાસીતે આમ તો ઘણા આરોપો ભારત પર મુક્યા છે પરંતુ તેમનો કહેવાનો મતલબ એ હતો કે એ સમયે ભારતમાંથી એક વ્યક્તિ પણ એવો ન હતો જે કાશ્મીરની હાલત બાબતે ‘સારો આર્ટીકલ’ લખી શકે.
આથી તેમણે શોભા ડે નો સંપર્ક કર્યો અને તેમને કાશ્મીર વિષય પર પાકિસ્તાન તરફી લેખ લખવા માટે મનાવી લીધા હતા. શોભા ડે નો આ આર્ટીકલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ‘Politically Incorrect’ કોલમ હેઠળ પ્રકાશિત થયો હતો.
આ આર્ટીકલને વાંચતા સ્પષ્ટ થાય છે કે શોભા ડે એ પાકિસ્તાનની જ લાઈન પર આખો આર્ટીકલ લખ્યો છે અને તેમણે ભારતીય સેનાના જવાનોને પથ્થરબાજો અને જેહાદી તાકાતોની સાથે સરખાવી દીધા હતા. અબ્દુલ બાસીતે સ્પષ્ટ કહ્યું હતું કે આ આર્ટીકલની છેલ્લી લાઈનમાં શોભા ડે એ લખ્યું હતું કે હવે આ ક્ષેત્રના દર્દને આપણે પૂરું કરીએ અને કાશ્મીરીઓને શાંતિથી જીવવા દઈએ જે સન્માન અને સદભાવના તેઓ હક્કદાર છે.
શોભા ડે એ ભારત સરકારને પણ પડકાર ફેંક્યો હતો કે જોઈએ તેનામાં એ તાકાત છે કે તે રાજ્યમાં લોકમત લઈને આ સમસ્યાને કાયમ માટે દૂર કરી દે.
થોડા દિવસ પહેલા જ અબ્દુલ બાસીતે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ રામ માધવે તેમને પાંચ વર્ષ પહેલા જ કહ્યું હતું કે કલમ 370 હવે વધુ સમય નહીં ખેંચે અને તેમણે હુર્રિયતને ટેકે ચાલવાનું બંધ કરવું જોઈએ.
eછાપું