Twitter પર વિપુલ નામના એક વ્યક્તિએ પોતાના જન્મદિવસની ગીફ્ટ તરીકે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પાસે એક અજીબ માંગણી કરી હતી, પરંતુ આનંદ મહિન્દ્રાએ પણ તેનો અત્યંત હળવાશથી જવાબ આપ્યો હતો.

અમદાવાદ: સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Twitter પર ઘણી જાણીતી હસ્તીઓ ખૂબ એક્ટીવ રહે છે જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સર્વેસર્વા અને જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ એક છે. આનંદ મહિન્દ્રા તેમની પ્રેરણાદાયી તેમજ હળવી Tweets માટે પણ જાણીતા છે.
હાલમાં જ આનંદ મહિન્દ્રાએ એક વ્યક્તિને જવાબ આપતા પોતાની રમૂજવૃત્તિનો ફરી એકવાર પરિચય આપ્યો હતો. આનંદ મહિન્દ્રાએ એ વ્યક્તિએ કરેલી અજીબ માંગણીનો જવાબ આપતા કહ્યું હતું કે “મારો ધંધો બંધ થઇ જશે.”
ભૂલમાં પણ એવું ન વિચારતા કે આનંદ મહિન્દ્રાએ આ વાત હાલમાં ઓટો સેક્ટરમાં ચાલી રહેલી તીવ્ર મંદીને અનુલક્ષીને કહ્યું હતું. આનંદ મહિન્દ્રાએ ખરેખર તો વિપુલ નામના એક વ્યક્તિને જ્યારે તેમની પાસેથી પોતાના જન્મદિવસની ગીફ્ટ માંગી ત્યારે આ પ્રમાણે કહ્યું હતું.
વિપુલે પોતાના જન્મદિવસે આનંદ મહિન્દ્રાને એક Tweet કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે તે આનંદ મહિન્દ્રાનો મોટો ફેન છે અને શું તેઓ તેના જન્મદિવસે તેને મહિન્દ્રા થાર નામની SUV ભેટમાં આપશે? જો કે વિપુલે પૂર્ણ કરવા માટે એકદમ અશક્ય લાગતી માંગણી કર્યા બાદ તોફાની સ્માઈલી પણ મૂક્યું હતું જેનાથી એ સાબિત થતું હતું કે તે આ માંગણી અંગે બિલકુલ પણ ગંભીર નથી.
આનંદ મહિન્દ્રાએ આ Tweetનો જવાબ આપતા એક અંગ્રેજી શબ્દ ચુત્ઝપાનો (Chutzpah) ઉપયોગ કરીને તેને સમજાવ્યો પણ હતો. મહિન્દ્રાએ કહ્યું હતું કે ચુત્ઝપાનો મતલબ અતિશય આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ જે હંમેશા સાચો જ પડશે એવી એને ખાતરી પણ હોય છે.
વિપુલને તમે પ્રેમ કરો કે પછી નફરત તમે વિપુલના ચુત્ઝપાની જરૂર પ્રશંસા કરી શકો. આ માટે તેને સો માર્ક મળે. પરંતુ કમનસીબે વિપુલ હું હા પાડી શકતો નથી. મારો ધંધો બંધ થઇ જશે!
આમ, આનંદ મહિન્દ્રાએ અન્ય ઘણી સેલિબ્રિટીઝ દ્વારા આવી હળવી મજાકને પણ ટ્રોલ ન ગણતા તેનો એટલોજ હળવાશથી જવાબ આપીને વિપુલ ઉપરાંત અન્ય Twitter યુઝર્સના પણ દિલ જીતી લીધા હતા.
eછાપું