લોકો ગમે તે કહે આપણે આપણો રાષ્ટ્રવાદ છોડવાનો નથી!

1
285
Photo Courtesy: indianexpress.com

આજના ભારતમાં રાષ્ટ્રને પ્રેમ કરવો એ અપશબ્દ બની ગયો છે. કેટલાક લોકો દેશપ્રેમી નાગરિકોની મશ્કરી કરતા હોય છે. આવા સમયમાં જરા પણ નિરાશ થયા વગર આપણે આપણો દેશપ્રેમ મુકવાનો નથી.

Photo Courtesy: indianexpress.com

આજે આપણો સ્વતંત્રતા દિવસ છે એટલે પહેલા તો તમને ભારત માટેના આ ખાસ દિવસની ખાસ શુભેચ્છાઓ!

ભારતને ભરપુર પ્રેમ કરનારા કોઇપણ વ્યક્તિ માટે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ બંને ખાસ હોય જ છે. આ દિવસ ભારત માતાને પ્રેમ કરનાર કોઇપણ વ્યક્તિ માટે એવા જ ઉત્સવ જેવો હોય છે જેવો કે દિવાળી કે પછી હોળીનો ઉત્સવ. પરંતુ સારા કામમાં સો વિઘ્ન એ ન્યાયે ભારતીયોની રાષ્ટ્રભક્તિના આ બે ખાસ હવનોમાં હાડકા નાખનારા કેટલાક રાક્ષસો પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે.

આ રાક્ષસો પણ બે પ્રકારના છે એક દેસી રાક્ષસો અને બીજા છે વિદેશી રાક્ષસો. આ રાક્ષસોના પ્રકાર ભલે બે હોય પરંતુ તેમનું કામ તો એક જ છે અને એ છે ભારતને પ્રેમ કરનાર અને રાષ્ટ્રવાદને સર્વોચ્ચ માનનારાઓની હલકામાં હલકી કક્ષાની મજાક ઉડાવવી, એમના મનોબળને તોડવાનું. આ ઉપરાંત આ રાક્ષસો દેશપ્રેમ દર્શાવતા કોઇપણ સંકેતને ઉતારી પાડવામાં પણ માહેર હોય છે.

જ્યારે પણ 15મી ઓગસ્ટ હોય કે પછી 26મી જાન્યુઆરી આવવાની હોય ત્યારે આ રાક્ષસો સોશિયલ મિડીયામાં એક કમેન્ટ તો જરૂર કરશે કે “લ્યો! વર્ષમાં બે વખત રાષ્ટ્રપ્રેમ દેખાડવાનો દિવસ આવી ગયો!” આ લોકોને એ ખબર નથી કે આપણો રાષ્ટ્રપ્રેમ તો 365 દિવસ ચાલતો હોય છે પરંતુ આ બંને ખાસ દિવસો છે એટલે એની ઉજવણી પણ ખાસ જ હોય.

જેમ હિંદુ ધર્મમાં લોકો દરરોજ આસ્થા રાખતા હોય છે પરંતુ દિવાળી અને હોળી એમ હિંદુ ધર્મના બે સહુથી મોટા અને મુખ્ય તહેવારોની ઉજવણી તો અલગ પ્રકારની જ હોય છે, બરોબરને? વળી, આપણે ત્યાં એક કહેવત પણ છે કે ‘લગ્નના ઢોલ લગ્નના દિવસે જ વાગે’. એટલે જે બે દિવસ ભારત માટે ખાસ હોય એ જ બે દિવસે આપણી રાષ્ટ્રવાદની લાગણીઓ ઉછાળા મારે તો એમાં ખોટું જરાય નથી.

બાકીના દિવસોમાં આપણું આંગણું અને તેની બહારના વિસ્તારને સ્વચ્છ રાખીને, સરકારી સંપત્તિને બિલકુલ નુકશાન ન પહોંચાડીને, ટ્રાફિકના નિયમો તેમજ દેશના કાયદા-કાનૂનોનું સજ્જડ પાલન કરીને જીવીએ તો એ રાષ્ટ્રપ્રેમ જ કહેવાય એ પેલા રાક્ષસોને કોણ સમજાવે? પણ આપણે તો સમજીએ છીએને?

આ રાક્ષસો માટે રાષ્ટ્રપ્રેમ દર્શાવતા નાના મોટા સંકેતો પણ કંટાળો અપાવે છે અથવાતો એમની હલકી કક્ષાની મજાકના તે સાધન બનતા હોય છે. ફોર એક્ઝામ્પલ દેશભક્તિની ફિલ્મો અથવાતો દેશવાસીઓને કોઈ હકારાત્મક સંદેશ આપતી ફિલ્મો. ફિલ્મ ‘ઉરી’ આમાંથી મોટાભાગના રાક્ષસોને ‘હાયપર નેશનાલીઝમ’ ધરાવતી લાગી. એમાં એમનો પણ વાંક નથી કારણકે ઉરી જે ઘટના પરથી બની હતી તેવી કોઈ ઘટના બની જ નથી એવું આ રાક્ષસો આજદિન સુધી માનતા આવ્યા છે.

તો ઉરી ઉપરાંત ‘પેડમેન’ જેવી સામાજીક સંદેશ આપતી ફિલ્મો જેને રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો પણ આ લોકોને પેટમાં રીતસરની ચૂંક આવે છે. એમને મન પેડમેન કે પછી ‘ટોઇલેટ એક પ્રેમકથા’ એ સરકારી પ્રચારની ફિલ્મો છે, પરંતુ આ ફિલ્મો જે-તે સમયે કેમ જરૂરી હતી તે હકીકતની તેઓ ધરાળ અવગણના કરે છે. આટલું જ નહીં આમાંથી મોટાભાગના આવી ફિલ્મો રિલીઝ થાય એટલે એકતરફી નકારાત્મક પ્રચાર એવો તો શરુ કરે કે લોકો બે ઘડી વિચારે કે આ ફિલ્મ જોવા જવું કે નહીં!

