શો કોઝ નોટીસ: નરેન્દ્ર મોદીની તરફેણ કરીને શશી થરુર ફસાયા

0
123
Photo Courtesy: indianexpress.com

શશી થરૂરે થોડા દિવસ અગાઉ એક નિવેદનમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની વ્યક્તિગત ટીકા કરવાથી કોંગ્રેસે દૂર રહેવું જોઈએ અને તેમના કાર્યની ટીકા થવી જોઈએ અને જો સારું કાર્ય હોય તો તેની પ્રશંસા પણ, પરંતુ હવે શશી થરુર આ મામલે ભરાઈ પડ્યા છે.

Photo Courtesy: indianexpress.com

તિરુવનંતપુરમ્: થોડા દિવસ અગાઉ કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ આગેવાનો જયરામ રમેશ, અભિષેક મનુ સિંઘવી અને શશી થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવા માટે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવાની કોંગ્રેસીઓને સલાહ આપી હતી. શશી થરૂરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કામની ટીકા થવી જોઈએ નહીં કે એમની વ્યક્તિગત ટીકા થવી જોઈએ.

શશી થરૂરે એમ પણ ઉમેર્યું હતું કે નરેન્દ્ર મોદીના સારા કાર્યોની પ્રશંસા કરવામાં પણ તેમના વિરોધીને કોઈ ક્ષોભ થવો જોઈએ નહીં. પરંતુ લાગે છે કે શશી થરૂરના ગૃહ રાજ્ય કેરળના કોંગ્રેસી નેતાઓને થરૂરની મોદીની કરેલી તરફેણ પચી નથી.

કેરળ કોંગ્રેસના નેતાઓ થરૂરના ઉપરોક્ત નિવેદનથી ગુસ્સામાં છે અને KPCC એ AICC સામે થરુર વિરુદ્ધ ફરિયાદ નોંધવાનું પણ નક્કી કર્યું છે. કેરળની વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્ની થલા અને KPCC પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને શશી થરૂરને તેમનું ઉપરોક્ત નિવેદન સુધારવાનું કહ્યું છે. તો તેમના જવાબમાં થરૂરે કહ્યું છે કે તેમણે શું કરવું શું નહીં એ શીખવાડવાની કોઈને પણ જરૂર નથી.

કેરળના સંસદ સભ્ય બેન્ની બેહાનનનું કહેવું છે કે કોંગ્રેસી થઈને કોઇપણ વ્યક્તિ મોદીના કાર્યોની પ્રશંસા કરી જ ન શકે. આથી રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ આવા કોઇપણ આગેવાનોનો સ્વીકાર નહીં કરે જે મોદીની પ્રશંસા કરતા હોય.

મુલ્લાપલ્લી રામચન્દ્રનનું કહેવું છે કે શશી થરૂરે મોદી અંગે પોતાના વિચારો પાર્ટીની અંદર વ્યક્ત કરવા જેવા હતા નહીં કે જાહેરમાં. તેમણે ઉમેર્યું હતું કે થરૂરનું આ પ્રમાણેનું વર્તન પાર્ટી હિતની વિરુદ્ધનું છે.

કેરળ કોંગ્રેસના એક અન્ય સંસદ સભ્ય કે મુરલીધરને કહ્યું હતું કે જેણે પણ મોદીની પ્રશંસા કરવી હોય તેણે પહેલા કોંગ્રેસ છોડી દઈને ભાજપમાં જોડાઈ જવું જોઈએ. શશી થરૂરે આના જવાબમાં કહ્યું હતું કે તેઓ મોદીના કટ્ટર ટીકાકાર રહ્યા છે અને તેમના વિરુદ્ધ આ માટે એક કેસ પણ ચાલી રહ્યો છે.

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here