હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે (23): ઉદ્ધવ વિરુદ્ધ રાજ !!!

0
502
Photo Courtesy: newindianexpress.com

બાળાસાહેબ ઠાકરેના જીવનમાં રાજ ઠાકરેનું મહત્ત્વ અને રાજ ઠાકરેના જીવન પર બાળાસાહેબનો પ્રભાવ કેવો હતો? અને ઉદ્ધવ ઠાકરે સાથે બાળાસાહેબની હાજરીમાં જ તેમના સંબંધો કેવી રીતે બગડ્યા તે જાણીએ.

Photo Courtesy: newindianexpress.com

બાળાસાહેબ ઠાકરે વિશેની આ સિરીઝ લગભગ પૂર્ણ થવાની છે ત્યારે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેના સંબંધ અને શિવસેના માટે તેમના ફાળા વિશે એક ભાગ લખવો મને ખૂબ જ જરૂરી લાગે છે. ઉદ્ધવ અને રાજ બંનેનો જન્મ 1960 માં થયો હતો. રાજનું વાસ્તવિક નામ સ્વર-રાજ છે, જે તેને પોતાના સંગીતકાર પિતા શ્રીકાંતે આપ્યું હતું. બાળસાહેબ પોતાના ત્રણેય પુત્રો (જયદેવ, બિંદુમાધવ અને ઉદ્ધવ) કરતાં પણ રાજની વધુ નજીક હતા.

રાજ બાળપણથી જ પોતાના કાકાના બ્રશ અને રંગો તરફ ખેંચાયો હતો અને સ્કેચિંગ તેની માટે કુદરતી રુચિ હતી. બાળાસાહેબ તેને અલગ અલગ કાર્ટૂનિસ્ટ્સના કાર્ટૂનો બતાવતા – ખાસ કરીને પોતાના પ્રિય, ડેવિડ લો (David Low)ની કૃતિઓ! કાર્ટૂન વિશે પોતાના અનુભવોથી ટીપ્સ પણ આપતા. રાજે કાકાના પગલે માત્ર બ્રશ જ નહોતો લીધો. તેણે પોતાના કાકાને એક રોલમોડલ બનાવી પોતાને પણ તેવા બનાવવાનું શરૂ કર્યું. કાકાનો દેખાવ, રીતભાત બધું એ કોપી કરવા લાગ્યો. મોટો થયો ત્યારે તેનો અવાજ પણ તેના કાકાના અવાજ જેવો ઊંડો અને ઘોઘરો બન્યો.

રાજ અને ઉદ્ધવ બંને દાદરના બાલમોહન વિદ્યામંદિરમાં ભણતા. પોતાની સ્કૂલ પૂર્ણ કરીને રાજે જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાં જવાનું શરૂ કર્યું. ત્યાં સુધીમાં તેનો શિવસેનામાં, રાજકારણમાં અને મરાઠીઓની જાહેર બાબતોમાં રસ વધ્યો. રાજ બહિર્મુખી (extrovert) અને ઉત્સાહી હતા. રાજે બાળાસાહેબ સાથે તેમની કેટલીક જાહેર સભાઓમાં પણ જવાનું શરૂ કર્યુ. 1988માં રાજ શિવસેનાના યુવા પક્ષ ભારતીય વિદ્યાર્થી સેનાના અધ્યક્ષ બન્યા. બીજી તરફ ઉદ્ધવને એ સમયે રાજકારણમાં રસ ન હતો. તે અંતર્મુખી (introvert), શરમાળ અને રીઝર્વ્ડ રહેતા. તેમને પોતાનું એકાંત અને કેમેરો જ ગમતાં.

ભારતીય વિદ્યાર્થી સેનાનું અધ્યક્ષપદ સંભાળ્યાના એક વર્ષ પછી ઠાકરેએ પોતાના અખબાર ‘સામના’ની શરૂઆત કરી હતી. રાજે અખબાર માટે કાર્ટૂન અને સ્કેચ દોરવાનું શરૂ કર્યું અને મુંબઇના પ્રભાદેવીમાં આવેલી સામનાની ઑફિસના પહેલા માળે એક ખૂણો પકડી લીધો.