આ રાક્ષસોમાં કેટલાક એવા વિદેશી રાક્ષસો છે જે જીવનના 25-30 વર્ષ ભારતમાં ગાળીને હવે વિદેશ સ્થાઈ થયા છે. એમને એવું લાગે છે કે એમના ગયા પછી અથવાતો એમના જવાને લીધે તરત જ ભારતનો વિકાસ અટકી ગયો છે. આ લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા કે પછી જ્યાં તેઓ અત્યારે સ્થાઈ થયા છે ત્યાંનો સ્વતંત્રતા દિવસ હોંશભેર અને ફેસબુક DP બદલી બદલીને ઉજવતા હોય છે એ જ લોકોને ભારતીયો દ્વારા પોતાના સ્વતંત્રતા દિવસે તિરંગાની DP બદલે તો મશ્કરી સુજતી હોય છે.

આ એ જ લોકો છે જે પોતાના દેશમાં થતી હિંસા આગળ આંખ આડા કાન કરીને ભારતમાં બનતી હિંસક ઘટનાઓની દિવસ રાત ટીકા કરતા હોય છે. પરંતુ જ્યારે આપણે એમને અરીસો દેખાડીએ ત્યારે આપણી સાથે કાયમ માટે સંબંધ તોડી નાખતા હોય છે.

આ દેસી અને વિદેશી એમ બંને રાક્ષસોની એક ખાસ માન્યતા છે અને એ એવી છે કે જે ભારતીય પોતાના દેશને મન મૂકીને પ્રેમ કરે છે એનામાં કોઈ ખાસ અક્કલ હોતી નથી. આ લોકો દેશભક્તોની લાગણીઓને પોતાની નકારાત્મક ટીપ્પણી દ્વારા ઉશ્કેરે છે અને પછી તેને મજાકનું સાધન બનાવતા હોય છે. આ લોકોને દેશની અધોગતિ માટે રાષ્ટ્રવાદીઓ જવાબદાર લાગતા હોય છે નહીં કે એ લોકો જે ભારતના ટૂકડા કરવાના સુત્રો જાહેરમાં પોકારતા હોય છે.

કોઇપણ દેશ માટે 72 વર્ષ એ બહુ ઓછો સમય કહેવાય. અત્યારે જે દેશોને દુનિયા સુપરપાવર કહે છે એ દેશો જ્યારે 72 વર્ષના હતા ત્યારે ભારત અત્યારે જેટલું આધુનિક છે તેનાથી ઘણા પાછળ હતા. આઝાદીના 72 વર્ષે કોઇપણ દેશના સમાજમાં મેચ્યોરીટી ન જ આવી હોય કારણકે હજી તેની ત્રીજી કે ચોથી પેઢી જીવી રહી હોય છે.

આમ કહેવા પાછળ કોઈ વૈજ્ઞાનિક સાબિતી નથી પરંતુ તર્ક એવું કહે છે કે કોઇપણ દેશને સંપૂર્ણપણે આઝાદ થયા બાદ પૂર્ણ મેચ્યોરીટી મેળવતા એક સદી તો ઓછામાં ઓછી થઇ જતી હોય છે. આજે આપણા દેશે વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઘણી નામના મેળવી છે અને તેમાં દર વર્ષે વધારો પણ થતો હોય છે. દેશની સામાજીક વ્યવસ્થા ભલે હજી પણ નાતજાતના વાડાઓમાંથી પૂર્ણપણે બહાર નથી આવી પરંતુ એમ થવાની શરૂઆત તો થઇ ચૂકી છે.

દેશને જો સુધારવો હોય, મેચ્યોર કરવો હોય તો દેશના મોટાભાગના નાગરિકોએ એક બનીને પ્રયાસ કરવો જોઈએ પરંતુ બદનસીબે આપણે ત્યાં હજી સુધી એ શક્ય બન્યું નથી. જેમાં કેટલીક આપણી ગેરજવાબદારી તો કેટલીક પેલા રાક્ષસો દ્વારા ઉભા કરવામાં આવતા વિઘ્નો જવાબદાર છે.

પરંતુ દેશના વિકાસ અને પછાત રહી જવાના સંક્રાંતિ કાળે આપણે જો પેલા રાક્ષસોની મશ્કરી કે તેમના દ્વારા મુકવામાં આવતા વિઘ્નોથી ડરી જઈને દેશના વિકાસમાં, દેશને સ્વચ્છ રાખવામાં કે પછી દેશને પ્રેમ કરવામાં પાછળ પડીશું તો પછી આપણને સુપરપાવર બનતા કદાચ હજી બીજી એક સદી નીકળી જશે.

નજર સમક્ષ સમસ્યાઓ હોય એટલે આપણે આપણો દેશપ્રેમ અથવાતો આપણો રાષ્ટ્રવાદ છોડવાનો નથી. રાક્ષસોને આપણા રાષ્ટ્રપ્રેમના હવનમાં હાડકા નાખવા દો આપણે એ હાડકાંને પણ પ્રેમથી બહાર કાઢીને બાજુમાં મૂકી દઈને રાષ્ટ્રનિર્માણના યજ્ઞમાં આપણું પ્રદાન ચાલુ રાખવાનું છે.

ફરીથી તમામને સ્વતંત્રતા દિવસની ખુબ શુભેચ્છાઓ!

eછાપું

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here