Video: જમ્મુ અને કાશ્મીરના સેક્રેટરીએટ બિલ્ડીંગ પર હવે માત્ર ત્રિરંગો ફરકશે!

0
308
Photo Courtesy: ANI

જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આ મહિનાની શરૂઆતમાં કલમ 370 નાબૂદ થયા બાદ આવી રહેલા અસંખ્ય પરિવર્તનો હેઠળ બનેલી એક ખાસ ઘટનામાં ગઈકાલે પહેલીવાર રાજ્યના સેક્રેટરીએટ બિલ્ડીંગ પર માત્ર આપણો ત્રિરંગો જોવા મળ્યો હતો.

Photo Courtesy: ANI

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં આ મહિનાની શરૂઆત અગાઉ બે સંવિધાન અસ્તિત્વ ધરાવતા હતા. આ બંને સંવિધાનનું પાલન કરતા અહીં ભારત અને જમ્મુ કાશ્મીર એમ બંનેના ઝંડાઓ મહત્ત્વની સરકારી ઈમારતો પર ફરકાવવામાં આવતા હતા.

પરંતુ કલમ 370 અને કલમ 35Aની નાબૂદી બાદ ગઈકાલે પહેલીવાર જમ્મુ અને કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરના સેક્રેટરીએટ બિલ્ડીંગ પર માત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો હતો જ્યારે જમ્મુ અને કાશ્મીરનો ધ્વજ નદારદ હતો. જાણવા મળ્યા અનુસાર ધીરેધીરે રાજ્યના તમામ સરકારી ભવનો પરથી જમ્મુ અને કાશ્મીરનો આધિકારિક ઝંડો હટાવી લેવામાં આવશે.

આ ઘટનાને રાજ્યને આપવામાં આવેલા ખાસ દરજ્જાની નાબૂદી બાદ આવનારા અસંખ્ય પરિવર્તનોમાંથી એક ગણવામાં આવી રહી છે. જો કે કલમ 370ની નાબૂદી આધિકારિક રીતે 31 ઓક્ટોબરની લાગુ પાડવામાં આવશે.

પરંતુ, જમ્મુ કાશ્મીર સરકારના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે,

સરકારી ભવનો પર માત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે 31 ઓક્ટોબરની રાહ જોવાની જરૂર નથી કારણકે તે રાજ્યમાંથી કલમ 370ને ધીમેધીમે હટાવવાની ચાલી રહેલી એક પ્રક્રિયાનો જ હિસ્સો છે.

જમ્મુ અને કાશ્મીરનો અલગ ઝંડો 1952માં અહીં સ્થપાયેલી બંધારણીય સભામાં પસાર કરવામાં આવેલા ઠરાવ બાદ અમલમાં આવ્યો હતો. જ્યારે ઇતિહાસમાં ઊંડે તપાસ કરવા જઈએ તો 1931માં અહીંના ડોગરા રાજા વિરુદ્ધ થયેલા હિંસક પ્રદર્શનો સમયે પ્રદર્શનકારીઓએ આ ઝંડો ફરકાવ્યો હતો.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here