રાજે 1990 માં મહારાષ્ટ્રની ચૂંટણી માટે કાકાના પ્રચાર અભિયાનમાં પણ ભાગ લીધો હતો, અને 1995ની ચૂંટણીમાં તો તેમની ભાગીદારી પણ વધુ હતી. ઉદ્ધવ 1991ની ચૂંટણીમાં જાહેરમાં જવાનું પસંદ ન કરતા, કેમ કે તેઓ ફોટોગ્રાફના શોખને વળગી રહેલા. પણ 1995 ની ચૂંટણીના અભિયાનમાં તેણે પ્રવેશ કર્યો – ખાસ કરીને, 1993 પછી. સપ્ટેમ્બર 1995 માં તેની માતા મીનાતાઈના અવસાન પછી અને મોટા ભાઈ બિંદુમાધવના મૃત્યુ પછી ઉદ્ધવ અને બાળાસાહેબ ઠાકરે એકબીજાની વધુ નજીક આવ્યા. ઉદ્ધવ હવે પિતા સાથે ઘણી બાબતો પર ચર્ચા કરતા અને સ્વેચ્છાએ સૂચનો આપતા. (બિંદુમાધવ એક ફિલ્મ નિર્માતા હતા જેમણે મનીષા કોઈરાલા, જેકી શ્રોફ અને નાના પાટેકરને લઈને અગ્નિસાક્ષી નામની ફિલ્મ બનાવેલી).

શિવસેના સત્તામાં આવી એના એક જ વર્ષમાં રાજ ઠાકરે ‘રમેશ કિણી’ના મૃત્યુ વિવાદમાં સપડાયા. જો કે CBIની પૂછપરછ બાદમાં રાજને ક્લીન-ચીટ તો મળી પણ એ વિવાદ તેમના રાજકીય કારકિર્દી પર અસર કરતો જ રહ્યો. બીજી એક કંટ્રોવર્સી પણ રાજ માટે ઊભી થઈ. રાજે શિવ ઉદ્યોગ સેના માટે ભંડોળ ઊભું કરવા વિઝક્રાફ્ટના આયોજકો સાથે, મુંબઇમાં ‘માઈકલ જેક્સન કોન્સર્ટ’નું આયોજન કરવાનો નિર્ણય કર્યો. શિવસેનાની આ બાબતે ખૂબ ટીકા કરવામાં આવી. જે બાળ ઠાકરેએ પશ્ચિમી સંસ્કૃતિ વિરુદ્ધ આટઆટલા આંદોલનો કર્યા, જન્મદિવસે કેક કાપવા જેવી નજીવી બાબતે જેમણે લોકોની મજાક પણ કરી હતી એ શિવસેના એક પોપ-સ્ટારનો કોન્સર્ટ કરે એ લોકોને ખટક્યું. એ પછી ભંડોળ ઊભું કરવા માટે, 1997 માં, એ જ સ્થળે, રાજ ઠાકરેએ ‘લતા મંગેશકર કોન્સર્ટ’નું આયોજન કર્યું, જે ખૂબ જ સફળ રહ્યું હતું.

પરંતુ આવા હાઇ-પ્રોફાઇલ ઇવેન્ટ્સ ઉદ્ધવને ન ગમતાં અને આ જ કારણે ઉદ્ધવ અને રાજ વચ્ચે એક શીતયુદ્ધ શરૂ થયું.

રાજ અને ઉદ્ધવ માત્ર જુદા જુદા જૂથોનું પ્રતિનિધિત્વ જ નહોતા કરતા; તેમની કામગીરીની શૈલી પણ અસમાન હતી. રાજ તેમના વક્તૃત્વથી, પોતાના આકર્ષણથી લોકોને જકડી રાખવાની આવડત ધરાવતા જ્યારે ઉદ્ધવ એક શાંત વ્યવસ્થાપક અને એકદમ લો-પ્રોફાઇલ આયોજક તરીકે ઊભરી આવ્યા.

2002 માં, રાજ ઠાકરેએ પ્રથમ વખત જાહેરમાં ફરિયાદ કરી. તેમણે કહ્યું કે ફેબ્રુઆરીમાં યોજાયેલી મુંબઇની ચૂંટણી માટે જે ટિકિટો આપવાની હતી તેમાં તેમનો મત લેવામાં આવ્યો નથી. એ ચૂંટણીમાં લગભગ દરેક ઉમેદવારનો નિર્ણય ઉદ્ધવ ઠાકરેએ એકલાએ જ લીધો. ભાગ્યે જ કોઈ રાજના અનુયાયીઓનો ખ્યાલ રાખવામાં આવ્યો. શિવસેનાએ તે ચૂંટણીમાં ભારે વિજય મેળવ્યો હતો, અને ઉદ્ધવ મુંબઈના એક નવા નેતા તરીકે ઊભારવામાં આવ્યાં.

