અમદાવાદ તેમજ અમદાવાદીઓની શાન એટલે એમની ‘લાલ બસ’

0
478
Photo Courtesy: justdial.com

અમદાવાદ અને તેની ‘લાલ બસ’ એકબીજા સાથે વર્ષોથી એવા તો જોડાઈ ગયા છે કે બંને એકબીજાની ઓળખ બની ગયા છે. આ જ લાલ બસ વિષે જાણીએ કેટલીક અત્યંત રસપ્રદ માહિતી.

Photo Courtesy: justdial.com

 

અમદાવાદ શહેરની નસેનસમાં વહેતાં રક્તકણો ક્યાં છે એ કહેશો?  એક્ટિવાપર લાલ દુપટ્ટા લહેરાવતી હવામેં ઊડતી જતી લલનાઓ? જે ‘લાલ લૂગડું’ જોઈ ઘણા ‘ગોધાઓ’ ભડકે છે એ? બેશક શહેરના રસ્તાઓની શાન. પણ એ નહીં.

હમણાં હમણાં કોઈએ કહ્યું કે લાલ રંગ આંખને આકર્ષે એટલે  ફરજીયાત લાલ કે કેસરી બોર્ડ મારી બેસી ગયેલી બેંકો? ના. રતનપોળ અને હવે તો ઠેકઠેકાણે ડોકાતા લાલ સાડી, ચૂંદડી, ડ્રેસ, લોભમણા લાલ ચટક વસ્ત્રો શોભાવતા શોરૂમ? ના ભાઈ. એ પણ નહીં. લાલ ચટક ચકચકિત કારો? તમે નજીક છો. પણ એ સ્પોર્ટ્સ કારો જૂજ દેખાય છે.

તો એ રક્તકણો છે.. અમદાવાદની આન, બાન, શાન.. AMTS ની લાલ બસો. એનું એક નામ જ પરાપૂર્વથી ‘લાલ બસ’ છે અને એ અમદાવાદની આગવી ઓળખ છે.

છેક 1 એપ્રિલ.1947થી એક પણ દિવસ બંધ થયા વગર અવિરત. કરફ્યુમાં પણ કોઈને કોઈ રૂટ ચાલતો જ હોય.

અન્ય શહેરોમાં બસ સર્વિસ અનેક વાર ‘અસ્તિ, મ્રિયતે, જાયતે સ્મ’ ની જેમ શરૂ થઈ, દોડી, હાંફી અને મરી ગઈ. અમદાવાદની લાલ બસ ગર્વથી આગળ મોટા કાચ અને નીચે કાળાં બમ્પર વાળી 65 છોકરાના ક્લાસમાં મોટાં ચશ્મામાંથી ડોળા તતડાવતા મુછાળા માસ્તર જેવી લાગતી  શહેરના ભરચક  ટ્રાફિકને ચીરતી પસાર થયે જ રાખે છે.

એનાં અંતરો પણ કેવાં? વટવા ગેરતપુર સ્ટેશનથી સોલા હાઈકોર્ટ સુધી, ગોદરેજ ગાર્ડન સીટી થી મણીનગર અને એમ નહીં નહીં તો 30 – 32 કી.મી. ના રૂટ પર રાત દિવસ દોડતી.  સર્ક્યુલર રૂટ 200-300 ની લંબાઈ 43 કી..મી. અને સહુથી લાંબો રૂટ ત્રિમૂર્તિ મંદિર, અડાલજ થી ચોસર ગામ સુધી, 45 કી. મી..  છેક કઠવાડા પણ લાલ બસ જાય. તો ખાસ ભદ્રથી બાલા હનુમાન 1નં. ની મિની બસો ગાંધીરોડની સખત ભીડ ચીરતી, ફેરિયાઓ અને રાહદારીઓ વચ્ચેથી જાય છે.   જ્યાં ન પહોંચે રીક્ષા ત્યાં પહોંચે લાલ બસ. 1 કી. મી. જેવું.

એથી સહેજ મોટો રૂટ વટવાથી મણિનગર 160/1,  ફક્ત 4 કી. મી. અને બે સ્ટોપ. કદમાં પણ વિવિધતા. ગાંધીરોડ કે એસ જી હાઇવે પર કેટલીક ટચૂકડી  મીની બસો ખભા સંકોરી પસાર થતી હોય કે ખોખરા હાટકેશ્વર થી હાઇકોર્ટની આખો રસ્તો રોકતી જાડી પાડી બસ પણ હોય.

