પુલવામા હુમલા બાદ અને કલમ 370 હટાવ્યા બાદ જે રીતે પાકિસ્તાન ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યું છે અને આતંકવાદીઓ મોકલવાનું ઓછું નથી કરી રહ્યું તેથી તેને પાઠ ભણાવવા ભારતે હવે એક નવી રણનીતિ અપનાવી છે.

નવી દિલ્હી: પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ચારેતરફથી દબાણ બનાવવાનું શરુ કર્યું હતું જે હવે પૂરા જોશમાં ચાલુ થયું છે. ગઈકાલે બનેલી બે અલગ અલગ ઘટનાઓ પરથી એ સાબિત થાય છે કે ભારત હવે પાકિસ્તાન પર જળમાર્ગે દબાણ વધારી રહ્યું છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370ની નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર શરુ થયો હતો અને ત્યારબાદ હવે ભારતે પૂરની સિઝનમાં અત્યારસુધી પાકિસ્તાન સાથે શેર કરવામાં આવતો હાઈડ્રોલોજીકલ ડેટા અંગેના કરારને રિન્યુ કર્યો નથી.
1989માં થયેલી એક સંધી અનુસાર ભારત ભારતમાં જ ઉત્પન્ન થતી નદીઓમાં પૂરની સિઝનમાં કેવી પરિસ્થિતિ છે તે અંગેની માહિતી સારા પડોશી તરીકે આપતું હતું અને આ સંધી દર વર્ષે રિન્યુ પણ થતી હતી. પરંતુ આ વખતે ભારતે આ સંધી રિન્યુ નથી કરી.
ભારતે પાકિસ્તાનને જણાવ્યું છે કે જો કોઈ અભૂતપૂર્વ પરિસ્થિતિનું સર્જન થશે તો જ તે આ પ્રકારની માહિતી હવે પાકિસ્તાનને પૂરી પાડશે. જો કે ભારત સરકારનું કહેવું છે કે તે આમ કરીને ઇન્ડસ વોટર ટ્રીટીનો (IWT) ભંગ નથી કરી રહ્યું. તો સામે પક્ષે પાકિસ્તાને આરોપ મૂક્યો છે ભારત દ્વારા આ પ્રકારની માહિતી પૂરી ન પડાતા એના ઘણા વિસ્તારો પૂરમાં ગરકાવ થઇ ગયા છે.
બીજી તરફ ગઈકાલે નવનિર્મિત જલ શક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે ભારત સરકારે ઇન્ડસ વોટર ટ્રીટી હેઠળ પાકિસ્તાન તરફ જતા પાણીને અટકાવવા અંગેના કાર્યને શરુ કરી દીધું છે. ઇન્ડસ વોટર ટ્રીટી અનુસાર બિયાસ, રાવી અને સતલુજ નદીનો કંટ્રોલ ભારત પાસે છે જ્યારે પાકિસ્તાન સિંધુ, ચેનાબ અને ઝેલમ પર નિયંત્રણ ધરાવે છે.
દેખીતી રીતે પાકિસ્તાની નિયંત્રણ હેઠળની નદીઓ ભારત કરતા પાકિસ્તાનને વધારે પાણી આપે છે, પરંતુ સંધી અનુસાર ભારત એ ત્રણ નદીઓના જળનો મર્યાદિત ઉપયોગ સિંચાઈ માટે અને અમર્યાદિત ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા, સ્થાનિક અને ઔદ્યોગિક ઉપયોગ માટે કરી શકે છે.
શેખાવતે જો કે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પાકિસ્તાન વહી જતા પાણીને રોકવાનું કાર્ય કરી રહ્યા છે નહીં કે ઇન્ડસ વોટર ટ્રીટીનો ભંગ કરવાનો. આનો મલતબ એ જ છે કે સંધીમાં કહેવા ઉપરાંત જે પાણી પાકિસ્તાનમાં વધારાનું વહી જાય છે તેને ભારત રોકશે અને પોતાના ઉપયોગમાં લેશે.
પાકિસ્તાને આ બંને ઘટનાઓ બાદ ભારત પર આરોપ મૂક્યો છે કે તે પાંચમી પેઢીનું યુદ્ધ એટલેકે જળયુદ્ધ તેના પર થોપી રહ્યું છે.
eછાપું