2003 માં, મહાબળેશ્વરમાં યોજાયેલા શિવસેનાના એક સંમેલનમાં રાજે પોતે જ ઉદ્ધવનું નામ શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ તરીકે સૂચવ્યું. લોકોએ આ પ્રસ્તાવને હકારાત્મક પ્રતિસાદ આપ્યો. જો કે રાજે બાદમાં તેમની એ રાજકીય કારકિર્દીની સૌથી મોટી ભૂલ થઈ એવું પણ જાહેર કરેલું.

એ પછી રાજ અને ઉદ્ધવના સંબંધોમાં મોટી દરાર પડી. રાજને લાગ્યું કે તેઓ એક આઉટસાઈડર છે. દરમિયાન, ઉદ્ધવનું નેતૃત્વ પણ વિવાદિત રહ્યું. 2002-03 માં, તેમણે ઉત્તર ભારતીયોને શિવસેના સાથે ભેળવવા માટે ‘મી મરાઠી’ નામની ઝુંબેશની શરૂઆત કરી. આનાથી શિવસેનાના પરંપરાગત લોકોનું મનદુઃખ થયું.

મહાબળેશ્વર સંમેલન પછી ઉદ્ધવ વિશેની ફરિયાદો પણ વધતી ગઈ. વ્યાપકપણે શિવસેનાના લોકોને લાગવા લાગ્યું કે શિવસેનાના વરિષ્ઠ નેતાઓને પણ ઉદ્ધવ પોતાના બંગલા ‘માતોશ્રી’માં કલાકો સુધી રાહ જોવડાવતા. એક વાર મહારાષ્ટ્રના કોઈ દૂરના ગામડામાંથી વરિષ્ઠ શિવસૈનિકોનું પ્રતિનિધિમંડળ ઉદ્ધવને મળવા ગયું. તેઓએ લાંબા સમય સુધી રાહ જોઈ અને પછી જવાબ મળ્યો કે ‘સાહેબે ઈમ્પોર્ટ કરેલી તેમની પ્રિય માછલી મૃત્યુ પામી છે એટલે સાહેબ અપસેટ છે અને આજે મળી નહીં શકે’.

શિવસેનાના વરિષ્ઠ નેતા નારાયણ રાણે વિધાનસભામાં નેતા હતા, પણ શિવસેનાની નેતાઓની કોઈ પણ મિટીંગમાં તેમને આમંત્રણ આપવામાં નહોતું આવતું. તેમણે એવો પણ દાવો કર્યો કે શિવસેનાની બધી જ ટિકિટ વેચાઈ રહી છે. કોંકણમાં નારાયણ રાણેને મજબૂત સપોર્ટ હતો એટલે બાળાસાહેબની છત્રછાયામાંથી ઉદ્ધવની છત્રછાયામાં આ રીતે ટ્રાન્સફર થવું રાણેને મંજૂર નહોતું. છેવટે 2005 ના મધ્યમાં નારાયણ રાણેએ શિવસેના સાથે છેડો ફાડ્યો.

થોડા જ દિવસો પછી 27 નવેમ્બર 2005 ના રોજ, રાજ ઠાકરેએ તેમના અનુયાયીઓની પોતાના ‘કૃષ્ણ કુંજ’ બંગલામાં અચાનક મીટિંગ બોલાવી અને કહ્યું કે તેઓ શિવસેનાના તમામ પદેથી રાજીનામું આપી રહ્યા છે. આ વિસ્ફોટક મીટિંગના ત્રણ અઠવાડિયા પછી, રાજ ઠાકરેએ શિવસેના છોડીને પોતાની પાર્ટી બનાવી અને નામ આપ્યું – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે – MNS). મનસેની સ્થાપના વખતે રાજ ઠાકરેએ કહ્યું કે તે બધા સમુદાયોને તેમના ગણોમાં આવકારશે અને મહારાષ્ટ્રને પ્રગતિશીલ, ફોરવર્ડ-લૂકિંગ સ્ટેટ તરીકે આગળ વધારશે.