કુલ 192 રૂટ અને ખૂણે ખાંચરે  વધુમાં વધુ 500 મીટર જેવા અંતરે 2128 બસસ્ટોપ પર વાહન વગરનાઓ, વાહનમાં પંચર પડેલાઓ, વૃદ્ધો, શહેરના નવાંગતુકો, થેલાઓ ભરી ખરીદી કરી આવતી ગૃહિણીઓ – સહુ મીટ માંડી ઉભતાં હોય છે અને એમનો સહારો એટલે લાલ બસ એમને ‘ઘર તક પહોંચા દેને વાલી’ બની રહે છે.

છેક ઉત્તરે કલોલ અને શેરથા થી માંડી દક્ષિણે દસક્રોઈ અને બારેજા, પશ્ચિમે સાણંદ, પૂર્વે પસુંજ, દસક્રોઈ સુધી ખૂબ વિશાળ વિસ્તારમાં ફેલાયેલી આ 731 લાલ બસ અમદાવાદની શાન, અમદાવાદનો ટ્રેડમાર્ક છે.

વડોદરા કે ઇવન સુરત જેવાં શહેરોમાં વીટકોસ ની બસો ભંગાર જેવી, ‘ખખડ થતી ને ખોડંગાતી’  ચાલવું હોય તો ચાલે, અમદાવાદની AMTS ની બસો તો અનેક અમદાવાદીઓને સલામત ઘર સુધી પહોંચાડતી ભરોસાપાત્ર જીવાદોરી છે. સહુ લાલ બસ પર મદાર રાખે છે. ભલે તે 5માં ધોરણનો ટચુકડો વિદ્યાર્થી હોય, ફૂલ ફટાક કોલેજીયન હોય કે નોકરીએ જતો ગૃહસ્થ અમદાવાદી હોય  કે વ્યવહારી કામે યા ‘મોટી માર્કેટ’માં નાના શિશુને સાથે વળગાડી ખરીદીએ જતી ‘અમદાવાદણ’ હોય.

AMTS  ની લાલ બસ સાચે જ રાત દિવસ સેવા આપે છે. સવારે પોણાચારે મેં 47 નંબર પકડી છે અને  રાત્રે મિલો હતી તેની છેલ્લી પાળી છુટતી ત્યારની દોઢ વાગ્યાની પણ જોઈ છે. હવે કદાચ નહીં ચાલતી હોય કેમ કે  મિલો બંધ થઈ ગઈ.  સાઇટ પર પણ ટાઈમ મળતા નથી. તો પણ ઘણા ખરા રૂટ પર પહેલી બસ સવારે સાડાપાંચે અને છેલ્લી રાત્રે સાડા અગિયારે  હોય છે.

બસની હાઈટ એટલી કે વરસાદમાં પાણી ભરાઈ 132 ફૂટનો રોડ 3 ફૂટ પાણીમાં હોય ત્યારે એ પસાર થઈ જાય ને બાકીની દુનિયા થંભી જાય.

BRTS માં પણ સીટો પ્લાસ્ટિક, એબોનાઈટની. અહીં તો ટેકો દેવા મઝાનું રેકઝીન ને મઈં ડનલોપની સુંવાળપ. જગ્યા મળે તો થાક ઉતરી જાય.

ડ્રાઇવરો અને કંડક્ટરો પણ લોકોના સાથીઓ જેવા. ઘરડાં માજી ડગુ મગુ કરતાં ઉતરે તો થોડી વધુ ઉભાડે કે સ્કૂલનાં ટાબરીયાંને એક પગથીએ હાથ મૂકી પણ ચડાવે.

નિયમિત સેવા. મેં 1991માં તેનું રેલવેની જેવું ટાઇમટેબલ ખરીદ્યું છે.  આજે પણ વેબ થી તમે એક થી બીજી જગાએ જવા રૂટ અને ટાઈમ જાણી શકો, મોટે ભાગે એ ટાઈમે મળી જ જાય.

amts.co.in સાઇટ પર ટાઇમટેબલ અને તમારા વિસ્તારની બસો વિશે માહિતી મળી શકે.

ખૂબ લાંબા રૂટ તો હવે થયા. પહેલાં લોકો એક થી બીજી બસ બદલીને જતા.

