સોનુ કે ટીટુ કી સ્વીટી – મિત્રતા અને પ્રેમ વચ્ચેના સંઘર્ષની હળવી કથા

0
205
Photo Courtesy: dnaindia.com

આજથી eછાપું પર એક નવી સિરીઝ શરુ થઇ રહી છે જેનું નામ છે ‘Late Review’ આ સિરીઝમાં આપણે ઓલરેડી રિલીઝ થઇ ગયેલી જૂની ફિલ્મોના રિવ્યુ વાંચીશું અને જુના દિવસો ફરીથી તાજા કરીશું.

Late Review – સોનુ કે ટીટુ કી સ્વીટી

કલાકારો: કાર્તિક આર્યન (સોનુ), નુસરત ભરૂચા (સ્વીટી), સન્ની સિંગ નીજર (ટીટુ), ઈશિતા રાજ શર્મા (પીહુ), વિરેન્દ્ર સક્સેના (લાલુ) અને આલોક નાથ (ઘસીટારામ)

નિર્દેશક: લવ રંજન

રન ટાઈમ: 138 મિનીટ્સ

Amazon Prime: https://www.primevideo.com/detail/Sonu-Ke-Titu-Ki-Sweety/0N0EXSVCF16I1DIFSE16VHEXM0

કથાનક

સોનુના માતા તેના બાળપણમાં જ મૃત્યુ પામ્યા છે અને એના પિતા કેનેડા જતા રહે છે. આથી સોનુ તેના સ્કુલના મિત્ર ટીટુને ઘેર જ ઉછરે છે કારણકે ટીટુના દાદી અને સોનુના માતા બંને ખાસ મિત્રો હોય છે. આ રીતે સોનુ એ આ ખાનદાનનો અંતરંગ ભાગ બની જાય છે. સોનુ પોતાના બાળપણના મિત્ર ટીટુની ખૂબ સંભાળ લેતો હોય છે અને તેની કાયમ રક્ષા પણ કરતો હોય છે.

ટીટુ પીહુ સાથે લીવ-ઇન રિલેશનશિપમાં હોય છે અને સોનુને લાગે છે કે પીહુ ટીટુના ભોળા સ્વભાવનો ખોટો ફાયદો લઈને તેને દબાવીને રાખે છે. સોનુ પીહુ સાથે ટીટુનું બ્રેકઅપ કરાવીને જ જંપે છે. નેચરલી ટીટુ આ બ્રેકઅપથી એકદમ હતાશ થઇ જાય છે અને માતાપિતાના વારંવારના આગ્રહને લીધે તે બ્રેકઅપના લગભગ છ મહિના બાદ લગ્ન કરવા માટે તૈયાર થાય છે.

અહીં ટીટુને મળે છે સ્વીટી. પ્રથમ મુલાકાતમાં જ ટીટુને સ્વીટી ગમી જાય છે અને સ્વીટીને ટીટુ પણ ગમી જાય છે. ટીટુ આ મુલાકાત દરમ્યાન સ્વીટીને સોનુ તેમજ તેના પીહુ સાથેના બ્રેકઅપ સહીત વિષે બધું જ કહી દે છે તેમ છતાં સ્વીટી ટીટુને સ્વીકારે છે. પંજાબી રીતરિવાજ અનુસાર ટીટુ અને સ્વીટીના રોકા થાય છે અને પછી ટીટુ અને સોનુને સ્વીટી યોગ્ય લગતા ટીટુ-સ્વીટીની સગાઈ પણ થાય છે.

પરંતુ રોકાથી માંડીને સગાઈ સુધી સોનુને સ્વીટીની એક વાત ખૂબ ખુંચે છે અને એ છે કે કોઈ છોકરી કે ઇવન વ્યક્તિ આટલી બધી સાલસ કે સારી અને ઓપન કેવી રીતે હોઈ શકે? સોનુને લાગે છે કે સ્વીટીમાં કોઈક તકલીફ જરૂર છે જેને તે સામે આવવા દેતી નથી. તે પોતાની શંકા ટીટુના દાદા ઘસીટા રામને પણ કહે છે પરંતુ ઘસીટા રામ સોનુને કહે છે કે તને તો માત્ર શંકા છે પણ મને તો વિશ્વાસ છે કે સ્વીટીમાં કોઈક તકલીફ છે જ! એટલે હવે તું સાબિત કરી બતાવ અને હું તને એમાં ટેકો આપીશ.

સ્વીટીને પણ સોનુને પોતાના પ્રત્યે કોઈ શંકા છે તેની શંકાની ગંધ આવી જાય છે. છેવટે સગાઈના દિવસે સ્વીટીનું પોત પ્રકાશે છે અને તે કહે છે કે તે ટીટુને ફસાવવા માટે જ આવી છે અને એક દિવસ એવો આવશે કે તે લગ્ન બાદ સોનુને આ ઘરમાંથી લાત મારીને કાઢી મુકશે અને ઘરની તમામ માલ મિલ્કત પર કબજો જમાવીને બેસી જશે. સ્વીટી સોનુને ચેલેન્જ પણ આપે છે કે તેનાથી શક્ય હોય તો તે પોતાની યોજનાને ઘરના બધા જ સભ્યો સામે ખુલ્લી પાડી બતાવે.

