કૉંગ્રેસની અટપટી દેશવિરોધી પ્રતિક્રિયા વિષે થોડી સમજણ

0
130
Photo Courtesy: newindianexpress.com

મોદી વિરોધમાં કોંગ્રેસ ક્યારે દેશવિરોધી પ્રતિક્રિયાઓ આપવા માંડે છે તેની કદાચ તેણે પણ ખબર નથી. આવું તે કેમ કરે છે તેની પાછળ કેટલાક મહત્ત્વના કારણો રહ્યા છે.

Photo Courtesy: newindianexpress.com

પાછલા લેખમાં આપણે નરેન્દ્ર મોદીની સરકારના પગલાઓ બાબતે કૉંગ્રેસની બહુ જ અસામાન્ય કહી શકાય એવી પ્રતિક્રિયાઓનુ વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરતા ત્રણ પ્રમુખ કારણો જોયા. — 1) રાજકિય જમીન ખસી રહી છે, 3) કૉંગ્રેસની બિન-રાજકિય ઈકો-સિસ્ટમ ખોખલી થઈ ગઈ છે અને 4) કૌભાંડોના પૈસાને સહારે ટકાવી રાખેલ સંગઠન તદ્દન નબળુ પડી ગયુ છે.

હવે આગળ કેટલાક કારણો તપાસવાનો પ્રયાસ કરીએ.

એક કારણે કૉંગ્રેસને બહુ જ જોરશોરથી વગોવવામાં આવી રહી છે અને એ છે મુસ્લિમ તુષ્ટીકરણ. આને પણ આપણે ચોથું કારણ ગણી શકીએ કે કૉંગ્રેસનુ વલણ શરૂઆતથી જ — મતલબ આઝાદી પહેલાથી જ દેશના મુસ્લિમો પ્રત્યે કોઈપણ સંજોગોમાં અત્યંત કૂણૂ વલણ અપનાવતી આવી છે (જો એમ ન હોત તો હેગડેવારને કૉંગ્રેસથી છેડો ફાડીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સ્થાપના કરવાની જરૂર જ ન પડી હોત). ઈતિહાસમાં ડોકિયુ કરો તો આ વાતમાં એકદમ તથ્ય દેખાશે.

એમાં ભારતમાં વહોરી લેવામાં આવેલુ ખિલાફત આંદોલન હોય કે કેરળના મલ્લાપુરમની અમાનવિય મુસ્લિમ હિંસા હોય કે નોઆખલીના રમખાણો હોય કે પછી હમણા હમણા બનેલ અને જેને બહુ ગાઈ-વગાડીને કૉંગ્રેસે ચગાવ્યા એ 2002માં ગોધરામાં હિંદુ સ્વયંસેવકોને જીવતા ભૂંજી નાખ્યા બાદ કૉંગ્રેસે પોતાની બધી જ તાકાત લગાડીને હિંદુઓને અને કહેવાતી હિંદુવાદી સરકારને બદનામ કરવા પ્રયત્નો કર્યા.

કૉંગ્રેસનુ મુસ્લિમ તુષ્ટીકરણ ભલે પાછલા લગભગ 80-90 વર્ષોથી ચાલ્યુ આવતુ હોય પણ જો તમે જરા બારીકાઈથી જુઓ તો આંધળુકિયા કરીને પણ મુસ્લિમોને થાબડભાણા કરવા એ નિતી કૉંગ્રેસમાં એક કદાવર ગુજરાતી મુસ્લિમ નેતા અહેમદ પટેલના કેન્દ્રીય નેતાગીરીમાં ઉદય બાદ જ આવ્યો છે. ભરૂચના અહેમદભાઈ પટેલ જ્યારથી સોનિયા ગાંધીના રાજકિય સલાહકાર બન્યા ત્યારથી કૉંગ્રેસની કોઈપણ નિતી; ભલે પછી એ વિકાસ કામોના ખરડા બનાવવાની હોય કે સામાજિક પ્રશ્નોને લગતા ખરડા બનાવવાની હોય; એ બધુ જ મુસ્લિમ ધર્મના લોકોને ખુશ કેવી રીતે કરવા એની આસપાસ ઘુમતુ રહ્યુ છે.