રૂટના નંબરનો પણ ચોક્કસ ક્રમ. અંતે 1 થી 5 હોય તો એ લાલ દરવાજા થઈને જવાની, 6 થી 9 હોય તો કાલુપુર કે સારંગપુર જવાની. આગલો આંકડો 3 હોય તો પાલડી બાજુ, 4 હોય તો આંબાવાડી, વેજલપુર જેવું કે 5 હોય તો થલતેજ બાજુ, 6 હોય તો નારણપુરા તરફ, 7 હોય તો વાડજ તરફ, 8 સાબરમતી. 9 દુધેશ્વરમાટે હતો. એટલે જ 44/4, 152/2 જેવા નંબરો જોવા મળે. જે મૂળ ફાંટામાંથી પડતા ફાંટા હોય. કહો કે ધોરી નસ માંથી ફૂટતી નાની નસો હોય.

આ રક્તકણોના હાર્દ, હાર્ટ સમું લાલ દરવાજા. કહે છે ત્યાં ક્યારેય લાલ રંગનો દરવાજો હતો જ નહીં. ત્રણ દરવાજા તો ઘણું આઘું.  હોમગાર્ડ ગ્રાઉન્ડ અને SBI વચ્ચેનો પટ્ટો એનું ગંતવ્ય સ્થાન.

રાત્રે સાબરમતી, ખોખરા, અચેર, મેમનગર જેવા ડેપો એનું રાતવાસો કરવાનું સ્થાન. ગમે ત્યાં નહીં. તમે ક્યારેય લાલબસને ફ્લાયઓવર નીચે પાર્ક થઈ પડેલી જોઈ છે?

એનું મેઇન્ટનન્સ પણ બીજા શહેરની બસો કરતાં ઘણું સારું.  ક્લચ પર પગ રાખી ડ્રાઈવ કરવાની તેમના ડ્રાઇવરોને મનાઈ હોય છે. તેમ જ ઇંધણ કેટલા અંતર માટે કેટલું જોઈશે એના નિયમો છે અને ફ્લાઈંગ સ્ક્વોડ સતત ટિકિટો તો ચેક કરતી જ રહે, ડ્રાઇવરોનું પણ મોનીટરીંગ કરતી રહે.

જુનાં શહેરનો રાઉન્ડ લેતા રૂટ 46 અને 47. રૂટ 46 કાલુપૂરથી સારંગપુર, પાલડી, આંબાવાડી, ગુજ યુનિ, દિલ્હી દરવાજા થઈ કાલુપુર અને એ જ રૂટ એની વિરુદ્ધ દિશામાં 47.

Photo Courtesy: heritagecityahmedabad.wordpress.com

નવી પેઢીને ખ્યાલ નહીં હોય કે 132 ફૂટ રીંગરોડનું અસ્તિત્વ 1999 સુધી નહોતું. એ પહેલા 1991માં 200 અને 300, ઉપર કહેલ 46, 47 કરતાં અનેક ગણો મોટો  રૂટ શરૂ થયો. મણીનગરથી કાંકરિયા, મજૂરગામ તરફથી પીરાણા પાસે એ વખતે નવો થયેલો પુલ ઓળંગી વાસણા, નારણપુરા, વાડજ, RTO તરફથી છેક નરોડા મેમકો થઈ મણિનગર અને એથી વિરુદ્ધ દિશામાં 300.  એ વખતે લોકો ‘ઓહો આટલો લાંબો રૂટ!’ કહી ખાસ ઉલટી દિશામાં જઈ 11 રૂ. માં અમદાવાદનો બે કલાકનો રાઉન્ડ લેતા.

એવો જ વાડજથી વાડજ, વસ્ત્રાપુર, સિવિલ વ. ને સમાવતો, લગભગ એસ જી હાઇવેને અડીને  એકાદ કિમી દૂરથી પસાર થતો 800 અને 900. કેટલું મોટું નેટવર્ક?

રવિવારે કે રજાના દિવસે ‘મન ફાવે ત્યાં પ્રવાસ કરો ‘ એવી નિશ્ચિત ભાડું ભરી ગમે ત્યાં જઈ શકાય એવી સ્કીમ છે પણ આખો દિવસ રખડનારા કેટલા?

બહારથી પહેલીવાર આવતા લોકોને જોવા લાયક સ્થળોએ ફેરવતી ટુરિસ્ટ કોચ બસ કે કાંકરિયા અથવા લો ગાર્ડન આસપાસ ચકકર મરાવતી ઉપરથી ખુલ્લી જલપરી બસ એક જમાનામાં લોકપ્રિય હતી. જલપરી હવે બંધ થઈ ગઈ છે.

