જીતેન્દ્ર સિંહ: “ચાલો POKને મુક્ત કરીને તેને ભારતનું અભિન્ન અંગ બનાવીએ

0
292
Photo Courtesy: hindustantimes.com

ગઈકાલે નરેન્દ્ર મોદી સરકારના બે મહત્ત્વના મંત્રીઓએ આપેલા નિવેદનોથી એ સ્પષ્ટ થાય છે કે કલમ ૩૭૦ની નાબૂદી બાદ સરકારના પાકિસ્તાન પ્રત્યેના વલણમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે.

Photo Courtesy: hindustantimes.com

નવી દિલ્હી: વડાપ્રધાનના કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહ જે ખુદ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સાથે સંબંધ ધરાવે છે તેમણે રવિવારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (POK) મુક્ત કરાવવાની વાત કરી છે. આ મહિનાની શરૂઆતમાં જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ નરેન્દ્ર મોદી સરકારે પાકિસ્તાન વિરુદ્ધ પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે, તે અહીં સ્પષ્ટ થાય છે.

ANIને આપેલી એક મુલાકાતમાં જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, “સંસદે જ્યારે એકમતે કહ્યું છે ત્યારે ચાલો આપણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને (POK) ભારતનું અભિન્ન અંગ બનાવીએ. ચાલો આપણે પ્રાર્થના કરીએ કે આપણે આ ઘટનાને આપણા જીવનકાળમાં ઘટિત થતી જોઈ શકીએ.”

કલમ ૩૭૦ની નાબૂદી બાદ નરેન્દ્ર મોદી સરકારના વલણમાં આવેલા ફેરફારનો બીજો દાખલો ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ આપ્યો હતો. ગઈકાલે હરિયાણામાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતા રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું હતું કે હવે પાકિસ્તાન સાથે જે કોઇપણ ચર્ચા થશે તે POK ઉપર જ થશે.

રાજનાથ સિંહે નરેન્દ્ર મોદી સરકારના એ નિર્ધારને પણ દોહરાવ્યો હતો કે પાકિસ્તાન સાથે ત્યારે જ ચર્ચા કરવામાં આવશે જ્યારે તે ભારતમાં આતંકવાદીઓને મોકલવાનું બંધ કરશે.

આ અગાઉ પોખરણમાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિએ તેમના સન્માનમાં આયોજિત સમારંભમાં હિસ્સો લીધા બાદ રાજનાથ સિંહે કહ્યું હતું કે પરમાણુ શસ્ત્રો અંગે ભારતની નીતિ હંમેશા નો ફર્સ્ટ યુઝની રહી છે, પરંતુ આગળ શું થશે તે સંજોગો પર આધારિત છે. ભારતની પરમાણુનીતિમાં રાજનાથ સિંહનું આ નિવેદન એક મોટું પરિવર્તન હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here