ઉદ્ઘાટન: વડાપ્રધાન દ્વારા દિલ્હીમાં નવું ગુજરાત ભવન ખુલ્લું મુકાશે

0
142
Photo Courtesy: twitter.com/vasudha_ET

દિલ્હીમાં નવા ગુજરાત ભવન હોવાની ગુજરાત સરકારની માંગણી વર્ષો બાદ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ પૂર્ણ થઇ છે અને આવનારા સપ્તાહમાં તેનું ઉદ્ઘાટન પણ થઇ જશે.

Photo Courtesy: twitter.com/vasudha_ET

ગાંધીનગર:  લુટીયન્સ દિલ્હીના અકબર રોડ ખાતે ગુજરાત સરકારે 126.82 કરોડના ખર્ચે નવું ગુજરાત ભવન બાંધ્યું છે. આવનારી 2જી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ભવનનું ઉદ્ઘાટન કરશે જેને ગરવી ગુજરાત ભવન નામ આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અને ગુજરાત સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન બાદ ગુજરાત સરકારે વિજ્ઞાન ભવન ખાતે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતો એક ખાસ કાર્યક્રમ પણ આયોજીત કર્યો છે.

ગરવી ગુજરાત ભવન 7,066 સ્ક્વેર મીટરની ભૂમિ પર બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે 131.82 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તેને તેના કરતા ઓછા ખર્ચમાં ઉભું કરવામાં આવ્યું છે.

10 ઓક્ટોબર, 2017ના દિવસે આ ભવનનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. અહીં મુખ્યમંત્રી અને ગવર્નરના સ્યુટ સહીત કુલ 19 સ્યુટ છે, 59 રૂમ હોવા ઉપરાંત રેસ્ટોરન્ટ અને પબ્લિક ડાઈનીંગ હોલ પણ છે.

મીટીંગ માટે બિઝનેસ સેન્ટર છે અને 80 અને 20 બેઠકો ધરાવતા બે કોન્ફરન્સ હોલ હોવા ઉપરાંત અહીં 200 બેઠકોનો મલ્ટીપર્પઝ હોલ પણ છે. આ ઉપરાંત ગરવી ગુજરાત હોલમાં એક સુવેનીયર શોપ, 4 VIP લોન્જ અને એક જીમ્નેશિયમ ઉપલબ્ધ છે.

ઘણા વર્ષોથી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર પાસે નવા ગુજરાત ભવનની જરૂરિયાત હોવાની માંગ કરી રહી હતી પરંતુ નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા બાદ આ માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ગરવી ગુજરાત ભવનને ધૌલપુર અને આગ્રા સ્ટોનથી સજાવવામાં આવ્યું છે.

ગરવી ગુજરાત ભવન કાર્યરત થઇ ગયા બાદ પણ હાલનું ગુજરાત ભવન વધારાની જવાબદારીઓ પૂર્ણ કરવાના સમયે કાર્યરત રહેશે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here