તમે ફ્લેશબેકમાં જશો તો આ વાતનો ખ્યાલ આવી શકશે. રાજીવ ગાંધી દ્વારા શાહબાનો કેસના સુપ્રિમ કૉર્ટના ચુકાદાને ફેરવી તોળ્યા બાદ પણ કૉંગ્રેસમાં જેટલો મુસ્લિમ અને ઈસ્લામ તરફી ધાર્મિક કટ્ટરતાનો પગપેસારો નહોતો થયો એટલો અહેમદ પટેલના રાજકિય સલાહકાર બન્યા બાદ થયો હતો. અહેમદ પટેલે એક સજ્જડ ઈસ્લામિક અને વામપંથી ઈકો-સિસ્ટમ પણ બનાવી રાખી હતી અને પૂર્વ પાકિસ્તાની સરમુખત્યાર શાસક યાહ્યાખાનના એજન્ડા મુજબ “હિંદુઓમાં ફૂટ પાડો અને મુસ્લિમોને એક કરો” (આમાં હિંદુસ્તાન અને પાકિસ્તાન બંનેના મુસ્લિમો આવી જાય છે) ની નિતિ અપનાવી અને એમાં મહદઅંશે સફળતા પણ મેળવી.

અહેમદ પટેલ અને એમની ઈકો-સિસ્ટમ કૉંગ્રેસના લગભગ દરેક મોટા ગજાના નેતાઓને એ સમજાવવામાં પૂરી રીતે સફળ રહ્યા કે કૉંગ્રેસનુ અસ્તિત્વ મુસ્લિમો દ્વારા જ બચી શકે એમ છે. એમની દલીલ કદાચ એ વાત પર આધારિત હોય કે ભાજપાનો જન્મ જનસંઘમાંથી થયો છે અને જનસંઘતો રા.સ્વ.સંઘની રાજકિય પાંખ હતી; અને રા.સ્વ.સંઘની રચનાનો આધાર જ કૉંગ્રેસના મુસ્લિમ તુષ્ટીકરણનો વિરોધ હતો. માટે ભાજપા હિંદુ-તરફી પક્ષ થયો અને હિંદુ-તરફી પક્ષ મુસ્લિમોનો વિરોધી જ રહેવાનો.

આમ તો સમિકરણ બેસી જાય છે; પણ અહેમદ પટેલ અને બીજા એવા લાખો મુસ્લિમો (ખાસ કરીને પાકિસ્તાન સ્થિત અને પાકિસ્તાન પરસ્ત) એ વાત ભૂલી જાય છે કે હિંદુ હોવુ એટલે જ ખરા અર્થમાં સર્વધર્મ-સમભાવવાદી (જેને એ લોકો સેક્યુલરનુ રૂપાળુ નામ આપે છે) હોવુ. એટલે હિંદુ હોવાને લીધે જ કોઈ મુસ્લિમ-વિરોધી નથી બની જતુ. (જો કે, આમાં અરબસ્તાનની કબાઈલી સંસ્કૃતિને રંગે રંગાયેલા અને ઈસ્લામની મૂળભૂત વિચારધારાથી તદ્દન ભિન્ન વિચારધારાથી ગ્રસિત મુસ્લિમોના પેઢીઓ જૂના સંસ્કારો કારણભૂત હોઈ શકે. એમને મતે જે બિન-મુસ્લિમ છે એ કાફિર છે અને કાફિરને માટે બે જ રસ્તા છે — એક. ઈસ્લામ અંગિકાર કરવો અથવા બે. મસમોટો કર આપીને પોતાનો જીવ બચાવવો અને જો એમ ન કરી શકે તો તલવારથી માથુ ઉતરી જાય. આવા ઈસ્લામમાં જે મુસ્લિમો માને છે એમને મન જેમ મુસ્લિમ હંમેશાથી હિંદુ-વિરોધી જ હોય એવી જ રીતે એ લોકો હિંદુઓને હંમેશાથી મુસ્લિમ વિરોધી માની લે)

તો મુસ્લિમ તુષ્ટીકરણને પગલે કૉંગ્રેસ સરકારની કોઈપણ પ્રવૃત્તિમાં મારીમચડીને પણ મુસ્લિમોને વચમાં લાવીને સરકારનો જડબાતોડ વિરોધ નોંધાવ્યે જ રાખે. એમાં સાવ ઢંગધડા વગરના વિરોધ વધારે દેખાયા. આખી વાતમાં વિરોધ કર્યા કરવાને પગલે કૉંગ્રેસ નજર સામે દેખાતી નક્કર વાસ્તવિકતા પણ સાવ ભૂલી ગઈ અને મુસ્લિમોના તદ્દન અવાસ્તવિક થાબડભાણા એકધારા ચલવ્યે રાખ્યા અને હજુ પણ ચલાવ્યે રાખે છે. હાલમાં જ્યારે સમય એવો છે કે દેશના અને વિદેશના (પાકિસ્તાન સિવાય) મુસ્લિમો ભારતની વર્તમાન સરકાર પર અખૂટ વિશ્વાસ મૂકતા થયા છે તે સંજોગોમાં પણ કૉંગ્રેસ મુદ્દા આધારિત વિરોધને બદલે માત્ર કટ્ટર ઈસ્લામિક દ્રષ્ટીકોણથી જ મોદી સરકારના પગલાઓનો વિરોધ કરી રહી છે. મારા મતે કૉંગ્રેસ માટે સૌથી વધારે ઘાતક બાબત કોઈ પૂરવાર થવાની હોય તો એ આ આંધળુ મુસ્લિમ તુષ્ટીકરણ છે.