સોનુ માટે ટીટુ અને તેની મિત્રતા જ સર્વસ્વ છે અને આ માટે તે કશું પણ કરવા તૈયાર હોય છે. ટીટુને સ્વીટીથી દૂર કરવા અથવાતો સ્વીટીનો ચહેરો ખુલ્લો પાડવા તે બનતા તમામ પ્રયાસો કરે છે પરંતુ તે કાયમ નિષ્ફળ જાય છે. છેવટે ઝેરનું મારણ ઝેર એ ન્યાયે સોનુ પીહુને ટીટુના જીવનમાં પરત લાવે છે.

રિવ્યુ

લવ રંજનની ફિલ્મોમાં યુવાની ચારેકોર દેખાતી હોય. ફિલ્મની ટ્રીટમેન્ટ પણ એવી હોય કે આજના કોઇપણ યુવાનને આવી ફિલ્મ ગમી પણ જાય. ‘પ્યાર કા પંચનામા’ થી શરુ થયેલી એમની આ સફર ‘દે દે પ્યાર દે’ સુધી ચાલુ જ રહી છે. આ ફિલ્મમાં પણ યુવા ફીલિંગ છે જ પરંતુ પ્યાર કા પંચનામા જે લવ અને બ્રેકઅપ પર વધારે આધારિત હતી તેને બદલે અહીં બદલાની ભાવના અને મિત્રતા પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.

કાર્તિક આર્યન, નુસરત ભરૂચા, સન્ની સિંગ, ઈશિતા રાજ આ બધા લવ રંજનની ફિલ્મોમાં રેગ્યુલર્સ છે પરંતુ આ વખતે તેમણે આ તમામ પાસેથી અલગ રીતે કામ કઢાવવામાં સફળતા મેળવી છે. કાર્તિક આર્યન આવનારા સમયનો સુપર સ્ટાર છે અને એની સાબિતી આ ફિલ્મમાં તેની એક્ટિંગ છે. નુસરત ભરૂચા નેગેટીવ રોલમાં ટોપ ક્લાસ પર્ફોર્મન્સ દેખાડી જાય છે. એની દુષ્ટતા જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં એક ખાસ ટયુન વાગે છે તે તેની દુષ્ટતાની અસર આપણા પર વધુ પ્રસરાવે છે.

સન્ની સિંગ નીજર અને ઈશિતા રાજ શર્મા પણ તેમના સહકલાકારની ભૂમિકામાં એકદમ ફીટ બેસે છે. પરંતુ આ ફિલ્મમાં સહુથી શોકિંગ પરંતુ આનંદ મિશ્રિત આઘાત આપતું પર્ફોર્મન્સ આપ્યું છે આલોક નાથે. આમ ઉંમર દાદાની પરંતુ એકદમ બોલ્ડ સ્વભાવ ધરાવતા ઘસીટા રામ તરીકે આલોક નાથ જામે છે. અમુક વાર તો એ ગાળો પણ બોલે છે અને એ તેમની બાબુજીની ઈમેજને તોડી પાડવા માટે પૂરતી છે. કાર્તિક આર્યન અને વિરેન્દ્ર સક્સેના સાથે આ ફિલ્મમાં આલોક નાથની કેમિસ્ટ્રી જબરદસ્ત ઉભી થઇ છે.

સોનુ કે ટીટુ કી સ્વીટી, ટીટુ અને સ્વીટીના રોકાના દ્રશ્ય બાદ સતત ઉતાર ચઢાવ લે છે અને એક પછી એક સરપ્રાઈઝ પણ આપતી રહે છે અને ધીમેધીમે તે ક્લાઈમેક્સ પર પહોંચે છે અને અહીં જ તેની હવા નીકળી જાય છે. ફિલ્મનો અંત રેગ્યુલર બોલિવુડ ફિલ્મ જેવો આપીને લવ રંજને દર્શકોને થોડા નિરાશ જરૂર કર્યા છે. નકારાત્મક વ્યક્તિ સ્ત્રી હોવાને નાતે ફિલ્મના અંતે તેને કોઇપણ પ્રકારની હાની પહોંચાડ્યા વગર અહીં છેલ્લે જતી કરી છે અને એ પણ દોસ્તીની લાગણીના ઉભરાનો છેલ્લો અને સાબિત થયેલી બોલિવુડી ડોઝ આપી ને. આ જ જગ્યાએ જો કોઈ પુરુષ વ્યક્તિ નકારાત્મક  ભૂમિકામાં હોત તો નિર્દેશક કે લેખક તેને ખોખરો કરીને જ દમ લેત.

બસ, ફિલ્મનો અંત જે સ્વીકારી ન શકે તેના માટે સોનુ કે ટીટુ કી સ્વીટીની એ છેલ્લી બે-ત્રણ મિનીટ જ નિરાશાજનક રહે છે બાકી સોનુ કે ટીટુ કી સ્વીટી અત્યંત માણવાલાયક ફિલ્મ બની છે અને જો તમે હજી સુધી આ ફિલ્મ ન જોઈ હોય કે જોઈ હોય અને તમારી પાસે સમય હોય તો એકવાર તો સોનુ કે ટીટુ કી સ્વીટી જરૂર જોઈ નાખજો ભલે પછી પહેલા જોઈ હોય!

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here