કચ્છ સૌરાષ્ટ્ર તરફથી આવતો માણસ બાવળા ઓળંગી ચાંગોદર સુધી ન પહોંચ્યો હોય ત્યાં લાલ બસ અમદાવાદ નજીક હોવાની છડી પોકારે અને પેલી બાજુ મહેસાણા તરફથી આવે તો અડાલજ કે હવે તો ગિફ્ટસિટી પાસે જ લાલ બસ સ્વાગત કરવા તૈયાર હોય.

તોફાનો 2002 પહેલાં અમદાવાદમાં તો છાશવારે થતાં. આગ અને પથરાઓના મારા વચ્ચેથી પોતાનો જાન જોખમમાં મૂકી બસ દોડાવી જતા ડ્રાઇવરની વાતો રીડર્સ ડાઈજેસ્ટના ડ્રામા ઇન રીયલ લાઈફ માં સ્થાન નથી પામી, માત્ર અખબારોના  પાછલાં પાનાં પર દેખા દઈ અદ્રશ્ય થઈ ગઇ છે પરંતુ  ઘણી સનસનીખેજ ઘટનાઓમાં બસ ડ્રાઇવરે જોખમી સ્થિતિમાં બસ હેમખેમ તારવી છે.

નવી પેઢીને ખ્યાલ નહીં હોય કે 17 જુલાઈ 2000ના રોજ નર્મદા કેનાલ ફાટી પાણી છેક ગુરૂકુલ સુધી આવી ગયેલું. ગુરૂકુળ મેમનગરથી વિશ્રામનગરના  રસ્તા અઢી ત્રણ ફૂટ પાણીમાં હતા  ત્યારે ત્યાંથી ફક્ત  લાલ બસ પસાર થઈ શકતી હતી. ચાલવામાં પણ માણસ તણાવા લાગે એવા ઝડપી વહેતા પ્રવાહમાં હેલ્મેટ સર્કલ થી  અખબારનગર લાલ બસના સહારે મેં ખુદ, સ્કૂટર એક ખૂણે મૂકી દઈ પ્રવાસ કર્યો છે.

AMTS માં તમને સસ્તી મુસાફરીમાં પણ કેટલાંક કન્સેશનો મળે છે. તમે વિદ્યાર્થી હો તો ટર્મના 300 રૂ. સુધીનો કન્સેશન પાસ શાળાએ જવા મળે છે. દિવ્યાંગોને સંપૂર્ણ મફત મુસાફરી અને સિનિયર સિટીઝનને 50% કન્સેશન અને 75 વર્ષ ઉપરની ઉંમરે તો ફ્રી પાસ! ઉપરથી ‘ભઈલા જરા આસ્તે કરજે’ કહી સ્ટેન્ડ પહેલાં ઉતરી જવાનું કે અમદાવાદી દાદાને સહજ ‘દાદાગીરી’ કરવાની પણ ખરી.

BRTS પણ હવે અ.મ્યુ. કો. ની ભાગીદારીમાં છે અને એનો ધંધો ધમધોકાર ચાલે છે પણ મુખ્ય માર્ગો પર. અંદરના ખૂણે તો લાલ બસ જ.રિપોર્ટ્સ તો મળે છે કે હવે 731 માંથી માત્ર 192 બસ AMTS ની માલિકીની છે અને બાકીની પ્રાઇવેટ કોન્ટ્રેક્ટરો ચલાવે છે. AMTS ‘ખાડે ગઈ છે’, ‘મરવા પડી છે’, ‘ડચકાં ખાય છે’ વગેરે  1947 થી રિપોર્ટ આવતા રહે છે. લાલ બસ તો જીવતી અને અમદાવાદને જીવાડતી રહી છે.હવે તો એના ફ્લિટમાં ઇલેક્ટ્રિક બસો પણ ઉમેરાઈ રહી છે. એની  પ્રમાણમાં નવી નવેલી BRTS સાથે.

રસ્તે ટ્રાફિકની ભીડ વચ્ચે    ટો ટો કરતી રિક્ષાઓ, છકડાઓ, એક્ટિવા, બાઇક્સના ઘોંઘાટ વચ્ચે શાનથી  જતી ઉંચેરી લાલ બસ  જોઈ મને મદમસ્ત હાથી પાછળ ભસતાં કુતરાંઓનું સ્મરણ થાય છે.

લાલ બસ અમદાવાદની શાન છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here