પાંચમુ — તો પછી વિરોધ શાનો કરવો અને કેવી રીતે કરવો?? ભ’ઈ અમે દેશની સૌથી જૂની રાજકિય પાર્ટી છીએ અને હાલમાં વિરોધપક્ષની ભૂમિકામાં છીએ તો વિરોધ તો કરવો જ રહ્યો. કૉંગ્રેસની વિડંબણા એ છે કે એ વિરોધ કરવા માંગે તો પણ વિરોધની ભૂમિકા બંધાતી જ નથી. નરેન્દ્ર મોદી સરકારની એકાદ ભૂલ તો મળે?? તો પછી એના પર સકારાત્મક વિરોધ કરીએ; પણ છેલ્લા પાંચ વર્ષોથી વધારે સમયમાં એકપણ ભૂલ નથી મળી શકી અને એકપણ ખરડો એવો નથી મળતો કે જેનો વિરોધ કરીને અમારુ વિરોધ પક્ષમાં હોવુ સાર્થક કરી શકાય. એમની વિડંબણા એ પણ છે કે આ જ ભાજપાને પાછલા દશ વર્ષના કૉંગ્રેસની મનમોહન સિંહ સરકારના શાસનમાં લગભગ દરરોજ વિરોધનુ એકાદુ કારણ મળતુ અને એ પણ જેન્યુઈન કારણ મળી આવતુ. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં આવા કોઈ કારણો જ નથી?? તો વિરોધ શાનો કરવો?? આટલા જ માટે કૉંગ્રેસ કદાચ તદ્દન પાયાવિહોણા મુદ્દાઓમાં પણ  સરકારનો આંધળો વિરોધ જોયા-જાણ્યા વગર કર્યે રાખે છે.

એનુ સૌથી પ્રમાણિત ઉદાહરણ હોય તો એ રાફેલ સોદા મુદ્દે કરેલો વિરોધ. લગભગ દોઢ વર્ષ સુધી રાફેલ સોદાનો મુદ્દો સંસદ અને સડકો પર ગજવ્યા બાદ એમાંથી કોઈ તથ્ય ન નીકળ્યા પછી પણ 2019ની ચૂંટણી એ મુદ્દે લડ્યા અને બહુ જ ખરાબ રીતે હાર્યા પછી એ મુદ્દાને 23મી મે બાદ એવી રીતે પડતો મૂકી દીધો છે કે જાણે આ દેશમાં રાફેલ સોદા જેવુ કંઈ થયુ જ નથી??!! રાફેલ મુદ્દો સંસદ તો છોડો પણ ક્યાંય કોઈ પ્રેસ કૉન્ફરન્સ; પ્રેસ બ્રિફ કે પ્રિન્ટ મિડિયા અરે… સોશ્યલ મિડિયામાં પણ સાવ ગાયબ થઈ ગયો છે.

આવા સાવ પાયાવિહોણા વિરોધે કૉંગ્રેસની વિશ્વસનિયતા તળિયે લાવી દીધી છે. જે ટોચની નેતાગીરી પોતાની દરેક ચૂંટણી સભામાં “ચોકિદાર ચોર હૈ”ના નારા ગજવતી હતી એના મોઢે 23મી મે પછી રાફેલનુ નામ સુધ્ધાં સાંભળવા નથી મળ્યુ – સમખાવા પૂરતુ એકવાર પણ નહીં. કૉંગ્રેસનું અવાસ્તવિક, અતાર્કિક અને તદ્દન દિશાવિહીન વર્તન કદાચ એ કારણે પણ છે કે વર્તમાન સરકાર એમની એકપણ એક્ટીવિટી અને વર્તનમાં કૉંગ્રેસને વિરોધ નોંધાવવાનુ એક નાનકડું બહાનુ પણ નથી આપતી.

છઠ્ઠું અને સૌથી મહત્વનુ કારણ છે – કૅપ્ટન વગરની કૉંગ્રેસ. આ છણાવટ બહુ લંબાણ પૂર્વક કરવી પડે એમ છે તો એને આવનારા લેખમાં આવરી લઈશુ.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here