થોડાં જ દિવસોમાં રાજની ટીમે ઉત્તર ભારતીયો વિરુદ્ધ એક અભિયાન શરૂ કર્યુ. રાજે સૌ પ્રથમ અભિનેતા અમિતાભ બચ્ચન પર આક્રમણ કર્યુ કે તેઓ મહારાષ્ટ્ર કરતાં ઉત્તર પ્રદેશને વધુ પ્રેમ કરે છે. પોતે મુંબઈ આવ્યા પછી સફળ થયા છે છતાં કન્યા શાળા સ્થાપવા માટે ઉત્તરપ્રદેશમાં બારાબાંકી પસંદ કર્યું, અને મુંબઈમાં કોઈ શાળા ખોલી નહીં. અમિતાભની પત્ની, જયા બચ્ચને આ આરોપનો જવાબ આપતા કહ્યું કે રાજ ઠાકરે જો તેમને મુંબઈમાં જમીન આપશે તો મુંબઈમાં પણ અમે શાળા શરૂ કરશું. મેં સાંભળ્યું કે મુંબઈમાં કોહીનૂર મિલ્સમાં તેમની પાસે ઘણી જમીન છે. (રાજ ઠાકરે અને મનોહર જોશીના પુત્ર ઉન્મેશે સાથે મળીને 2004 માં રૂ. 421 કરોડમાં આ જમીન ખરીદેલી).

રાજે બચ્ચન પરિવારને લક્ષ્ય બનાવ્યું કારણ કે તે સંપૂર્ણ રીતે જાણતા હતા કે અમિતાભ અને બાળાસાહેબ ઠાકરેના અત્યંત નજીકના સંબંધ હતા. જો કે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની હાર પછી, શિવસેનાએ ક્રિકેટર સચિન તેંડુલકરને લક્ષ્યાંક તરીકે પસંદ કર્યો હતો, કેમ કે તે જાણતા હતા કે તે અને રાજ અને સચિનના સંબંધો સારા છે.

ફેબ્રુઆરી 2008 માં, મનસેના કાર્યકરોએ સૌપ્રથમ સમાજવાદી પક્ષના કાર્યકરો સાથે અથડામણ કરી અને પછી દાદર અને મુંબઈના અન્ય ભાગોમાં ઉત્તર ભારતના ટેક્સી ડ્રાઈવરો પર હુમલો કર્યો. પશ્ચિમ રેલવેમાં મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો અને મુખ્યત્વે બોરીવલીથી આગળના ઉપનગરોમાં, છઠ પૂજા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યુ. તોડફોડ અને નુકસાન પછી આવી જાહેર નિષ્કપટતા માટે રાજને તરત જ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ સાથે જ રાજ ઠાકરે અસરકારક રીતે ‘આગામી ઠાકરે’ તરીકે પ્રસ્થાપિત થઈ ગયા.

પડઘો

2012ના વર્ષમાં 21 વર્ષનો આદિત્ય એક નવો ‘ઠાકરે’ તરીકે ઊભરી આવ્યો. 2010 માં તેને યુવાસેનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પોતાના પ્રથમ રાજકીય કૃત્ય તરીકે આદિત્યએ રોહિન્ટન મિસ્ત્રીની નવલકથા ‘સચ અ લોંગ જર્ની’ને મુંબઈ યુનિવર્સિટીના આર્ટસના અભ્યાસક્રમમાંથી કઢાવવા દબાણ કર્યુ હતું કારણ કે તેમાં શિવસેનાના અપૂર્ણ અને અસ્પષ્ટ સંદર્ભો હતા.

ખરેખર, મોરના ઈંડાને ચીતરવા ના પડે!

હિંદુહ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે સિરીઝ: ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4 | ભાગ 5 | ભાગ 6 | ભાગ 7 | ભાગ 8 | ભાગ 9 | ભાગ 10 | ભાગ 11 | ભાગ 12 | ભાગ 13 | ભાગ 14 | ભાગ 15 | ભાગ 16 | ભાગ 17 | ભાગ 18 | ભાગ 19 | ભાગ 20 | ભાગ 21 | ભાગ 22 

eછાપું 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here